સર્જકના સથવારે : ધરતી પર જોયો નહીં તો આભ પર દૃષ્ટિ કરી અંતે ઊંચે મસ્તકે મારે નમન કરવું પડ્યું…
ઉત્સવ

સર્જકના સથવારે : ધરતી પર જોયો નહીં તો આભ પર દૃષ્ટિ કરી અંતે ઊંચે મસ્તકે મારે નમન કરવું પડ્યું…

  • રમેશ પુરોહિત

ગઝલની શરૂઆત ગુફ્તગૂથી થાય છે. ગઝલની મૂળભૂત વ્યાખ્યા એ છે કે પ્રિયતમા સાથેની વાતચીત પરંતુ ક્યારેક કુતૂહલ થાય છે કે એ વાતચીત શું હશે! એ વાતચીત પહેલાં બોલકું મૌન પથરાયું હશે! એ વાતચીત પહેલાં ભાષાની પણ જે ભાષા છે એ સ્પર્શની ભાષા માત્ર બે જ જાણે અને માણે એમ પ્રકટી હશે.

પ્રિયતમ પ્રિયતમાની ખૂબ નજદીક આવ્યો હશે. શબ્દના પંખીઓ હોઠ પર માંડ ફફડતા હશે ત્યાં તો ઊઠી પણ જતા હશે. પરંતુ ઊડતાં ઊડતાં એ પંખીના થોડાંક પીછાં પડ્યાં હોય, થોડાક ટહુકાઓ વેરાયા હોય એ વીણીને પ્રિયતમ વાત કરવાનો પ્રયત્ન કરતો હશે ત્યારે એનો એક લય હશે, એક સંગીત હશે અને એમાંથી ગઝલ રચાઈ હશે એવી એક સાચી પડે એવી કલ્પના કરવાનું મન થાય છે.

ગઝલની વાત કરીએ તો કહી શકાય ગઝલ એટલે હૃદયના સ્પંદન અને શબ્દનું સંવનન. ગઝલ એટલે પ્રિયતમ જ્યારે વાત કરતો હોય ત્યારે પ્રિયતમાના લજ્જાથી નમી પડેલાં પોપચાં. જો કે, પોપચાં નમવાની પણ એક રીત હોઈ શકે છે, એક શૈલી હોય છે, એક ઇબાદત હોય છે, પોપચાં અધખૂલ્લાં પણ હોઈ શકે છે. પોપચાં ભારે પણ હોય છે તો કમળ જેમ ખૂલે અને ખીલે પણ છે. ગુજરાતની ગઝલમાં છ દાયકા સુધી સતત મૂલ્યવાન પ્રદાન કરી ગયેલા આપણાં લોકલાડીલા શાયર અમૃત ઘાયલ આવા નમી ગયેલા નયનની વાત કેવી રીતે કરે છે તે નોંધવા જેવું છે.

લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે
આપણાં આધુનિક ગઝલકાર આદિલ મન્સૂરીએ ગઝલ ક્યારે શરૂ થઈ તેની વાત કરતા કહેલું છે કે જ્યારે જગતમાં પ્રેમની શરૂઆત થઈ હશે ત્યારે ગઝલની રજૂઆત થઈ હશે, જુઓ આ શેર:

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિશે વાત થઈ હશે.

આમાં પણ વાત થઈ હોવાનું કહેવાયું છે. આમ ગઝલ એ શારીરિક છે, માનસિક છે પણ ગઝલ ત્યાં જ અટકતી નથી. આશિક અને માશૂકનો પ્રેમ જ્યારે વિસ્તરીને પરમ પ્રિયતમ પરમાત્મા સુધી જાય છે ત્યારે ગઝલ એના ઊંચા અર્થમાં આધ્યાત્મિક પણ હોય છે. જેને ગઝલની જબાનમાં ઈશ્કે-હકીકી કહેવાય છે.

ગઝલનો જન્મ અરબીમાં પણ એ ગઝલના સાચા સ્વરૂપે પ્રસ્થાપિત થઈ ફારસીમાં. આમ ઈરાનની આ રમણીય સુંદરી ભારતમાં પ્રથમ ઉર્દૂમાં અને પછી ગુજરાતીમાં સોળે કળાએ ખીલી છે. ગુજરાતી સાહિત્યને ઈટલીનું સૉનેટ જેમ ફળ્યું તેમ ઈરાનની આ ગઝલ પણ ફળી. કોઈ રખે માને કે આ કોઈ અનુકરણ કે અનુરણનું પરિણામ છે.

અમુક જ વિષયના કિલ્લામાં પુરાઈ રહેવાને બદલે ગુજરાતી ગઝલે ભાવ અને ભાવનાના અનેક શિખરો સર કર્યાં છે અને ગઝલ કેવળ પ્રિયતમા પૂરતી સીમિત રહેવાને બદલે માનવતાનો મજનૂ થઈને માનવતારૂપી પ્રિયતમાને પણ આરાધે છે. વિષયનો કોઈ છોછ નથી. અભિવ્યક્તિના કોઈ બંધન નથી. આ કાવ્ય પ્રકારમાં આંચકો આપ્યા વિના સંસ્કૃત અને અંગ્રેજી શબ્દો ફારસી-ઉર્દૂ શબ્દોની પંગતમાં ગોઠવાઈ શકે છે.

ઐતિહાસિક દૃષ્ટિએ ગુજરાતી ગઝલનો પ્રારંભ ભલે કલાન્ત કવિ બાલાશંકર કંથારિયા, મણિલાલ દ્વિવેદી અને કલાપીથી કહેવાય, પણ આપણે ત્યાં ગઝલનો પહેલો વળાંક શયદાથી આવ્યો. ગઝલ ફક્ત શબ્દોની આતશબાજી નહીં પણ શયદા કહે છે તેમ :

ગઝલ શયદાની સાદી સાવ છે
પણ છે મનન માટે
શયદા સાહેબ સાથે અનેક ગઝલકારો હતા જેમણે ગઝલના નવા રૂપરંગને નિખાર આપવામાં, ગઝલની કાયાપલટ કરવામાં અને એક નવી શૈલી વિકસાવવામાં મહત્ત્વું પ્રદાન કર્યું છે. મરીઝ, અમૃત ઘાયલ, શૂન્ય પાલનપુરી, બેફામ, સૈફ એ મહત્ત્વનાં નામો છે જેનાથી ગુજરાતી ગઝલમાં બીજો વળાંક આવ્યો. મરીઝે તો બે પંક્તિમાં ગઝલનું હાર્દ સમજાવ્યું :

હો ગુર્જરીની ઓથ કે હો ઉર્દૂની મરીઝ
ગઝલો ફક્ત લખાય છે દિલની જબાનમાં
જેમ માણસને કાળના તબક્કામાંથી પસાર થવું પડે છે એવું જ માનવસર્જિત કાવ્યસ્વરૂપનું થાય છે. ગઝલ કેટલાય તબક્કામાંથી પસાર થઈ છે અને વર્ષોથી કાયાપલટ-માયાપલટ થતી રહી છે. શેખાદમ આબુવાલા, આદિલ, મનહર, ભગવતીકુમાર શર્મા, મનોજ ખંડેરિયાથી મુકુલ ચોક્સી અને શોભિત દેસાઈ સુધી આપણને અનેક ગઝલકારો મળ્યા, ગઝલ ગહન થતી ગઈ. રાજેન્દ્ર શુક્લ કહે છે તેમ :

કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે
મારું સ્વરૂપ શું છે મારો સ્વભાવ શું છે
આમ ગુજરાતી ગઝલનો આછો નકશો જોયા પછી એના સ્વરૂપ અને સ્વભાવની વાત કરીએ. આપણે તો વાત કરવી છે ગઝલની ઈબારતની એટલે કે એની શૈલીની પરંતુ ગઝલ ફક્ત ઈબારતથી બની શકે નહીં એને માટે જરૂરી છે અદા, છટા અને ચોટ સાધવાની શક્તિ પણ. પ્રિયતમાના અંદાજની વાત કરીને ગાલિબે ગઝલના અંદાજની વાત કરી છે. જાન લઈ લે એવી એક એક અદા એટલે ગઝલ
બલા-એ-જાં હૈ ‘ગાલિબ’ ઉસકી હર બાત
ઈબારત ક્યા, ઈશારત ક્યા અદા ક્યા
ઈબારત એટલે શૈલી, ઈશારત એટલે પ્રતીક-સંકેત અને અદા એટલે છટા. આ ત્રણ હોય તો ગઝલ બને. પ્રેમની દાસ્તાન પ્રભાવશાળી શૈલીમાં પ્રકટ ન થાય તો પરિણામ આવે નહીં. વિચારોની આપલે તો ગદ્યમાં પણ થઈ શકે છે, પરંતુ વિશિષ્ટ પ્રભાવ માટે જ કવિતાનો જન્મ થયો છે. શૈલી, પ્રતીક અને અદાના રંગોની મિલાવટથી કલ્પનાચિત્ર રજૂ થાય તો ભાવ સૌંદર્ય ઊપસે છે. શબ્દ અને અર્થ સાથે યોજાતા પ્રતીકો વર્ણ્ય વિષયના શીલને અને શૈલીને યથાર્થ રીતે પ્રગટ કરે છે. અભિવ્યક્તિની તાકાત અને તાજગી હોય તો સૌન્દર્ય-બોધ અને બોધ-સૌન્દર્ય થાય છે. કવિ ગમે તેટલો સિદ્ધહસ્ત હોય તો પણ દુનિયામાં કદી કોઈને ન આવ્યો હોય એવો વિચાર પેદા કરી શકતો
નથી. કવિતામાં નાવીન્યનો અર્થ એ છે કે કવિ
બીજાઓ કરતાં વધુ અસરકારક રીતે કોઈ વિચાર રજૂ કરે અથવા સ્પષ્ટ શૈલીમાં રજૂ કરે. જેમ કે બેફામનો એક શેર :

ધરતી પર જોયો નહીં તો આભ પર દૃષ્ટિ કરી
અંતે ઊંચે મસ્તકે મારે નમન કરવું પડ્યું
ગઝલકારમાં મસ્તી હોય તો જ ગઝલનો મિજાજ બને, ગઝલનો રંગ તગઝ્ઝુલ બને. ગમે તેટલા કલ્પતોથી મિજાજ બને નહીં. મરીઝના બે શેર જુઓ:

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે
ન માંગ એની પાસે ગજાથી વધુ જીવન, એક પળ એ એવી દેશે, વિતાવી નહીં શકે.

ગઝલના અંદાજે-બયાંનો દોર ચાલુ રહેશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button