સ્પોટ લાઈટ : ઉત્કર્ષ મઝુમદાર: જૂનું એટલું સોનું…

- મહેશ્ર્વરી
જૂનું એટલું સોનું એ કહેવતને માનવીય પરિપ્રેક્ષ્યમાં સમજવી હોય તો ઉત્કર્ષ મઝુમદારને ઓળખવા જોઈએ, જાણવા જોઈએ અને સમજવા જોઈએ. એકવીસમી સદીના ત્રીજા દાયકામાં પણ ઉત્કર્ષ ભાઈ લગન અને ઉત્સાહ સાથે ‘ગુજરાતી જૂની રંગભૂમિ’ની સફર પર લઈ જાય છે. એમની રજૂઆત એવી કાબિલ – એ – તારીફ હોય છે કે અસલનાં નાટકોનો સુવર્ણ કાળ ગઈ કાલની પેઢી માટે રિવાઇન્ડ થાય છે અને એ અનુભવથી વંચિત રહેલી પેઢીને એનો પરિચય થાય છે. તાજેતરમાં જૂનું એટલું સોનું જેવા એશિયાના સૌથી જૂના અને પ્રતિષ્ઠિત દૈનિક અખબાર ‘મુંબઈ સમાચાર’ પ્રસ્તુત વાર્ષિક ‘ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ્સ – 2024 સમારોહમાં ઉત્કર્ષ મઝુમદારને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ એનાયત થયો એનો હરખ જરૂર દરેક કલાપ્રેમીને થયો હશે.
ઉત્કર્ષ ભાઈ વિશે તો અનેક વાત લખી શકાય એવું વિશાળ ફલક એમની કારકિર્દીનું છે. બાળ નાટકોથી માંડી ‘માસ્ટર ફૂલમણિ’ અને ‘જાગીને જોઉં તો’ સુધીની તેમની રેન્જ અદભુત છે. મારે તો ખાસ એ કહેવું છે કે તક મળે ત્યારે જૂની રંગભૂમિનાં ગીતો ગાઈને એ નાટકો, એનું સાહિત્ય આજની પેઢીને પહોંચાડવા સતત પ્રયત્નશીલ રહે છે એ વંદનીય છે. જૂની રંગભૂમિનું માધુર્ય આજે પણ લોકો માણી શકે છે એનો સંપૂર્ણ શ્રેય ઉત્કર્ષ ભાઈને જાય છે. જૂની રંગભૂમિના ગીતો એમના મધુર કંઠમાં લહેકા સાથે રજૂ થાય ત્યારે આજના યંગસ્ટર્સ પણ રાજી થતા હોવાનું મને જાણવા મળ્યું હતું.
ચાલીસેક વર્ષ પહેલાની વાત છે. લગભગ 1981 – 82ની. એ વખતે ઉત્કર્ષ ભાઈ સાથે મેં એક નાટકમાં કામ કર્યું હતું. નાટકનું નામ હતું ‘ઘર સંસાર.’ મરાઠી ભાષાના પ્રસિદ્ધ નાટ્યકાર વસંત સબનીસના કોમેડી નાટક ‘સૌજન્યાચી ઐશી તૈસી’નું એ ગુજરાતી રૂપાંતર હતું. 1968માં રજૂ થયેલા સબનીસના ‘વિચ્છા માઝી પૂરી કરા’ લોકનાટ્યને અભૂતપૂર્વ સફળતા મળી હતી. તેમના લખાણમાં વિનોદવૃત્તિ ભારોભાર જોવા મળતી. તેમનું ‘ગેલા માધવ કુણી કડે’ ખાસ્સું ગાજ્યું હતું. મરાઠી ભાષાના આવા સશક્ત સર્જકના નાટકમાં ગુજરાતી ભાષાના સશક્ત કલાકાર સાથે કામ કરવા મળ્યું એ તો મારા માટે લ્હાવો હતો. ઉત્કર્ષ ભાઈએ એમાં મારા પતિનો રોલ કર્યો હતો. એમની સાથે કામ કરવાથી આનંદ તો આવે જ, સાથે સતત કશુંક જાણવા મળે, શીખવા મળે, સમજવા મળે. આ નાટકના દિગ્દર્શક હતા કુશળ રંગકર્મી અરવિંદ વેકરિયા. ‘ઘર સંસાર’ કર્યું એનાં વર્ષો પછી વિનુભાઈ (વિનયકાન્ત દ્વિવેદી)એ ‘સંભારણાંના શો કર્યા ત્યારે ‘પૃથ્વીરાજ ચૌહાણ’ નાટકમાં ઉત્કર્ષ ભાઈ પૃથ્વીરાજના રોલમાં હતા અને કર્ણાટકીની ભૂમિકા મેં કરી હતી. તાજેતરમાં કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના કાર્યક્રમમાં ઉત્કર્ષ ભાઈ જેવા મૂઠી ઊંચેરા કલાકારના હસ્તે મારું સન્માન થયું એ મારા માટે બહુ મોટી વાત છે.
જૂની રંગભૂમિની વાત માંડી જ છે તો શ્રી દેશી સમાજ નાટકમાં કાર્યરત હતી એ દિવસોમાં જાણેલી એક અદ્ભુત નાટ્યાત્મક ઘટનાની વાત ‘મુંબઈ સમાચાર’ના નાટ્યપ્રેમી દર્શકો સમક્ષ રજૂ કરવી છે. ‘મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ના નાટકો ભજવાતા ત્યારે દોરાબજી મેવાવાલા નામના શખ્સ ડોર કીપરની જવાબદારી સંભાળતા હતા. દોરાબજીને નાટકો માટે જબરદસ્ત રૂચિ અને લગાવ હતા. પડદો ઊંચકાય એટલે ભાઈ સાહેબ નાટક જોવામાં મશગૂલ થઈ જાય. કલાકારના હાવભાવ અનુસાર પોતે પણ એ પ્રમાણે કરવાની કોશિશ કરે. મનમાં ને મનમાં સંવાદ પણ બોલે. એમાં થતું એવું કે મોડા આવેલા પ્રેક્ષકોની ટિકિટોના અડધિયાં ફાડવાનું ભુલાઈ જાય જેને કારણે કંપનીના હિસાબમાં ગરબડ થાય.
દોરાબજીના રસ અને રુચિથી વાકેફ એવા એમના જેવા જ એક નાટ્ય રસિકે તો સીધો સવાલ જ કર્યો કે ‘મેવાવાલા, ટિકિટો ચકાસવાનું કામ છોડી તું નાટક કેમ જોયા કરે છે?’
દોરાબજીનો જવાબ સાંભળો: ‘નાટક સમજ્યા વિના કોઈ કલાકાર કારણ વિના બૂમ બરાડા પાડે એ મારાથી નથી ખમાતું. અમુક એક્ટર તો એવી બકવાસ એક્ટિંગ કરે છે કે… એની જગ્યાએ સ્ટેજ પર જો હું હોઉં તો એક્ટિંગ કોને કહેવાય એ બતાવી દઉં.’
પેલા નાટ્ય રસિકને દોરાબજીની વાત ગરમ ગરમ શીરાની જેમ ગળે ઊતરી ગઈ. એમની પારખુ નજરે કાંકરો ગણાયેલા હીરાને પારખી લીધો. દિગ્દર્શક દયાશંકર વસનજીને તેમના નામની ભલામણ કરી ’પ્રેમકલા’ નામના નાટકમાં નાનકડો રોલ મેળવી આપ્યો. કહે છે ને કે પાત્ર ભલે ગમે એટલું નાનું હોય, કલાકારનું હીર પરખાઈ જાય. દોરાબજીની અભિનય કુશળતા અનેક લોકોને ધ્યાનમાં આવી.
‘મુંબઈ ગુજરાતી નાટક મંડળી’એ નંદશંકર તુળજાશંકર મહેતા લિખિત અને ગુજરાતી સાહિત્ય જગતની સર્વ પ્રથમ નવલકથા તરીકે સ્થાન મેળવનારી ઐતિહાસિક નવલકથા ‘કરણઘેલો’ પર નાટક લખવાનું ભગીરથ કામ મૂળશંકર મુલાણીને સોંપ્યું હતું. મુલાણી સાહેબની કલમ નાટકને અંતમાં કરુણરસની પરાકાષ્ઠાએ લઈ ગઈ. નાટક તો સરસ લખાયું છે એની ખાતરી બધાને થઈ ગઈ. પણ લાખ રૂપિયાનો સવાલ એ હતો કે નાટકમાં મુખ્ય પાત્ર કોણ સાકાર કરે? કરણના પાત્ર માટે દયાશંકર વસનજી, બાપુલાલ નાયક અને સોરાબજી કાત્રકમાંથી એકની પસંદગીની ગણતરી મુકાઈ રહી હતી.
ત્રણે ત્રણ જબરદસ્ત કલાકાર. એકની પસંદગી કરવાથી બાકી બંનેના દિલ દુભાય એવી વાત હતી. બહુ મનોમંથન પછી નવો જ પ્રયોગ કરી ચોથી જ વ્યક્તિની પસંદગી કરણના પાત્ર માટે કરવાનો નિર્ણય લેવાયો. એ ચોથી વ્યક્તિ હતી નાટકના રસિયા, પણ ડોર કીપરનું કામ કરતા દોરાબજી મેવાવાલા. એમની પ્રતિભાને પાંગરવાનો મોકો આપવો જોઈએ એવા મત સાથે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, આ નિર્ણયની જાણ થતા કંપનીમાં નારાજગી ફેલાઈ ગઈ. લેખક મૂળશંકર મુલાણીને તો સીધું કહી દેવામાં આવ્યું કે,
‘તમારું નાટક નિષ્ફળ જશે.’ કરણ જેવા રાજાના પાત્રને પારસી ન્યાય આપી શકશે? એની ભાષા એ બોલી શકશે? અન્ય કલાકારો સાથે અન્યાય કરી રહ્યા છો. ક્યાં એક સામાન્ય ડોર કીપર અને ક્યાં કરણઘેલોનું પાત્ર?
એકસામટા સવાલોના વરસાદનો શ્રી મુલાણીએ એક જ વાક્યમાં જવાબ આપ્યો ‘અભિનય કોઈનો ઈજારો નથી. બહુરત્ના વસુંધરા.’
પોતાના માટે મતભેદ થયો છે એ વાતની જાણ દોરાબજીને થઈ અને એક પડકાર ઝીલી તેમણે તૈયારી શરૂ કરી દીધી. કરણની ભૂમિકા, એના સંવાદોમાં રહેલી ભાવના, કરણના પ્રતિભાવ સહિત ઝીણામાં ઝીણી વિગતો નાટ્ય ભજવણીની દ્રષ્ટિએ સમજી કરણના પાત્રને આત્મસાત કરી લીધું.
નાટક રજૂ થયું અને પડદો પડતા દોરાબજીને અભિનંદન આપવા પ્રેક્ષકોનો ધસારો થયો. ‘કરણઘેલો’ને જોરદાર સફળતા મળી. સાચે જ, અભિનય કોઈનો ઈજારો નથી.
થ્રસ્ટ સ્ટેજ, પ્રોસેનિયમ થિયેટર અને ખાડાનું થિયેટર
વાંચવામાં જ ભારેખમ લાગતા પહેલા બંને શબ્દનો નાતો રંગભૂમિ સાથે છે એથી વિશેષ તો નાટકો જોતા – માણતા પ્રેક્ષકો નહીં સમજતા હોય. એમાં એમનો વાંક પણ નથી, કારણ કે આ બંને ટેકનિકલ ટર્મ છે. ઉત્કર્ષ ભાઈએ એનો અર્થ સમજાવ્યો હતો. આજકાલ આપણે નાટકો જોઈએ છીએ એ પ્રોસેનિયમ પ્રકારના હોય છે. એક તરફ સ્ટેજ અને એની સામે પ્રેક્ષકો બેઠા હોય. બંને વચ્ચે એક પડદો હોય જે ઊંચકાય એટલે નાટક શરૂ થાય. થ્રસ્ટ સ્ટેજમાં તખ્તો વચ્ચે હોય અને એની ફરતે ત્રણ બાજુએ પ્રેક્ષકો માટે બેસવાની વ્યવસ્થા હોય. પ્રેક્ષકો અને તખ્તા વચ્ચે પડદો ન હોય. પૃથ્વી થિયેટર થ્રસ્ટ સ્ટેજ પ્રકારનું છે. થ્રસ્ટ સ્ટેજમાં તખ્તો પાંચેક ફૂટની ઊંચાઈએ પણ હોય. ત્રણે બાજુ પ્રેક્ષકોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવે. તખ્તો પાંચેક ફૂટ ઊંચો હોવાથી બેસવાની વ્યવસ્થા એવી રીતે કરવી પડે જેથી દરેક પ્રેક્ષક વિના મુશ્કેલીએ નાટક જોઈ શકે. પ્રેક્ષકોની સગવડ સાચવવા વચ્ચે જગ્યા છોડી દેવામાં આવે અને એની પછી બેસવાની આગળની વ્યવસ્થા શરૂ થાય. વચ્ચે જો જગ્યા ખાલી રહે તો થિયેટરને આર્થિક નુકસાન થાય.
થિયેટર માલિકોમાં કલાત્મક સૂઝ પાતળી હોઈ શકે છે, પણ એમનામાં ધંધાકીય કુનેહ જબરદસ્ત હોય છે. એવો તોડ કાઢવામાં આવ્યો કે એ જગ્યામાં દર્શકોએ ઊભા ઊભા નાટક જોવાનું અને એને માટે ટિકિટના દર ઓછા રાખવાના. આ નિર્ણયનો લાભ એ થયો કે ઉચ્ચ ભ વર્ગના લોકો તો નાટકો જોવા આવતા જ, તેમની સાથે સાથે ટિકિટની કિંમત પરવડતી હોવાને કારણે શ્રીમંતાઈ ન હોય એવો વર્ગ પણ નાટક જોવા આવતો થયો. બેઠક વ્યવસ્થાને કારણે વચ્ચે જે જગ્યા પડતી એ પીટ (ખાડો) તરીકે ઓળખાવા લાગી. કાળક્રમે આ જગ્યાએ ઊભા ઊભા નાટકો જોતા દર્શકો ‘પીટ ક્લાસ ઓડિયન્સ’ નામથી ઓળખાવા લાગ્યું. ગુજરાતમાં પણ ‘ખાડા થિયેટર’ હતા એ આને મળતા આવતા હતા.
(સંકલિત)



