ઊડતી વાત : કોન્ટ્રાકટર કરસન કેમ કરે છે કાળો કકળાટ? | મુંબઈ સમાચાર
ઉત્સવ

ઊડતી વાત : કોન્ટ્રાકટર કરસન કેમ કરે છે કાળો કકળાટ?

  • ભરત વૈષ્ણવ

રૂપિયાપ્રિય સાહેબ,

કોન્ટ્રાકટર કરસનના કોટિ કોટિ કપટી ચપટી પ્રણામ.

તમે સકુશળ હશો. એવું ન હોય તો વળતી ટપાલે લખજો. તમારા ઘરે સ્પેશિયલ ડોકટરોની ટીમ મોકલી આપીશ. આઇસીયુમાં દાખલ થવું પડે તો પણ ચિંતા કરશો નહીં. ખર્ચ કેટલો થશે એવો સવાલ તમારા મનમાં આવશે. સાહેબ, અમે તમને કયા દિવસે કામ આવીશું? ખર્ચ તો ફાઇનલ બિલમાં વધારાની આઇટમ કે જથ્થા વધારામાં કલેઇમ કરી લેશું. સાહેબ, ઘણા વેપારીઓ કૂતરાંને બિસ્કીટ ખવડાવ્યાના ખર્ચના હિસાબમાં અધિકારીને આપેલ લાંચ ઉધારે છે. તમારે ખર્ચ કયાં પડે છે તેની સાથે કયા સંબંધ છે? તમારે પૈસા મૂકવા સિવાય ખિસ્સામાં હાથ ન નાખવો પડે એટલે હાઉં, શું કિયો છો?

અમે તો તમે સદાય સ્વસ્થ રહો, તમે કમાતા રહો, અમને પણ કમાણી કરવાની સો કેરેટના સોના જેવી તકો ટેન્ડર મંજૂરી મારફતે આપતા રહો એવી અમારી અનંતકાળની આધ્યાત્મિક અભ્યર્થના હોય છે.

લોકો આપણી એટલે કે કોન્ટ્રેકટરોની ટીમને રંગા-બિલ્લાની ટોળી જેવું અપમાનજનક નામ આપે છે. તમે અને હું બંને જાણીએ છીએ કે નામમાં શું હોય છે? અમે જુદા જુદા નામે નજીવી રકમના તફાવત ધરાવતાં ટેન્ડર ભરીએ છીએ. તમે એ ટેન્ડર મંજૂર કરો છો. એ રહસ્ય હવે ઓપન ફોર ઓલ થઇ ગયું છે. સરકાર વન નેશન વન રેશનકાર્ડ, વન નેશન વન ટેકસ, વન નેશન વન ઇલેકશન જેવા ભ્રામક સત્યની જાળ કરોળિયાની જેમ ગૂંથે છે. અમને તો એવો આઇડિયા આવે છે કે સરકાર વન નેશન અને વન કોન્ટ્રેકટર કે સબલેટ કોન્ટ્રેકટર જેવી મોનોપોલી સર્જક સ્કિમ શા માટે લોંચ તરતી મુકતી નથી. આમ, પણ લોકો ‘મિલે સૂર અધિકારી કોન્ટ્રેકટર તો પુલ તૂટે પબ્લિક કા’ એવો કર્કશ કલબલાટ કરે છે.

સાહેબ, તમે મામૂલી પગારદાર. તમે લેવિશ લાઇફ જીવો છો. સ્વિસ બેંકમાં એકાઉન્ટ ખોલાવેલ છે. અમે પણ મુફલિસ મજૂર હતા. તેમાંથી લેબર સપ્લાય કોન્ટ્રેકટર બન્યા. તમારો હાથ તો પારસમણી છે પારસમણી. તમે ટેન્ડરમાં ગફલા કરતા, આંકડા આઘાપાછા કરતા શીખવાડયું. અમારા પર તમારી મીઠી નજર તો હતી, એટલે અમને ધડાધડ ટેન્ડરો મળવા લાગ્યાં. ગુણવત્તાના મામલે આપણે બેઉ આવ ભાઇ હરખા આપણે હોય સરખા જેવો સહોદર સંબંધ છે. તમે જ વીસ ગ્રેડની સ્ટ્રેન્થના સળિયાને બંગલે પાંચ ગ્રેડની સ્ટ્રેનથના સળિયા લગાવવાનું શીખવ્યું . એક વાર લોટ, પાણી અને લાકડાં ભેગા થઇ જાય એટલે કોઈ પુલ બંધાઇ જાય પછી કોને તેની ખબર પડે. કવોલિટી કંન્ટ્રોલના સાહેબોને પણ પેટ હોય છે અને પેટને રોટલીની નહીં, પરંતુ, ગાંધીછાપ નોટોની ભૂખ હોય છે. એક પુલ બનાવીએ અને સો સાલ ચાલે તો આપણે શું તગારા કમાવવાનું? દર દસ વરસે પુલ બનાવીએ તો જ સૌનું લાંચમય અસ્તિત્વ માત્ર ટકી ન રહે….પરંતુ અસ્તિત્વ દ્રઢ થાય. વિકાસ પણ વધતો જાય તે નફામાં.

સાહેબ સાચું કહું? હું સાચું કહીશ તો પણ તમે ‘કોન્ટ્રેકટર રગે રગે જૂઠા હોય છે’ એમ મોં મચકોડીને કહેશો. આપણું અધિકારી-કોન્ટ્રેકટરનું સહિયારું સરસ ચાલતું હતું.આપણી સાંઠગાંઠના ઉદાહરણ આપવામાં આવતા હતા. તમે કે હું હરિશ્ચંદ્રના સીધી લીટીના વારસદાર નથી. પહેલાંના જમાનામાં પુલ કે રોડ બનાવવામાં આવે તો સાલ્લા તૂટતા જ ન હોય. ઉપરાંત પુલ બનાવનાર કે રોડ બનાવનાર પેઢી આ બેલ મુજે મારની જેમ પુલ સો વરસ ટકશે તેવું લેખિતમાં કાંડા કાપી આપતી હતી. અને એ ગાંડિયા સાચા પણ પડતા હતા.

અત્યારે તો ઉદઘાટનના અઠવાડિયામાં રોડ પરનો ડામર ઉખડવા માંડે છે. મહારાષ્ટ્રમાં એક હાઇ- વે બનાવવા અબજો રૂપિયાનો ખર્ચ કર્યો. હાઇ- વે તો ખુલ્લામાં હોય. કોઇ ઓડિટેરિયમ હોય તો ધ્વનિ પ્રદૂષણ ન થાય તે માટે નોઇઝ બેરિયર લગાવવા પડે. આ તો હાઇ -વે પર નોઇઝ બેરિયરમાં કરોડો રૂપિયાનું આંધણ કરાયું. એ સલામત રહ્યું પણ રોડની એક સાઇડ વપરાયા વગર જર્જરિત થઇ ગઇ. પ્રજાના ટેકસના રૂપિયાના ધૂળ અને ઢેફા થયા.

સાહેબ, તમે જંગલી મહારાજ રોડ વિશે સાંભળ્યું છે? એ રોડ કોઇ જંગલના મહારાજા કે જંગલી મહારાજે બનાવ્યો નથી. મહારાષ્ટ્રના પુણે શહેરમાં જંગલી મહારાજ રોડ એટલે કે જે.એમ. રોડ છે. આ રોડનો કોન્ટ્રેકટ બે પારસી ભાઈઓની કંપની રેકોન્ડો નામની પેઢીએ 1976માં બનાવેલ. કોન્ટ્રેકટરોએ રોડ દસ વરસ સુધી ટકશે એવી બાંહેધરી આપેલ. આ રોડ આજે પણ ચકાચક ચાલે છે. રોડ પરથી એક કાંકરી ખરી નથી. આ કંપનીએ કરેલ મજબૂત કામ બદલ સરકારે કંપનીને શિરપાવ આપ્યો હશે એવું તમે વિચારતા હશો તો તમે ખાંડ ખાવ છો. સરકારે આ કંપનીએ ભરેલ એકપણ ટેન્ડર મંજૂર કરેલું નહીં. કેમ? આવા મજબૂત રોડ બનાવી અધિકારી-કોન્ટ્રેકટરના હાથમાં શકોરું પકડાવવાનું છે?

સાહેબ માની લો કે તમારી રૂપિયાની ભૂખ અને નબળા માલથી પુલ કે રસ્તો તૂટી જાય તો તમારે આંખ આડા કાન કે નાક આડા કાન કરી લેવા જોઇએ. અમે પ્રખર દેશભક્ત છીએ. પણ દેશભક્તિથી તમારો પરિવાર અને અમારો પરિવાર ચાલતો નથી. માત્ર ફલાણાનો પરિવાર કહેવાથી પેટનો ખાડો ભરાતો નથી. તમે તો સાહેબ દેશને ચૂનો લગાવતાં લગાવતાં અમારા પર ચૂનો લગાવી દો એ કેટલું વાજબી ગણાય? તમે પણ કાચના ઘરમાં અને અમે પણ કાચના ઘરમાં પછી પથ્થરમારો કરવાથી કાચના વેપારીને જ ફાયદો થાય. સાહેબ, અમે તમારો રોટલો સાચવ્યો, ઓટલો સાચવ્યો અને બેંગકોક પતાયામાં ખાટલો પણ સાચવ્યો. તમે બદલામાં શું કર્યું? અમારી ખટિયા ખડી કરી દીધી.
સાહેબ, તમે એક બે રૂપિયા દંડ કરો તો સમજ્યા, પરંતુ, તમે તો કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો. એ કાગળ પર સહી કરતા તમારો જીવ કેમ ચાલ્યો? તમારી પેનની ટાંક કેમ ન તૂટી ગઇ. સાહેબ, તમે તો પેલી ગઝલ જેવું કર્યું : ‘અચ્છા સિલા દિયા મેરે પ્યાર કા સાહેબને લૂંટ લિયા ઘર ઠેકેદાર કા…. ’ તમે પાછા અમને કબરમાં સૂવડાવીને જશ્ન પણ કરશો.

ચાલો, જેવી તમારી મરજી. અમારા પર રહેમ કરો એવી અરજી. પત્ર લાંબો થયો છે. પત્ર ટૂંકાવીને વાંચજો. કંઇ જોઈતું કારવતું હોય તો મંગાવી લેજો. તમારી ભૂખ ક્યારેય શમવાની નથી.

લિખિતંગ,

કરશન કોન્ટ્રેકટરના જયહિન્દ.

આપણ વાંચો:  બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે ઃ નવરાત્રિ: આ માનીતા ઉત્સવમાં શીખી શકાય માર્કેટિંગના સચોટ પાઠ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button