ઉત્સવ

હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે

સર્જકના સથવારે – રમેશ પુરોહિત

આપણે ગઝલકાર કવિઓના જીવન કવનની વિગતે ગોઠડી માંડીએ છીએ. ગઝલના અવતરણથી શરૂ થયેલી પરંપરાગત ગઝલોના સર્જકોની વાત લગભગ પૂરી થઇ રહી છે. હવે આધુનિક ગઝલકારો અને તેના નિતનવીન સર્જનોની વાત શરૂ થશે. ઉર્દૂમાં ગઝલ છેલ્લાં નવસો વર્ષથી લખાય છે. હિન્દીમાં ગઝલ પ્રકાર ઘણા વખતથી ખેડાય છે જેને દુષ્યન્તકુમારે નવી ઓળખ આપી. ગુજરાતી ગઝલ લગભગ 150 વર્ષથી સાચા સ્વરૂપમાં લખાઇ રહી છે, ત્યારે બીજા ગઝલ સર્જકોની વાત કરતાં પહેલા કાવ્ય પ્રકાર તરીકે ગઝલના મૂળ અને કુળની વાત કરીએ કરીને આ પ્રકારની સાથે ઓળખાણ કરીએ.

આપણે ગઝલનો ઇતિહાસ સમજવો છે, પણ તારીખોના ભાર વગરનો કે કોઇ નિશ્ચિતક્રમ વિનાનો. જે રીતે સ્મૃતિમાંથી આકારાય છે એ જ રીતે ફકત ગુજરાતી સાહિત્યની અને ગઝલ સાહિત્યની વાત કરીએ. ગુજરાતી કવિતા સાહિત્યમાં કેટલાંક નવાં નવાં કાવ્ય સ્વરૂપો આવ્યાં, તેમાંથી કેટલાંક સ્થિર થયાં, કેટલાંક પૂરતા પ્રમાણમાં સ્થિર ન થઇ શકયાં તો કેટલાંક સમયના પ્રવાહમાં વહી ગયાં.

ગુજરાતીમાં અન્ય ભારતીય ભાષાઓના કાવ્ય પ્રકારો તો આવ્યા પણ અન્ય દેશોના કાવ્ય પ્રકારોનો ઉદ્ભવ થયો. જેમ કે સૉનેટ, હાઇકુ, સરરિયલ, ત્રિક, તાન્કા અને ટ્રાયો જેવા કાવ્ય પ્રકારોને આપણે અપનાવ્યા. અરબી-ફારસી કાવ્ય પ્રકાર ઉર્દૂ મારફતે ગુજરાતીમાં ગઝલસ્વરૂપે આવ્યો. અને એવી માવજત મળી કે ગઝલ ગુજરાતણ બની ગઇ. ઉર્દૂ ગઝલ કરતાં પણ ઝડપથી વિકસેલી ગુજરાતી ગઝલે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આવી જ રીતે સૉનેટ અને હાઇકુ પણ વિકાસ પામ્યા છે.

સૉનેટ મૂળ તો ઇટલીનું કાવ્યસ્વરૂપ. એ અંગ્રેજી મારફત આપણે ત્યાં સવિશેષ પ્રચલિત થયું. સૉનેટને આપણે ત્યાં લાવવાનો યશ બળવંતરાય ઠાકોરને જાય છે. એ જ સમયગાળામાં મરાઠીમાં કેશવ સુત અને બંગાળીમાં માઇકલ મધુસુદન દત્ત સૉનેટ લઇ આવ્યા. હાઇકુ જપાનીઝ કાવ્યપ્રકાર છે. જેને કવિ સ્નેહરશ્મિએ પ્રચલિત કર્યો.

ગઝલ આપણે ત્યાં આવી. આજે પણ ગઝલનું બાહ્ય માળખું અને છંદ ફારસી- અરબીમાંથી આવેલા છે તે જ છે. શરૂઆતની ગઝલની વાત કરીએ. બહુ ઓછાને ખબર હશે કે રસિક ગરબીઓના ગાયક દયારામે રેખતા-ગઝલો આપી છે. દયારામ વ્રજભાષાના અભ્યાસી હતા. એમણે આ ભાષામાં ઉત્તમ સર્જનો આપ્યાં છે. એટલે રેખતા- ગઝલની અસર એમની કવિતા ઉપર થાય તેમાં કશું અજુગતું નથી. દા.ત.

લગી હય યાદ પ્રીતમ કી
તલફ કે જીયા જાયેગા
મુજ હી સે કહો સેયાં મોરી
મેરા જાની કબ આયેગા ?

કવિશ્રી દયારામે પ્રાસની સભાનતા સાથે રેખતા આ રીતે આપ્યા છે.

એક ખૂબસૂરત, ગભરુ, ગુલઝાર સાંવલા
તઅરીફ કયા કરું? હય સબ બસ્તમેં ભલા

ગઝલનો જન્મ કસીદામાંથી થયો. કસીદા એટલે પ્રશસ્તિ કાવ્ય. રાજા-મહારાજાના યુગમાં આ કાવ્ય-પ્રકારનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ થતો હતો.

કસીદાની રચના ત્રણ ભાગે થાય છે. પ્રથમ ભાગને તશ્બીબ કહેવામાં આવે છે. બીજા ભાગમાં પ્રશંસા (મદહ) અને છેલ્લે `દુઆ’ આવે છે. ઇશિક્યા કસીદામાં પ્રેમ, વિરહ, મિલન વગેરેનું વર્ણન હોય છે. આ પ્રકારના કસીદામાંથી ગઝલ જન્મી. ધીમે-ધીમે કસીદા-ગોઇ ઓછી થતી ગઇ. એટલે કવિઓએ માત્ર તશ્બીબ લખીને સંતોષ લેવાનું શરૂ કર્યું. આ તશ્બીબ એ ગઝલનું મૂળ સ્વરૂપ.

આમ કસીદામાંથી જન્મેલી ગઝલે જે બાહ્ય સ્વરૂપ અપનાવ્યું તે પણ કસીદાનું જ છે. સૌ પ્રથમ `મત્લા’ આવે. મત્લામાં અને બંને પંક્તિઓમાં કાફિયા-રદીફ આવે. પછી શે’રો આવે એમાં પ્રથમ પંક્તિ ખાલી અને પંક્તિમાં મત્લા જેવા જ કાફિયા-રદીફ હોય છે. છેલ્લે મકતા જેમાં શાયરનું ઉપનામ કે નામ આવવાથી વાંચનાર કે શ્રોતાને ખ્યાલ આવે કે હવે કૃતિ પૂરી થાય છે. આમ મત્લાથી મકતા સુધી કાફિયા-રદીફના બંધનવાળું આ સ્વરૂપ ગઝલે અપનાવ્યું અને એટલું બધું ફાવી ગયું કે 900 વરસથી કોઇ પણ જાતના ફેરફાર વિના આજ પણ ગઝલ એ સ્વરૂપને વળગી રહી છે.
દયારામ વ્રજભાષામાં ગઝલ જેવું કંઇક લખતા હતા. ત્યારબાદ ફારસી, ગુજરાતી અને સંસ્કૃત શબ્દોનો વિનિયોગ કરતી કવિ છોટમની નઝમનુમા ગઝલ રચના મળે છે:

ગઝલ એક સૂનલો મેરી
કુશલતા અપાર સર્જન કેરી
કારીગર કૌન હય ઐસા
સહિત જીવ કિયા કૈસા.

આમ રેખતાથી બીજ વવાયું અને પછી કૂંપળો ફૂટી ત્યારે આપણને મળે છે. બાલાશંકર કંથારિયા, ઠક્કર નારાયણ વિસનજી, અમૃત કેશવ નાયક, જગન્નાથ દામોદર ત્રિપાઠી સાગર', કવિ કલાપી, મણિલાલ દ્વિવેદી કાન્ત,મસ્તાન’, `દિવાના’ નઝીર ભાતરી, પત્તલ સાબિર વટવા, નસીમ, શાહબાઝ. બાલાશંકર અને ઠક્કર નારાયણ વિસનજીને ફારસીનો સારો અભ્યાસ હતો.અમૃત નાયકને ઉર્દૂનું જ્ઞાન હતું. મુસ્લિમ શાયરોને સહજપણે ઉર્દૂની સમજ હતી. થોડીક ખામી-યુક્ત, થોડીક આંતરતત્ત્વની સુઝવાથી ગઝલ યાત્રા આગળ વધી અથવા કહો કે કાફલો મંઝિલ ભણી લઇ જવામાં તેઓનો ફાળો બહુ જ મોટો છે. કલાપી, કાન્ત, સાગરની શરૂઆત સારી હતી એટલે પાયો મજબૂત બનાવવામાં બહુ મુશ્કેલી નડી નહીં. ચાલો એ વખતની ગઝલયાત્રાની ઝાંખી કરીએ :

મિઝાઝે ઇશ્કના રસ્તા બડા બારીક છે અહીંયાં
કદરદાની ચઢી તે પર કદાપિ જોઇ છે અહીંયાં.

  • મણિલાલ દ્વિવેદી

તમારા રાજ્યદ્વારોના ખૂની ભપકા નથી ગમતા
મતલબની મુરવ્વત ત્યાં, ખુશામદના ખઝાના જયાં

  • કલાપી

તને હું જોઉં છું ચન્દા! કહે ! તે એ જુએ છે કે ?
અને આ આંખની માફક-કહે તેની રુએ છે કે?

  • કાન્ત

ન કર અમૃત ! શિકાયત કે, એ બુત છે પથ્થરો છે બસ
હૃદય તુજ મીણનું રાખ્યાથી તારો હાલ અબતર છે.

  • અમૃત નાયક

ગઝલની દેવી ઓ દિલજાન તને સર્વસ્વ અર્પણ છે
બધી દુનિયાનું ગઝલિસ્તાન અનાદિથી સમર્પણ છે.

  • સાગર

જમાવું છું હવે હું સૂર-દિલના તાર તોડીને
કલેજું હાથમાં છે, આજ સાંભળનાર જુદો છે
-ફકીર

તને નિહાળી ગઝલના સ્વરૂપમાં
`ફકીર’ જાન મારી ફિદા થઇ ગઇ છે

  • ફકીર

ઊભી આયના પાસ દિલબર મહારી
તને જોઉં કે છબી જોઉં તારી?
ન ચહેરો જરા ચહેરાથી જુદો છે
ખુદાનો ન બંદો ખુદાથી જુદો છે

  • પત્તીલ

હરદમ ગુલાબો છાબભરી વહેંચતો રહ્યો
માળીથી તાજાં પુષ્પોનું અત્તર ન થઇ શકયું

  • સાગર

જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપની
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની

  • કલાપી

ઠેસ પહોંચાડવી છે હૈયાને ?
કોઇ તાજું ગુલાબ લઇ આવો
`કાબિલ’ ડેડાણવી.
હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની ?
ઊભો છે શયદા ઉંબરમાં આવી, ન જાય ઘરમાં, ન બ્હાર આવે

જનારી રાત્રી જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે
હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે
-શયદા

આ પણ વાંચો…સર્જકના સથવારે : પ્રગતિશીલ શાયર અરુણ દેશાણી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button