હાં, સચમુચ યહાં મરના મના હૈ!

હેં… ખરેખર?! – પ્રફુલ શાહ
જન્મ અને મરણ કુદરતનું ચક છે. મોત નિશ્ચિત છે. એની સામે કોઈનું રતિભર ઊપજતું નથી. મોટાભાગના ઉંમર વધવાની પ્રક્રિયામાં મરણને શરણ થાય તો અમુક ગંભીર માંદગી કે અકસ્માતના શિકાર થઈ જાય. એટલે ક્યાંય મરવાની મનાઇ હોય એવું સાચું લાગે? ના.
સોરી, તમે ખોટા છો કારણકે અજાણ છો. માત્ર એક જ નહિ, કેટલાંક સ્થળે મરવાની મનાઇ છે! આ તે વળી કેવો પ્રતિબંધ ને શા માટે આવો વિચિત્ર કાયદો?
ભલે માનવામાં ન આવે પણ નોર્વેના સ્પિટ્સબર્ગેન દ્વીપસમૂહ સ્થિત શહેર લોન્ગઈયરબ્યેન (Longyearbyen)માં આવો નિયમ લાંબા સયયથી અમલમાં છે. આની પાછળ કોઈ ભૂત-કથા કે અંધશ્રદ્ધા જવાબદાર નથી. તો કેવાં છે કારણ? સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અને પર્યાવરણીય કારણો છે. લગભગ 70 વર્ષથી આ નિયમ અસ્તિત્વમાં છે. એટલું જ નહિ, અને તેનું ચુસ્તપણે પાલન થાય છે. આ કાયદાએ નાનકડા શહેરને દુનિયાભરમાં કૌતુકનું કેન્દ્ર બનાવ્યું છે.
સ્વાભાવિક છે કે અહીં મરવા પર પ્રતિબંધ છે પણ કોઈ અમરપટ્ટો લખાવીને તો આવતા નથી. આ શહેરમાં માનવીના મરવા પર પ્રતિબંધ હોવાથી મરણોન્મુખ ગંભીર દર્દીઓને શહેર બહાર મોકલવામાં આવે છે. આટલું જ નહિ પાળેલા જાનવરને પણ મરવાની મંજૂરી નથી.
લોન્ગઈયરબ્યેન શહેરની વસતી માંડ 2,400 જેટલી છે. પરંતુ આ સૌ માટે આબોહવા- પરિસ્થિતિ ભારે પડકારૂપ છે. આ શહેર ઉત્તર ધ્રુવથી એકદમ પાસે હોવાથી આખું વર્ષભર આકરી-અસહ્ય ઠંડી રહે છે. ક્યારેક તો તાપમાન -20 ડિગ્રી સેલ્સિયસથી નીચે પહોંચ્યું હોય. આ ઠંડી જ અહિંના વિચિત્ર નિયમનું પાયાનું મૂળ છે. આથી જો કોઈ વ્યક્તિ ઉંમરને લીધે કે ગંભીર બીમારીથી આખરી શ્વાસ લેવાનું શરૂ કરે એ સાથે તેને તરત નોર્વેના મુખ્ય ભૂભાગ પર મોકલી દેવામાં આવે છે. આ રીતે એ ત્યાં મરણ પામે અને દફન થઈ શકે.
મોટેભાગે માણસોને અંતિમ શ્વાસ કુટુંબીજનો સમક્ષ અને પોતીકી ધરતી પર લેવાનું ગમે. તો લોન્ગઈયરબ્યેન શહેરમાં કેમ મરવાની છૂટ નથી. અત્યંત ઠંડા હવામાનને લીધે અહીં પર્માફ્રોસ્ટની સમસ્યા છે.
આ વિસ્તાર પર્માફ્રોસ્ટ ક્ષેત્રમાં આવે છે. આ પર્માફ્રોસ્ટ વળી કઈ બલા છે? પર્માફ્રોસ્ટ એટલે એવી કોઈપણ માટી અથવા ખડક જે સમગ્ર વર્ષ દરમિયાન સ્થિર (32 F થી નીચે) રહે છે. માટીને પરમાફ્રોસ્ટ ગણવામાં આવે તે માટે, તેને ઓછામાં ઓછા સતત બે વર્ષ કે તેથી વધુ સમય માટે સ્થિર કરવું આવશ્યક છે. પર્માફ્રોસ્ટ ઠંડા વાતાવરણમાં જોવા મળે છે જ્યાં સરેરાશ વાર્ષિક તાપમાન પાણીના ઠંડાં બિંદુ કરતાં ઓછું હોય છે. પર્માફ્રોસ્ટ એટલે એવી જમીન, જે આખું વર્ષ જામેલી રહે છે અને ક્યારેય પીગળતી નથી.
આવા સંજોગોમાં ભારે ઠંડીના કારણે જમીનમાં દફનાયેલા મૃતદેહો સડતા નથી કારણકે તાપમાન એટલું ઓછું રહે છે કે બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવો સક્રિય થઈ શકતા નથી.
વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું છે કે જો મૃતદેહો સડતા ન હોય, તો તેમાં દાયકાઓ કે સદીઓ જૂના વાઈરસ અને બેક્ટેરિયા સુરક્ષિત રહી શકે છે. ભવિષ્યમાં આ જમીન પીગળે, તો આ પ્રાચીન રોગણું( પેથોજેન્સ- Pathogens) બહાર આવીને વર્તમાન વસતીને સંક્રમિત કરી શકે છે. આના પ્રતાપે રોગચાળા જેવાં આરોગ્ય સંકટ ઊભું થઈ શકે.
અહીંના કબ્રસ્તાન બંધ કરવાનો ઐતિહાસિક નિર્ણય 1950માં લેવાયો હતો.
સત્તાવાળાઓના ધ્યાનમાં આવ્યું કે શહેરના નાના કબ્રસ્તાનમાં દફનાયેલા મૃતદેહો કુદરતી રીતે સડી રહ્યા નથી. અગાઉ વૈજ્ઞાનિકોએ 1918માં મૃત્યુ પામેલા એક વ્યક્તિના મૃતદેહમાંથી ઇન્ફ્લુએન્ઝા વાયરસના નમૂનાઓ મેળવ્યા હતા. આ શોધથી સાબિત થયું કે મૃતદેહોમાં ઘાતક વાયરસ લાંબા સમય સુધી સુરક્ષિત રહી શકે છે. આથી સ્થાનિક કબ્રસ્તાનને સત્તાવાર રીતે કાયમી રીતે બંધ કરી દેવામાં આવ્યું અને શહેરમાં કોઈને પણ ન દફનાવવાનો ઐતિહાસિક એવો નિયમ અમલમાં મુકાયો હતો. પછી ગંભીર રીતે બીમાર કે ઘાયલને તરત જ એર એમ્બ્યુલન્સ દ્વારા નોર્વેના મુખ્ય ભૂભાગ પર આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે.
આ નિયમના કારણે શહેરમાં જન્મ અને મૃત્યુ બંનેની સંખ્યા લગભગ શૂન્ય છે. ગર્ભવતી મહિલાઓને પણ પ્રસૂતિ માટે મુખ્ય ભૂભાગ પર મોકલવામાં આવે છે.
નોર્વેના લોન્ગઈયરબ્યેન ઉપરાંત અમુક શહેરોમાં પણ મૃતકોને દફનાવવા પર પ્રતિબંધ છે. અહીં કારણ હવામાન નથી. જાપાનના ઇત્સુકુશિમા અને ઇટાલીના વલ્સેસિયા, ફાલ્સિયાનો ડેલ માસિકો જેવાં કેટલાંક શહેરોમાં કબ્રસ્તાન ભરાઈ જવાથી અથવા પવિત્રતાના કારણોસર આવા અસ્થાયી પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા.
જાપાનમાં ઇત્સુકુશિમા એક પવિત્ર દ્વીપ છે, જ્યાં 1868 સુધી જન્મ અને મૃત્યુ બંને પર પ્રતિબંધ હતો. આજેય અહીં કોઈ હોસ્પિટલ કે કબ્રસ્તાન નથી, જેથી આ સ્થળ `અશુદ્ધ’ ન થાય. ઇટાલીનાં કેટલાંક શહેરોમાં કબ્રસ્તાન ભરાઈ જવાથી મેયરોએ નવા કબ્રસ્તાન બન્યા ત્યાં સુધી અસ્થાયી રીતે મૃત્યુ પર પ્રતિબંધ જાહેર કર્યો હતો.
આવો જ કઈક સીનારિયો ફ્રાન્સના કૂગ્નૂ (Cougnoux) અને લે લાવાન્ડૂ (Le Lavandou)માં છે. અહીં કબ્રસ્તાનની અછતને કારણે આવા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા.
આમ તો કલ્પના ન કરી શકાય કે દુનિયામાં ક્યાંય મરવાની મનાઈ હોય? પણ એ હકીકત હોવાનું આપણે જાણ્યું.
આ પણ વાંચો…હેં… ખરેખર?!: અલ્લાઉદ્દીન ખિલજીએ શ્રી રંગનાથ સ્વામીની લૂંટેલી મૂર્તિ કેમ પાછી આપી?



