હાસ્ય વિનોદ : મંગળ કોના પિતાશ્રીનો? | મુંબઈ સમાચાર
ઉત્સવ

હાસ્ય વિનોદ : મંગળ કોના પિતાશ્રીનો?

  • વિનોદ ભટ્ટ

આજની તારીખ સુધી તો મંગળને પૃથ્વી નામનો ગ્રહ નડી શક્યો નથી. અમેરિકાએ મોકલેલું ‘પોલાર લૅન્ડરયાન’ મંગળના ગ્રહ પર પહોંચીને એની ખાનગી વાતો જાણવામાં નિષ્ફળ નીવડ્યું છે. શક્ય છે કે ત્યાં જો વસતિ જેવું હશે તો ત્યાંના લોકો પણ આપણી નિષ્ફળતાને (એને જ પોતાની સફળતા ગણી) સિદ્ધિ લેખી ત્યાં ઉજવણી કરતા હશે. અને તેમણે આ વર્ષે ઉજવણી કરેલી કે કેમ એની ખબર આપણને ઠેઠ આગામી વર્ષોમાં માનવ-અવકાશયાત્રીઓ મંગળ પર ત્રાટકવાના હશે ત્યારે જ મળશે.

મંગળ ગ્રહ પર યાન સાથે માનવીને પણ ઉતારવાની તડામાર તૈયારીઓ અમેરિકામાં અત્યારથી જ ચાલી રહી છે. આ યાનમાં એકલા પુરુષો જ નહીં હોય, સ્ત્રીઓ પણ સાથે જવાની છે. બનવાજોગ છે કે મંગળ પરની સ્ત્રીઓ, જેમને કદાચ ડાયવોર્સ શું એની ખબર નથી, તેમને છૂટાછેડા લેવાની પ્રેરણા આપણી આ સ્ત્રીઓમાંથી મળી રહેશે. ત્યાં પણ કોર્ટો ખૂલી જશે.

જેની પાછળ અમેરિકા અબજો રૂપિયા બરબાદ કરી રહ્યું છે એ મંગળ ગ્રહ કંઈ તેના પરમ પૂજ્ય પિતાશ્રીની માલિકીનો નથી. આ મંગળના અસલી માલિક હોવાનો દાવો યમનના વતની એવા મુસ્તફા ખલિલ અને અબદુલાહ-અલ-અમરીએ કર્યો છે. તેમણે તો છેક 1997માં છાતી ઠોકીને દાવો કર્યો હતો કે મંગળ નામનો આ જે ગ્રહ છે તે અમારી માલિકીનો છે. અમારા પૂર્વજોએ અમને તે દસ્તાવેજ દ્વારા વારસામાં આપ્યો છે. ના, આ બેમાંથી એક પણ યુવાન ચંદ્રની અસર હેઠળ નથી, માનસિક રીતે બન્ને સ્વસ્થ છે.

અમેરિકાને તેમણે ચેતવણી આપી છે કે અમારી લેખિત પરવાનગી વગર જો અમેરિકાવાળા મંગળના ગ્રહમાં પ્રવેશ કરશે તો તેને ગેરકાયદે પ્રવેશ ગણી તેની સામે અમે કાયદાકીય રીતે કામ ચલાવીશું. મંગળ તેમની એકલાની જ માલિકીનો ગ્રહ છે એ અંગેના દસ્તાવેજ પણ એ બે ભાઈએ કોર્ટમાં રજૂ કર્યા છે અને યુનાઈટેડ એજન્સીની સ્પેસ એજન્સી ‘નાસા’ ને પણ તેમણે નોટિસ ફટકારી છે. આ બે છોકરાની માલિકીના મંગળ પર અનુમતિ વગર કોઈ ઘૂસી જાય તો તેના પર કામ ચલાવી શકાય, પણ તેમની માલિકીનો આ મંગળ પૃથ્વી પરના કોઈ જાતકની કુંડળીમાં તેની રજા વગર પ્રવેશી તેનું અ-મંગળ કરે, તેને પજવે, આર્થિક રીતે પાયમાલ કરે તો એ બદલ તેના આ કહેવાતા માલિક એવા આ બન્ને યુવાનો પર કામ ચલાવી શકાય કે નહીં? કોઈનું ઢોર આપણા ખેતરમાં પેસીને પાકનું ભેલાણ કરે, પાકને નુકસાન કરે તો એ ઢોરના માલિક સામે કાયદેસર કામ ચલાવવાનું તો ભગવાન મનુએ ‘મનુસ્મૃતિ‘માં ય કહ્યું છે તો પછી મંગળના માલિક પર કેસ કેમ ન કરાય?

જોકે અમેરિકા કરતાં આપણે ઈન્ડિયાવાળા વધારે શાણા-ડાહ્યા કહેવાઈએ. આજથી લગભગ 24-25 વર્ષ પહેલાં, એક પાઈનો પણ ખર્ચ કર્યા વગર, માત્ર આધ્યાત્મિક શક્તિના જોરે આપણા મહારાષ્ટ્રના પૂનાનો એક માણસ સમાધિ દ્વારા ઠેઠ મંગળ ગ્રહ પર લટાર મારી આવ્યો હતો. પૂનાનો ડૉક્ટર વર્તક સમાધિ લગાવીને મંગળ પર પહોંચી ગયો હતો અને ત્યાંનો આંખે દેખ્યો હેવાલ પણ તેણે ત્યારે ‘સંતકૃપા’ મેગેઝિનમાં છપાવ્યો હતો. ના, માત્ર હેવાલ જ એ સામયિકમાં પ્રગટ થયો હતો, ફોટા છાપવામાં આવ્યા નથી. એનું કારણ કદાચ એ હોવું જોઈએ કે પેલા બે યમની યુવાનોના પરદાદાઓએ મંગળ પર ઠેરઠેર એવાં પાટિયાં માર્યાં હશે કે ‘આ સંવેદનશીલ ગ્રહ છે જેના માલિક અમે છીએ, અહીંના ફોટોગ્રાફ્સ ખેંચવાની સખત મનાઈ છે.’ અને એટલે તો ચોથી જુલાઈ, 1997ને શુક્રવારે (ના, મંગળવારે નહીં, શુક્રવારે) અમેરિકાએ મંગળ પર જે માનવરહિત યાન ઉતારેલું તેના રોબોએ મંગળ પર પગ મૂક્યા વગર, પોતાની પાસેના છૂપા કેમેરામાં મંગળની સપાટીનાં દૃશ્યો ઝડપીને, પેસાડોના શહેરમાં વાટ જોઈને બેઠેલા ત્રણ વિજ્ઞાનીઓને તે મોકલી આપ્યા હતા.

પણ જોવાની ખૂબી પાછી એ છે કે રોબોએ વિજ્ઞાનીઓને ફોટા સાથે જે માહિતી આપેલી એ જ માહિતી પૂનાના ડૉક્ટરે તેના એક વર્ષ પહેલાં આપેલી કે મંગળ પર કોઈ જીવનું અસ્તિત્વ નથી. ત્યાં નદી નથી, સાગર નથી કે ઝરણાં પણ નથી. જોકે તેને નદી હોવાનાં ચિહ્નો મળી આવ્યાં હતાં. (શક્ય છે કે પાણી માટે ત્યાંની પ્રજાએ અંદર અંદર, એકબીજા સામે પોતાનું પાણી બતાવવા પ્રયત્ન કર્યો હશે ને આથી નારાજ થઈને નદીઓ સુકાઈ ગઈ હશે અને પથ્થરો પર ચોંટેલી શેવાળ રોબોને નહોતી દેખાઈ તે આપણો ડૉક્ટર જોઈ શક્યો હતો. તેને ત્યાં માત્ર લાલ, લીલા અને પીળા રંગો જ જોવા મળ્યા હતાં- સફેદ રંગ જોવા નહોતો મળ્યો. આ જાણીને એક બહેને મને પૂછ્યું હતું કે તો પછી મંગળ પર કોઈ ગુજરી જાય ત્યારે ત્યાંનાં બૈરાં સફેદને બદલે કેવા રંગની સાડી પહેરીને બેસણામાં જતાં હશે?!

આકાશ નો ડાઉટ-વાદળી હતું. પૂણેના ડૉક્ટર વર્તકના જણાવ્યા પ્રમાણે મંગળ પર જે હવા હતી એ ખૂબ જ ઠંડી હતી, પરંતુ ગમે એટલી ઠંડી હવા પણ આત્માને અસર કરી શકતી નથી એટલે આત્માને મંગળની હવાથી કોઈ હેરાનગતિ થઈ નહોતી. મંગળની ખરબચડી સપાટી પર તે થોડી ક્ષણો સ્થિર ઊભો પણ રહ્યો હતો. મારા મતે ડોક્ટર વર્તક એ રીતે ‘વીર નર’ ગણાય. જેમ ઘણાં અખબારોએ ચંદ્ર પર પગ મૂકનાર આર્મસ્ટ્રોંગની વિશિષ્ટ તસવીરો છાપી છે એ રીતે આપણા મંગળ-વીર ડોક્ટર વર્તકની છબિ શોધીનેય પ્રગટ કરવી જોઈએ. ધારો કે તેની કોઈ તસવીર મળી શકે તેમ ન્હોય તો તેના આત્માનો ફોટોગ્રાફ છાપવો, કેમ કે આર્મસ્ટ્રોંગની જેમ તે સદેહે મંગળ પર નહોતો ગયો. પોતાના આત્માને તેણે ત્યાં મોકલ્યો હતો. ધારો કે તેના આત્માનો ફોટોય ઉપલબ્ધ ન હોય તો પછી કોઈ પણ મિનિસ્ટરના આત્મા યા અંતરાત્માના અવાજનો ફોટોગ્રાફ શોધવો જોઈએ…

કરોડો ડૉલરનું આંધણ કર્યા પછી મંગળ વિશેની માહિતી અમેરિકન વિજ્ઞાનીઓ મેળવી શક્યા છે, જે આ મુજબની છે:

‘માર્સ પાથફાઈન્ડર’ જેને માટે ગુજરાતીમાં કહેવું હોય તો ‘મંગળનો પથદર્શક’ કહી શકાય, તે કલાકના 60 હજાર માઈલની ઝડપે પ્રવાસી કરીને સાત મહિને 31 કરોડ માઈલને અંતરે મંગળની સપાટી પર પહોંચી ગયું હતું. મંગળની સપાટી પર પહોંચી ગયું હતું. મંગળની માલિકીનો દાવો કરનારનેય કદાચ ખબર નહીં હોય કે પૃથ્વીથી તે કેટલા કરોડ માઈલ દૂર છે. જોકે વિજ્ઞાનીઓ પણ ત્યાં ગયા નથી, છતાં એના અંતર વિશે એ લોકોમાંય મતમતાંતર અર્થાત્ મતનું અંતર પ્રવર્તે છે. દૂરનું જોઈ શકનાર વિજ્ઞાનીઓના મતે આ અંતર 22,80,00,000 (બાવીસ કરોડ એંસી લાખ) કિલોમીટર દૂર છે તો અમુક વિજ્ઞાનીઓ તેને 40 કરોડ કિલોમીટર દૂર માને છે. કારણ એ જ કે આ લોકોને કિલોમીટર દીઠ ટેક્સીભાડું ચૂકવવાનું નથી તો કેટલાક વિજ્ઞાનીઓને 22, 31 કે 40 કરોડ માઈલ (કે કિલોમીટર)નું અંતર લગભગ સરખું જ લાગે છે.

મંગળ સૂકો ને વેરાન પ્રદેશ છે, ત્યાં વસતિ નથી, માત્ર ઢેખાળા જ છે. જો ત્યાં વસતિ હોત તો ત્યાં સરકાર પણ હોત ને પોલીસ પણ હોત. પોલીસ સાથેની અથડામણમાં ત્યાં મોટી અનુકૂળતા એ થાય કે પોલીસને મારવા લોકોને પથરા શોધવા જવું ના પડે. પથરા જ માણસને શોધતા આવે એટલા વિપુલ જથ્થામાં ત્યાં પથરા છે. કહે છે કે ત્યાં ત્રણ અબજ એંસી કરોડ કે એંસી અબજ ત્રણ કરોડ વર્ષ અગાઉ ગંગાનદી કરતાંય એક હજારગણા પાણીવાળી નદી હતી. જોકે એ નદી ગંગા જેટલી પવિત્ર હતી કે કેમ એ અંગેનું સંશોધન કરવાનું હજી બાકી છે. મંગળ પર જે ઢેખાળા દેખાયા છે તેને પૃથ્વી પર લાવવામાં આવશે ને આ ઢેખાળા પર સંશોધન કરી થોડાક જાણ પીએચ.ડીની ડિગ્રી પણ મેળવશે.

આ પણ વાંચો…ના, સૂર્ય આજના વડા પ્રધાન જેવો નથી…

લાલચટ્ટક રંગનાં મંગળનાં ચિત્રો ટીવી પર દેખાડવામાં આવ્યાં ત્યારે તે લાલને બદલે લીલાં દેખાતાં હતાં – આને જ મંગળની લીલા કહી શકાય! આ મંગળ અંગેનું જ્ઞાન આપણને પહેલી વાર ઈસવી સન 1659માં ક્રિશ્ર્ચિયન લૂઈ જેમ્સ નામના એક ખગોળશાસ્ત્રી પાસેથી પ્રાપ્ત થયું. આ જેમ્સનો ઉચ્ચાર કેટલાક જેન્સ પણ કરે છે. આથી જોકે જેમ્સ કે જેન્સને થોડો ફરક પડતો હશે, પણ મંગળને તો જરાય નથી પડતો.

જોકે આપણે ત્યાં વેદ જેવા પુરાણા ગ્રંથોમાં મંગળનાં રસપ્રદ વર્ણનો કરવામાં આવ્યાં છે, જે વાંચતાં થાય કે વિજ્ઞાનીઓ કરતાં આપણા ઋષિમુનિઓ મંગળ વિશે વધારે અને કેટલીક તો મૌલિક જાણકારી ધરાવતા હતા. મંગળનું વર્ણન કરતા સંસ્કૃત શ્ર્લોકને ખરાબ ગુજરાતીમાં આ રીતે સમજાવી શકાય: (મંગળ) વીજળી જેવો ચમકદાર, શક્તિશાળી બાહુવાળો, પ્રજ્વલિત આભાયુક્ત, વાંકડિયા અને ભરાવદાર વાળવાળો છે. શક્ય છે કે આપણા એ ઋષિએ મંગળના માથા પરના વાંકડિયા વાળ પર હાથે ફેરવ્યા પછી આ શ્ર્લોક લખ્યો હોય. ગ્રીસ અને રોમ જેવા દેશોમાં તેને યુદ્ધના પરાક્રમનો દેવતા કહ્યો છે.

1830માં વિલ્હેમ બિયર નામના (આપણે ત્યાં દારૂવાળા ને તાડીવાળા જેવી અટક છે તેમ વિલ્હેમની અટક બિયર છે.) એક ખગોળશાસ્ત્રીએ બિનકેફ હાલતમાં મંગળ વિશે થોડી વિગતો જાહેર કરી છે, પણ 1877ના ઑગસ્ટમાં આસફ હોલ નામના ખગોળશાસ્ત્રીએ તો માત્ર ટેલિસ્કોપની મદદથી મંગળ પર બે ચંદ્ર હોવાનું શોધી કાઢ્યું હતું. આપણી પૃથ્વી મંગળથી કદમાં બમણી હોવા છતાં આપણે ફક્ત એક જ ચંદ્રથી ચલાવી લઈએ છીએ અને તે પણ આપણને ફ્રી ઑફ ચાર્જ-સાવ મફતમાં મળ્યો છે એટલે ભલે એક તો એક એવું બબડીને મન વાળીએ છીએ. જ્યારે મંગળને બબ્બે ચંદ્રની જરૂર કેમ પડી હશે? એક પાછો આપી ના દેવાય?

પોતાની ધરી પર ચક્કર લગાવતાં તેને 24 કલાક ને 37 મિનિટ થાય છે અને સૂર્યની પ્રદક્ષિણા કરતાં તેને 687 દિવસ લાગે છે. આપણું વર્ષ 365 દિવસનું થાય છે. મંગળ પર ધારો કે કોઈને સો વર્ષ પૂરાં કરવાં હોય તો તેને 68,700 (અડસઠ હજાર સાતસો) દિવસ સુધી જીવવું પડે. આપણે ત્યાં ફેબ્રુઆરીના 28 અને દર ચાર વર્ષે 29 દિવસ હોય છે એ રીતે ત્યાં પણ આવી બધી ગરબડ થતી હશે ને! ત્યાંય પાછું અધિક માસ જેવુંય કંઈક હશે કે નહીં? ત્યાં ઋતુઓ જેવું કશું નથી એટલે શતમ્ જીવ શરદ: એવા આશીર્વાદ પણ કોઈને નહીં મળે.

ઉનાળો આપણા વિસ્તારમાં છે એ કરતાં ત્યાં બેગણો લાં…બો હોય છે એટલે ધારો કે આપણામાંના કેટલાક મંગળ પર વસવાટ કરવા જશે તો સ્કૂલમાં ભણતાં બાળકોને અને વકીલોનેય બેવડું વેકેશન આપવું પડશે. ત્યાં વકીલોની જરૂર નહીં પડે એવું માનવાનું કોઈ જ કારણ નથી. માણસો હશે એટલે ત્યાં અંદર અંદરની લડાઈ પણ થવાની અને આ લડાઈને ઘણાં વર્ષો સુધી ચાલુ રાખવા માટે કાળા ડગલાવાળા વકીલોની ખાસ જરૂર ઊભી થશે જ.

બાય ધ વે, કહેવાય છે કે ઈસવી સન 1865માં મંગળ પરથી કેટલાક પથરા બિહારમાં પડ્યા હતા… એ પથરા આજે પોલિટિશિયનો થઈ ગયા હોવાનો પણ એક મત છે.!

મંગળ પર ગુરુત્વાકર્ષણ બળ નથી. વિજ્ઞાની ન્યુટન ખરેખર સદ્ભાગી હતો, કેમ કે તે પૃથ્વી પર જન્મ્યો હતો. એના માથા પર સફરજન પડ્યું એટલે એણે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી શક્યો. બાકી મંગળ પર હોત તો તે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી શક્યો જ ન હોત. ત્યાં કશું જ પડતું નથી, સરકાર પણ નહીં પડતી હોય. ત્યાંની દરેક ચીજ વસ્તુઓનું વજન ત્રીજા ભાગનું થઈ જાય છે એવું વિજ્ઞાનીઓનું કહેવું છે.

આથી 100 કિલો વજન ધરાવતી સ્ત્રી વગર ડાયેટિંગે 66 કે 67 કિલોની થઈ જવાની. તો તો પછી હિન્દી ફિલ્મનો હીરો ત્યાં વજનદાર હીરોઈનને ઊંચકીને હાંફ્યા વગર સ્ફૂર્તિથી દોડી શકશે. આવું બધું ચોક્કસ થશે. આજે આપણે જોયું કે માણસ ચંદ્ર પર પહોંચી ગયો. તે આવતા મિલેનિયમમાં માનવી જીવ પર આવી જઈનેય મંગળ પર પહોંચી જશે અને એ જોવાનું સદ્ભાગ્ય મને એકલાને જ નહીં, મારા વહાલા વાચક દોસ્તોને પણ મળે એવી શુભેચ્છા આપું છું…!

આ પણ વાંચો…હાસ્ય વિનોદ: ચન્દ્ર માણસને શેખચલ્લી બનાવે છે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button