ઉત્સવ

હેં… ખરેખર?! કૈલાશ એટલે આસ્થા-શ્રદ્ધા સાથે રહસ્ય-ભેદનો પર્વત…

  • પ્રફુલ શાહ

કૈલાશ પર્વત. કબૂલ કે આ હિન્દુઓનું વિશાળ આસ્થા કેન્દ્ર છે. દેવોના દેવ મહાદેવનું એકમાત્ર સરનામું, નિવાસસ્થાન છે આ પર્વત. આની પરિક્રમાનું અદ્ભુત મહત્ત્વ હોવાનું વર્ણન મળે છે, સ્વીકારાય છે. આમ છતાં કુદરતી કરામત વિજ્ઞાન માટે એક કોયડો છે, સદીઓથી વણઉકલ્યો કોયડો.

નકશાનો ધ્યાનથી અભ્યાસ કરીએ તો આ કૈલાશ પર્વતમાળા છેક ભારતના કાશ્મીરથી લઇને ચીનના કબજા હેઠળના તિબેટ અને ભુતાન સુધી પ્રસરેલી છે. આ કૈલાશ પર્વતમાળાનું ઉત્તરી શિખર કૈલાશ પર્વત તરીકે ઓળખાય છે. એવી આકૃતિ વિશાળ-ભવ્ય શિવલિંગ જેવી દેખાય છે અને એનું સ્થાન પણ કેવું અદ્ભુત અલૌકિક છે! એ ષોડશદલ (સોળ પાંખડીવાળા) કમળના વચ્ચોવચ છે.

દૂરથી કાયમ શુભ્રધવલ દેખાતો કૈલાશ પર્વત કાયમ બરફથી છવાયેલો હોય છે. અહીં સુધી પહોંચવું કે ત્યાં પ્રવાસ કરવું એ લોઢાના ચણા ચાવવાથીય આકરું છે.

આ બધા થીજવી નાખતા અવરોધ અને જોખમ છતાં શ્રદ્ધાળુઓની આસ્થાને ડગાવી શકતા નથી. આની સાથે જોડાયેલી આસ્થા અને શ્રદ્ધાની માન્યતા જ એટલી જબરદસ્ત છે કે ન પૂછો વાત. તિબેટના ભોટિયા લોકોમાં કૈલાશ માનસરોવરની પરિક્રમા અત્યંત મહત્ત્વપૂર્ણ મનાય છે. એક પરિક્રમાથી એક જન્મના અને દશ પરિક્રમાથી બધા પાપનો નાશ થાય છે. અને જો આની 108 વાર પરિક્રમા થાય તો જન્મ અને મરણના ફેરામાંથી મુક્તિ મળી જાય એટલે મોક્ષ.

કૈલાશ પર્વત ખૂબ પ્રાચીન છે. એટલી જ મહાન એના પરની આસ્થા ને શ્રદ્ધા છે. આ મહત્ત્વને પ્રતાપે જ સ્કંદ પુરાણ, શિવપુરાણ અને મત્સ્ય પુરાણમાં કૈલાશ ખંડ નામના અલાયદા અધ્યાય છે. આમાં કૈલાશ પર્વતના મહિમાનું સવિસ્તાર વર્ણન છે. એના રહસ્યોનો ઉલ્લેખ છે, જેને દુનિયાભરના વિજ્ઞાનીઓ આજ સુધી ઉકેલી તો ઠીક સમજી પણ શકયા નથી.

પૌરાણિક માન્યતા મુજબ તો કૈલાશ પર્વત પાસે જ ધનપતિ કુબેરની અલકાપુરી નગરી આવેલી છે. અહીં જ વિષ્ણુના કર-કમળમાંથી વહીને ગંગા માતા કૈલાશ પર્વતની ટોચ પર પડે છે. જયાં ભોલેનાથ એને પોતાની જટાઓમાં ઝિલ્યા બાદ નિર્મળ ધારા તરીકે અવતરિત કરે છે. એવું ય મનાય છે કે કૈલાશની ઉપર સ્વર્ગલોક અને નીચે મૃત્યુલોક છે.

આ બધી પૌરાણિક બાબતો, શ્રદ્ધા અને આસ્થા સિવાય અનેક રહસ્યો છે, જે વણઉકલ્યા છે પણ જાણી-સમજીને અવશ્ય વિસ્મય પમાડે એવા છે.

આ પણ વાંચો…હેં… ખરેખર?!: મેઘાલયમાં છે વિશ્વની સૌથી લાંબી રેતીના પથ્થરની ગુફા!

કૈલાશ પર્વતમાળા જેટલી પ્રાચીન અને વિશાળ છે, એવું જ એમાં મહત્ત્વ અને ભેદભરમનું છે. જો વિગતવાર એક એક મુદ્દા પર લખાય તો પાનાના પાનાં નહીં, પુસ્તકો ભરાઇ જાય.

તમને ખબર છે કે દુનિયાના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટને સાતેક હજાર જણ સર કરી ચૂકયા છે. મતલબ કે ત્યાં જીવતા પહોંચ્યા છે અને સલમાત પાછા ફર્યા છે. પણ લંબાઇમાં એનાથી હજારો મીટર નીચું અને વિશ્વના ટોચના 100 પર્વતોની યાદીમાં સ્થાન ધરાવતા કૈલાશ પર્વત પર કોઇ ચડી શકયું નથી. એકદમ અનુભવી કે ભારે સાહસિક પર્વતખેડુ પણ નહીં! ત્યાં જવાનો પ્રયાસ કરનારાઓને કૈલાશ પર્વત ભેદી અને રહસ્મય લાગ્યો. માની કે કલ્પી ન શકાય એવા અનુભવો થયા.

વીસમી સદીના અંત ભાગમાં સાઇબેરિયન પર્વતારોહકોની ટુકડીએ કૈલાશ પર્વત સર કરવાની કોશિશ કરી હતી પણ તેઓ ભેદી રીતે ગાયબ થઇ ગયા હતા. એ ટુકડીના પર્વતારોહણના આરંભિક તબક્કાની જે વિગતો બહાર આવી એ માની શકાય એમ નહોતી. ચડાણ શરૂ કર્યાના કલાકોમાં જ ન થવાનું થવા માંડયું. તેમની ઉંમર ઝડપભેર વધવા માંડી હોય એવું વર્તાવા માંડયું. વાળ અને નખ અસાધારણ ઝડપે વધવા લાગ્યા હતા.

જાણે કલાકોને બદલે તેઓ કેટલાય મહિનાઓથી પર્વતારોહાણ કરતા હોય એવી નખ-વાળની વૃદ્ધિ હતી. કોઇક અગમ્ય ભય અને ડરને લીધે અમુક લોકોને પાછા ફરવામાં ડહાપણ સમજાયું હતું. આમ છતાં એકાદ વર્ષની અંદર આ ટુકડીના એક-એક પર્વતારોહક ઉંમર લક્ષી માંદગીને લીધે મૃત્યુ પામ્યાં, જયારે તેમની સાચી ઉંમર તો વૃદ્ધવસ્થાથી ઘણી દૂર હતી.

આમ કેમ, કેવી રીતે અને શા માટે થયું એનો જવાબ કોઇને નથી મળ્યો આજ સુધી.

આપણા દેશના એક જાણીતા અને સૌથી મોટા અંગ્રેજી અખબારમાં કૈલાશ પર્વત સંબંધી લેખમાં જે પ્રગટ થયું એ ઘણું સૂચક છે. વિશ્વની સર ન કરી શકાયેલી પર્વતીય ટોચ જેણે આ પવિત્ર પર્વત પર જવાના પ્રયાસ કર્યા તેમણે જીવ ગુમાવ્યા કાં કયારેય પાછા ન ફર્યાં.

કૈલાશ પર્વત જાણે શ્રદ્ધા-આસ્થા સાથે રહસ્ય-ભયનો તોતિંગ પહાડ હોય એવું લાગ્યા વગર ન રહે.

(ક્રમશ)

આ પણ વાંચો…હેં… ખરેખર?!: 27 વર્ષ પગપાળા ચાલીને ઘરવાપસી!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button