મિજાજ મસ્તી: ‘પિતૃદેવો ભવ’ ન કહેલી કથાનો હીરો

- સંજય છેલ
‘વિશ્વ પિતા દિવસ’
ટાઇટલ્સ: વેદનામાં ‘વેદ’ છે! (છેલવાણી)
પિતા-બાપ-પપ્પા કે ફાધર… એવા શબ્દો છે, જે જીવતર નામનાં ઘરનું અદ્રશ્ય છપ્પર છે. દરેક બાપ, અકથ્ય કથાનો એવો હીરો છે, જેના પ્યાર ને પરસેવા માટે લેખકોની લાગણી અને લેખિનીઓને લકવો મારી જાય છે. ટ્રેન-બસમાં જઇને દિવસભર નોકરી-ધંધામાં વૈંતરું કરતા ને વર્ષાનુંવર્ષ પરિવાર સાચવતા એક ખામોશ માણસની મૂંગી ઉજાસ વિનાની ઉજવણીનો આજે દિવસ છે: ‘વિશ્વ પિતા દિવસ’.
8 વરસનો સીમોં પહેલીવાર સ્કૂલમાં પ્રવેશ્યો. એક છોકરાએ સીમોંની મજાક ઉડાવતા કહ્યું, ‘બોલો..આ સીમોંને તો બાપ જ નથી.’
બીજા છોકરાએ પૂછ્યુ :‘તારાં નામની પાછળ કયું નામ લાગે છે? બોલ બે?’
‘મને લોકો સીમોં કહે છે.’
પેલા છોકરાએ કહ્યું :‘જુઓ, આની પાસે બાપનું નામ જ નથી!’
બધાં સીમોં સામે તિરસ્કારથી જોવા માંડ્યા. ગુસ્સામાં સીમોંએ છોકરાઓ પર પથ્થર ફેંક્યા,પણ એણે નક્કી કર્યું કે એ નદીમાં ડૂબી મરશે ને એ નદી પાસે આવ્યો. એ ડૂસકાં ભરતો હતો એટલામાં કોઈએ એના ખભા પર હાથ મૂકીને પૂછ્યું :
‘બેટા, કેમ રડે છે?’
એક લાંબી દાઢી ને વાંકડિયાવાળવાળો પુરુષ ઊભો હતો. સીમોંએ કહ્યું :
‘મારી પાસે બાપ નથી!’
‘તું શાંત થા અને તારી મા પાસે ઘરે ચલ. તને પિતા ચોક્કસ મળશે’ પછી પેલો સીમોંને ઘરે લઈ ગયો અને સીમોંએ માને વળગીને રડતાં રડતાં કહ્યું, :
‘મા-મા, મારે ડૂબી મરવું છે. મારી પાસે બાપ નથી એમ બધાં ચીઢવે છે.’
મા રડી પડી. પુરુષને સમજાયું નહીં કે શું કરે? સીમોંએ એને પૂછયું: ‘તમે મારા પપ્પા બનશો? ના પાડશો તો હું ડૂબી મરીશ!’
‘હા, હું તારો પપ્પા બનીશ.’
‘લોકો તમારું નામ પૂછે તો શું કહું?
‘ફિલિપ’
બીજા દિવસે છોકરાઓએ ફરી મજાક કરી ત્યારે સીમોંએ કહ્યું :
‘મારા બાપનું નામ ફિલિપ છે.’
‘કોણ ફિલિપ… રાતોરાત કોને ઉપાડી લાવ્યો?’
સીમોંએ કોઈ જવાબ ન આપ્યો. હવે સીમોં રોજ સાંજે ફિલિપ સાથે ફરવા જતો ને સ્કૂલમાં પણ સૌનો રૂઆબથી સામનો કરતો.
એકવાર મિત્રોએ પૂછયું: ‘જૂઠ્ઠાડા..ફિલિપ તારા સાચા પપ્પા નથી. સાચો બાપ હોત તો તારી મા સાથે રહેતને?’
સીમોં ગૂંચવાયો. ફિલિપ જ્યાં લુહારી કામ કરતો હતો ત્યાં જઇને ફિલિપને પૂછયું: ‘લોકો કહે છે કે તમે મારા સાચા પિતા નથી. મારે શું કહેવું?’
ફિલિપ પાસે કોઈ જવાબ નહોતો.
પછી રવિવારની રાતે ફિલિપે સીમોંના બારણે ટકોરા માર્યા. સીમોંની માએ પૂછ્યું: ‘ફિલિપ, આટલી રાત્રે? તમે જાણો છોને કે મારા વિશે લોકો કેવી વાતો કરે છે?’
‘તમે મારાં પત્ની બનશો?’ ફિલિપે પૂછયું અને ઘરમાં આવ્યો. સૂતેલા સીમોંને કહ્યું: ‘હવે તારા મિત્રોને કહેજે કે મારા પપ્પા ફિલિપ રેમી છે ને એ લુહાર છે ’
બીજા દિવસે સીમોંએ બધાંને કહ્યું, ‘મારા પિતા લુહાર ફિલિપ રેમી છે ને હવે તમારી ખેર નથી.’
પિતૃત્વનું કથન બસ આટલું જ. મહાન વાર્તાકાર મોંપાસાની પિતા વિશેની આ કથા જગતમાં અમર છે
ઇન્ટરવલ:
‘મૈં’ નહીં, ‘તું’ નહીં, ‘આપ’ ‘હૂં મૈ, દો બચ્ચોંકા બાપ હૂં મૈં!’
ઇસ સે બડા કોઇ ખિતાબ નહીં! (આનંદ બક્ષી)
‘મા’ પર કવિતા-વાર્તા-નવલકથાઓમાં ખૂબ લખાયું છે, પણ બાપ, જગતભરની વાર્તામાં- એક ખામોશ ને ભાર વેંઢારતું મૌન પણ મહાન પાત્ર છે.
10 વર્ષની નીનાએ એના સાત વર્ષના નાના ભાઈ કમલને રડતાં જોઈને પૂછયું :
‘તું હજી જાગે છે ને તું રડે છે કેમ?’
કમલએ રડતાં રડતાં નીનાને પૂછયું :
‘દીદી, પપ્પા ક્યારે આવશે?’
‘પપ્પા જેલમાં છે. ત્યાં આપણાંથી ન જવાય.’ નીનાએ રૂંધાયેલા અવાજે કહ્યું :
‘હવે મારે માસીને ત્યાં નથી રહેવું. એ બહુ વઢે છે.’ કમલના ડૂસકાં ચાલુ જ હતા. ત્યાં માસી આવીને પૂછે છે :
‘કેમ નીના? ભાઈને બહુ લાડ લડાવે છે? મારું તો નસીબ જ ખોટું છે. તમારો બાપ તો આરામથી જેલમાં છે ને બહેન તો સ્વર્ગમાં પહોંચી ગઈ… મારે માથે આ ભાર નાખી ગઈ. તારા બાપને 20 રૂ.ની લાંચ લેતાં પણ ન આવડી.’ માસીએ બળાપો કાઢ્યો.
આપણ વાંચો: સુખનો પાસવર્ડ : બધાને બધું જણાવી દેવાનું આ ઝનૂન શા માટે?
એટલામાં માસા પણ બાળકોને વઢવા લાગ્યા :
‘મેં તમારા બાપને કહ્યું, 200-300ની વ્યવસ્થા કરી દે, તો છોડાવી નાખીશ. તો એ મોટા સત્યવાદી બોલ્યા કે હું લાંચ આપીશ નહીં.’
‘અરે, મેં કહ્યું આપવી નો’તી તો લીધી શા માટે?’
નીના અને કમલને રડતાં રડતાં યાદ આવ્યું કે પપ્પાએ એકવાર કહેલું કે- ‘લાંચ લેવી એ પાપ છે. તો પછી એમણે લીધી કેમ?’ કમલના મનમાં વિચારો ચાલુ હતા.
એ લોકોએ સાંભળેલું કે એક જજસાહેબે 2000 રૂપિયા લઈ કોઇ ચોરને છોડી દીધેલો એટલે સાંજે બેઉ ભાઇ-બહેન, સ્કૂલથી આવતા હતા ત્યારે હિંમત કરીને જજને બંગલે મળવા ગયાં. ત્યાં પાર્ટી ચાલતી હતી. કમલે જજસાહેબને પૂછ્યું :
‘અમારી પાસે 50 રૂ. છે. તમે તો 2000 લઈને એક ચોરને છોડી દીધો હતો ને? અમારા પપ્પા ચોર નથી. મોંઘવારીને કારણે ફક્ત 20 રૂ.ની લાંચ લીધેલી.’
જજ ચૂપ.
‘રૂપિયા ઓછા પડે તો હું એક બે દિવસ તમારે ત્યાં રહેવા તૈયાર છું.’, નીનાએ કહ્યું.
કમલે કહ્યું, ‘મારી દીદી બહુ સુંદર છે. તમે તો સુંદર છોકરીઓ લઈને પણ કામ કરી આપો છોને?’
જજને ત્યાં ચાલતી ઐયાશ પાર્ટીમાં સન્નાટો છવાઈ ગયો.
બાપ વિનાનાં બાળકોની આ વિચિત્ર વ્યથા આપણને હચમચાવી નાખે છે. બાપ જ્યારે જીવનમાંથી જાય છે ત્યારે એક હૂંફભર્યો અવાજ સંભળાતો બંધ થઇ જાય છે.
એન્ડ -ટાઇટલ્સ:
આદમ: મારે બાપ બનવું છે
ઈવ: મમ્મીને પૂછયું?