ફોકસઃ ઓવર સ્લીપિંગ એટલે?

ડો. માજિદ અલીમ
આ ભાગદોડવાળા જીવનમાં કામની વ્યસ્તતાને કારણે પૂરતી ઊંઘ મળતી નથી. આ જ કારણે આપણે બધા જ વિકેન્ડની રાહ જોઈએ છીએ કે, આપણે આપણી ઊંઘ પૂરી કરી શકીએ. ઘણી વખત તો ઊંઘ પૂરી કરવાના ચક્કરમાં લોકો આખો શનિવાર ઊંઘવામાં જ કાઢે છે.
એનું પરિણામ એ આવે છે કે, ઓવર સ્લીપિંગને કારણે અઠવાડિયાના બીજા દિવસો કરતા વધારે થાક લાગે છે. જો તમારી સાથે પણ જો આવું જ થતું હોય તો, તમારે પોતાની ઊંઘની પેટર્ન (સાઇકલ) બદલવાની જરૂર છે. કારણ કે, આપણા દેશમાં ઊંઘને લગતી સમસ્યાઓ ઘણાને હોય છે જેમકે, ઊંઘ ન આવવી કે વધારે ઊંઘ આવવી વગેરે. આવામાં વધારે પડતી ઊંઘ કેટલી ખતરનાક સાબિત થાય તે જાણીએ.
ઓવર સ્લીપિંગ એટલે શું ?
કોઈપણ વ્યક્તિ માટે 7 થી 8 કલાકની ઊંઘ આવશ્યક હોય છે. જો આપણે 7 થી 8 કલાકની સમયમર્યાદા કરતા વધારે ઊંઘીએ તો આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. વધારે સૂવાથી આપણા શરીરનાં અંગોનું જે રૂટિન ચક્ર ગોઠવાયું હોય તેમાં બાધા આવે છે. આ પેટર્નથી જયારે આપણે આખું અઠવાડિયું ઓછું ઊંઘીએ અને વિકેન્ડ પર જયારે વધારે ઊંઘીએ તો પાચન અને હૃદય સંબંધી વિકૃતિઓ પેદા થાય છે.
આરોગ્ય નિષ્ણાંતોનું તે એ માનવું છે કે, જરૂરતથી વધારે સૂવાથી થાક લાગે છે જેને કારણે ઇરિટેશન થાય છે અને કામમાં ધ્યાન નથી લાગતું. જે લોકો વિકેન્ડ પર માત્ર બેડ પર જ સમય ગાળે છે તેમને લાગે છે કે એક અઠવાડિયાનો થાક ઉતારવા માટે સૂવા સિવાય કોઈ બીજો વિકલ્પ જ નથી. વધારે સૂવાથી તમારી પ્રોડક્ટિવિટી પર અસર પડે છે.
સૂવા માટે પણ એક નિશ્ચિત સમય હોવો જોઈએ. જે લોકો પોતાની ઊંઘના સાચા ટાઈમ ટેબલ પર ધ્યાન નથી આપતા તેમને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીનો સામનો કરવો પડે છે. આખા અઠવાડિયામાં ઓછું સૂવું અને વિકેન્ડ પર વધારે સૂવાથી તેમના મેટાબોલિક અને કાર્ડિયોંવેસ્ક્યુલર સિસ્ટમમાં ગડબડ પેદા કરે છે.
અલગ અલગ સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું તો એવું પણ માનવું છે કે, વધારે સૂવાથી માત્ર ઊંઘની સાઇકલ જ નથી બગડતી, પરંતુ આનાથી રોજ કરવામાં આવતા મેડિટેશનમાં પણ પ્રોબ્લેમ થાય છે જેનાથી વધારે થાક લાગે છે.
યોગ્ય ઊંઘ મેળવવા માટે શું કરવું
જો તમે અઠવાડિયાના પાંચ દિવસ પોતાની 7 થી 8 કલાકની ઊંઘ પૂરી કરતા હોવ તો વિકેન્ડ પર વધારે સૂવાની જરૂર નથી પડતી. ઘરના માહોલને શાંત રાખવો અને સૂવાનો એક ચોક્કસ સમય નિર્ધારિત કરવો અને રોજ એક જ સમયે સૂવાનો પ્રયત્ન કરવો.
કેફીન ટાળો
જમ્યા પછી ચા કે કોફી પીવાનું ટાળો. ચા કે કોફી પણ ઊંઘ ન આવવાનું કારણ બની શકે. ઊંઘ બગડવાથી બીજો દિવસ પણ ખરાબ જાય છે .
હળવું ભોજન કરવું
રાત્રીના સમયે વધારે હેવી ખોરાક ન ખાવો તેની બદલે હલકો ખોરાક ખાવાનું રાખવું જેથી પાચન સંબંધી સમસ્યા ન થાય. અને ખાસ ધ્યાન રાખવું કે આઠ વાગ્યા પહેલા ભોજન કરી લેવું જેથી કરીને ભોજન પચવા માટે પૂરતો સમય મળે.
નિયમિત કસરત કરવી
પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢીને નિયમિત વ્યાયામ કરવો જેથી તમને ઊંઘની સમસ્યા ન થાય. સારી અને પૂરતી ઊંઘ માટે યોગાસન, મેડિટેશન, વર્કઆઉટ અથવા બીજી કોઈ પણ એકિટવિટી કરવી જેથી થાક લાગે અને સારી ઊંઘ આવે.
ફોન અને લેપટોપથી દૂર રહેવું
રાતે સૂતા પહેલા પોતાના બધા જ ઑફિસના કામ પતાવી લેવા જેથી સૂવાના ટાઈમે કોઈ કામ યાદ ના આવે અને લેપટોપની જરૂર ન પડે. સૂવાના ટાઈમે મોબાઈલ ફોન દૂર જ રાખવો. જે લોકો એમ વિચારતા હોય કે મોબાઈલ સ્ક્રોલ કરતાં કરતાં ઊંઘ આવી જશે તેઓ એ તો ખાસ ધ્યાન રાખવું કે ઘણી વખત મોબાઈલ સ્ક્રોલ કરવાં ઘણો સમય વીતી જાય છે અને જો એક વાર ઊંઘના સમયે ઊંઘ ઊડી જાય તો પછી જલદી આવતી પણ નથી જેને હિસાબે આગલો દિવસ બગડે છે. તેથી જ ઊંઘમાં બધા નાખવાવાળા ગેજેટ્સથી દૂર જ રહેવું.
આ પણ વાંચો…ફોકસ: કલાકો સુધી બેસી રહેવું એ નોતરે છે વિવિધ બીમારી…