ઈકો-સ્પેશિયલ : રિફોર્મ્સ- પર્ફોર્મ ને ટ્રાન્સફોર્મ સાર્થક થવા જોઈએ | મુંબઈ સમાચાર
ઉત્સવ

ઈકો-સ્પેશિયલ : રિફોર્મ્સ- પર્ફોર્મ ને ટ્રાન્સફોર્મ સાર્થક થવા જોઈએ

  • જયેશ ચિતલિયા

GST રિફોર્મ્સ બાદ હવે લેબર અને લેન્ડ રિફોર્મ્સ થવાની આશા તીવ્ર બની રહી છે. સરકાર આર્થિક-સામાજિક સુધારા વિશે વધુ સજાગ થઈ છે. એટલું જ નહીં, આ સુધારા હાલની જરૂરિયાત પણ બની ગયા છે. રિફોર્મ્સનો પણ ખરાં અર્થમાં સાર્થક સામેલ અને અમલ પણ થવો જોઈએ

ફેબ્રુઆરીના બજેટમાં ઈન્કમ ટેકસ જેવા પ્રત્યક્ષ વેરાના જોરદાર સુધારા બાદ હાલ GST જેવાં પરોક્ષ વેરાના ધરખમ સુધારા સાથે સરકારે વૈશ્વિક પડકારો સામે દેશને સક્ષમ અને સજજ કરવાનું મિશન ઉપાડયું હોવાનું પ્રતિત થાય છે. GST સુધારાને ટ્રાન્સફોર્મેશન કહી શકાય, જે અર્થતંત્રના વિકાસને નવું બળ અને નવી દિશા આપે એવી આશા છે. કેન્દ્ર સરકાર હવે મોટા-વિશાળ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ્સના ઝડપી ક્લિયરન્સ માટે સક્રિય બની છે. મૂડીખર્ચ વધારવાના ઉદ્ેશ સાથે સરકારે વિશાળ પ્રકલ્પો માટે 2030 સુધીનો ગાળો નિર્ધારિત કર્યો છે.

આ સૂચિત મેગા પ્રોજેકટ્સમાં બુલેટ ટ્રેન કોરિડોર, શીપ બિલ્ડિંગ યાર્ડસ, મલ્ટિપલ પોર્ટસ અને હાઈવેઝનો સમાવેશ થાય છે, જે 2047ના વિકસિત ભારતના વિઝનમાં સમાયેલું છે. સરકારે 2026માં ઈન્ફ્રા પ્રોજેકટસ માટે 11.21 લાખ કરોડ ફાળવ્યા છે. આની પાછળનું સરકારનું લક્ષ્ય વિકાસને વેગ આપવાનું રહ્યું છે. દરમિયાન, નિષ્ણાતો સરકારને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે વિવિધ પ્રોસેસને સરળ બનાવવાની ભલામણ કરી રહ્યા છે. અર્થાત્, હવે પછી પ્રોસેસ રિફોર્મ્સ હાથ ધરાશે. આ સાથે સરકાર સેમિક્ધડકટર મિશન 2.0 માટે ફાસ્ટ ટ્રેક એપ્રુવલ યંત્રણા લાવવાનો પ્લાન ઘડી રહી છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર હાલ વધુ 12 જેટલાં રિફોર્મ્સના પગલાં વિચારી રહી છે, જેમાં જમીન અને કામદાર ધારાના સુધારા (લેન્ડ અને લેબર રિફોર્મ્સ)નો સમાવેશ થાય છે. આ સંદર્ભમાં સરકારનું ફોકસ બિઝનેસ કરવાનું સરળ બનાવવા ઉપરાંત ઈઝ ઓફ લિવીંગ કરવાનું પણ છે. GST (ગુડસ એન્ડ સર્વિસ ટેકસ)ના સુધારા સમયસરનો એક એવો અવસર બની ગયો છે, જે યુએસ ટૅરિફના દબાણ સામે ભારતીય વેપાર-ઉદ્યોગને ચોકકસ અંશે રાહત આપશે.

2025 : રિફોર્મ્સનું વરસ

વૈશ્વિક સ્તરે જયારે સતત અનિશ્ર્ચિતતા પ્રવર્તી રહી છે અને વિવિધ દેશોના અર્થતંત્રો જિઓપૉલિટિકલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારતે 2025ના આરંભથી રિફોર્મ્સનો માર્ગ અપનાવ્યો છે.

સામાન્ય રીતે સરકાર મૂડીખર્ચ વધારવાનો માર્ગ અપનાવીને વપરાશ વધારવાનું લક્ષ્ય રાખતી હોય છે, પરંતુ હાલ GST સુધારા માર્ગે માગ વધારીને વપરાશ વધારવાનું લક્ષ્ય રાખ્યું છે. આ પગલું માગને વેગ આપવા સાથે મોંઘવારી દરને પા થી અડધો ટકો હળવો કરવામાં મદદરૂપ થશે. બજેટવેળાએ ઈન્કમ ટેકસમાં નોંધપાત્ર રાહત જાહેર કરી, ત્યાબાદ રિઝર્વ બૅંકે નાણાનીતિને હળવી કરીને વધુ ગ્રોથલક્ષી બનાવી અને હવે સરકારે GST માળખાંમાં ધરખમ સુધારા, આમ અર્થતંત્રને બળ આપવાની નીતિ સરકાર અપનાવી રહી હોવાનું જણાય છે. સરકારના આ પગલાંનો સ્પષ્ટ ઉદ્ેશ છે, વપરાશને વેગ આપો, લોકોના હાથમાં નાણાં વધે એવું કરો, આનો સીધો લાભ થશે, એફએમસીજી (ફાસ્ટ મુવિંગ ક્ધઝયુમર ગુડસ), ઓટો અને ડયુરેબલ્સ. જેની મહત્તમ માગ ગ્રામ્ય સ્તરે વધશે. આની સીધી અસર કંપનીઓની આવક પર થશે. અલબત્ત, ખરું એ જોવાનું રહેશે કે આ રાહતો વપરાશકારો સુધી કઈ રીતે પહોંચતી થાય છે. સરકારે આ રાહત ગ્રાહકો સુધી પહોંચે એ માટે નિરીક્ષણ કરવાની તૈયારી રાખી છે, જોકે કરુણતા એ છે કે આવા નિરીક્ષણ માટેની યંત્રણા હાલ અસ્તિત્વમાં નથી, જેથી સરકારે આ માટે વેપાર-ઉદ્યોગ વર્ગ સામે સક્રિયપણે જાગ્રત રહેવું જોઈશે.

મલ્ટિપલ અસરો જોવાશે

સાબુથી લઈ કાર સુધીની સંખ્યાબંધ આઈટમ્સ હવે સસ્તી થશે, જેને કારણે ભારતીય ઈકોનોમી વપરાશ આધારિત વિકાસની દિશામાં વેગ પકડશે એમ કહી શકાય. ભારતીય અર્થતંત્રની વિકાસ ગાથામાં ઘર વપરાશની ચીજોનો નોંધપાત્ર ફાળો રહે છે. આ સુધારા અર્થતંત્રની સાઈકલને ઝડપ આપવા સાથે મોંઘવારીને ચોકકસ અંશે હળવી કરશે અને માગમાં વૃદ્ધિ લાવશે. આ ઉપરાંત સિમેન્ટ જેવી આઈટમ પરનો GST 28 ટકાથી ઘટાડી 18 ટકા કરાતાં તેની વ્યાપક અસર પણ જોવાશે, જેમાં રિઅલ એસ્ટેટ-બાંધકામ ઉદ્યોગને રાહત થશે. આની અસર રૂપે રોડ, પોર્ટસ, એરપોર્ટસ અને ઘરોના બાંધકામના ખર્ચમાં પણ ઘટાડો થશે. વધુ નોંધનીય વાત એ બનશે કે આ રાહતની મલ્ટિપલ અસરોમાં જયાં -જયાં આ કામકાજ થતા હશે ત્યાં રોજગાર સર્જન થશે, લોકો માટે પ્રત્યક્ષ કે પરોક્ષ આવકની તકો વધશે.

તહેવારોની માગને બુસ્ટર

GST સુધારાનો અમલ 22 સપ્ટેમ્બરથી થવાનો છે, જે તહેવારોની પીક મોસમ હોવાથી માગ અને વપરાશમાં ઉછાળો જોવા મળશે. ઓકટોબરથી માર્ચ બાંધકામ ઉદ્યોગ માટે પણ બિઝી સીઝન હોય છે, ચોમાસા બાદ આ કામ વેગ પકડતું હોવાને કારણે GST સુધારાની રિઅલ એસ્ટેટ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર પર પોઝિટિવ અસર જોવાશે. અહીં એ નોંધવું રસપ્રદ છે કે હજી છ મહિના પહેલાં જ ઈન્કમ ટેકસના નવા દરો અમલમાં આવ્યા છે, જેના લાભ મધ્યમ વર્ગને ભાગે વધુ ગયો છે, ત્યારે GSTના ઘટાડાનો લાભ સોનામાં સુગંધ ભળવા જેવો થશે. જાહેર જનતાના હાથમાં નાણાં વધુ બચવાથી તેમની વપરાશ ક્ષમતા વધશે, જે અર્થતંત્રને ગતિ આપવામાં સહાયક બનશે.

અહીં છેલ્લે એક વાત ખાસ નોંધવી રહી કે લાઈફ ઈન્સ્યૉરન્સ તથા મેડિકલેમ પૉલિસીને GSTમાંથી મુક્તિ અપાતા વીમાનું ફલક વ્યાપક બનશે, ઘેર-ઘેર વીમાધારકો હશે.

અલબત્ત, આ વિષયમાં પણ ખરેખર તો ગ્રાહકો સુધી રાહતનો લાભ પહોંચે એ સૌથી મહત્ત્વનું પરિબળ બનશે.

બાય ધ વે, ટૅરિફના વિષયમાં મોદી અને ટ્રમ્પ વચ્ચે વાર્તાલાપ થયો હોવાના અહેવાલની પોઝિટિવ અસર ફેલાવા લાગી છે, જેનાં પરિણામ પણ સકારાત્મક આવશે એમ જણાય છે.

આપણ વાંચો:વલો કચ્છ : પીડાને ભૂલી શ્રમ ને સૂઝબૂઝ થકી મેળવી સિદ્ધિ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button