આ લેખ વાસ્તુશાસ્ત્રીને પૂછયા પછી જ વાંચવો…

હાસ્ય વિનોદ – વિનોદ ભટ્ટ
વાસ્તુશાસ્રનો બેઝ પાયો વિવિધ દિશા છે, એ પણ શક્ય છે કે આ શાસ્રના આધારે જ દિશાઓ રચાઈ હશે. એ જે હોય તે, પણ જે માણસ દિશાશૂન્ય બની જાય છે તે વાસ્તુશાસ્રી (તેમજ જ્યોતિષી) પાસે પહેલો દોડી જાય છે.
આ દિશાનાં પ્રભુત્વની વાતો કરીએ તો કોર્ટમાં આરોપીનું પાંજં અગ્નિખૂણા તરફ ગોઠવવામાં આવે તો આરોપી ફટાફટ સાચું બોલવા માંડે છે ને તેને વકીલ પણ સત્ય બોલતો અટકાવી શકતો નથી… જે દીકરી હુંશિયારી મારતી હોય, સારાં સારાં માગાં આવતાં હોવા છતાં આ હઠીલી સુપુત્રી નન્નો જ ભણ્યા કરતી હોય તો તેને ઉત્તર-પશ્ચિમ દિશાઓની વચ્ચે હોય એવા બેડરૂમમાં, પશ્ચિમ દિશા બાજુ માથું રહે એ રીતે સુવડાવવી, તેનો પલંગ ખૂણામાં, બારી પાસે ન રાખવો (જેથી એ બારીમાંથી બહાર કૂદી પડવાની પ્રેરણા તેને ન મળે.) એ રૂમમાં ત્રિકોણ આકારનું ફર્નિચર રાખવું નહીં. ના, કોર્નરટિપાઈ પણ નહીં.
આટલું ધ્યાન રાખશો તો વહાલના દરિયા જેવી દીકરીનું મન બદલાશે, તેને સદ્બુદ્ધિ આવશે, એટલે તે લગ્ન કરવા તૈયાર થઈ જશે, અથવા તો મનગમતા એકાદ ધનિક બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા નાસી જશે. ટૂંકમાં તમારી એક મોટી જવાબદારી પૂરી થશે.
જો પૂર્વ-ઉત્તર કે ઈશાન દિશા તરફ નીચાણ હોય અને ઘરમાં પૂરતી મોકળાશ હોય તો એ ઘરમાં રહેનાર પુષવર્ગનાં માનપાન ઘરમાં પણ વધે છે. ઓફિસનો સ્ટાફ સાહેબ’ કહીને બોલાવે છે એ રીતે ઘરમાં બધાં, પત્ની સહિત બધાં જસાહેબ’ના સંબોધનથી બોલાવે છે. જેમ કે ભટ્ટસાહેબ, જરા બજારમાં જઈને અઢીસો ગ્રામ ભીંડા લઈ આવશો? કે પછી સાહેબ, સ્ટોરરૂમમાંથી થોડો કચરો વાળી નાખશો? પુષવર્ગનું આયુષ્ય વધે છે.
અસ્થમા, આર્થ્રાટીસ, એસિડીટી, કાર્ડિયાક પ્રોબ્લેમ વ. જેવી તકલીફો તીવ્ર માત્રામાં રહેવા છતાં માણસ, આ મકાનના પ્રતાપે દીર્ઘ આયુષ્ય ભોગવે છે, તે એટલે સુધી કે કોઈક વાર કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કરવા જાય તો તેમાં તે સફળ થતો નથી, પરંતુ જો મકાનનો ઢાળ નૈર્ઋત્ય દિશા તરફનો હોય તો ધનનો નાશ થાય છે. અલબત્ત, નાશ થવા માટે પણ ઘરમાં ધનનું હોવું જરૂરી છે.!
મકાનની સીડી કેવી બનાવવી એ અંગે પણ વાસ્તુશાસ્રીઓ હજારો વર્ષ પૂર્વે કહી ગયા છે. મકાન બે માળનું હોય એવા કિસ્સામાં જ સીડી યા નિસરણીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, પણ એ વાત નોંધી લેવી કે જો સીડી બનાવવાની થાય તો એ માટે દક્ષિણ-પૂર્વનો ખૂણો પસંદ કરવો ને સીડીનાં પગથિયાં ઢાળવાળાં ક્યારેય બનાવવાં નહીં, કેમ કે પછી પડી જવાથી કંઈ પણ થઈ શકે છે.
વાસ્તુશાસ્ર જણાવે છે કે મકાનના મુખ્ય દરવાજા સામે કૂવો ન હોવો જોઈએ, પરંતુ જો ઘરની સ્ત્રી કંકાસણી હોય તો દરવાજાની સામે કૂવો રાખવામાં બાધ નથી – એ કૂવો જેટલો વધારે ઊંડો, એટલું વધુ સુખ… ઘર પાસે કેળનું વૃક્ષ ઉગાડવું નહીં, નહીં તો પછી કેળના પાનમાં ખાવાના દિવસો આવે… કોઈપણ મકાનમાં ભોંયં રાખવું આમ તો અશુભ છે, પરંતુ એ મકાનનો માલિક જો રહસ્યકથાઓનો લેખક (અહીં લેખકનો અર્થ અનુવાદક સમજવો) હોય તો એવા કિસ્સામાં ભોંય કરવાની વાસ્તુશાસ્ર છૂટ આપે છે.
અને જે લોકો આસ્તિક છે, શ્રદ્ધાળુ છે ને જેમના ઘેર પૂજા હોય તેમણે પૂજાનું સ્થાન ઈશાન ખૂણા તરફ રાખવું. પણ પૂજા કરતી વખતે ઉત્તર કે પૂર્વ દિશા ભણી મોં રાખવું. માથું કોઈ પણ દિશામાં રાખવા સામે વાસ્તુશાસ્રને વાંધો નથી. દિશાઓ અંગે ખાસ સમજણ ન પડતી હોય, મોટા ભાગનાઓને (ઈન્કલ્યુડિગ વિનોદ ભટ્ટ) સમજ નથી જ પડતી, તો એવા કિસ્સામાં ઘરમાં હોકાયંત્ર વસાવવું, પણ તે જેે દિશાઓ બતાવશે તે સાચી જ હશે કે કેમ એ માટે, તે ખરીદતાં પહેલા વાયુશાસ્રીની સલાહ અવશ્ય લેવી.
પૂજામાં ગણપતિની ત્રણ ત્રણ મૂર્તિઓ રાખવી નહીં, એમ કરવાથી દેવદોષ લાગે છે. અર્થાત્ દેવને તો કંઈ જ થતું નથી, જે કંઈ થાય એ બધું આપણને થાય છે. આ મૂર્તિઓ આપણે આપણા કલ્યાણાર્થે રાખીએ છીએ, દેવોના નહીં. ગણપતિની વધુમાં વધુ બે જ મૂર્તિ પૂજામાં રાખી શકાય. એમાં પણ જો એક ગણપતિ જમણી તરફની સૂંઢવાળા હોય તો બીજા ડાબી બાજુની સૂંઢવાળા રાખવા. આ ઉપરાંત પૂજાની ઓરડીમાં ભગવાનની મૂર્તિ સાથે દાદા કે દાદીની બેસણા માટે ખાસ તૈયાર કરાવેલ લેમિનેશનવાળી છબી રાખવી નહિ – પછી ભલે એ દાદા-દાદીએ તેમની તમામ સ્થાવર-જંગમ મિલકત, પૂજાની આ ઓરડી સાથે વારસામાં આપી દીધી હોય.
વાસ્તુશાસ્રે એ વાતનો વારંવાર ઉલ્લેખ કર્યો છે કે જૂની સ્મશાનભૂમિ યા કબ્રસ્તાનની સામે કે પાછળ મકાન પસંદ કરવું નહીં. ભૂત-પલીત આપણાથી ન બીએ એનોય ખ્યાલ રાખવો. કોઈપણ મકાનમાં સીધો પ્રવેશ સજ્જનો માટે શુભ છે. મકાનના પાછળના દરવાજેથી થતાં પ્રવેશનો વાસ્તુશાસ્રમાં ચોખ્ખો નિષેધ છે. પાછલા બારણાનો પ્રવેશ – બેક ડોર એન્ટ્રી પોલિટિશિયનો માટે કદાચ શુભ લેખાતી હશે, પણ સારા માણસો માટે તે વર્જ્ય છે અને બારી-બારણાં બેકી સંખ્યામાં હોવા જોઈએ ને પ્રવેશ-દ્વારને પણ બે પડખાં હોવા જોઈએ. આ બારણાં અંદરની તરફ ખૂલવાં જોઈએ. બારણાંની બહાર જે કોલબેલ હોય તે જમણી બાજુએ જ રાખવો. અલબત્ત, ચોર-ડાકુઓને આવા કોલબેલ વગાડવાની વાસ્તુશાસ્ર ના પાડે છે. કારણ કે એમના માટે તે અશુભ છે અને બારણા કરતાં બારીઓ ક્યારેય મોટી ન રાખવી.
ઘરમાં કીચન કહેતાં રસોડું અગ્નિખૂણામાં રાખવું કેમ કે આગ સાથે રસોડાને તેમ જ સ્ત્રીને અતિ નિકટનો તેમ જ અતૂટ સંબંધ છે. ફ્રીજને ઈશાન ખૂણે મૂકી શકાય, પણ સ્ટેબિલાઈઝર તો ફ્રીજની ઉપર જ મૂકવું. ફ્રીજની અંદર ક્યારેય ન મૂકવું. વાસ્તુશાસ્રનો આ સ્પષ્ટ આદેશ છે.
વાસ્તુશાસ્ર જણાવે છે કે ઘરમાં રસોડાની જેટલી જરૂર છે એટલી જ જરૂર ટોઈલેટની પણ હોય છે. બન્ને વચ્ચે કાર્ય-કારણનો સંબંધ છે એ ભૂલવા જેવું નથી. આ ટોઈલેટ કહેતાં શૌચાલય ઈશાન ખૂણામાં રાખવું દોષકારક છે, પરંતુ મકાન-માલિક પોતે જો સંગ્રહણીનો દરદી હોય તો તે ટોઈલેટ રાખે તો તે પોતાના બેડરૂમના ફાવે તે ખૂણામાં ટોઈલેટ રાખે તો તેને વાસ્તુશાસ્ત્ર દોષમુક્ત જાહેર કરે છે.
બાકી વાસ્તુશાસ્ત્રે નોંધ્યું છે કે અમુક દિશા તરફ ટોઈલેટ કરવાથી (અર્થાત્ બનાવવાથી) ભાગીદારો વચ્ચે ઝઘડા થાય છે. આ કારણે ભાગીદારને પહેલેથી કહી દેવું કે તારે જે દિશામાં જવું હોય ત્યાં જવાની તને છૂટ છે. બાય ધ વે, ટોઇલેટ જવા માટે ગામડામાં તો આજે ય `દિશાએ જવું’ એવો રૂઢિપ્રયોગ કરવામાં આવે છે. આમ કરવાથી ભાગીદારોની લઘુ-ગુશંકાઓનું સમાધાન થાય છે.
તિજોરી કબાટ ખરેખર તો ચોર, ડાકુ, યા ઘરઘાટીની નજરે ઝટ ન ચડે એ દિશામાં રાખવું, પણ તેનો પાછળનો ભાગ પશ્ચિમ તરફની દીવાલને અડાડીને રાખવો, તેમ જ આ તિજોરી- કબાટમાં બહુ પૈસા તેમ જ સાચા હીરા, મોતી કે સોનાના દાગીના રાખવા નહીં. એવી કીંમતી વસ્તુઓ નજીકની બેંકનાં લોકરમાં મૂકવી અને એ બેંકનું લોકર પણ દક્ષિણ તરફની દીવાલને સ્પર્શતું હોય એ જોવું.
સારો ડ્રોઈંગરૂમ મોટા ભાગે બીજાઓને બતાવવા અને બાળવા માટે જ બનાવવામાં આવતો હોય છે. વાસ્તુશાસ્ત્ર જણાવે છે કે ડ્રોઇંગરૂમની પૂર્વ તેમ જ ઉત્તર દિશા તરફની દીવાલો પર ગીધ, કાગડો, ઘૂવડ, શિયાળ તેમ જ મિનિસ્ટરનાં ચિત્રો કે સ્ટેચ્યૂ ટિગાડવાં શુભ નથી. યુદ્ધનાં દૃશ્યો પણ ડ્રોઇંગરૂમમાં રાખવા નહીં. ક્યારેક તે વાસ્તવિક બની જાય છે.
બેડરૂમ પશ્ચિમ તથા દક્ષિણ દિશા તરફ હોવો જોઈએ. અને પલંગ ઢળતો રાખવો નહીં. પલંગમાં સૂતી વેળાએ જીવતા માણસે માથું ઉત્તર દિશામાં રાખવું નહીં. અને ઘરમાં ચોકીદાર માટે અલગ રૂમ બનાવવાની હોય તો તેની ઓરડી પૂર્વાભિમુખ રાખવી, જેથી ચોકીદાર સૂર્યનું પહેલું તેના મોં પર પડવાની સાથે જ જાગી શકે. તેને જગાડવાનો શ્રમ પરિવારના કોઈ સભ્યે કરવાનો રહે નહીં.
આ લેખ લખતાં પહેલાં અમે અમારા એક વાસ્તુશાસ્ત્રી મિત્રને પૂછયું કે મારે વાસ્તુશાસ્ત્ર પર લેખ લખવો છે, લખું ને? એ મિત્રે જણાવ્યું કે સાં થયું કે તમે મને પૂછ્યું. હવે તમે નિરાંત લખો, તમને કંઈ પણ થાય તો હું બેઠો છું. એટલે આ લેખ અમે લખી બેઠા… તમે પણ આ લેખ વાસ્તુશાસ્ત્રની સલાહ લીધા પછી જ વાંચજો. અસ્તુ….
આ પણ વાંચો…હાસ્ય વિનોદ : બગાસું ખાતા નેપ્ચૂન મળ્યો…



