ઉત્સવ

આજે આટલું જ: સલામ! ભાનની દુનિયા! તને હજાર સલામ…

  • શોભિત દેસાઈ

વર્ણવી હાલત બિચારી, કિંતુ એ મારી નથી
છે કવિતા ખૂબ સારી, કિંતુ એ મારી નથી
હા પૂરીશ હું પ્રાણ, જાદુગર છું હું રજૂઆતનો
કોઈની રચનામાં સારી, કિંતુ એ મારી નથી


થયું એવું કે 1973ના લગભગ સપ્ટેમ્બર મહિનામાં બરકત વિરાણી ‘બેફામ’થી પ્રેરાઈ ગઝલ નામના એક અતિરમ્ય દેશમાં વિઝા પાસપોર્ટ વગર આવી ગયો. હવે આવી તો ગયો પણ મને બેઘર પરદેશીને એ મુલ્કમાં આશરો કોણ દીયે? (અમૃત ઘાયલનો શબ્દ)… ત્યારે કામ આવી યાદદાસ્ત. ઘાણીમાંથી ધાણી ફૂટે ને એમ મારા હોઠેથી અન્ય શાયરોના યાદ રહી ગયેલા શેર 1974થી તો ફૂટવા માંડેલા. અને ફૂટે એટલે!? આકાશમાં કિંગ સાઈઝ કોઠી પલિતો ચાંપીને મોકલી હોય અને જે ઝળાહળાં ફૂટે ને એમ મને શેર ફૂટે. અને કોઠી કે ચકરડી ફૂટે અને બાળક બહુ હરખાય ને એમ મારા હોઠેથી ફૂટેલા શેર સાંભળીને મોટાં બહુ હરખાય અને સાથે સાથે જે બે શેરથી આજે શરૂઆત કરી છે એ ન અનુભવવા પડે એ માટે અમે અમારી કાલી ઘેલી ભાષામાં જે અને જેવું આવડ્યું એ અને એવું સતત લખતા રહ્યા. (હું મારા કવિ હોવા વિષે વાત કરું તો બહુવચનમાં ચાલ્યો જઉં એ દંભ કેવો લાગ્યો તમને!?)

મારે પૂરતી છે એક ચાદર…પણ –
જિંદગીનો હુકમ છે: રળતર વણ
છેતરાતા નહીં! અહમ્ છે નર્યો
નમ્રતા થઈને આવ્યો છે આ ક્ષણ

મારે મારી જાતને જવાબ ન આપવો પડે એટલે જ મેં 1980માં ‘અરે!’, 2002માં અહમ્ ઓગાળવા આવ્યા, અને 2016માં ‘હવા પર લખી શકાય’ અને ‘અંધારની બારાખડી’ નામના સંગ્રહો ગુજરાતી ગઝલને ચરણે ધરી જ દીધા છે. ચારમાંથી ત્રણ સંગ્રહોને તો સ્વયમ્ મોરારિ બાપુએ વહેતા મુક્યા. અને એ અનાવરણ સમારોહોનું ચકચૂર નશીલું વાતાવરણ યાદ આવે તો હજી આજેય એ સાંજે તો પ્રવાહીની જરૂર નથી જ પડતી એવો તો બાપુની આંખોનો કેફ. કવિમિત્ર માધવ રામાનુજે એક વેળા મને કહેલું કે મેં અને રમેશે (પારેખ) એક સંયુક્ત ગીત શરૂ કર્યું હતું જેની માંડણી જ થઈ છે, આગળ નથી વધ્યું…

સાંઢણીઓ ડૂકી એ પહેલાની વાત છે જાકારો આવ્યો ‘ને લીલીછમ ભોમકાઓ મૂકી એ પહેલાની વાત છે.

મનનાં ભંડકિયાઓમાં ક્યાં ક્યાં અને શું શું ભરાયું છે એ બધ્ધું આ જનમમાં તો શક્ય નથી ખાલી કરવું, 132 વર્ષનું આયુષ્ય હોય તો (132-69=?) આટલા ઓછા સમયમાં આટલું બધું તો ક્યાંથી નીકળે?!

સમગ્ર ગઝલનાં સંદર્ભમાં મારી વાત પર કેમ બેશરમીથી ઉતર્યો છું એમ મને તમે પૂછો એ પહેલાં કહી દઉં કે દુનિયા આખી રટણ શ્રવણ કે (યાત્રા સ્થળોના) ભ્રમણમાં એટલી એવડી રમમાણ છે કે આની સામે, એક ટીપાં પાણીને આખી પૃથ્વી પર પાથરી દઈએ અને સોયની ટોચ ઉપર એનો જેટલો ભાગ આવે એટલું સ્વયમ્ ખુદ દ્વારા શોધાય તો એનો તો ઓડકાર પણ આખી પૃથ્વી જેટલો. પણ જે કહેવાઇ ગયું છે એને જ માત્ર અનુસરવા કે રટવાની કે એની પાછળ ભમવાથી અર્થ કેટલો સરશે એ તો તમે જ જાણો. રટણ, શ્રવણ અને ભ્રમણ અફીણ ઘૂંટી ઘૂંટીને જીભસ્થ કરવાથી વિશેષ બીજું કૈં જ નથી એવું હું માનું છું. ગીતાને 5000 બાઇબલને 2000થી વધુ અને કુરાનને 1500-1600 વર્ષનાં વહાણા વાઇ ગયાં રે!

તો ચાલો ને ! બે કે ચાર પંક્તિનું આપણું ગીબાકુ બનાવીએ… 800 કરોડમાંથી માત્ર 10 ટકા પોતપોતાના અનુભવોમાંથી ગીબાકુ બનાવશે તો પૃથ્વી એક નવો જ, જુદો જ સરસ જ ઉઘાડ અનુભવશે. ગીબાકુ એ ગીતા બાઇબલ કુરાનના પહેલા આલ્ફાબેટને ઉપાડીને બનાવેલ (મેં જિંદગીમાં પહેલીવાર ‘બનાવેલ’ નામના ફ્રેકચર્ડ ગુજરાતીનો ઉપયોગ કરેલ છે એ બદલ મને ક્ષમા.)

એક રુટિન ગીબાકુ હું સૂચવું ? મુંબઇમાં રિક્ષાના મિનિમમ રૂ. 26/- છે. જયારે મિનિમમ મીટર આવે ત્યારે રૂ. 30 આપીને ચાલતા થવું. રોકડામાં વહેવાર કરતા હો હજી તો છૂટાની મગજમારીથી બચશો, તમને રિક્ષા પરવડે છે એટલે રૂ. 4/- પણ પરવડશે જ અને અસલ મહેનતુને 8-10 આવા વધારે જ આપવાવાળા દિવસમાં મળે તો એને ઘેર રૂ. 40/- વધારે જાય.

આવા ગીબાકુ શોધતા રહેશો તો બહુ જલદીથી રટણ, શ્રવણ, ભ્રમણ નિષ્ક્રિય લાગવા માંડશે અને તમારામાં કોઇ અદ્ભુત નવ્ય શક્તિનો સંચાર પગરવ ભરશે.

આપણું પોતાનું જીવન ધન્ય થઇને જીવીએ
શાને માટે આપણે કોઇ અન્ય થઇને જીવીએ?!
અંત પણ આરંભની જેવો જ રોનકદાર હો
સહેજ પણ ઇચ્છા નથી મુર્ધન્ય થઇને જીવીએ

શોભિત…

આજે આટલું જ…

આપણ વાંચો:  કવર સ્ટોરી : રશિયા-ભારત કરાર… મોદીનો ટ્રમ્પને તમાચો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button