ઉત્સવ

ફરી ફરીને જોવાનું મન થાય એવું સ-રસ ને સહજ પ્રહસન એટલે સખણા રહેજો હસબન્ડ-જી

મનોરંજન – નિધિ ભટ્ટ

મળવું અને છૂટા પડવું એ જીવનનો ક્રમ છે, પણ છુટા પડી અને ફરી મળવું એ દરેકનાં કિસ્મતમાં નથી લખાયેલું હોતું પણ આ ફરી મળવાની ઘટના જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબિત ન થઈને ડેંજર ઝોન બને ત્યારે વ્યક્તિની શું હાલત થાય એટલે `સખણા રહેજો હસબન્ડ-જી.’

શ્રી એમ ડી પ્રોડક્શન – નીલેશ દવે દ્વારા આ નાટકનું નિર્માણ થયું છે અને સાહેબ કૌસ્તુભ ત્રિવેદીની પ્રસ્તુતિ છે એટલે લાઈટ મ્યુઝિક કોસ્ચ્યુમ સેટ કોઈ જ ડિપાર્ટમેન્ટમાં કોઈ જ કચાશ ન હોય એ સ્વાભાવિક છે.

એવી જ રીતે ઈમ્તિયાઝ પટેલનું લખાણ છે એટલે એમાં એક સરસ વાર્તા છે અને સાથે ફિરોઝ ભગતના દિગ્દર્શનના કારણે પરાણે હસાવતી કોમેડી નથી પણ સિચ્યુએશનલ કોમેડી છે જે કલાકારોના અભિનયના કારણે વધારે ખીલી ઊઠે છે.

નાટકની વાર્તાની વાત કરીએ તો રશ્મિકાંત મજેઠીયા (યોગેશ ઉપાધ્યાય) દીકરા સિદ્ધાંત મજેઠીયા (સમીર શાહ) અને વહુ નિયતિ મજેઠીયા (રાજકમલ દેશપાંડે) તથા પૌત્ર રાહુલ મજેઠીયા (મીત જોશી) સાથે સરસ મજાની લાઇફ જીવી રહ્યા છે.

સિદ્ધાંત મજેઠીયા જેવો ગુણવાન દીકરો મેળવીને રશ્મિકાંત મજેઠીયા પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી માને છે, પણ આ લોકોની લાઇફમાં ધરતીકંપ ત્યારે આવે છે જ્યારે નિયતિની ફ્રેન્ડ સ્નેહા રૂપારેલીયા (લીના શાહ) નામની ફોરેન રિટર્ન વ્યક્તિ પ્રવેશે છે. કોણ છે આ સ્નેહા?

શું કામ આવી છે અહીંયા? અને ખામી કહો કે ખૂબી પણ આ સ્નેહા માત્ર નિયતિ સાથે જ નહીં પણ ઘરની બાકીની ત્રણે વ્યક્તિઓ સાથે પણ જોડાયેલી છે. પણ કઈ રીતે?

એના આવ્યાં પછી કઈ કઈ ઘટના બને છે અને કેવી કેવી ગેરસમજણ અને ગોટાળા ઊભા થાય છે એ અહીં વાંચવા કરતાં નજરો નજર જોવાની વધારે મજા છે.

અભિનયની વાત કરીએ તો નાટક દરમિયાન સિદ્ધાંતના પાત્રની જે હાલત થાય છે અને દરેક સિચ્યુએશનમાં એ કઈ રીતે પોતાની જાતને બચાવીને ખરા અર્થમાં બેસ્ટ હસબન્ડ, બેસ્ટ ફાધર અને બેસ્ટ દીકરો સાબિત કરે છે એ જોવાની તમને મજા પડી જશે. એવી જ રીતે સ્નેહાના પાત્રમાં લીના શાહનો સહજ અભિનય અને એની સ્ટાઈલાઇઝ પર્સનાલિટી જોઈને તમને લાગશે કે ખરેખર એ ફોરેન રિટર્ન વ્યક્તિ છે. આ બંને પાત્રો ખરા અર્થમાં એકબીજાને ટક્કર આપે છે તો સાથે રશ્મિકાંતના પાત્રમાં યોગેશ ઉપાધ્યાય ગંભીર અભિનય સાથે પોતાના પાત્રને પૂરતો ન્યાય આપે છે. સમજદાર પત્ની નિયતિના પાત્રમાં રાજકમલ દેશપાંડે ચીંધ્યું કામ કરી જાય છે અને રાહુલના પાત્રમાં નવોદિત કલાકાર મીત જોશી બધા જ સક્ષમ કલાકારોની સરખામણીમાં સારો સાથ નિભાવે છે.

એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર્સ મેહુલ જોશી અને નિલેશ પટેલનું આ છઠ્ઠું નાટક છે જે ટિકિટ બારીના પ્રેક્ષકોમાં અને તમામ સંસ્થાઓમાં વખણાયું છે.

ટૂંકમાં `સખણા રહેજો હસબન્ડ-જી’ બહુ જ સેન્સિબલ અને આજના gen z જનરેશનને સમજાય અને ગમે એવું મસ્ત મજાનું મનોરંજન કરાવતું પારિવારિક કોમેડી નાટક છે જે બધાએ એક વાર તો જોવું જ રહ્યું.

આપણ વાંચો:  બ્રાન્ડિંગ જગત: 2025નું સિંહાવલોકન…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button