ઈકો-સ્પેશિયલ: જીએસટી સુધારા - સેબીનાં પગલાં રિયલ એસ્ટેટ સેક્ટરને કેટલાં ફળશે? | મુંબઈ સમાચાર
ઉત્સવ

ઈકો-સ્પેશિયલ: જીએસટી સુધારા – સેબીનાં પગલાં રિયલ એસ્ટેટ સેક્ટરને કેટલાં ફળશે?

  • જયેશ ચિતલિયા

રિયલ એસ્ટેટ સેક્ટર પર GSTના સુધારા ઉપરાંત ‘સેબી’નાં તાજેતરનાં પગલાંની અસરરૂપે ઘરના ભાવ ઘટશે? રોકાણનો પ્રવાહ વધશે?

જેનો અમલ આ 22 સપ્ટેમ્બરથી થવાનો છે એ જીએસટી (ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ) ના સુધારાની મલ્ટિપલ અસર થશે એ જાહેર સત્ય છે તેમ છતાં આ અસરોને સમજવાનું મહત્ત્વ છે, ખાસ કરીને સામાન્ય અને મધ્યમ વર્ગ માટે, કારણ કે હાઉસિંગ અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર પર GSTના આ ઘટાડાની સકારાત્મક અસરની આશા દઢ બની રહી છે.

હાલ તો દેશભરના બિલ્ડરો-ડેવલપરોનું રાષ્ટ્રીય સંગઠન CREDAI (કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સીસ એસોસિએશન ઓફ ઈન્ડિયા)નું કહેવું છે કે કેન્દ્ર સરકારે સીમેન્ટ તથા બાંધકામને લગતી અન્ય સામગ્રી ઉપરના જીએસટી દરમાં જે કાપ મૂક્યો છે તે લાભ એ ગ્રાહકોને પહોંચાડશે. જેને પરિણામે ઘર ખરીદવા ઈચ્છતા લોકોને રાહત થશે અને આ સેકટરમાં ઉત્સાહ વધવાની મલ્ટિપલ અસર જોવા મળશે, કારણ કે હાઉસિંગ-બાંધકામ સેકટરને અપાતા પ્રોત્સાહનની અસર અન્ય વિવિધ સેકટરને પણ પહોંચતી હોય છે. આમ ઓવરઓલ ઈકોનોમી માટે પણ આ પગલું અને તેના પરિણામ ફળદાયી બનશે.

તાજેતરમાં CREDAI ના ચેરમેન બોમન ઈરાનીએ કહ્યું હતું કે જીએસટી દરોને તર્કસંગત બનાવવાના સરકારના પગલાંથી ગ્રાહકો ચોક્કસપણે ફીલ-ગુડ અનુભવ કરશે.જોકે જીએસટીના માધ્યમથી થનાર ખર્ચ બચતનો કેટલો હિસ્સો ગ્રાહકોને પાસ કરવો એનું ડેવલપર્સની આ સંસ્થા મૂલ્યાંકન કરી રહી છે એ નોંધવું રહ્યું. જોકે, તેનો આધાર સીમેન્ટ તથા અન્ય બાંધકામ સામગ્રીના ઉત્પાદકો તરફથી એમને કેટલો લાભ મળે છે તેની પર પણ રહેશે. સીમેન્ટ અને સ્ટીલ જેવી બાંધકામની કાચી સામગ્રીનો ખર્ચ કેટલો ઘટે છે તેના પર ઘરની કિંમતમાં ઘટાડાનો આધાર રહેશે.

જીએસટી કાઉન્સિલે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જીએસટી રિફોર્મ્સનો મહત્ત્વનો નિર્ણય લઈને સીમેન્ટ, સ્ટીલ, ટાઈલ્સ તથા ફિનિશિંગને લગતી ચીજવસ્તુઓ સહિત બાંધકામની મુખ્ય કાચી સામગ્રીઓ પરનો જીએસટી દર ઘટાડી દીધો હતો. એને લીધે રિયલ એસ્ટેટ સેક્ટરને થતા ખર્ચમાં ઘટાડો જરૂર થશે. જીએસટી કાઉન્સિલે બાંધકામની કાચી સામગ્રીઓ પરનો જીએસટી દર 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કર્યો છે. વધી ગયેલી મોંઘવારી તથા સપ્લાય મામલે ઊભા થયેલા પડકારોને લીધે હાઉસિંગની માગને માઠી અસર પડી છે. તેને વધારવા માટે સરકારે બહોળી વ્યૂહરચના ઘડી છે અને જીએસટી 2.0 અંતર્ગત જ દરોમાં આ ઘટાડો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો…ઈકો-સ્પેશિયલ : શૅરબજારમાં સફળતા માટે… ગણપતિ બાપ્પાના કયા ગુણો કામ આવી શકે?

ધારો કે સિમેન્ટ પરનો જીએસટી ઘટીને 10 ટકા થાય તો…

સીમેન્ટની જે ગુણી હાલ રૂ.350માં પડે છે તેની કિંમતમાં લગભગ 30 રૂપિયાનો ઘટાડો થાય,પરંતુ આ ઘટાડાથી ક્ધસ્ટ્રક્શન સેક્ટરની બચતમાં ખરેખર કેટલો અસરકારક વધારો થશે એ મુખ્ય સવાલ છે. તેથી ઉદ્યોગની કંપનીઓ એનું મૂલ્યાંકન કર્યા બાદ તેનો લાભ ગ્રાહકોને પસાર કરવાનું જાહેર કરી શકશે યા સ્પષ્ટ કરી શકશે. અલબત્ત, સરકારે પણ જીએસટી ઘટાડાનો લાભ ગ્રાહકોને પહોંચે છે કે નહીં તેના પર પોતાની નિગરાની રાખવાનું જણાવ્યું છે. અહી એ નોંધવું મહત્ત્વનું છે કે આ નિરીક્ષણ યંત્રણા સરળ નથી. ઉદ્યોગ તરફથી પારદર્શકતામાં પ્રામાણિકતા હોવી જોઈશે.

બાંધકામની અન્ય સામગ્રીઓની અસર પણ જોવી પડે

દરમ્યાન ઉદ્યોગના અગ્રણીઓ કહે છે કે સીમેન્ટ અને સ્ટીલ જેવા કાચા માલ પરના જીએસટીમાં ઘટાડો સકારાત્મક પગલું છે, પરંતુ આ સામગ્રીઓની માર્કેટ મર્યાદિત અને પાવરફુલ સપ્લાયરોના હાથમાં કેન્દ્રિત થયેલી છે, જેથી એમના અભિગમ અને વલણની અસર સમજવી જોઈશે.

બીજીબાજુ, જીએસટી દરમાં ઘટાડો કરાયો છે. તે છતાં સ્ટેમ્પ ડ્યૂટીના ઊંચા દર હજી પણ ચિંતાનો વિષય છે. આને લીધે જ ગ્રાહકોને માથે મોટો બોજો રહે છે. સ્ટેમ્પ ડ્યૂટીના બોજ અંગે રાજ્ય સરકારોએ ગંભીરતાપૂર્વક વિચારણા કરવાની જરૂર છે. અન્ય સામગ્રીઓનો ખર્ચ ઘટશે તે છતાંય સ્ટેમ્પ ડ્યૂટી તો યથાવત્ જ રહેશે, પરિણામે ગ્રાહકો પર એ બોજ ભારે જ રહેશે.

વળી, જીએસટી દરોમાં ઘટાડાની અસર પ્રત્યેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની રહેશે. તેનાથી કદાચ ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં વધારે ફાયદો થશે. આ શહેરોમાં જમીન ખર્ચ કરતાં બાંધકામનો ખર્ચ ઘણી વાર વધારે રહેતો હોય છે. તેથી ત્યાં ફાયદો વધારે થવાની શક્યતા છે. મુંબઈ જેવા મહાનગરોમાં બાંધકામ ખર્ચ કરતાં જમીન ખર્ચ ઊંચો રહેતો હોય છે તેથી ત્યાં એકંદર અસર મર્યાદિત રહેશે, એવું અનુમાન પણ વ્યકત થાય છે. આમ હાલ તો જીએસટી ઘટાડાનો લાભ ખરેખર ઘર ખરીદનારે કેટલો મળશે એ કહેવું મુશ્કેલ છે, પણ લાભ મળશે એ નકકી જણાય છે, તેની માત્રાનો અંદાજ અત્યારે કઠિન છે…

રિટને ઈક્વિટીનો દરજ્જો પ્રોત્સાહક બનશે…

એક મહત્ત્વનું પગલું તાજેતરમાં રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (રિટ) ને ઈક્વિટીનો દરજજો આપવાનું નિયમન સંસ્થા ‘સેબી’ એ નકકી કર્યુ છે, જે જીએસટી રાહત બાદ રિયલ એસ્ટેટ સેકટરને અપાયેલું વધુ એક બહેતર પ્રોત્સાહન ગણી શકાય.

રિટના યુનિટસના ખરીદ-વેચાણ ઈક્વિટીની જેમ થશે તો ટેકસની અસર પણ એ મુજબ થશે એવું માનવામાં આવે છે. જોકે આ વિષયમાં ટેકસ વિભાગ તરફથી સ્પષ્ટતા મેળવવી જોઈશે. આ ઉપરાંત સેબીએ ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડની યોજનાઓને રોકાણ આકર્ષવા પ્રોત્સાહન આપ્યું છે. આ બંને બાબત પણ રિયલ્ટી અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર માટે બુસ્ટર બની શકશે. અલબત્ત, આ અસર મધ્યમથી લાંબાગાળામાં વધુ દેખાશે.

આ પણ વાંચો…ઈકો-સ્પેશિયલઃ અનિશ્ચિત સંજોગોમાં પણ મ્યુચ્યુઅલ ફંડનો રોકાણ પ્રવાહ ઊંચો કેમ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button