બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : લેબ ગ્રોન ડાયમંડ (કૠઉ)… એ કેટેગરી છે કે કોમોડિટી?

- સમીર જોશી
બહેનોનો પ્રિય વિષય એટલે ઘરેણાનું શોપિંગ. નવી પેઢીની મહિલાને પૂછીએ કે તમારે શું ખરીદવું? તો એ ગોલ્ડ જ્વેલરી કરતાં ડાયમંડ જ્વેલરીને વધુ પસંદ કરશે.
આજે આપણે અહીં ગોલ્ડ વિરુદ્ધ ડાયમંડની વાત નથી કરવી, પણ ડાયમંડમાં જે નવું ઇનોવેશન-નવીનતા આવી છે તેની એટલે કે ‘લેબ ગ્રોન ડાયમંડ’ (LGD) તેની વાત કરવી છે, કારણ કે હમણાં જે અમુક રીલ સોશ્યલ મીડિયા પર જોઈ જેમાં નેચરલ ડાયમંડની વિરુદ્ધ પ્રચાર થઇ રહ્યો છે. બધા પોતપોતાનો વેપાર કરે છે એટલે એમને હક્ક છે કઇ રીતે પોતાનો માલ વેચવો.
આને હવે બ્રાન્ડની ભાષામાં સમજવાની કોશિશ કરીયે.
બજારમાં જયારે કોઈ પણ નવી કેટેગરી અથવા સબ-કેટેગરી આવે છે ત્યારે સૌથી મહત્ત્વની વાત હોય છે એને બ્રાન્ડ નહિ, પણ કેટેગરી બનાવવી. કેટેગરી બનશે ત્યારબાદ લોકો બ્રાન્ડને અપનાવશે. આને સમજવાની કોશિશ …. જે કોઈ પણ લીડર બ્રાન્ડ હોય છે તે લાંબા ગાળાનું વિચારી પોતાની બ્રાન્ડ વેંચતા પહેલા કેટેગરી બિલ્ડ કરે છે.
ઉદાહરણ તરીકે, ઇલેક્ટ્રિક વાહનોની બોલબાલા છે એ બધી આજે ઓટો બ્રાન્ડ પાસે મળશે. ઇલેક્ટ્રિક વાહનનો વિચાર બજારમાં, ક્ધઝ્યુમરના મગજમાં બેસાડવામાં આવ્યો છે. આ ઇન્ડસ્ટ્રીએ એક નવી કેટેગરી ઊભી કરી ને ત્યારબાદ પોતપોતાની બ્રાન્ડ વેચવા આવી. એનો અર્થ તે કે પેટ્રોલ- ડિઝલ કાર બંધ થઇ જશે નહિ,પણ બંને વેચાશે અને બંને સમાન ઓટોમોબાઇલ કંપનીઓ બનાવશે.
ઇલેક્ટ્રિક કાર તે નવા જમાનાનું ઇનોવેશન છે, જે જૂના સાથે સંલગ્ન થશે. તે રીતે, આજની તારીખે ન્યુટ્રાસ્યુટિકલ જે શરીર માટે અમુક ઉમર પછી શા માટે જરૂરી છે તેનો પ્રચાર કરે છે. આની સાથે બ્રાન્ડસ પણ તૈયાર છે પોતાનાં ઉત્પાદનો વેચવા માટે.
આ રીતે, જયારે ફક્ત સોનાના દાગીનાનું વર્ચસ્વ હતું ત્યારે નેચરલ ડાયમંડે પણ પોતાની કેટેગરીપર કામ કર્યું હતું અને ક્ધઝ્યુમરને આ વાપરવા પ્રેરિત કર્યા હતા. આજે તમે જોશો કે ડાયમંડમાં પણ બ્રાન્ડસ ઉપલબ્ધ છે. બ્રાન્ડ સફળ ત્યારે જ થાય જયારે કેટેગરી સફળતાપૂર્વક સ્થાપિત થઈ હોય… કેટેગરીને બનાવવાનું કામ જે-તે ઇન્ડસ્ટ્રી ફોરમ હોય તે કરી શકે અથવા જે બ્રાન્ડ લીડર હોય તે કરે. કેટેગરી માર્કેટિંગનું કામ છે ક્ધઝયુમરને સમજાવવાનું કે શા માટે આ કેટેગરી તેમના જીવનમાં જરૂરી છે અને બ્રાન્ડ માર્કેટિંગનું કામ છે જે-તે બ્રાન્ડ કઇ રીતે તે જરૂરિયાત પૂરી કરશે.
આ પણ વાંચો…બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: શહેર કે ગામડાનો નહીં…ભારતનો ક્ધઝ્યુમર
હવે આને LGDના સંદર્ભમાં જુવો. શું કોઈએ આ કેટેગરી ડેવલપ કરવાની કોશિશ કરી?! કેટેગરી ડેવેલપ કર્યા વગર નાની- મોટી બ્રાન્ડો બજારમાં આવવા લાગી અને પોતપોતાની રીતે વાતો કરવા લાગી. જોવા જઇયે તો આ ઇલેક્ટ્રિક કાર જેવું ઘણું ઉમદા ઇનોવેશન છે. જો તેને વ્યવસ્થિત રીતે ઇન્ડસ્ટ્રીએ મળી સબ કેટેગરી અથવા સ્વતંત્ર કેટેગરી તરીકે સ્થાપિત કરી હોત તો આજે આનો નજારો અલગ જ હોત.
ડાયમંડનું એક અલગ સ્થાન છે. તે બધાને ન પરવડે. હવે LGD પણ ડાયમંડ છે, પણ તેનું પ્રમોશન ‘બધાને પરવડે- સસ્તું છે’ તે રીતે થયું. આમાં નુકસાન કેટેગરીને થયું. એક તો લોકો પોતાને એની સાથે નહીં જોડે, કારણ કે હક્કથી કહી નહીં શકે કે હું LGD વાપરું છુ અને બીજું, વેપારીઓએ પણ આને સસ્તામાં વેચવાની દોડ મૂકી અને આખી રમત કિંમત પર આવીને અટકી.
‘નેનો’ બ્રાન્ડ નિષ્ફળ ગઈ, કારણ કે તેને એક લાખની, સસ્તી કાર તરીકે વેચવા મૂકી. આપણા સમાજમાં ગાડી એક સ્ટેટસ સિમ્બોલ છે એટલે ‘લોકો જો મને આ ગાડીમાં જોશે તો મારું મૂલ્યાંકન તે મુજબ થશે’ એવી વિચારધારા લોકોમાં પ્રગટી પરિણામે ‘નેનો ’ જેને લેવી હતી એમણે ટાળ્યું એથી એ પ્રોડક્ટ નિષ્ફળ ગઈ.
બસ, આજ વાત LGD માટે થઇ શકે અથવા થઇ હશે. હા, જો એને સસ્તી કિંમતના જોરે ના વેંચતા શા માટે આ કેટેગરી જરૂરી છે એ રીતે રજૂઆત થઈ હોત,-એની કેટેગરી બની હોત તો લોકો ગર્વથી તે અપનાવત. આજે લોકો કદાચ ખરીદશે, પણ તે LGD છે તેવું કહેશે નહીં સ્વીકારશે નહીં.
આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ કે હીરા સાથે હાર્દિક ભાવના પ્રેમ ઈત્યાદિ સંકળાયેલા છે, પણ પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરા -LGD બ્રાન્ડ્સે એ ભાવના-લાગણીને અવગણીને એની બનવાની પ્રક્રિયા – વિજ્ઞાનને સાબિત કરવા માટે ઉતાવળ કરીને ભૂલ કરી…
ટૂંકમાં કેટેગરી પહેલાં કે બ્રાન્ડ? એ વાતને સમજવા માટે ‘લેબ ગ્રોન ડાયમંડ’ (LGD) – કૃત્રિમ હીરા કરતાં બીજું કોઈ સચોટ ઉદાહરણ ના હોઈ શકે. હવે જયારે એ બજારમાં ઉપલબ્ધ છે ત્યારે તે જોવાનું રહેશે કે કઈ રીતે એ પોતાની બ્રાન્ડમાં અલગતા લાવશે અને બીજી મહત્ત્વની વાત આ કેટેગરી બ્રાન્ડ તરીકે ઊભરશે કે કોમોડિટી થઈને રહી જશે ?
આ પણ વાંચો…બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : વર્લ્ડકપ વિજય: મહિલાઓની રસોડાથી રમતના મેદાન સુધીની અફલાતૂન સફર



