ઝબાન સંભાલ કે : રમતની ભાષા સાથેની રમત

- હેન્રી શાસ્ત્રી
રમતગમત-ખેલકૂદ આપણા બાળપણનું અવિભાજ્ય અંગ છે. અલબત્ત ઉમર વધવાની સાથે મનુષ્ય રમત રમવાનું ચાલુ જ રાખે છે. ફરક એટલો જ છે કે એમાં રહેલી નિર્દોષતા, ખેલદિલીની ભાવના કે શારીરિક વ્યાયામના હેતુની લગભગ બાદબાકી થઈ જાય છે. એમાં સારા-નરસા ભાવ ભળે છે. રમતની ભાષા સાથેની રમત જાણીએ. રમતાં રમતાં એટલે આસાનીથી, મુશ્કેલીથી અથવા વગર મહેનતે.
રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારે કેટલાક લોકોનું માનવું હતું કે રશિયા યુક્રેનને રમતાં રમતાં ધૂળ ચાટતું કરી દેશે. પણ એ લોકો સાવ ખોટા પડ્યા છે. રમતારામ એટલે અત્ર, તત્ર, સર્વત્ર ભટકતી રહેતી વ્યક્તિ. આ પ્રકારના લોકો એક સ્થળે ઝાઝું ટકી નથી રહેતા. વીતરાગી કે રાગદ્વેષ વગરના લોકો માટે પણ રમતારામનું પ્રયોજન કરવામાં આવે છે.
આદરણીય કવિ માધવ રામાનુજની એક સરસ કવિતા છે: આપણે તો ભૈ રમતારામ! વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ. વાદળ કેવું વરહે, કેવું ભીંજવે ! એવું ઊગતા દિનું વ્હાલ! આછેરો આવકાર મળે, બે નેણ ઢળે બસ, એટલામાં તો છલકી થાઈં ન્યાલ!
સતત પ્રવાસ કરનાર માટે પણ આ પ્રયોગ વપરાય છે. સાધુ તો ચલતા ભલામાં રમતારામ અર્થ જ અભિપ્રેત છે. રમતું મૂકવું એટલે છૂટું મૂકવું, બંધનમાં જકડી ન રાખવું. અગાઉ જ્યારે સંયુક્ત પરિવારની પ્રથા વધુ જોવા મળતી હતી ત્યારે બાળક ચાલતું થાય એટલે વડીલો બાળકની માતાને કહેવામાં આવતું કે એને રમતું મૂકી દ્યો. ઘણું બધું જલદી શીખી જશે.
આ પણ વાંચો ફોકસ : શું કામ દેશમાં ઊભરી રહ્યું છે પેટ કલ્ચર?
રમાડવું એટલે પોતાની રમતમાં સામેલ રાખવું, રાજી થાય તેમ સાથે રમવું, રમે તેમ કરવું, પોતે રમવું અને બીજાને તેમાં ભાગ લેવડાવવો. રમાડ્યું કોઈ ન જાણે, પણ રંડાવ્યું સૌ જાણે કહેવતનો ભાવાર્થ એવો છે કે માણસ મળેલા ફાયદાને ભાગ્યે જ યાદ કરે છે, પણ થયેલું નુકસાન ક્યારેય ભૂલતો નથી, કાયમ યાદ રાખે છે. રમત રમાડે રામ કહેવતમાં ઈશ્વરનું જ ધાર્યું થાય એ ભાવાર્થ છે.
અવિનાશ વ્યાસનું મશહૂર ગીત છે ઘડી મળી કાયાની પૂતળીને, માણસ રાખ્યું નામ, આ તો રમત રમાડે રામ. રમત કરવી-રમવી-માંડવી એટલે આનંદ કરવો. બીજો અર્થ એમ પણ છે કે કામની રીતે કામ ન કરતાં તેની સાથે ટાઇમપાસ કરવો કે વખત બગાડવો.
રમત રમવા બોલાવવું રૂઢિપ્રયોગમાં ખેલકૂદની કોઈ જ વાત નથી. પરણ્યા પછી પહેલીવાર જમાઈને જમવા બોલાવવા એવો અર્થ અભિપ્રેત છે. જોકે, રમત રમવી એટલે યુક્તિપૂર્વક છેતરવું એવો પણ એક અર્થ છે. ભાષા પણ કેવી કેવી રમત રમે છે નહીં.