ગુજરાતી પ્રકાશકો-વાંચકો: ગઇકાલના ને આજના…

- હેમંત ઠક્કર
અહીં મારે બે વાત કહેવી છે…
એક: ‘મુંબઇ સમાચાર’ના તંત્રી તરીકે નીલેશભાઈ દવે ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રસાર માટે ‘રોમે રોમ ગુજરાતી’ ઝુંબેશના નેજા હેઠળ અનેક પુસ્તક મેળાઓનું આયોજન કરી સાહિત્ય પ્રચાર માટે સંનિષ્ઠ પ્રયાસો કરે છે.
બીજી વાત: પ્રકાશક એટલે માત્ર ધંધાદારી વ્યક્તિ તેવું હું માનતો નથી. અન્ય વ્યવસાય સાથે આ વ્યવસાયને સરખાવી ન શકાય તેવું દૃઢપણે માનું છું. પરિણામે આકરી કસોટી કરે તેવાં પ્રકાશનો કરવામાં અમે પ્રકાશકો નિજાનંદનો અનુભવ કરતાં હોઇએ છીએ. ગુજરાતી સાહિત્યિક પરંપરા અત્યંત સમૃદ્ધ છે અને તેમાં વાંચકોનું યોગદાન હોવાથી જ પ્રકાશકો આજે ટકી રહ્યા છે.
પુસ્તકપ્રેમી એક વાંચકને પૂછવામાં આવ્યું: ‘તમે શા માટે પુસ્તકો વાંચો છો?’ તો એ કહે: ‘હું વાંચુ છું, કારણ કે વાંચ્યા વગર જીવી શકતો નથી. હું નવું જાણવા માટે, મારી જાતને ઓળખવા માટે, મારા પોતાના વિકાસ માટે અને આનંદ મેળવવા માટે વાંચતો રહું છું. જે વાતો ને હું સમજી નથી શકતો એ જાણવા માટે હું વાંચુ છું. હું નિરાશ થઇ ગયો હોઉં ત્યારે આશાનું નવું કિરણ મળે તે માટે વાંચું છું. મારા વિચારોને વાચા આપી શકું એ માટે વાંચું છું…!’
ગુજરાતી પ્રકાશકોની વાત કરીએ તો શરૂઆત આજથી સવાસો વરસ પહેલાં રિઝર્વ બેન્કની પાછળ આવેલી ‘ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ’થી શરૂઆત કરવી પડે. આ સંસ્થાના સ્થાપક સ્વ. ઇચ્છારામ સૂર્યરામ દેસાઇ પોતે વિદ્વાન લેખક હતા. એમણે વેદાન્ત તત્ત્વજ્ઞાન ઉપર લખેલો મહાગ્રંથ ‘ચંદ્રકાન્ત’ ખૂબ જ લોકપ્રિય બન્યો હતો.
તે સિવાય કનૈયાલાલ મુનશી રચિત પ્રખ્યાત ગુજરાતી નવલકથા ‘પાટણની પ્રભુતા’ની પ્રથમ આવૃત્તિ એમણે પ્રકાશિત કરી હતી. તે આવૃત્તિમાં ક. મા. મુનશીએ પોતાનું ઉપનામ ‘ઘનશ્યામ’ રાખ્યું હતું. આજે પણ આ ગ્રંથની સત્તરમી આવૃત્તિ ‘પ્રવીણ પ્રકાશન’-રાજકોટ દ્વારા પ્રકાશિત થઇ છે. આ જ પ્રકાશન સંસ્થાએ મહાકવિ પ્રેમાનંદ, શામળ, દયારામ, દલપતરામ વગેરે પ્રાચીન કવિઓનાં કાવ્યોના નવ ગ્રંથોનો સંપુટ ‘કાવ્ય દોહન’ પ્રકાશિત કર્યો હતો. ઉપરાંત અનેક ઐતિહાસિક નવલકથાઓ પ્રકાશિત કરી હતી.
મુંબઈ અને ઈત્યાદિ પ્રકાશકોની વાત કરીએ તો સૌથી જૂના પ્રકાશકો તરીકે મુંબઇની ‘એન.એમ. ઠક્કરની કંપની’, ‘આર.આર. શેઠની કંપની’, ‘એન.એમ.ત્રિપાઠી પ્રા. લિ.’ અમદાવાદની ‘ગુર્જર સાહિત્ય ભવન’ સુરતના ‘હરિહર પુસ્તકાલય’ની સ્થાપના આજથી અંદાજે સો વર્ષો પહેલાં થઇ હતી.
આજ રીતે, સ્વ. ધનજીભાઈ શાહ દ્વારા સ્થાપિત ‘નવભારત સાહિત્ય મંદિર’ પણ છેલ્લાં 65 વર્ષથી મુંબઈ- અમદાવાદમાં અનેકવિધ વિષયો પર પુસ્તકોના પ્રકાશનમાં કાર્યરત છે. મહેન્દ્ર મેઘાણી દ્વારા સ્થાપિત ‘લોકમિલાપ ટ્રસ્ટ’ દ્વારા ઉત્તમ પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું હતું. આજે પણ એમના પુત્રો દ્વારા પુસ્તકોના પ્રસારનું કાર્ય ચાલું છે.
ગોવર્ધનરાય મા. ત્રિપાઠી દ્વારા શરૂ કરવામાં આવેલી ‘એન. એમ. ત્રિપાઠી’ ની પ્રખ્યાત મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’આજે પણ ઉપલબ્ધ છે. ગોવર્ધનરાય ત્રિપાઠી ઉપરાંત ‘એન. એમ. કંપની’ ના સ્થાપક મારા પિતાશ્રી નંદલાલ મો. ઠક્કરે પણ ‘અનુભવાનંદજી’ના ઉપનામથી ચાલીસ પુસ્તકોનું સર્જન કર્યું હતું.
1945ના સાલમાં પ્રકાશિત થયેલું પુસ્તક ‘કરાંચી’ના લેખક ડુંગરશી ધરમશી સંપટ રચિત ‘સંસ્કાર લક્ષ્મી’ની તો આઠ આવૃતિમાં ત્રણ વરસમાં છપાઇ હતી અને 25 હજારથી વધુ નકલો વેચાઇ ગઇ હતી. તે સમયે અમારી કંપનીના પુસ્તકોની જાહેરખબરો ગુજરાતી દૈનિકમાં આખું પાનું ભરીને છપાતી હતી. આ પ્ર્કાશક દ્વારા
‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થઈને લોકપ્રિય નીવડેલી અનેક કોલમ પણ પુસ્તકરૂપે પ્રકાશિત કર્યા છે. ‘એન. એમ. ઠક્કર કંપની’ એ આજ સુધીમાં બે હજાર ઉપરાંત પુસ્તકોનું પ્રકાશન કર્યું છે.
મુંબઇના આર. આર. શેઠની કંપનીના સ્થાપક ભગતભાઇ શેઠ જાણીતા અને લોકપ્રિય લેખકોની નવલકથાઓ અને નવલિકાઓથી પ્રકાશનની શરૂઆત કરી હતી. અન્ય ભાષાના અંગ્રેજી ભાષાના બેસ્ટ સેલર પુસ્તકોના ગુજરાતી અનુવાદોના ઢગલાબંધ પુસ્તકો છાપ્યાં છે..
મુંબઇના ‘સુમન પ્રકાશન’ના રમણિકભાઇએ ગુલશન નંદાના પુસ્તિકાનો સેટ છાપ્યો હતો. અમદાવાદના ગુર્જર પ્રકાશન દ્વારા ધુમકેતુ કનૈયાલાલ મુનશી ધ્રુવ ભટ્ટ, વિનોદ ભટ્ટ, અશોક દવે, ઝવેરચંદ મેઘાણી, સ્વામિ સચ્ચિદાનંદ, કૃષ્ણમૂર્તિનાં પુસ્તકો પ્રકાશિત થયા છે, જે વાંચકોમાં ખૂબ લોકપ્રિય નીવડ્યાં છે.
રાજકોટના પ્રવીણ પ્રકાશને કારકિર્દીની શરૂઆતમાં મુંબઇની એન.એમ. ઠક્કરની કંપની સાથે ભાગીદારીમાં ‘શ્રી મોરારિબાપુ અમૃત રામાયણ’ અને ‘તુલસીકૃત રામાયણ’ પ્રકાશિત કર્યા હતાં. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ આજથી 43 વર્ષ પહેલાં પ્રગટ થઇ હતી. ત્યારબાદ પ્રવીણ પ્રકાશન દ્વારા ભગવદગો મંડળ કોશના નવ ભાગ પ્રકાશિત કરવામાં આવ્યા. તેને પણ સારો પ્રતિસાદ મળ્યો. આજે આ મહાગ્રંથ અપ્રાપ્ય છે.
પ્રવીણ પ્રકાશનના ગોપાલભાઇએ લોકપ્રિય નવલકથાકાર હરકિશન મહેતાની તમામ નવલકથાઓ એક સાથે પ્રગટ કરી એક નવો ચીલો ચીતર્યો હતો. ત્યારબાદ એમણે હરીન્દ્ર દવે, રવીન્દ્રનાથ ટાગોર, શરદબાબુ, પિતાંબર પટેલ, ગોકુલદાસ રાયચુરાનાં તમામ પુસ્તકોનો સેટ પણ પ્રગટ કર્યો હતો. સુરત ખાતે હરિહર પુસ્તકાલયના સૂત્રધાર વિરલ મહેતા મોટા ભાગે ધાર્મિક પુસ્તકો, જયોતિષના પુસ્તકોનુ પ્રકાશન કરે છે.
1998માં લોકપ્રિય કવિ અને લેખક સુરેશ દલાલ દ્વારા શરૂ કરાયેલી કંપની ‘ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ’. દ્વારા પ્રખ્યાત કવિઓની કવિતાઓના અનેક સુંદર પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું હતું, પરંતુ પુસ્તકોના વેચાણમાં સતત ઘટાડો થતો હતો. અને કંપનીના સંચાલનનો ખર્ચ પણ વધી રહ્યો હતો. તેથી આજથી પાંચ વરસ પહેલાં આ કંપની બંધ કરવી પડી..
અમદાવાદ સ્થિત ગ્રંથલોક પ્રકાશને વનરાજ માલવી રચિત સ્વવિકાસના અનેક પુસ્તકો પ્રગટ કરીને ખૂબ લોકચાહના મેળવી હતી. પુસ્તકોના ધંધાદારી પ્રકાશકોની આ વાતો થઇ, પણ ગુજરાત રાજય સ્થિત અનેક સંસ્થાઓએ પણ સંખ્યાબંધ ઉચ્ચ ગુણવત્તાસભર ગ્રંથોનું પ્રકાશન કર્યું છે.
ગુજરાત રાજયની ગુજરાતી સાહિત્ય એકાડેમી (જેના શ્રી ભાગ્યેશ જહા પ્રમુખ છે) દ્વારા સાહિત્યના, વિવેચનના, કાવ્યોના સંશોધનાક પુસ્તકોના ઉત્તમ પુસ્તકોનું પ્રકાશન થઇ રહ્યું છે. ગાંધીજી દ્વારા સ્થાપિત ‘નવજીવન ટ્રસ્ટ’ દ્વારા ગાંધીજીના સરદાર પટેલના, કિશોરલાલ મશરૂવાલાના વિચાર પ્રેરક સંખ્યાબંધ સુંદર પુસ્તકોનું પ્રકાશન થઇ રહ્યું છે.
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પણ ઉચ્ચ ગુણવત્તાસભર પુસ્તકો છપાઇ રહ્યાં છે. અમદાવાદ અને મુંબઇસ્થિત પ્રખ્યાત સંસ્થા સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ પણ ઉત્તમ ધાર્મિક અને પ્રેરક પુસ્તકો પ્રકાશિત કરી રહી છે. હાલમાં જ આપણા ગૃહમંત્રી શ્રી અમિત શાહ આ સંસ્થાના પ્રમુખ બન્યા છે એટલે આશા છે કે સસ્તું સાહિત્યના દુર્લભ અપ્રાપ્ય ગ્રંથો ફરીથી વાંચકોને ઉપલબ્ધ થશે.
અમદાવાદમાં બીજા અનેક ધંધાદારી પ્રકાશકો રન્નાદે પ્રકાશન, આદર્શ પ્રકાશન, પાર્શ્વ પ્રકાશન, સાહિત્ય સંગમ દ્વારા પણ અનેક સાહિત્યિક અને પ્રેરક પુસ્તકોનું પ્રકાશન થયું છે. છેલ્લાં આઠેક વરસોથી ઝેન આપસ કંપનીએ લોકપ્રિય લેખકો જેવા કે કાજલ ઓઝા, ધીરુબેન પટેલનાં પુસ્તકો, જીવરામ જોષી રચિત મિંયા ફૂંસકીનો સેટ જાણીતા કવિઓનાં પુસ્તકો પ્રગટ કર્યાં છે.
ગુજરાતી ભાષાનાં પુસ્તકો પ્રગટ કરનાર સૌથી વધુ પ્રકાશકો છે. તમામ પ્રકાશકો વિશે માહિતી આપવાનું સ્થળ સંકોચને લીધે શકય નથી. પુસ્તક એક એવી જાદુઇ જડીબુટ્ટી છે. જેનો ઉપયોગ કરીને મનુષ્ય અનેક પ્રકારની મુસીબતોમાંથી મુક્ત થઇ શકે છે. માત્ર તેનો ઉપયોગ કરવાની આવડત વાંચકોમાં હોવી જોઇએ. અમારી કંપનીના લેટરહેડ ઉપર એક વાક્ય લખ્યું છે. ‘ગુજરાતી ભાષા જીવશે ગુજરાતી પુસ્તકો દ્વારા’…!
આપણ વાંચો: નાટય વિશેષઃ ગુજરાતી ભાષા ને રંગભૂમિ: મઘઈ પાનની જોડી