મોર્નિંગ મ્યૂસિંગઃ લિયોનાર્ડો દા વિન્સી: પરંપરાગત દુનિયામાં મિસફિટ હતો એટલે જ એનું સર્જન અનન્ય છે…

રાજ ગોસ્વામી
તાજેતરમાં દિલ્હીવાસીઓને ઇટાલીના મહાન ચિત્રકાર લિયોનાર્ડો દા વિન્સીની સર્જનાત્મક દુનિયાનો પહેલીવાર ‘પ્રત્યક્ષ’ પરિચય થયો. ‘ધ લેજેન્ડ ઈમર્સિવ સિનેમા’ અને ‘ડીએલએફ મોલ્સ’ના સહકારમાં AI- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સહારે ફ્લોર -ફર્શથી શરૂ કરીને સિલિંગ -છત સુધી વિન્સીની કળાત્મક દુનિયાને જીવંત કરવામાં આવી હતી.
લોકો ચાર હજાર ચોરસ ફૂટના એક ડોમમાં હરતાં-ફરતાં 500 વર્ષ પહેલાં થઇ ગયેલા આ કમાલના કલાકારના દિમાગમાં ડોકિયું કરી શક્યા…
દુનિયામાં બે શખ્સિયતોનાં મગજ વૈજ્ઞાનિક અભ્યાસનો વિષય રહ્યાં છે: એક આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને બીજા લિયોનાર્ડો દા વિન્સી. આઇન્સ્ટાઇનનું નામ આપણે ત્યાં સ્કૂલ સમયથી જ પરિચિત છે, પણ વિન્સી કલાકારોના વર્ગ સુધી સીમિત રહ્યો છે.
ઇટાલીના આ મહાન કલાકાર લિયોનાર્ડો દા વિન્સીને દુનિયા એના મોનાલિસાના ચિત્ર માટે ઓળખે છે. નવી પેઢીના લોકો એને થોડાં વર્ષો પહેલાં આવેલી ટોમ હેન્ક્સની ફિલ્મ ‘ધ વિન્સી (કે વિન્ચી)કોડ’થી પણ જાણે છે. ચિત્રકળામાં ઊંડો રસ ધરાવતા લોકો વિન્સીની પ્રતિભા માટે અન્ય કેટલાંક ચિત્રોની પણ ગવાહી પૂરે છે, જેમ કે- ધ એનન્સિયેશન, ધ બાપ્ટિઝમ ઓફ ક્રાઇસ્ટ, મેડોના ઓફ ધ કાર્નેશન અને ધ એડોરેશન ઓફ ધ મેગી.
ટૂંકમાં, વિન્સીની જગવિખ્યાતી એક પેઈન્ટર તરીકેની છે, પરંતુ આ એનો સીમિત પરિચય છે. વિન્સી એક ચિત્રકાર ઉપરાંત મૂર્તિકાર, વાસ્તુશિલ્પી, સંગીતજ્ઞ, કુશળ યાંત્રિક, એન્જિનિયર અને વૈજ્ઞાનિક પણ હતો. એણે ઘણી શોધખોળોનું પ્રારંભિક દિશાસૂચન કર્યું હતું, જેમ કે માનવ શરીરની રચના, ઉડતા મશીન, સશસ્ત્ર વાહનો, સૌર ઊર્જાનો ઉપયોગ અંગે એણે ચિત્રો મારફતે વિચારો વ્યકત કર્યા હતા. કાતરની શોધ પણ એણે કરી હતી તેવું કહેવાય છે.
આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગઃ રાધિકા હત્યાકાંડ: આપણા ક્રૂર સમાજે એક બાપની પણ હત્યા કરી છે!
વિન્સી પહેલો માણસ એવો હતો, જેણે આકાશનો રંગ ભૂરો કેમ છે તેની શોધ કરી હતી. તેનું કારણ સૂરજમાંથી આવતી રોશનીનું હવાના કારણે ફેલાઈ જવાનું હતું અને બીજા રંગોની સરખામણીમાં ભૂરો રંગ વધુ ફેલાય છે. વિન્સી એક જ સમયે એક હાથથી લખતો હતો અને બીજા હાથથી ચિત્રો દોરી શકતો હતો. એ બહુ આસાનીથી ઊલટા ક્રમમાં શબ્દો લખતો હતો. સૌથી પહેલાં એણે જ પેરાશૂટ, હેલિકૉપ્ટર અને એરોપ્લેનના સ્કેચ બનાવ્યા હતા. ઝુલતા પૂલ અને પેડલવાળી બોટની પણ કલ્પના એણે કરી હતી.
લિયોનાર્ડોએ હોસ્પિટલોમાં જઈને મૃતદેહોનો અભ્યાસ કર્યો અને તેના પરથી 240 રેખાચિત્રો બનાવ્યાં હતાં. માનવ શરીરની આંતરિક રચનાનાં આ ચિત્રો અને 13,000 શબ્દોનો દસ્તાવેજ શરીર વિજ્ઞાનની પ્રગતિમાં પાયાનો પથ્થોર સમાન છે. આશ્ચર્યની વાત એ છે કે વિન્સી સ્કૂલ પણ ગયો નહોતો, તેમ છતાં પ્રકૃતિદત્ત અસાધારણ પ્રતિભાના જોરે એણે સ્થાપત્ય, જીવવિજ્ઞાન અને શરીર રચના વિજ્ઞાનનું ઘણું જ્ઞાન મેળવ્યું હતું. વિન્સીનો જન્મ 15 એપ્રિલ, 1452ના રોજ ઈટાલીના ફ્લોરેન્સ પ્રાંતના વિન્સી ગામમાં થયો હતો. એ અવૈદ્ય સંતાન હતો. દેખાવે ખૂબસૂરત અને સ્ફૂર્તિવાન વિન્સીમાં સ્વભાવની મોહકતા, વ્યવહારકુશળતા અને બૌદ્ધિક નિપુણતા હતી.
કળા, વિજ્ઞાન, માનવતા અને ટેકનોલોજી જેવી વિભિન્ન વિદ્યાઓનો સંગમ એક વ્યક્તિમાં કેવી રીતે થયો તે કુતૂહલનો વિષય છે. ‘એપલ’ના સંસ્થાપક સ્ટીવ જોબ્સે એકવાર કહ્યું હતું કે, ‘વિન્સી કળા અને એન્જિનિયરિંગ બંનેમાં સૌન્દર્ય જોઈ શકતા હતા અને બંને વચ્ચે જોડાણ કરવાની એની ક્ષમતા એને જીનિયસ બનાવે છે.
સ્ટીવ જોબ્સ, આઇન્સ્ટાઇન અને ઈલોન મસ્ક જેવા લોકોનાં બેસ્ટસેલર જીવનચરિત્રો લખનારા અમેરિકન લેખક વોલ્ટર આઈઝેક્સને વિન્સીનું પણ એક સુંદર ચરિત્ર્ય લખ્યું છે. તેમાં એ લખે છે :
‘લિયોનાર્ડો પાસે નહીં બરાબર શિક્ષણ હતું. તેને ન તો લેટિન વાંચતાં આવડતું હતું કે ન તો ગુણાકાર-ભાગાકાર આવડતા હતા, પણ તેનામાં એવી પ્રતિભા હતી, જેમાંથી આપણે કશુંક શીખી શકીએ. એનામાં જિજ્ઞાસા અને તીવ્ર નિરીક્ષણ વૃત્તિની કળા હતી. કલ્પનાશક્તિ એટલી જબરદસ્ત હતી કે તે આપણને તરંગી લાગે, પણ એ જ એક એવી વસ્તુ હતી, જે આપણે આપણાં બાળકોમાં જોવા ઇચ્છતા હોઈએ છીએ.’
અમેરિકામાં લિયોનાર્ડો શ્લાઇન નામના એક સર્જન થઇ ગયા. એ 2009માં અવસાન પામ્યા. વ્યવસાયે તે ડોક્ટર હતા, પરંતુ એમને મેડિકલ સિવાયનું લખવા-વાંચવામાંનો બહુ શોખ હતો. એમણે અમુક જે નોંધપાત્ર પુસ્તકો લખ્યાં હતાં, તેમાં એક પુસ્તક વિન્સી પર હતું. નામ હતું : ‘લિયોનાર્ડો’ઝ બ્રેન: અન્ડરસ્ટેન્ડિંગ દા વિન્સી’ઝ ક્રિયેટિવ બ્રેન’ આ નામ પરથી જ સ્પષ્ટ છે કે શ્લાઇનને વિન્સીના અસાધારણ રીતે સર્જનાત્મક દિમાગનો અભ્યાસ કરવામાં રસ હતો. શ્લાઇને એમને ચોથા સ્ટેજનું બ્રેન કેન્સર હતું ત્યારે આ પુસ્તક લખ્યું હતું, જે એમના અવસાન પછી પરિવારજનોએ પ્રગટ કર્યું હતું.
શ્લાઇને આ પુસ્તકને ‘મરણોત્તર બ્રેન સ્કેન’ ગણાવ્યું હતું. આ પુસ્તકમાં એમણે કહ્યું હતું કે વિન્સી બાકી તમામ માણસોથી શારીરિક રીતે ભિન્ન હતા. આપણે જાણીએ છીએ તેમ આપણામાં બે મગજ હોય છે : જમણું અને ડાબું. દરેક વ્યક્તિમાં બેમાંથી કોઈ એક મગજ વધુ સક્રિય અથવા હાવી હોય છે.
વિન્સી એક માત્ર એવો માણસ હતો જેનામાં બંને મગજ વચ્ચે સટીક સંતુલન હતું. એની ખોપડીની રચનાની એક પ્રકારની ખામી હતી. વિન્સી પરંપરાગત વિચારો અને સર્જનશીલતાની દુનિયામાં મિસફિટ હતો. તે બીજા કરતાં જુદી રીતે વિચારતો હતો. જુદી રીતે મહેસૂસ કરતો હતો. જુદી રીતે વર્તન કરતો હતો. એ જુદી રીતે કપડાં પહેરતો હતો અને બોલતો હતો. લોકો એની સામે અસ્વસ્થ થઈ જતા… શ્લાઇન લખે છે:
‘વિન્સીનું ડાબું અને જમણું મગજ અસાધારણ રીતે એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલાં હતાં. બંને મગજને જોડતું ‘કોર્પસ કલોસમ’ (તંત્રિકા પીંડ) બંને મગજ સાથે સતત સંવાદ કરતું હતું. એક મગજને બરાબર ખબર હતી કે બીજું મગજ શું કરી રહ્યું છે. તેના કારણે વિન્સીને અભૂતપૂર્વ અને અનિયંત્રિત રીતે નિરીક્ષણ કરવાની, સમજવાની અને સર્જન કરવાની સ્વતંત્રતા મળી હતી.’ 21મી સદીના વિજ્ઞાન સામે હજુ પણ એક મોટું રહસ્ય યથાવત છે અને તે છે માનવીય દિમાગ. વિજ્ઞાને મગજની શારીરિક રચના વિશે ઘણું જ્ઞાન હાંસલ કર્યું છે, પરંતુ તેમાં ચેતના (કોન્સિયસનેસ) અને સ્મૃતિ (મેમેરી) કેવી રીતે કામ કરે છે હજુ પણ એટલી સ્પષ્ટતા નથી.
વૈજ્ઞાનિકોને એ પણ ખબર છે કે ડાબું મગજ અને જમણું મગજ કેવી રીતે કામ કરે છે, પરંતુ વિન્સી જેવા લોકો તે જ્ઞાન સામે પણ પડકાર ફેંકતા હોય છે. એના મગજે એને ઊંધેથી લખવાની અનન્ય ક્ષમતા આપી હતી. અર્થાત તમારે વિન્સીના લખાણને ઉકેલવા માટે અરીસાની જરૂર પડે. આવી અજીબ ક્ષમતાના કારણે જ વિન્સી જેવું વિચારી શકતો હતો અને કલ્પના કરી શકતો હતો તે ઈતિહાસમાં અનન્ય હતું. લિયોનાર્ડો દા વિન્સીની વિરાસત માનવ મગજની અસીમ ક્ષમતા, સર્જનશીલતા અને જિજ્ઞાસાની સ્થાયી શક્તિના પ્રમાણ તરીકે ઈતિહાસમાં કાયમ છે.
આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ : તારાશંકર બંદોપાધ્યાય: નોબેલ પુરસ્કારના હકદાર એવા એક શાનદાર સર્જક…