ઉત્સવ

ટેકનોલોજીની ક્ષમતા બની શકે છે ઇન્વેસ્ટરોની શક્તિ

ટેકનોલોજીને આધારે રોકાણકારો સતત માહિતગાર રહેવા ઉપરાંત પોતાના રક્ષણકાર પણ બની શકે

ઈન્વેસ્ટમેન્ટ વર્લ્ડ – જયેશ ચિતલિયા

શેરબજાર પર રોકાણકાર ખરીદી કે વેચાણનો સોદો કરે તેની માહિતી એસએમએસ મારફત તેને (રોકાણકારને) આપવાની ભૂમિકા સ્ટોક એકસચેંજ ભજવે છે, જેથી કોઈ શેરદલાલ કે મધ્યસ્થી રોકાણકારના શેર્સ સાથે કોઈપણ પ્રકારના ચેડાં કરી શકે નહીં, અમુક વરસ પૂર્વે ચોક્કસ ગરબડના કિસ્સાઓ બાદ `સેબી’ (સિકયોરિટીઝ એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા) એ આ આદેશ આપીને સમગ્ર મૂડીબજારને એક સંદેશ આપી દીધો હતો કે ટેકનોલોજીના માધ્યમથી રોકાણકારોને માહિતગાર તો બનાવી શકાય જ છે, પરંતુ સાથે સાથે પોતાના હિતોના રક્ષણકાર પણ બનાવી શકાય છે.

ફાઈનાન્શિયલ (નાણાકીય)વ્યવહારોમાં ટેકનોલોજી ટકોરાબંધ કામ કરવા લાગી છે. રોકાણકાર વર્ગને સતત માહિતગાર રાખવા ઉપરાંત ટેકનોલોજી તેમના રોકાણની કાળજી કઈ રીતે લેવી તેની સલાહ સૂચન પણ રોકાણકારોને આપતી રહી છે. ટેકનોલોજીને મુશ્કેલ કે મોંઘી માનીને તેનાથી દૂર રહેવાને બદલે ટેકનોલોજીને અપનાવવાનો અને તેના લાભ ઊઠાવવાનો સમય છે, હવે પછી તેની ઉપેક્ષા કરનારાઓએ ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવી શકે છે. ટેકનોલોજીના લાભોની ઝલક જોઈએ.

ડિમેટ એકાઉન્ટ પર સતત નજર

શેરબજારમાં રોકાણ કરનાર દરેક રોકાણકારનું ડિમેટ એકાઉન્ટ હોય છે. આ ડિમેટ એકાઉન્ટમાં તેમના શેરો પડયા હોય છે, જેમ તમે શેર ખરીદો તે એકાઉન્ટમાં શેર જમા થાય, તમે વેચો કે એ એકાઉન્ટમાંથી શેરો બહાર જાય. આ લે-વેચ તમે રોજ કરો કે કયારેક કરો, શેરની આવન- જાવન ચાલુ રહે છે, જેથી તમારે આ એકાઉન્ટ પર સતત નજર રાખવી જરૂરી બને છે.

મોટાભાગના એકાઉન્ટમાં રોકાણકારે આ ડિમેટ એકાઉન્ટ માટે પોતાના શેરદલાલને પાવર ઓફ એટર્ની પણ આપી હોય છે, જે હાલનાં સમયમાં જરૂરી પણ છે, પરંતુ દલાલ કે તેનો સ્ટાફ એ તમારા એકાઉન્ટનો પોતાના કામ માટે ઉપયોગ તો નથી કરી રહ્યો એની ખાતરી કઈ રીતે મળે? ધારો કે તમે લાંબા ગાળાના રોકાણકાર છો, તમારા એકાઉન્ટમાં ઘણાં શેરો પડયા છે, જેને તમે ઓછામાં ઓછાં ત્રણ- ચાર વરસ વેચવા માગતા નથી, તેથી તમે એને રહેવા દીધા છે, પણ જો દલાલ કે તેનો સ્ટાફ તમાં ધ્યાન નથી એમ માની એ શેરોનો પોતાના લાભમાં ઉપયોગ કરી લે તો? અથવા તેમાં પોતે જ લે-વેચ કરતો રહે તો તમને શું ખબર પડે? એ તમારા શેરો પડાવી જવાનો ઈરાદો ધરાવતો ન હોય એવું બની શકે, કિતુ કયારેક તે પોતે જ ફસાઇ ગયો તો તમારા એકાઉન્ટનો દુરુપયોગ કરી શકે.

જેમાં આખરે નુકસાન તો તમને જ થશે! યાદ રહે, તમાં ડિમેટ એકાઉન્ટ એ તમારી રોકડ છે, જેના પર તમાં ધ્યાન હોવું જ જોઈએ. ડિપોઝિટરી તમને તમારા ડિમેટ એકાઉન્ટ પર સતત નિરીક્ષણ રાખવામાં ટેકનોલોજીકલ સહાય કરે છે. તમે તમાં ડિમેટ એકાઉન્ટ તમારા યુઝર આઈડી અને પાસવર્ડ મારફત ચાહો ત્યારે જોઈ શકો છો. જેથી તેમાં કોઈપણ ફેરફાર દેખાય તો તમે તુરંત એકશન લઈ શકો છો. એટલું જ નહીં, તમે તેમાં પોતાની મેળે પણ શેરના વ્યવહાર કરી શકો છો.

સોદાનું વેરિફિકેશન પણ સંભવ

આ ઉપરાંત શેરદલાલ કે ડિપી (ડિપોઝિટરી પાર્ટીસિપન્ટ) તમને એસએમએસ મારફત પણ તમારા એકાઉન્ટમાં શેરની થતી ડેબિટ કે ક્રેડિટની માહિતી આપતા રહે છે. વાત અહીં પણ પૂરી થઈ જતી નથી, ટેકનોલોજીની કમાલ એ પણ છે કે રોકાણકાર સોદો કર્યા બાદ દિવસને અંતે એ સોદો શેરબજાર પર થયો છે કે નહીં તેની ખાતરી મેળવવા શેરબજારની વેબસાઈટની મુલાકાત લઈ ટે્રડ વેરિફિકેશન વિભાગમાં પોતાના સોદાની વિગત ભરીને એ સોદાના અમલની ખાતરી પણ મેળવી શકે. અગાઉ અમુક લેભાગુ શેરદલાલએ રોકાણકારોના સોદાના ઓર્ડર લીધા હતા, પણ સોદા કર્યા નહોતા, આમ સોદા વિના જ તેની છેતરપિંડી કરી હોવાના કિસ્સા બન્યા હતા.

એ પછી સેબીએ એકસચેંજને આવી સુવિધા ઊભી કરવાની ફરજ પાડી હતી. નાણાકીય વ્યવહારોમાં હવે રોકાણકારો પોતે જ સીધા સોદા કરી લે એવી સુવિધા પણ કોમન થઈ ગઈ છે, જેમાં તે અગાઉ મધ્યસ્થી-બ્રોકર પર નિર્ભર રહેતા હતા. દાખલા તરીકે રોકાણકાર હવે ઈન્ટરનેટ મારફત શેરબજાર પર સીધા સોદા પણ કરી શકે છે, હવે તો મોબાઈલ મારફત પણ શેર સોદા થઈ શકે છે, જે કામકાજના કલાકો દરમિયાન ગમે ત્યારે થઈ શકે છે.

મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓને પણ લાભ

ઈન્ટરનેટ કે મોબાઈલની ટેકનોલોજીના આ લાભ માત્ર શેરસોદા પૂરતા સિમિત નથી. એ મ્યુચ્અલ ફંડની યોજનાઓના યુનિટસની ખરીદી કે રિડમ્પશન (વેચાણ) માટે પણ ઉપયોગી બને છે. આ માર્ગે પણ રોકાણકાર મધ્યસ્થીની સેવા વિના પોતે જ પોતાનું કામ પાર પાડી શકે છે.

ટેકનોલોજીના પરિણામે નાણાકીય વ્યવહારોમાં ઝડપ વધી છે એ તો ખરું, કિતુ સાથે સાથે પારદર્શકતા પણ વધી છે. નિષ્ણાતોના શબ્દોમાં કહીએ તો ટેકનોલોજીને લીધે રોકાણકારો વધુ (એમ્પાવર્ડ )સક્ષમ અને સ્વનિર્ભર બની શકે છે. અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે રોકાણકાર માટે અહીં વર્ણવેલી ટેકનોલોજીનો ઉપયોગ અઘરો પણ નથી અને મોંઘેરો પણ નથી.

સ્ટોક એકસચેંજ આ મામલે રોકાણકારોને પોષણક્ષમ બને એવી સવલત પણ ધરાવે છે અને આગામી દિવસોમાં શેરબજારો વચ્ચેની હરીફાઈમાં ટેકનોલોજીનો ઉપયોગ -સુવિધા વધવાના છે, જેનો મહતમ લાભ રોકાણકાર વર્ગ અને માર્કેટને થશે એવી આશા ચોકકસ રાખી શકાય. ટેકનોલોજીના વિશ્વમાં હજી તો ઘણાં પરિવર્તન આવતા રહેશે, જેના લાભની સાથે સંભવિત જોખમોને પણ ઓળખવા-સમજવા જોઈશે. તેની ચર્ચા ફરી કયારેક કરીશું…

આ પણ વાંચો…ઈન્વેસ્ટમેન્ટ વર્લ્ડ: રોકાણજગતમાં પ્રવેશતા પહેલાં આટલી પાયાની જાણકારી જરૂરી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button