ઊડતી વાત : રાજુ રદીએ ઝમકુડીને કેટલી વાર પ્રપોઝ કર્યું? | મુંબઈ સમાચાર
ઉત્સવ

ઊડતી વાત : રાજુ રદીએ ઝમકુડીને કેટલી વાર પ્રપોઝ કર્યું?

  • ભરત વૈષ્ણવ

‘ગિરધરલાલ, હું એક બાબતે મૂંઝાયો છું.’ રાજુને પોતાની મૂંઝવણ વ્યક્ત કરી. રાજુ પોતે કાયમ ક્ધફયુઝડ હોય છે. એનું દિમાગ કાયમ પાણી વલોવીને માખણ કાઢી તેનું ઘી બનાવવા ઇચ્છતું હોય છે. રાજુ દેખાવે કોડા જેવો લાગે છે. લગ્ન માટે જમૈકાની શ્યામાંગના પણ એને હા પાડતી નથી.

‘રાજુ લગ્ન કરવા જ જોઇએ.’ મેં રજૂઆત સાંભળ્યા વગર મેં લગ્ન કરવાનું લોકશાહી ઢબે ફરમાન કર્યું.

‘ગિરધરલાલ, તમે ચીફ ઇલેકશન કમિશનર જ્ઞાનેશકુમાર નથી. તમે મારી વાત સાંભળ્યા વગર મનની વાત ઝૂડઝૂડ કરો છો.’ રાજુએ મને પેટ્રોલથી પાતળો કરી નાખ્યો.

‘સોરી રાજુ, તારે કંઇ વાતે મારું માર્ગદર્શન જોઇએ છે.’

‘ગિરધરલાલ, કોઇ છોકરીને કેટલીવાર પ્રપોઝ કરવું જોઇએ?’

લો, બોલો આ કોઇ સવાલ કહેવાય? રાજુના સવાલો કાયમ મોં માથા વગરના હોય છે. હું કોઇ એફ એમ રેડિયોના લવ ગુરુ પ્રોગ્રામનો રેડિયો જોકી થોડો છું કે રાજુ મને આવા સવાલ પૂછતો હશે?

‘રાજુ, તે ખોટા માણસને ખોટો સવાલ પૂછયો છે. હું આ ઉંમરે પણ કોઇ સ્ત્રી સાથે વાત કરતા ગેંગેંફેંફેં થઇ જાઉં છું તો પછી પ્રપોઝની વાત જ કયાં આવે છે?’ મેં સ્પષ્ટતા કરી.

‘રાજુભાઇ, તમારા ભાઇબંધમાં એવી આવડત હોત તો મારા લગ્ન તેમની સાથે થવાના બદલે સલમાનખાન સાથે થયા હોત.’ અચાનક રાધારાણીએ હદય નામના કૂકરમાંથી હૈયાવરાળ કાઢી.

‘રાજુ શું શું ચક્કર છે? તારો પગ કોઇ કમનીય કામિનીના કુંડાળામાં પડી ગયો છે કે શું? આવું હોય તો સાચવજે ભાઇલા.ગાલિબે કહ્યું છે કે…’

મને અને ગાલિગને વચ્ચેથી કાપી નાખીને રાધારાણીએ એનો વણમાગ્યો અભિપ્રાય પેશ કર્યો :

‘રાજુભાઇ, પ્રેમના મામલે સ્ત્રી કદી પહેલ કરે નહીં. માટે તમને કોઇ પર લાગણી કે ક્રશ હોય તો તમારે તે છોકરીને સામે ચાલીને પ્રપોઝ કરવું પડે. અપવાદરૂપ કિસ્સામાં છોકરી સામે ચાલીને પ્રપોઝ કરે પણ ખરી.’ રાધારાણીએ રાજુને છોકરીની માનસિકતા સમજાવી

‘રાજુ, રાધારાણીની વાત સાચી છે…’ મેં ઉમેર્યું.

‘રાજુભાઇ, મનની વાત મનમાં ન રાખવી જોઇએ. ગમતા પાત્રને એક વાર ચિઠ્ઠીચપાટી, મિત્ર કે સખી મારફત લવલેટર કે પછી આમને સામને થઇ તમારી લાગણીની આરપાર લડાઇ કરવામાં કશું ખોટું નથી.’ રાધારાણીએ એક વધુ સલાહ આપી.

‘રાજુ, આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ છે. કોઇ છોકરીને કોઇ છોકરો પહેલી વાર પ્રપોઝ કરે અને છોકરી હા પાડી દે તો તેને સામેનું પાત્ર ચિપ અને ચાલુ ટાઇપની છોકરી માને છે. એટલે છોકરી હૈયે હા હોય તો પણ હોઠેથી ના પાડે છે.’

રાજુએ અમારી વાતચીતમાંથી શું ગ્રહણ કરું એ તો ભગવાન કે શૈતાન એટલે કે રાજુ જાણે…

રાજુએ કોઇ ઝમકુડી નામની ઇન્ટર્ન પત્રકારને પ્રપોઝ કરવાનું શરૂ કર્યુ. શહેરમાં બગીચા તો કયાં બચ્યા છે? રાજુએ ઝમકુડીને સૂકા તળાવની પાળે, બહુમાળી બિલ્ડિંગના ભોંયરામાં, વાહનથી ભરચક રોડના ડિવાઇડર, પગ મૂકવાની જગ્યા ન હોય તેવી ફૂટપાથ, સ્મશાનઘાટ, ભૂત બંગલામાં એમ કેટકેટલી જગ્યાએ પ્રપોઝ કર્યું. ઝમકુડી સાક્ષાત ઇન્કારનો અવતાર હતી. ઝમકુડી એકની બે ન થઇ. છેલ્લે તો રાજુએ એકાવનમી વાર આખરી દાવ ખેલ્યો.

‘ઝમકુડી હું તારા વિના લુખ્ખું ખાતો નથી. માપસર ચિલ્ડ બિયર પીવું છું. ગમે તે બાજુથી પલંગ પર ચડું-ઉતરું છું અને પલંગમાં એકલો આળોટું છું. મારી જીંદગીમાં બેહદ સુખી છું. હું મારા જીવનમાં પાનખર ચાહું છું. દુ:ખના દાળિયા ખાવા ઇચ્છું છું. હું એક નહીં સાત ભવ દુખી થવા ચાહું છું. મને દુખી કરવા મારા જીવનમાં વાઇલ્ડ કાર્ડથી એન્ટ્રી લે. મને ભરપૂર દુખી કર દે.’ એવું નાટકીય અંદાજથી કહ્યું.

સુખી આદમીને દુ:ખી કરવાની તક કોઇ સ્ત્રી ચૂકે ખરી? ઝમકુડીએ હા પાડી કે તરત જ ઉપરથી કચરોકૂડો પડ્યો. ક્યાંક કૂતરાએ ભસવાનુ ચાલું કર્યું. હવે એ બંને દુ:ખના દરિયામાં કકળાટના કાગજની કસ્તી તરાવે છે.

આપણ વાંચો: વાચકની કલમે: કૃષ્ણ ને રાજનીતિ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button