ઉત્સવ

સર્જકના સથવારે : પ્રગતિશીલ શાયર અરુણ દેશાણી

  • રમેશ પુરોહિત

ગુજરાતી ગઝલમાં સાઠના- સિત્તેરના દાયકા પછી બે ત્રણ પ્રવાહો સમાંતરે ચાલતા હતા. શયદા સાહેબની પેઢીના પરંપરાગત શાયરો પુરબહારમાં ખીલેલા હતા. આમ એક પરંપરાનો મોટો પ્રવાહ વહી રહ્યો હતો. પછી રે મઠમાંથી આવેલા આદિલ, ચિનુ મોદી અને મનહર મોદીએ પરંપરાગત થવા વિના ગઝલને નવું સ્વરૂપ આપવાની કોશિશ કરી.

પછી રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, લલિત ત્રિવેદી વગેરેએ નવી ગઝલના પગરણ માંડ્યા. આ બધામાં પરંપરિત, મધ્યમાર્ગી અને જુદી ભાષા લઈને આવેલા રાજેન્દ્ર શુકલનો ચોકો સાવ નોખો છે. આવા ત્રિભેટાના સમયે ઘણા યુવાન ગઝલકારો આપણને મળ્યા જેઓમાં પ્રયોગશીલતાના ચમકારા અને પરંપરાનો ભાગ કરવાની પ્રતિબદ્ધ કોશિશ જોવા મળે છે. આમાં એક મહત્ત્વનું નામ છે અરુણ દેશાણી.

ઘણી વખત સક્ષમ ગઝલ પણ સારી રજૂઆતને અભાવે શ્રોતાઓ સુધી પહોંચતી નથી. જ્યારે અરુણ દેશાણી પાસે કાવ્યપઠનની અનોખી છટા હતી. ગઝલમાં જે મિજાજ વ્યક્ત થતો હતો તેમાં ખુમારી હતી. તેનામાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવાની ઈશ્ર્વરદત્ત પ્રતિભા હતી.

આખું નામ અરુણકુમાર મોજીરામ દેશાણી. એમનો જન્મ 1 ઓગસ્ટ 1950ના રોજ અમદાવાદ જિલ્લાના રંગપુર ગામે થયો હતો. બોટાદ તાલુકાનું ઢીંકવાખી એ એમનું મૂળ વતન. એફ. વાય બી.એ. સુધી અભ્યાસ કર્યો. શિક્ષણ આગળ ન વધ્યું.

તેમણે ભાવનગરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સેવારત રહ્યા હતા. આમ તો નાની વયમાં જ જુલાઈ, 2012ના રોજ હૃદયરોગના હુમલા દરમિયાન અચાનક અવસાન થયું.

ગઝલ-કવિતાની સાથે સાથે સર્જકમાં સંગીતની સૂઝબુઝ હોય તો ચાર ચાંદ લાગી જાય છે. અરુણમાં આવી દેણગી હતી એટલે એમણે આકાશવાણી અને દૂરદર્શન પર પઠનના કાર્યક્રમો આપ્યા હતા. એમની કૃતિઓની કેસેટ્સ પણ તૈયાર થઈ હતી.

ભાવનગર પહેલેથી જ કવિતા- ગઝલ, સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું અગ્રગણ્ય શહેર રહ્યું છે. અરુણનું મિત્રમંડળ મોટું હતું. અનેકવિધ સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં તેઓ અગ્રસ્થાને હતા. આ કવિના સાતેક કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે જેમાં ‘ઓછપ’ (1977) ‘કાવ્ય ગુર્જરી’ (1981) ‘લહર’ (1989), ‘તમારું નામ લખી દો’ (1991), ‘સપ્તર્ષિ’ (1999) ‘મિલેનિયમ સર’ (2000) અને સરદાર વંદના (2001)નો સમાવેશ થાય છે.
ભાવનગરમાં ગઝલના શિક્ષણ માટે સ્થપાયેલી ગઝલ વિદ્યાપીઠમાં તેઓ પ્રારંભથી જ કાર્યરત હતા.

ગઝલકાર- વિવેચક એસ. એસ. રાહીએ નોંધ્યું છે કે ‘તેમણે નવી ગઝલના આવાહક તરીકે કામ કર્યું. અગ્રણી અને લોકપ્રિય ગઝલકારોની અસરમાં આવ્યા વગર તેમણે નાનકડી પણ પોતીકી કેડી કંડારી હતી! પ્રેમની પરિભાષા પણ જુદી હોવાનું આ શાયર કહે છે:

આ જમાનામાં પરિભાષા છે જુદી પ્રેમની
દેહ, મન, વાણી, વચન વટલાવવા અઘરું નથી.

એમની લાંબા રદીફની કેટલીક ગઝલોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું જેમ કે ‘હું તને જોયા કરું’, હું શું જાણું, તું શું જાણે?’ ‘ઢોલ વગાડો’ વગેરે.

તો એની સામે ‘જિંદગી’ અને ‘કાચબા’ જેવા એકશબ્દી રદીફ પરની તેમની કેટલીક ગઝલોમાં તેમની પ્રયોગશીલતા પરત્વેનો સાફસૂથરો અભિગમ જોવા મળે છે. એમણે હિન્દીમાં પણ કાવ્યો લખ્યાં છે. કવિનું કર્મ છે, સર્જકનું ચિંતન છે અને તસવ્વુફની સમજણ છે એટલે આ કવિ કહે છે કે-

જેના પરથી ના કદી પરદાઓ ઊંચકાયા,
પામવા એ ભેદનો સાચો મરમ આવ્યા.
ભાષાની સરળતા ગઝલના રંગને ઉજાગર કરવાની આવડત. તગઝૂલના મિજાજને રમાડવાની આવડત અને અંતે તસવ્વુફના અધ્યાયની ઓળખ આ કવિમાં છે. આવા ગઝલનિષ્ઠ કવિના કેટલાક શેર જાણીએ:
પાંખ ઊછીની મળે છે ક્યાં અહીં?
ઊડવાના લાખ અવસર હોય છે.
*
એમ હું ભટકી રહ્યો રસ્તા વગર
કોઈ કાગળ હોય સરનામા વગર
*
નીવડી શક્યા ન કોઈ પ્રયત્નો ય કારગત,
તૂટી પડી જ્યાં ભીંત ત્યાં હું કોને દોષ દઉં?
*
મનમાં આવે એ બધું તું બોલ મા,
જો જરા વાતાવરણ ને સ્થળ તો જો.
*
થોડો ખ્યાલ રાખવો તો જોઈએ નક્કર-
ક્યારેક કોઈ પરનો દયાભાવ પણ નડે.
*
આવી શકો તો આવ પછી હું નહીં મળું
ડૂબી જશે આ નાવ પછી નહીં મળું
*
પૂરો વિશ્ર્વાસ રાખીને તમારી નાવમાં બેઠો
હતો સામે કિનારો એ જ વખતે છળ દઈ બેઠાં?
*
પિંજરની કેદમાં ઘણાં વર્ષો થઈ ગયાં
પાંખો પસારવામાં જરા વાર લાગશે.
*
જરા અજવાસ માગ્યો ને તમે કાજળ દઈ બેઠાં,
હું પલળી ના શકું એવાં મને વાદળ દઈ બેઠાં
*
રહેતો હતો હું પહેલાં માતા-પિતાના ઘરમાં,
છે ફર્ક ઘરડાઘરમાં માતા-પિતા રહે છે.
*
જે બમણા વેગથી વકરી ગયા ઉપચાર કરવાથી,
જખમ એ લ્હોઈ લ્હોઈને બહુ થાકી જવાયું છે.
*
સામા કિનારે પ્હોંચવું ખૂબ જ સરળ હતું
નૌકાનું ડૂબવું એ તમારો અભાવ છે.

આપણ વાંચો:  વલો કચ્છ : કાપડથી કળા સુધીનો પ્રવાસ: એપ્લિકનો આલેખ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button