બારેમાસ ભરવાલાયક ફટાકડા… તહેવાર પછીનો તરખાટ!

મિજાજ મસ્તી – સંજય છેલ
ટાઈટલ્સ: ઉજવણી ને ઉધારી વધારીએ એટલી વધે. (છેલવાણી)
એક માણસે મિત્રને પૂછ્યું,‘અલ્યા, આજે કેમ આટલો ખુશ છે?’
પેલાએ કહ્યું, ‘હાશ…હવે તહેવારો પૂરા થઈ ગયા. હવે મન વગરની મીઠાઈઓ નહીં ખાવી પડે, કપડાં- લતાના ખર્ચાઓ ઓછા થશે. જીવન પહેલા જેવું કેટલું સરળ થઈ જશેને?’
જી હાં, જીવનને જોવાનો આ પણ એક નજરિયો છેને? ચલો, 3 દિવસ પછી દેવ-દિવાળી છે એટલે દેવકૃપાથી તહેવારો ને વહેવારો બંને પતી જશે. દિલથી કે પરાણે ખાધેલી મીઠાઇઓ, ફરસાણો, જાત જાતની ગિફ્ટ, મોબાઇલ પર એનાં એ જ ફોર્વડેડ મેસેજો વગેરે આપણે સૌએ માંડ માંડ પચાવી લીધા હશે ને બધા ફટાકડાઓ ફૂટી ગયા હશે. તો ચાલો, એવાં ફટાકડાઓની વાત કરીએ, જે આપણાં રૂટિન જીવનમાં સતત અવિરત સાલભર ફૂટ્યા જ કરે છે.
સોશ્યલ મીડિયાના ફટાકડા:
જેમ આપણું મોત ક્યારે આવશે એ આપણાં કાબૂમાં નથી એમ જ સવારે ઊઠીને અંગડાઇ લઇએ એ પહેલાં ‘ગુડ-મોર્નિંગ’ના સતરંગી સુંવાળા સંદેશાઓ પણ આપણે રોકી શકતા નથી. વળી ‘નાગાલેંડમાં કેટલા ટકા લોકો સુખી છે ને હરિયાણામાં કેટલા લોકો દુ:ખી છે?’… એનાં આંકડાથી આપણે શું કરી શકીએ? પણ આવા મેસેજ તો તમને આવશે જ! કે પછી ‘મોંઘવારી કેટલી વધી છે અને એ વધવા પાછળ ગાંધી કે નેહરુ આજે પણ કેટલા જવાબદાર છે’ એ બધાં વિશે માહિતી આપતી વાતો સતત આપણી સંવેદનાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરે જ રાખશે.. જેમ કે ‘ફલાણા દેશનો રાષ્ટ્રપતિ કે વડા પ્રધાન ભારતીય મૂળનો છે એટલે હવે આપણે એ દેશને આપણો ગુલામ બનાવીશું!’
ઓકે, આ તો બહુ સારી વાત છે, એમાં અમે શું કરીએ?
‘મોબાઈલમાં એસ.એમ.એસ. પર કે ઈ-મેલમાં કે ફેસબુક- કે ડ પર દુશ્મન દેશ પર નફરતના સંદેશા મોકલનાર લોકોને સરકાર દ્વારા ફરજિયાત ફૌજમાં ભરતી કરવામાં આવશે! વગેરે… સોશ્યલ મીડિયા પર મોકલવામાં આવતી એવી માહિતીઓના ફટાકડા છે, જે રોજેરોજ આપણા મગજ પર ફોડવામાં આવે છે અને ઘણાંને એ મગજનાં લાડુ જેવા મીઠાં પણ લાગે છે.
ખોટેખોટા દાવાઓના ફટાકડા:
બધી જ પાર્ટી અને એના નેતાઓ ચૂંટણી સમયે આપણી ભોળી પ્રજાને જાતજાતની સગવડો પૂરી પાડવાના દાવા કરતા હોય છે. જેમ કે ‘અમે તમારા ખાતામાં અમુક પૈસા દર મહિને જમા કરાવીશું…’
કે પછી ‘સહુને દારૂનો બાટલો ને નવો ખાટલો મફતમાં આપીશુ!’
ઇન્ટરવલ:
કોઈ ફર્ક નહીં નામ તેરા, રઝીયા હો યા રાધા,
વાદા તેરા વાદા… (આનંદ બક્ષી)
મેડિકલ ફડાકડા:
ડોક્ટરો અને મોટી હોસ્પિટલવાળાઓ દાવા કરતાં હોય છે કે ‘જો તમે અમારે ત્યાં ઘૂંટણનું ઓપરેશન કરાવશો તો ઓપરેશનના 1 કલાક પછી તમે હિમાલયની ચોટી સુધી ચઢી શકશો, અમારે ત્યાં હાર્ટ-સર્જરી પછી તમે તળેલું, વધારે મીઠાવાળું પણ ખાઈ શકશો અને પ્રેમ પ્રકરણમાં પણ તમારું દિલ તૂટશે નહીં.’ જો કે આવું કહેનારા ડોક્ટરો તમને ફાઇનલી લાંબું બિલ આપીને હાર્ટ એટેકનો બોંબ ફોડી શકે છે.
ફિલોસોફીના ફટાકડા:
‘તમારા હિસ્સામાંનું અને ખિસ્સમાંનું દુ:ખ કોઇ ઓછું નહીં કરી શકે’ કે પછી ‘;બીજાનું વજન અને આપણાં સ્વજન આપણને હંમેશાં ઓછા જ લાગે’..અથવા ‘જિંદગી એક નાટક છે, તો એના પ્રેક્ષકો કોણ છે?’… ‘મફતમાં સલાહ આપવી નહીં કારણ કે અંબાણી કે ટાટા વારેવારે મફતમાં શેર સર્ટિફીકેટ કોઈને આપે છે?’ આવા ફિલોસોફીનાં ફટાકડા મોટિવેશનલ સ્પીકરો આપણા માથા પર સતત ફોડતા જ હોય છે.
સુંદર સલાહોના ફટાકડા:
ભારતમાં કે રાધર જગતમાં, સલાહ આપવાનો ધંધો પૂરબહારમાં ચાલે છે.. જેમ કે- ‘ધારો કે તમે રોજ એક કિલો આઇસક્રીમ ખાશો તો તમારાં આયુષ્યમાં એક કિલો વજન વધશે. એમાંયે તમે જો વૃષભ રાશિનાં હોવ તો વેનિલા ના ખવાય અને મીન રાશિના હોવ તો મેંગો આઇસક્રીમ ના ખવાય!’
અથવા તો… ‘તમે દિવસના 1000 પગલાં ચાલશો તો આ જન્મે તમારી હેલ્થ સારી રહેશે અને એટલા જ પગલાં ઊંધા ચાલશો તો તમે પાછલા જનમમાં જઇને પણ હેલ્ધી રહી શકશો!’
અથવા તો ‘ચ્યુંગ-ગમ ખાવાથી જીવનનો ગમ કે દુ:ખ 10 ટકા જેટલો ઓછો થઈ જાય છે!’
વળી ‘વહેલી સવારે ચાલવા જવામાં ઘણાં ફાયદા છે પણ સૌથી મોટો ફાયદો એ છે કે તમે છાપાં-મીડિયામાં આવતાં ખરાબ સમાચારો તમે થોડાં મોડા જોઈ શકશો!’
અગણિત આંકડાઓના ફટાકડા:
દેશે કેટલી પ્રગતિ કરી છે-એનાં આંકડાઓ, ફિલ્મોએ કેટલાં કરોડ રૂપિયા કમાયા- એનાં આંકડાઓ, શેરબજાર કેટલું ઉપર ગયું?- એના આંકડાઓ, ટાટા કે બિરલાએ દેશની ઈકોનોમીમાં કેટલો ફાયદો કરાવ્યો એના આંકડાઓ, વગેરે અગણિત આંકડાઓના ફટાકડા આખું વર્ષ ફૂટતા જ રહે છે. એ બધાનું પ્રદૂષણ કોઇ રોકી શકે એમ નથી.
રસીલા રિસર્ચના ફટાકડા :
હવે રિસર્ચ કરવા પાછળ પણ કોઇએ રિસર્ચ કરવું જોઇએ! કારણ કે હવે જાંગિયાથી જંગ સુધી કોઇપણ રિસર્ચ કરે જ રાખે છે, જેમ કે-‘50% ભારતીયોને મફતમાં ખવડાવવામાં આવે તો 25% લોકોએ ખાવાનું વધુ ખાઈ જાય. આમાં કસમ ખાનારાંની સંખ્યા 85% ટકા છે.’
અથવા તો- ‘દુનિયાભરની 100% સરકારો, 110% મદદની ગેરંટી આપે છે, પણ 90% લોકોને એ વાત પર ભરોસો નથી હોતો!’ યા તો પછી… ‘આપણે ત્યાં પાર્ટી કે મહેફિલમાં 90% ક્રિકેટ, ફિલ્મ અને રાજકારણ આ જ વિષયો પર ચર્ચા થતી હોય છે અને એમાંથી 95% લોકોએ વિચારવાનું બંધ કર્યું છે.’
યારો, તહેવારો ખતમ થયા પણ સાવધાન, હજી બે મહિનામાં ન્યૂ-યર તો આવવાનું બાકી છે, હોં!
એન્ડ-ટાઈટલ્સ:
આદમ : કાલે તું સપનામાં આવેલી.
ઈવ : સોરી!



