ઉત્સવ

પ્રી-આઈપીઓ સલાહકારો: રોકાણકારો માટે સારું, છતાં સંભાળવું જરૂરી…

ભારતીય મૂડીબજારમાં લિસ્ટિંગની તેજીથી કંપનીઓને આઈપીઓ લાવવામાં ચોકકસ સહાય-માર્ગદર્શન આપનાર નિષ્ણાતોની એક નવી પેઢી તૈયાર થઈ રહી છે, આ દર્શાવે છે કે વધુને વધુ આઈપીઓ બજારમાં આવવાની તૈયારીમાં છે. આમ તો આઈપીઓને મેનેજ કરનારાઓની (ઈસ્યૂ મેનેજર્સ-બેન્કર્સ-મર્ચન્ટ બેન્કર્સ)ની એક પેઢી તો વરસોથી સક્રિય છે જ, પરંતુ હવેના સમયને પારખતા અને બદલાતા સંજોગોને ધ્યાનમાં રાખતા પ્રી-આઈપીઓના માર્ગદર્શન માટેનો નવો બિઝનેસ ઊભરી રહ્યો છે, જેને સમજવું રસપ્રદ રહેશે.

ઈકો-સ્પેશિયલ – જયેશ ચિતલિયા

2025માં આપણે આઈપીઓની પબ્લિક ઈસ્યુઓની લાંબી કતાર જોઈ, તેમાં તેજી પણ જોઈ, ઊંચા લિસ્ટિંગ પણ જોયા અને એક નવા ટ્રેન્ડ સ્વરૂપે અનલિસ્ટેડ સ્ટોકસના સોદાઓના વ્યવહારો પણ જોયા. મેઈન બોર્ડ ઉપરાંત હવે તો એસએમઈ (સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈસિસ) કંપનીઓની પણ લાંબી કતાર બની છે. 2025માં સૌથી વધુ એસએમઈ આઈપીઓ બજારમાં આવ્યા છે. આ નાની-મધ્યમ કંપનીઓ બેંકોની મોંઘી અને મુશ્કેલ લોન કરતા ફંડ ઊભું કરવા માટે મૂડીબજારનો માર્ગ પસંદ કરવા લાગી છે, જેનો સ્કોપ પણ સતત વધી રહ્યો છે.

આમ ભારતની ઝડપથી આગળ વધી રહેલી પ્રાયમરી માર્કેટના નિષ્ણાતોએ એક નવા વર્ગને જન્મ આપ્યો છે. આ કહેવાતા પ્રી-આઈપીઓ અથવા આઈપીઓ સંબંધિત સલાહકારો, જે કંપનીઓને જટિલ આઈપીઓ યાત્રામાં માર્ગદર્શન આપવામાં સહાય કરે છે.

ઈન્વેસ્ટમેન્ટ બેંકરો તથા મૂડીબજારના કાનૂન નિષ્ણાતોથી અલગ, આ કંપનીઓ અનલિસ્ટેડ કંપનીઓને લિસ્ટિંગમાં નડતી મુશ્કેલીઓ માટે સજ્જબનવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં આંતરિક નિયંત્રણોને મજબૂત બનાવવાથી લઈને મેનેજમેન્ટ પરિવર્તનના સંચાલનને તેમ જ આઈપીઓની સમગ્ર પ્રક્રિયાને પ્રોજેક્ટ કરવા અને સંભાળવામાં સહાયતા પૂરી પાડવાનો સમાવેશ થાય છે.

હાલનાં વર્ષોમાં રેકોર્ડ માત્રામાં ભંડોળ ઊભું કરવા અને ઘરેલુ મૂડીના વધતા પ્રવાહની સાથે આવી સેવાઓની જરૂરીયાત અને માગમાં વધારો થયો છે. આ વ્યવસાય નાની-નાની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપનીઓ અથવા સ્વતંત્ર સલાહકારોથી વિકાસ પામ્યો છે, જે એક સમયે પ્રોફેશનલ કંપનીઓને બોર્ડ સ્તરે સલાહ પૂરી પાડતા હતા તે હવે મોટી ટીમોવાળી પ્રોફેશનલ કંપનીઓમાં પલટાઈ ગયા છે અને હવે આઈપીઓ લાવવા ઈચ્છતી કંપનીઓને શરૂથી અંત સુધી મદદ કરવા તત્પર હોય છે.

ભારતીય મૂડીબજાર જેમ જેમ વિકસિત થઈ રહ્યું છે, રિટેલ પાર્ટિસીપેશનમાં નોંધનીય વૃદ્ધિ થઈ રહી છે અને ઘરેલુ નાણાંપ્રવાહ બજારને ગતિ પૂરી પાડી રહ્યો છે, તે જોતાં કહી શકાય કે ઢગલાબંધ કંપનીઓ માટે આઈપીઓ મૂડી ઊભી કરવાનો મહત્ત્વપૂર્ણ માર્ગ બની રહ્યો છે. જોકે આઈપીઓ એક ગૂંચવણભર્યો અને નવો અનુભવ હોવાથી એને માટે ઘણી મહેનતની અને માર્ગદર્શનની જરૂર પડે છે.

આ ક્ષેત્રમાં આવી માર્ગદર્શનની સર્વિસ આપવા પ્રવેશેલી વિવિધ કંપનીઓના મતે આધુનિક સમયના આઈપીઓ મોટા નાણાકીય વ્યવહાર ઉપરાંત ઓપરેશનલ ટ્રાન્સફોર્મેશન પણ છે. આ સલાહકાર કંપનીઓ પરંપરાગત ક્ધસલ્ટિંગને બદલે પ્રોજેક્ટ અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એ વર્ગ કહે છે, આજકાલ બિઝનેસ વધુ ને વધુ જટિલ બની રહ્યા છે અને સતત નવા-નવા નિયંત્રણો લાગુ થતા જાય છે. બીજી તરફ, જાણકારોના કહેવા મુજબ પ્રી-આઈપીઓ સલાહકારની માગમાં વધારા માટે ત્રણ મુખ્ય પરિબળ છે.

એક, ભારતમાં મૂડીબજારમાં સતત ગતિ જોવા મળી રહી છે, જ્યાં ઘરેલુ તેમ જ વિદેશી, એમ બંને પ્રકારના ઈન્વેસ્ટરો ઉચ્ચ- ગુણવત્તાવાળા આઈપીઓમાં રસ બતાવી રહ્યા છે. આને લીધે મૂડીબજારમાં પ્રવેશ મેળવવા ઈચ્છતી કંપનીઓનો એક મોટો વર્ગ તૈયાર થાય છે.

બીજું, જાહેરાતો, મેનેજમેન્ટ અને આંતરિક નિયંત્રણો મામલે નિયામકની અપેક્ષાઓ નોંધનીય રીતે વધી છે.

ત્રીજું, કંપનીઓના સીએફઓ એ વાત સમજી રહ્યા છે કે આઈપીઓ માત્ર વન ટાઈમ ઘટના નથી, પરંતુ આર્થિક, જોખમ અને મેનેજમેન્ટ કાર્યોનું એક રૂપાંતરણ છે. આ માર્ગમાં નાણાકીય રિપોર્ટિંગ બાબતોમાં સહાયતા, ઓડિટ અને નિયામક સાથે સમન્વય સાધવા જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે.

આઈપીઓ લાવવા ઈચ્છતી ઘણી કંપનીઓ આર્થિક રિપોર્ટિંગની જટિલતા અને ડેટા ક્વાલિટી લઈને ઝઝૂમતી જોવા મળતી હોય છે. આવી કંપનીઓ ઘણી વાર નિયામકે લાગુ કરેલા ધારાધોરણોને અનુરૂપ જરૂરી પગલાં માટેના પ્રયાસને ઓછો આંકતી હોય છે. અનલિસ્ટેડ કંપનીઓ અનૌપચારિક પ્રક્રિયાઓ પર નિર્ભર હોય છે અને લિસ્ટેડ કંપની બનવા માટે એક મોટા પરિવર્તનની જરૂર હોય છે, જેમાં સ્વતંત્ર ડિરેક્ટરો હોય, બોર્ડ સમિતિઓ હોય, સંબંધિત પક્ષકારોની મંજૂરીની પ્રણાલી હોય અને ઈન્સાઈડર-ટ્રેડિંગ સંબંધી અંકુશો હોય. જયારે કે અમલીકરણનું પણ ખાસ મહત્ત્વ હોય છે.

ભારતીય ઉદ્યોગ જગત માટે આવી (આઈપીઓ સંબંધિત સલાહકાર) કંપનીઓનો ઉદય મૂડીબજારોની ઈકોસિસ્ટમ પરિપક્વ બની રહી હોવાનું પ્રતીક છે. જે રીતે મર્ચન્ટ બેંકર્સ, રજિસ્ટ્રાર્સ અને કાનૂની સલાહકારો લિસ્ટિંગની પરંપરાગત કરોડરજ્જુ સમાન ગણાય છે તેવી જ રીતે, હવે આઈપીઓ-રેડિનેસ નિષ્ણાતો પણ એક મહત્ત્વની પ્રારંભિક જરૂરીયાતોને પૂરી કરી રહ્યા છે.

એ સુનિશ્ર્ચિત કરે છે કે આઈપીઓ લાવનારી કંપનીઓ મજબૂત પ્રણાલીઓ, સ્વચ્છ હિસાબ-કિતાબ અને જાહેર મંચ માટે યોગ્ય મેનેજમેન્ટ માનસિકતા સાથે આગળ વધે. જોકે રોકાણકારો માટે મહત્ત્વની વાત એ છે કે તેઓ આઈપીઓ લાવવામાં સહાય કે માર્ગદર્શન કરનાર કંપનીઓને જાણવા-જોવા ઉપરાંત આઈપીઓવાળી કંપનીઓના મેનેજેમન્ટ, ટ્રેકરેકોર્ડ, બિઝનેસ, ફંડામેન્ટલ્સ, સ્પર્ધા, સંભવિત જોખમો અને ભાવિ વિકાસની સંભાવનાને ધ્યાનમાં રાખીને જ રોકાણનો નિર્ણય લે એમાં તેમનું હિત છે.

બાકી રોકાણકારોને આકર્ષવા અનેક મધ્યસ્થી વર્ગ એકસપર્ટના નામ આવ્યા કરશે પછી એ રોકાણકારોના હિતોની કઈ રીતે રક્ષા કરે છે એ જાણવું-સમજવું મહત્ત્વનું રહેશે.

આ પણ વાંચો…ઈકો-સ્પેશિયલ: ‘હાર્યો જુગારી બમણું રમે’ એ માનસિકતામાંથી મુક્ત થાવ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button