ઈકો-સ્પેશિયલઃ અનિશ્ચિત સંજોગોમાં પણ મ્યુચ્યુઅલ ફંડનો રોકાણ પ્રવાહ ઊંચો કેમ?
ઉત્સવ

ઈકો-સ્પેશિયલઃ અનિશ્ચિત સંજોગોમાં પણ મ્યુચ્યુઅલ ફંડનો રોકાણ પ્રવાહ ઊંચો કેમ?

જયેશ ચિતલિયા

મ્યુચ્યુઅલ ફંડ અને તેના એસઆઈપી, હાલમાં અનિશ્ર્ચિત ગ્લોબલ સંજોગો વચ્ચે પણ ઈકિવટી તથા એસઆઈપી માર્ગે જે રોકાણ પ્રવાહ સતત આવી રહયો છે. ગ્લોબલ અનિશ્ર્ચિતતા અને ટ્રમ્પ-ટૅરિફને કારણે શેર માર્કેટ આડેધડ તૂટે તો પણ તમારી પાસે રોકાણનો એક ઉત્તમ માર્ગ છે જઈંઙ (સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન).

આ માર્ગ તમને બજારની વધઘટની ચિંતા વિના રોકાણ કરવાની સુવિધા અને સુફળ આપી શકે છે, કારણ કે એસઆઈપીનો આધાર જ એ છે કે, શેરબજાર તેજીમાં હોય તો તમને લાભ અને મંદીમાં હોય તો પણ તમને લાભ થાય. અર્થાત એસઆઈપી એટલે વિન-વિન સિચ્યુએશન.

રોકાણની સાતત્યપૂર્ણ વૃદ્ધિ
તાજેતરનો જુલાઇ મહિનો આ વાતને સમર્થન આપતો હોય તેમ તેના આંકડા કહે છે કે આ જુલાઈમાં ઈક્વિટી શેર્સમાં રૂ. 42 હજાર કરોડનું રેકોર્ડ ભંડોળ જમા થયું છે, જેમાં એસઆઈપી મારફત આવેલું રોકાણ પણ રેકોર્ડ છે, જે રૂ.28 હજાર કરોડથી વધુ છે.

મજાની વાત એ છે કે શેરબજારની ચાલને ધ્યાનમાં રાખ્યા વિના કે એ પ્રત્યે બહુ ગંભીર થયા વિના રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓમાં સતત રોકાણ કરતા રહયા છે, જેને લીધે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના સંચાલન હેઠળનું (એયુએમ- એસેટસ અંડર મેનેજમેન્ટ) કુલ ભંડોળ પણ જુનમાં રૂ.74.79 લાખ કરોડ હતું, તે જુલાઈમાં રૂ.76.74 લાખ કરોડ થઈ ગયું.

આમાં પણ નોંધનીય બાબત એ છે કે ઈક્વિટીમાં આવતો પ્રવાહ ઊંચો રહ્યો છે, જે સતત 53માં મહિને નેટ રોકાણનો રહ્યો છે. અર્થાત, ફંડની યોજનાઓમાં નાણાં બહાર જાય છે તે કરતા અંદર વધુ આવે છે. એટલે કે નેટ રોકાણ સતત એકધારું ઊંચું રહે છે.

બહેતર વૈવિધ્યપૂર્ણ માર્ગ
ઈક્વિટીમાં રોકાણ પ્રવાહ આવવા ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડની ડેટ યોજનાઓમાં પણ રોકાણ પ્રવાહ ઊંચો થતો જાય છે. એના પુરાવા રૂપે ડેટ ફંડસમાં થતું રોકાણ રૂ. 1 લાખ કરોડ ઉપર પહોંચ્યું છે. આ માર્ગે રોકાણકારોને વ્યાજની આવક સારી થતી હોય છે.

અનેક રોકાણકારો બેંક એફડી (ફિક્સડ ડિપોઝિટ) કરતાં મ્યુચ્યુઅલ ફંડની સ્કિમ પસંદ કરવાનું કારણ એફડી કરતાં નોંધપાત્ર બહેતર વળતર છે. આ રોકાણ સરળ અને સુવિધાપૂર્ણ પણ છે. ઓનલાઈન વ્યવહારોને કારણે નાણાં ઉપાડ પણ સરળ થઈ ગયો છે. હાઈ નેટવર્થ ઈન્વેસ્ટર્સ પણ વૈવિધ્યકરણ માટે ફંડસનો માર્ગ વધુ પસંદ કરે છે.

સોનું-એફડી-ક્રિપ્ટો કરતાં એમએફ વધુ સારા
એક બહુ મોટો વર્ગ સોનામાં રોકાણ કરતો રહ્યો છે. એક વર્ગ સરકારી બચત યોજનાઓમાં પણ રોકાણ કરે છે. એક નવી જનરેશનનો વર્ગ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતો થયો છે. આ બધાં વર્ગ પણ મ્યુચ્યુઅલ ફંડસનેય નાણાં ફાળવે છે. વર્તમાન સમયમાં સરળતા, એકંદરે સલામતી અને બહેતર રિટર્ન આપતો માર્ગ મ્યુચ્યુઅલ ફંડ બની રહયો છે પરિણામે વધુ ને વધુ લોકો આ માર્ગ તરફ વળતા જાય છે. નવા વર્ગ ઉપરાંત વર્તમાન વર્ગ પણ તેમનું રોકાણ ભંડોળ મ્યુચ્યુઅલ ફંડમાં વધારતો રહયો છે અને આ વધારતા રહેવામાં શાણપણ પણ છે.

આટલી પાયાની સમજ કેળવીને જે લોકો મ્યુચ્યુઅલ ફંડસની યોજનાઓમાં લાંબા ગાળાનું રોકાણ કરશે તે નિરાશ નહીં થાય .
પરિવર્તન સાથે તાલ રોકાણકારોના પ્રવાહને ધ્યાનમાં રાખી ફંડસ પણ ઈનોવેશન લાવી રહ્યું છે. સમયના પરિવર્તન સાથે આજે નવા -નવા ફંડસ પણ આવતા જાય છે.

બદલાતા ગ્લોબલ સંજોગો કે સ્થાનિક સંજોગોમાં, અર્થતંત્રની બદલાતી તરાહ, ન્યુ ઈકોનોમી, નવા સેકટર, વગેરેને ધ્યાનમાં રાખી થિમેટિક ફંડ, ફલેકસીકેપ ફંડ, વગેરે જેવા કનસેપ્ટ પણ ડેવલપ થઈ રહ્યા છે. લોકોની જાગૃ્રતિ પણ વધી રહી છે.
નિયમન તંત્ર ‘સેબી’ આ ઉદ્યોગમાં પારદર્શકતા અને શિસ્ત વધારવાના પગલાં પણ સતત ભરતું રહે છે. માર્કેટ અને ઈકોનોમીના વર્તમાન સંજોગો અને ભાવિ સંભાવનાઓને લક્ષ્યમાં રાખી નવી ફંડ ઓફર્સ (એનએફઓ) પણ આવતી રહે છે.

એક તરફ આઈપીઓ તો બીજી તરફ એનએફઓ ઈન્વેસ્ટર્સ વર્ગ માટે નવી-નવી તક લાવતા જાય છે. આનો એક અર્થ એ થાય કે રિટેલ-નાના-મધ્યમ સ્તરના રોકાણકારો શેરબજાર કરતાં મ્યુચ્યુઅલ ફંડના એસઆઈપીને વધુ પસંદ કરે છે, તેમાં વધુ વિશ્વાસ કરે છે. યાદ રહે, આ પ્લાનમાં રોકાણ એક- બે વરસ માટે વિચારતા હો તો ભૂલ થઈ જશે, કમસે કમ 3 થી 5 વરસ અથવા બની શકે તો સાત થી દસ વરસ માટે વિચારજો.

સમયને પારખીને વાત કરીએ તો વિવિધ રોકાણ સાધનોમાં મહત્તમ શિસ્તબદ્ધ માર્ગ મ્યુચ્યુઅલ ફંડનો કહી શકાય. બીજાં સાધનોમાં રોકાણ કરવું હોય તો ભલે કરો, પણ મ્યુચ્યુઅલ ફંડ માટે ચોકકસ હિસ્સો અવશ્ય ફાળવો. ‘હર ઘર તિરંગા’ની જેમ આ રોકાણ ઘર-ઘર હોવું જોઈએ.

આ પણ વાંચો…ઈકો-સ્પેશિયલઃ આ ફ્રેન્ડલી ઈન્ડેકસ દર્શાવશે કયા રાજય ઈન્વેસ્ટમેન્ટ માટે ઉત્તમ છે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button