સર્જકના સથવારે : ગઝલનો રમ્ય મુકામ રાજેન્દ્ર શુક્લ | મુંબઈ સમાચાર
ઉત્સવ

સર્જકના સથવારે : ગઝલનો રમ્ય મુકામ રાજેન્દ્ર શુક્લ

  • રમેશ પુરોહિત

પર્વતને ઊંચકું પણ પાંપણ ના ઊંચકાતી આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે?
ગુજરાતી ગઝલની શરૂઆતમાં ઉર્દૂ – ફારસીની અસર નીચે ગઝલો લખાણી, શયદા સાહેબના જમાનામાં પરંપરાગત ગઝલો આવી, પછી અંગ્રેજી અસર આવી. ગીત અને ગઝલ લખનારા કવિઓ જેમ કે આદિલ, ચિનુ મોદી, રમેશ પારેખ, મનોજ ખંડેરિયા અને રાજેન્દ્ર શુક્લ મળ્યા. વૈવિધ્ય મળ્યું. પ્રયોગો થયા અને એ પ્રયોગખોરી બનવા માંડ્યા એટલે અસ્તાચળે પહોંચી ગયા.

આજે આપણે વાત કરવી છે એ બધા જ ગઝલકારોથી બધી જ રીતે જુદા પડતા કવિ રાજેન્દ્ર શુક્લની. ગઝલના શેરોને ઋગ્વેદની ઋચાઓની કક્ષાએ લઈ જવા અને ગઝલને સંહિતાનું નામ આપવાની કર્મશીલતા કવિએ બતાવી છે. રાજેન્દ્ર શુક્લ વર્ષોની પછી ગઝલના પાંચ સંગ્રહો લઈને આવ્યા અને નામ રાખ્યું ‘ગઝલ સંહિતા’.

સર્જનના આંતરપ્રવાહને અનુરૂપ પાંચ મંડળમાં, પાંચ લઘુગ્રંથ રૂપે વિભાજિત આ ગ્રંથોમાં રચનાઓના અનુક્રમ પણ શબ્દની અને ભાવની સૂક્ષ્મ ગતિને અનુસરતો હોવાનું જણાયું છે.

રાજેન્દ્રભાઈ ગઝલના પાંચેય ગ્રંથોનું અર્પણ ‘અસ્તુ બ્રહ્માર્પણમ્’થી થાય છે. વેદમાં મંડળ હોય છે એટલે એ કે એક ચેપ્ટરને મંડળ કહેવાય છે. એમણે પણ પ્રથમ મંડળથી પંચમ મંડળ નામ આપ્યા છે. પછી દરેક પુસ્તકના ટાઈટલ એટલે કે શીર્ષક છે જેમકે પ્રથમ પુસ્તકનું શીર્ષક છે ‘સભર સુરાહી’. આવી રીતે ગઝલમાં વેદની સંહિતા, મંડળ અને ફારસીના સુરાહી શબ્દને સાથે બેસાડ્યા છે. આ થઈ એમની રચનાશૈલીની બાહ્ય વિશેષતા જે નવી છે, નોખી છે અને અનોખી પણ છે.

રાજેન્દ્ર શુક્લ મૂળ જૂનાગઢના. નરસિંહ મહેતા અને ગિરનારના અવધૂતની અહોનિશ ધખતી ધૂણીઓના આભામંડળમાં એમની પરવરીશ થઈ. આથી ગઝલમાં આધ્યાત્મિક, ચિંતન અને આંતરતત્ત્વને માંજવાની સૂજ અનાયાસ આવી છે. એ કોઈ આયાસનું નહીં પણ આમાંનું પરિણામ છે. રાજેન્દ્રનો જન્મ 12-10-1942માં આધુનિક ગુજરાતી ગઝલના પ્રવાહમાં એ ચીલો ચાતરે છે. 28 વર્ષની વયે 1970માં પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોમલ રિષભ’ આપે છે. તેમાં ચોવીસ ગઝલો છે, બાકીનાં ગીતો છે. 1970 પછી પાંચ સંગ્રહનો સંપુટ 2005માં પ્રગટ થયો. આ પછી પણ શાંત ખૂણે બેસીને, કોઈપણ જગ્યાએ પોતાની જાતને આગળ કરવાની કોશિશ વગર એક ઋષિની જેમ ગઝલની સાધના, આરાધના અને ઉપાસના ચાલુ છે એટલે હવે સત્વરે બીજો સંપુટ આપણને મળે એવી આશા એમના 84મા જન્મદિવસે રાખવી એ અસ્થાને નથી.

પ્રથમ સંગ્રહ ‘સભર સુરાહી’ની વાત કરીએ તો એક વાત નોંધવા જેવી છે કે કવિ પાસે પોતાની અનુભૂતિઓ અને લાગણીઓને સ્પંદનશીલ અને સંવેદનશીલ શૈલીમાં રજૂ કરવાની આગવી સૂઝ છે. ‘ગઝલના મુકામ’માં શબ્દનો વિનિયોગ ધ્યાન દોરે છે.

ચમત્કાર તો શું થવાનો છે આમે
તરન્નુમ હશે કાં હશે મૌન સામે.
ફિજાંઓમાં ફુરસતની ફોરમ છે સાકી
ચલો બેસિયે ક્ષણ ગઝલના મુકામે.

અને છેલ્લા શેરમાં નરસિંહ મહેતાની કરતાલને યાદ કરે છે:

ના ગુંજન ગઝલનું, ન કરતાલ વાજે
વસીને શું કરિએ અમે એવા ગામે!

રાજેન્દ્ર પાસે ગઝલનો આત્મા એટલે ‘મૌસિકી’ છે. એમની શબ્દાવલીમાં સૂર અને સંગીત જીવંત બનીને વહેતા રહે છે. શબ્દો સાથે કામ પાડવાની એમની હથોટી એટલી સરસ છે કે એ પાણકોરાને પાનેતર બનાવી શકે છે. ખાદીને રેશમી સાડી બનાવી શકે છે. શબ્દ કોમલ થઈને ચમત્કાર સર્જે છે. આ કવિની એક આગવી સૂઝ છે યોગ્ય શબ્દો પ્રયોજવાની ‘સુખન સજીને પધારો’ ગઝલમાં શબ્દના મહિમાની સંગીતમય રજૂઆત પરંપરાને પ્રાણવાન બનાવે છે અને આધુનિકતાને તેજોમય બનાવે છે.

જેમ કે:

કરમ કરે કે કરે એ સિતમ, છે શાહે સુખન,
સમાલજે કે પડી છે હવે નિગાહે સુખન.
સુખન સજીને પધારો તમે ય અય દિલબર
જિગર રહ્યું છે હવે ફક્ત સૈરગાહે સુખન.

પહેલા ગ્રંથની શરૂઆતમાં શબ્દનો મહિમા અને ગઝલની ગરિમા દર્શાવતી ઘણી ગઝલો છે. કવિ સભાન છે ગઝલના બાહ્ય અને આંતરિક સૌન્દર્યથી, એટલે એ કહે છે કે મારા શબ્દોમાં એ સમાઈ શકે અને મને ફાવે તો હું ગઝલ કહું. જુઓ બે શેર:

લો કરું કોશિશ ને ફાવે તો કહું
શબ્દ જો એને સમાવે તો કહું.
આપની નજરો જે ફરમાવી રહી
એ ગઝલ જો યાદ આવે તો કહું.

વળી પાછું છે આ કવિને બારણું ખખડાવ્યા વગર કેવી છે. સહજ રીતે આવતી શબ્દાવલિ ન હોય તો ગઝલ તો શું પણ કોઈ પણ કવિતા લખી શકાય નહીં. રાજેન્દ્ર ‘મુસલસલ’ ગઝલ એટલે કે એક જ ભાવ કે વિચારને બધા જ શેરોમાં સંક્રાન્ત કરીને એક જ વિષય પર ગઝલ કહેવાની એમની કલાને નવું આકાશ આપે છે.
જેમ કે:

લો, ગઝલ કહું શબ્દનુંયે દ્વાર ખખડાવ્યા વિના,
આપ પણ ઊડો ગગનસમ પાંખ ફફડાવ્યા વિના.
આપ અજવાળે જ શબ્દો અરવ ઉદ્ગાતા બને
અગ્નિમંથન થાય એવું અરણિ અથડાવ્યા વિના.

ગુજરાતીમાં ગઝલના આગમનને રાજેન્દ્ર જીવંત બનાવે છે. શબ્દ ઝળકી ઊઠે ત્યારે તેનો જવાબ પણ આપે છે. જુઓ આ ગઝલ:

સુહાગે સકલ આ સજાવી તું આવી,
પલકમાં પલકને બિછાવી તું આવી.
અરે સ્થળનું અંતર અને કાળનું યે,
બધા દ્વારપરદા હટાવી તું આવી.
હવે શ્ર્વાસ જાણે કે પુષ્પોનું વર્ષણ,
બધી ડાળીઓ હલબ લાવી તું આવી.
અડે સહેજ કે શબ્દ ઝળકી ઊઠે એ –
અચલ મૌનને ઝિલમિલાવી તું આવી.

રાજેન્દ્ર એક ઘટના છે અને ગુજરાતી કવિતા સાહિત્યની મોંઘેરી સંપદા છે. થોડાક શેરથી સમાપ્ત કરીએ:

પર્વતને ઊંચકુ પણ પાંપણ ન ઊંચકાતી
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે?
મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે
આ સમજ કે અણસમજ એ ખુદ સરજતું હોય છે
એ જ વરસે વાદળી સમ ઝૂંકતું આકશથી
એ જ તો મોતી સમું પાછું નીપજતું
હોય છે.

*
અડે કૈક ત્યારે જ તન જેવું લાગે
વહે રક્ત હોવું બદન જેવું લાગે
વીંટાઈ વળે વેલરૂપે તું જ્યારે
મને વૃક્ષને કૈ પવન જેવું લાગે.
ગઝલ જેવું લાગે સ્ફુરણ હોઠનું ને
કમલકોષ મધ્યે શ્ર્વસન જેવું લાગે.

આપણ વાંચો:  ક્લોઝ અપ : સર, આઈ હેવ ડન ઈટ…! જાણો રિલ નહીં પણ રિયલ હીરોની સ્ટોરી, તેની જ જુબાની

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button