મિત્રો જ્યારે સુખનો પાસવર્ડ સમા સાબિત થાય… | મુંબઈ સમાચાર
ઉત્સવ

મિત્રો જ્યારે સુખનો પાસવર્ડ સમા સાબિત થાય…

આશુ પટેલ

‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ અવસરે ‘સુખના પાસવર્ડ’ કોલમ માટે મને ગઈ સદીના બે કવિ દલપતરામ અને સવાયા ગુજરાતી એવા ફાર્બસની સાથે ઉમાશંકર જોશી અને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા લેખક પન્નાલાલ પટેલ યાદ આવી ગયા.

એક કિસ્સામાં એક મિત્રએ મદદ માગી અને સાહિત્યકાર મિત્રએ મદદ કરી તો બીજા કિસ્સામાં એક પ્રખ્યાત સાહિત્યકારે સંઘર્ષ કરી રહેલા બાળપણના સહાધ્યાયી મિત્રને સાહિત્યકાર બનવા માટે અને સાહિત્ય સર્જનક્ષેત્ર તરફ વળવા માટે મદદ કરી.

પહેલા વાત કરીએ કવિ દલપતરામની અને ફાર્બસસાહેબ તરીકે જાણીતા બનેલા અંગ્રેજ અધિકારી એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસના જીવનના એક કિસ્સાની. ફાર્બસ કવિ દલપતરામની મદદથી ગુજરાતી ભાષા શીખ્યા હતા અને એ વખતે એમણે કવિ દલપતરામને ઊંચો પગાર પણ આપ્યો હતો. એ પછી ફાર્બસે જ્યારે ‘ગુજરાત વર્નેક્યુલર સોસાયટી’ની સ્થાપના કરી ત્યારે કવિ દલપતરામે તન-મનથી એ સંસ્થા માટે મહેનત કરી હતી.

કવિ દલપતરામે મિત્ર ફાર્બસની ઊભી કરેલી એ સંસ્થાને પ્રતિષ્ઠા અપાવવા માટે ઘણું કર્યું. પણ એ પછી વચ્ચેના એક તબક્કામાં ફાર્બસ ઇંગ્લેન્ડ ગયા ત્યારે કવિ દલપતરામનો વર્નેક્યુલર સોસાયટીમાંથી રસ ઊડી ગયો. એમણે ત્યાંથી રાજીનામું આપી દીધું. એ વખતે ફાર્બસે એ સોસાયટીની જવાબદારી પોતાના એક અંગ્રેજ મિત્રને સોંપી દીધી હતી. દલપતરામે રાજીનામું આપી દીધું એટલે વર્નેક્યુલર સોસાયટીની પ્રવૃત્તિઓ ધીમી પડી ગઈ. ફાર્બસના અંગ્રેજ મિત્રને ફાર્બસ જેવું ગુજરાતીનું જ્ઞાન તો હતું નહીં અને એટલે એ પોતે તો કંઈ કરી શકે એમ નહોતા.

ફાર્બસના અંગ્રેજ મિત્રે દલપતરામને વિનંતી કરી કે તમે ફરી પાછા સોસાયટીમાં જોડાઈ જાઓ અને સંસ્થાની પ્રવૃત્તિઓ ફરી એક વાર વેગમય બનાવો. જોકે દલપતરામે એમાં ફરી વાર જોડાવાની ના પાડી દીધી. દલપતરામના ઈનકારથી મૂંઝાયેલા અંગ્રેજ સંચાલકે ઇંગ્લેન્ડ પત્ર લખીને ફાર્બસને જાણ કરી કે દલપતરામે સોસાયટીમાં જોડાવા માટે મને તો ના પાડી દીધી છે, પણ તમે કહો તો એ તૈયાર થઈ જશે.

ફાર્બસે દલપતરામને પત્ર લખીને વિનંતી કરી કે વર્નેક્યુલર સોસાયટીને તમારી જરૂર છે. તમે એમાં જોડાઈ જશો તો હું તમારો આભારી થઈશ. ફાર્બસનો પત્ર મળ્યો એટલે તરત જ દલપતરામ ફરી વાર સોસાયટીમાં જોડાઈ ગયા. તે વખતે એ પોતાની ઊંચા પગારની નોકરી છોડીને વર્નેક્યુલર સોસાયટીમાં માત્ર વીસ રૂપિયાના માસિક પગારથી જોડાયા. એ જાણીને એક મિત્રએ એમને પૂછ્યું કે ‘આનાથી અનેક ગણો વધુ પગાર તમને તમારી વર્તમાન નોકરીમાં મળતો હતો, છતાં તમે આ નોકરી કેમ સ્વીકારી?’

દલપતરામે જવાબ આપ્યો: ‘જગતમાં દોસ્તીથી વધુ મૂલ્યવાન કશું જ નથી. ફાર્બસસાહેબ મારા જીવનનો એક હિસ્સો છે અને હું તેમના જીવનનો એક હિસ્સો છું. આવા મિત્રની વિનંતી મારા માટે બ્રહ્મવાક્ય સમાન છે.’

એ સમય દરમિયાન કવિ દલપતરામ કોઈ બીજી જગ્યાએ ઊંચા પગાર સાથે નોકરીમાં જોડાઈ ગયા હતા, પણ મિત્ર ફાર્બસે કહ્યું એટલે એ માત્ર વીસ રૂપિયાના પગારથી પાછા વર્નાક્યુલર સોસાયટીમાં જોડાઈ ગયા!

આ વાતની ખબર પડી એટલે એમના મિત્રોએ કહ્યું કે ‘તમે આ શું મૂર્ખાઈ કરી?’
દલપતરામજીએ કહ્યું: ‘દોસ્તીની સામે પૈસાની કશી વિસાત નથી. મને મારા મિત્રએ કહ્યું કે મારી સંસ્થાને તારા યોગદાનની જરૂર છે એટલે પૈસા ગૌણ બની જાય છે.’

આ પણ વાંચો…ફોકસઃ ઓવર સ્લીપિંગ એટલે?

હવે જાણીએ બીજો કિસ્સો, જેમાં ગઈ સદીના વિખ્યાત કવિ ઉમાશંકર જોશીને કારણે માત્ર ચાર ચાર ધોરણ સુધી ભણેલા પન્નાલાલ પટેલને મદદરૂપ બન્યા હતા.

‘જ્ઞાનપીઠ’પુરસ્કાર વિજેતા સાહિત્યકાર પન્નાલાલ પટેલ અત્યંત ગરીબ કુટુંબમાં જન્મ્યા હતા. રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં નાનશા એટલે કે નાનાલાલ અને હિરાબાને ત્યાં જન્મેલા પન્નાલાલ પટેલ ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. પિતા ખેડૂત હતા. પન્નાલાલની બાલ્યાવસ્થામાં જ તેમના પિતા મૃત્યુ પામ્યા એટલે માતા હિરાબાએ એકલા હાથે ઘણી તકલીફો ભોગવીને સંતાનોનો ઉછેર કર્યો હતો.

પન્નાલાલને કુટુંબની ગરીબીને કારણે શિક્ષણની તક મળી નહીં. એ ઈડરની સર પ્રતાપ હાઈસ્કૂલમાં માત્ર ચોથા ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા હતા. એ સમય દરમિયાન ઉમાશંકર જોશી એમના મિત્ર બન્યા હતા. ઉમાશંકર જોશી મોટા થઈને નામાંકિત કવિ બન્યા.

બીજી બાજુ પન્નાલાલ પટેલ અસ્તિત્વ ટકાવવા માટે ઝઝૂમી રહ્યા હતા. આર્થિક તકલીફોને કારણે ડુંગરપુરમાં દારૂની ભઠ્ઠીના સુપરવાઈઝર તરીકે પણ નોકરી કરવી પડી હતી. એમણે અમદાવાદ ઈલેક્ટ્રિક કંપનીમાં નોકરી મેળવી ત્યાં પહેલા ઓઈલમેન અને પછી મીટર રીડર તરીકે ફરજ બજાવી.

અમદાવાદ હતા એ દરમિયાન 1936માં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ભાગ લેવા ગયા હતા એ વખતે અચાનક એમની મુલાકાત ઈડરની શાળાના તેમના સહાધ્યાયી ઉમાશંકર જોશી સાથે થઈ ગઈ. બન્ને મિત્રો ઘણાં વર્ષો પછી મળ્યા.

પન્નાલાલભાઈને વાચન અને લેખનનો શોખ હતો, પરંતુ સાહિત્યક્ષેત્રે આગળ વધવા માટે શું કરવું એ કશું સૂઝતું નહોતું. ઉમાશંકર જોશીએ એમને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું અને એમને કારણે પન્નાલાલ પટેલે સાહિત્યસર્જન શરૂ કર્યું. એ જ વર્ષે પોતાની સૌ પ્રથમ ટૂંકી વાર્તા શેઠની શારદા લખી. એ વાર્તા છપાઈ એટલે એમનો ઉત્સાહ વધ્યો. પછી તો એમની વાર્તાઓ ઘણા ગુજરાતી સામયિકોમાં પ્રકાશિત થવા લાગી.

1940માં તેમની પ્રથમ નવલકથા વળામણાં અને 1941માં બીજી નવલકથા મળેલા જીવ પ્રકાશિત થઈ. 1947માં એમની નવલકથા માનવીની ભવાઈ પ્રકાશિત થઈ. અને તેમણે સાહિત્યકાર તરીકે ખૂબ નામના મેળવી. જો 1936માં એમની મુલાકાત ઉમાશંકર જોશી સાથે ન થઈ હોત તો કદાચ એ સાહિત્યસર્જન તરફ વળ્યા ન હોત અને ગુજરાત કદાચ આવા ઉચ્ચ દર્જાના સાહિત્યકારથી વંચિત રહી જાત…

આ પણ વાંચો…કવર સ્ટોરીઃ મિથ્યાભિમાનમાં મસ્ત મેરા ભારત છે મહાન…!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button