સરસ્વતી કૃપાથી પુષ્કળ થયેલું કચ્છ!

વલો કચ્છ – ગિરિરાજ
આમ તો જ્ઞાન, બુદ્ધિ અને વિદ્યાની આરાધનાનો પર્વ તરીકે ઓળખાતી વસંત પંચમી માતા સરસ્વતીને સમર્પિત આ દિવસ વિશેષ મહત્ત્વ ધરાવે છે. માતા સરસ્વતીના ઉપાસક છીએ એટલે એક લેખક તરીકે મન થાય કે બદલાયેલા કેલેન્ડર વર્ષના પ્રથમ એપિસોડમાં વસંત પંચમીને વાર હોય તોય વીણાવાદિનીનું આહ્વાન કરીએ.
સરસ્વતીની ઉપાસના માત્ર વૈદિક પરંપરામાં જ સીમિત નથી. હિંદુ ધર્મ સાથે સાથે જૈન અને બૌદ્ધ પરંપરામાં પણ સરસ્વતી વિદ્યા, કલા અને ચેતનાની અધિષ્ઠાત્રી દેવી તરીકે પૂજાય છે. ચીનમાં તે નીલ-સરસ્વતી રૂપે અને તિબેટમાં વીણાધારિણી સ્વરૂપે આરાધિત છે. જો સરસ્વતી દેવીની ઝાંખી કચ્છી સર્જન-ધર્મિતાના ત્રિપાર્શ્વ દ્વારા કરીએ, તો રંગોનું અનંત અને અપાર વિશ્વ પોતાની અપૂર્વ મોહકતાથી ઝળહળી ઊઠે છે.
કચ્છી સર્જન-ધર્મિતાનાં ત્રણ મુખ્ય પાર્શ્વો છે (1) વિવિધ ભાષાઓમાં રચિત સાહિત્ય (2) સંગીત, નાટક, નૃત્ય, ચિત્રકળા જેવી લલિત કલાઓ (3) વિવિધ વિષયોને આવરી લેતી બૌદ્ધિક અને વૈચારિક ચેતના. કચ્છી સાહિત્યસર્જકોએ કચ્છી, વ્રજ, ડિગલ, ગુજરાતી, હિંદી, ઉર્દૂ, સિંધી, સંસ્કૃત, અપભ્રંશ અને અંગ્રેજી જેવી અનેક ભાષાઓમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. દરેક ભાષાના સર્જનનું વિગતવાર મૂલ્યાંકન વિશાળ કાર્ય છે; અહીં માત્ર સંક્ષિપ્ત નિર્દેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
કચ્છીમાં કુંવરજી કલ્યાણજી વકીલ (ચંદ્રબા, બેચરસિંગ, હડહડતી હાલાકી), ત્રિકમજી હરિરામ રાસ્તે (વિધવા શતક), પાત્રો ચારણ (ઢકોસલા), મૂળજી જેઠુ જોષી (છઠ્ઠી જો લેખ), લાલજી નાનજી જોષી (કચ્છ જો કુરુક્ષેત્ર) અને સાજન ખોજા (સાજન બાવની) જેવા સર્જકો નોંધપાત્ર છે. ગુજરાતીમાં દલપતરામ, જીવરામ અજરામર ગોર, નારાયણ વિસનજી ઠક્કુર, પ્રતાપ જુણાજી જાડેજા, બકુલેશ અને જયંત ખત્રી સ્મરણીય નામો છે.
વ્રજભાષાનો ઉલ્લેખ કરતાં ભુજમાં મહારાવ લખપતજી દ્વારા સ્થાપિત કાવ્યશાળાની મહાન પરંપરા સામે આવે છે. આ પાઠશાળામાં 340થી વધુ કવિઓ વ્રજભાષામાં પ્રશિક્ષિત થયા હતા. એજ કાવ્યશાળાના પ્રણેતા મહારાવ લખપતજીએ વિ.સ. 1996માં પ્રાગ મહેલ સંકુલમાં સરસ્વતી માતાજીનું મંદિર બંધાવ્યું હતું. મહારાવ મહાવિદ્વાન, સંગીતસમ્રાટ અને મા સરસ્વતીના નિષ્ઠાવાન ઉપાસક હતા. પ્રાત:દર્શનની પરંપરા માટે મંદિર ઉતરાદીમુખે બનાવવામાં આવ્યું હતું જેથી રાજમહેલના ઝરૂખામાંથી દર્શન શક્ય બને.
આ કાવ્યશાળાનું પ્રદાન અત્યંત વૈવિધ્યસભર રહ્યું છે. ખડીબોલી હિન્દીમાં વિદ્યાસાગરસૂરિ, કવિ નિરંજન અને દુલેરાય કારાણીનો ઉલ્લેખ થાય છે. અહીં પ્રશિક્ષિત અનેક કવિઓએ ડિગલમાં પણ રચનાઓ કરી. હમ્મીરજી રત્નુ, પંચાણ-રાવળ, સુજા દેથા અને ઉદયરામ ડિગલ સાહિત્યના ઇતિહાસમાં સશક્ત હસ્તાક્ષર ગણાય છે.
સંસ્કૃતમાં અમરસાગરસૂરિ, લાલ કવિ અને મહારાવ ભોજરાજે વિશિષ્ટ કૃતિઓ રચી. ઉર્દૂમાં ચમન શાયર, સિંધીમાં જેરામ ભાગલિયા, ફારસીમાં મુનશી સેવકરામના અનુવાદ અને અંગ્રેજીમાં ખુર્શીદ ખાતમની કવિતાઓ ઉલ્લેખનીય છે. આ રીતે વિવિધ ભાષાઓમાં થયેલા સર્જને સરસ્વતીની પ્રતિમાને નવરંગી દુપટ્ટાથી શણગારી છે.
બીજા પાર્શ્વમાં સાહિત્ય સાથે સંગીત, નૃત્ય, નાટક, ચિત્રકળા અને કાવ્યશાસ્ત્રનો સમાવેશ થાય છે. કચ્છમાં શાસ્ત્રીય તેમજ લોકબન્ને પરંપરાઓ સમૃદ્ધ રહી છે. પિંગળ શાસ્ત્ર સહિત અનેક કાવ્યશાસ્ત્રીય ગ્રંથોની રચના ભુજની કાવ્યશાળાથી જોડાયેલી છે. સંગીતમાં કચ્છની કાફી, બેથ, `શાહ જો રાગ’ અને લોકસંગીતની અનોખી પરંપરા જોવા મળે છે. એવા ઉલ્લેખ પણ પ્રાપ્ત છે કે ઠેઠ ઈરાનમાં કચ્છના સંગીતકારો પહોંચ્યા હતા. અને એમના સંગીતથી ઈરાની સંગીત પણ પ્રભાવિત થયું છે.
લોકસાહિત્યના ક્ષેત્રે ગૌરીશંકર જયશંકર વોરા, કરીમ અલી, રહીમ નાનજીઆણી તથા દુલેરાય કારાણીનાં નામ સુખ્યાત છે. અત્રે કચ્છી લોકસાહિત્યના વૈજ્ઞાનિક અધ્યયનના ક્ષેત્રે શાંતિભાઈ આચાર્યનું પ્રદાન પણ ઉલ્લેખ્ય છે. કચ્છની પોતાની લોક-નાટ્ય અને મનોરંજનની આગવી ઓળખ છે. રબારીઓના ધોર, મેઘવાળોનાં ભજન, ચારણી-કીર્તિન, આહીરોનાં ગીતો, જતોના અલગોજા, કણબીઓની ધૂન, સંઘારોના ગરબા, કોળીઓના રાસ, નવરાત્રીની ગરબી લંઘાઓનું વાદ્ય-કંઠય સંગીત અને મધ્ય યુગીન યોદ્ધાઓને જોમ આપતો સિન્ધુરાગ! આમ કંઠય, વાદ્ય-સંગીત, ભવાઈ, ગદકા અને રામરાંધ વિવિધ પ્રકારે અહીં દૃષ્ટિગોચર થાય છે. ચિત્રકળાના ક્ષેત્રે કચ્છની પોતાની `કામાંગરી’ આગવું સ્થાન ધરાવે છે. આમ આપણે જોયું કે આ બીજા પાર્શ્વમાં સરસ્વતીનું સર્વથા ભિન્ન, મનોહર રૂપ પ્રગટે છે.
ત્રીજા પાર્શ્વથી પ્રતિબિંબિત થતું દૃશ્ય પણ સુખદ છે. ચિંતન અને જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ કચ્છ અગ્રેસર રહ્યું છે. પરંપરાગત શાસ્ત્રોની ઉલ્લેખનીય રચનાઓમાં શુકન શાસ્ત્ર (દયાળજી-રત્નસિંહ), જ્યોતિષ જડાવ (હમીરદાન), સામુદ્રિક શાસ્ત્ર (કવિ વિસાજી), જ્યોતિષ રત્નમાળા (કુંભર્ષિ મુનિ) ઉલ્લેખનીય રચનાઓ છે. ઋતુ વિજ્ઞાનમાં ઉન્નડજી રચિત `મેઘાડમ્બર’ એક બાજુ ભડલી-વાક્યની પરંપરા સાથે તો બીજી બાજુ જ્યોતિષની સાથે જોડાયેલ છે. વનસ્પતિ-શાસ્ત્ર વિષયક જયકૃષ્ણ ઈન્દ્રજી અને ગોકુળદાસ બાંભડાઈની કૃતિઓની પ્રતિષ્ઠા છે. ચિંતનના ક્ષેત્રે અનેક સંતોની વાણી અને વિદ્વાનોનાં ચિંતનાત્મક સંભાષણોનું વિશિષ્ટ સ્થાન છે.
આ રીતે વિવિધ ક્ષેત્રોમાં કચ્છી પ્રતિભા ઝળહળતી રહી છે. જાણે મા સરસ્વતીએ કચ્છ પર કૃપા બંને હાથે વરસાવી હોય!
આ પણ વાંચો…વલો કચ્છ : ભડીભડી : મારવા એ મુડસને, ગ્યો એની પાસે



