ઈકો-સ્પેશિયલ : શૅરબજારમાં સફળતા માટે… ગણપતિ બાપ્પાના કયા ગુણો કામ આવી શકે?
આજે ગ્લોબલ અનિશ્ચિતતા- ટ્રમ્પ ટૅરિફ- યુદ્ધ - મોંઘવારી જીડીપી ઈત્યાદિને બદલે બધાને જેમના પર અપાર શ્રદ્ધા છે એવા ગણપતિ બાપ્પાના અમુક ગુણો પરથી આપણે માર્ગદર્શન મેળવીને કઈ રીતે શૅરબજારમાં વ્યવહાર કરી શકાય તે અહીં સમજવાનો પ્રયાસ કરીએ... શૅરબજારમાં શ્રીગણેશ કયારે કરાય?

- જયેશ ચિતલિયા
શૅરબજારમાં શ્રીગણેશ કયારે કરાય?
શ્રી ગણેશજીના નામ સાથે આપણે જેમ દરેક શુભ કાર્યનો આરંભ કરીએ છીએ તેમ શેરબજારમાં રોકાણનો પ્રારંભ કોઈ પણ સમયે થઈ શકે છે. અલબત, આપણો આ અભિગમ લાંબા ગાળાનો હોવો જોઈએ. શેરબજારમાં પ્રવેશવાનો કોઈ સમય ખરો છે કે નહીં એ એણે જ વિચારવાનું હોય, જેને ટૂંકા ગાળા માટે રોકાણ કરવું હોય છે. એટલે જ શુભ મુહૂર્ત ન પણ હોય તો શ્રી ગણેશજીના નામ કે પૂજા સાથે શેરબજારમાં લાંબા ગાળા માટે પ્રવેશવાનો દરેક સમય શુભ છે.
ગણેશજીની પ્રદક્ષિણા પ્રમાણે પોર્ટફોલિયો બનાવો
ગણપતિ બાપ્પાની કથા મુજબ જેમ ગણપતિજીએ માતા પાર્વતી અને પિતા શંકર ભગવાનની આસપાસ પ્રદક્ષિણા કરી લીધી અને સમગ્ર વિશ્વને એક જબરદસ્ત સંદેશ આપી દીધો કે માતા-પિતામાં જ સમગ્ર પૃથ્વી કે જગત આવી જાય છે એમ અહીં રોકાણકારો માટે સંદેશ એ છે કે એમણે આખા બજાર પાછળ દોડવાને બદલે પસંદગીની ચોકકસ મર્યાદિત સ્ક્રિપ્સ આસપાસ જ રહેવું જોઇએ. માત્ર કોઈપણ કહે એટલે જુદા-જુદા શેરો જમા કરતા જવાને અને રોકાણનો પોર્ટફોલિયો અનેક સ્ક્રિપ્સથી મોટો કરતા જવાને બદલે મર્યાદિત રાખવો સલાહભર્યું છે. ઈન શોર્ટ, સારી- મજબૂત સ્ક્રિપ્સ એક-બેની સંખ્યામાં જમા કરતા જવામાં પણ શાણપણ હોય છે.
શૅરબજારમાં નાના-મોટાનો ભેદ ન રાખો
`મને તો શેરબજારમાં બધી જ ખબર પડે, હું ધારું અહીં એમ જ થાય છે, હું તો ખોટો પડું જ નહીં’ જેવા ભ્રમમાં કે અભિમાનમાં રહેનારા માટે ગણપતિ બાપ્પાનો સંદેશ એ જ છે કે તમારી વિવેક બુધ્ધિથી વ્યવહાર કરો. કોઈ પણ કામ જયારે શુભ હેતુથી થતું હોય ત્યારે તે નાનું કે મોટું હોતું નથી, તે શ્રેષ્ઠ જ ગણાય છે એટલે જ ગણપતિ બાપ્પા પોતે જ વ્યાસમુનિ પાસે બેસી મહાભારતનાં લહિયા બની ગયા હતા. એમણે ઉંદર જેવા નાનકડા જીવને પણ અનોખું સ્થાન આપ્યું. એને સદાય પોતાની સાથે જ રાખે છે…મીઠાઈ તરીકે બાપાએ મોદકને પણ અનોખી ઓળખ આપી છે. આમ ફરી મેસેજ એ જ છે કે શેરબજારમાં શીખવા- સમજવા માટે દરેક નાની કે નવી બાબત પણ મહત્ત્વની હોય છે.
લાડુ ને પ્રોફિટ બુકિગ
ગણપતિ બાપ્પાને લાડુ કેટલા વહાલા છે તે જગજાહેર છે, શેરબજારમાં લાડુ ખાઈ લેવાનો અર્થ પ્રોફિટ ઘરમાં લઈ લેવાનો થાય છે. શેરબજારમાં સમયાંતરે તેજી- મંદી આવતી રહે છે. રોકાણકારે ચોકકસ સમયે સારો નફો મળતો હોય તો એ આંશિક પ્રમાણમાં પણ લઈ લેવો જોઈએ. અર્થાત વળતરનો સંતોષ રાખીને પણ નફો લઈ લેવામાં સાર છે. એ પછી પણ નફો વધે એવા સંજોગો ઊભા થઈ શકે,પછી પણ વધુ લાડુના થાળ કે મોકા આવતા રહેશે માટે એ પહેલા થોડા લાડુ ખાઈ લેવામાં ડહાપણ છે.
વિસર્જન પણ જરૂરી
શેરબજારમાં રોકાણ કરવું એટલે બજાર પર જ ધ્યાન રાખવું પડે, પણ કાયમ બજારના જ વિચાર કરતા રહેવું પડે એ સ્થિતિ આદર્શ ન ગણાય કે સતત બજારમાં લે-વેચ કરતા રહેવી પડે એ પણ સારી નિશાની નથી. આમ કરનાર રોકાણકાર નહીં, પણ ટે્રડર કે સ્પેકયુલેટર ગણાય. ગણપતિ બાપ્પા વરસમાં એક જ વાર આવે છે અને વ્યક્તિગત કે સાર્વજનિક ઉત્સવોમાં દોઢથી લઈ મહત્તમ દસ દિવસ રહે છે. ત્યારબાદ `પુઢચ્યા વર્ષી લવકર યા…આવતે વર્ષે જરૂર પધારશો’ એમ કહેવામાં આવે છે. આમ ગણપતિ બાપ્પા આપણા જીવનમાં ભલે સદા રહે, પરંતુ ઉત્સવ તરીકે દસ દિવસ માટે જ પધારે છે. અર્થાત સંકેત એ કે બજારમાં સતત ચોંટી ન રહેવાય. બજારમાં સતત લે-વેચને બદલે ઈન્વેસ્ટમેન્ટ કલ્ચર ફેલાવા દેવું યોગ્ય છે તેમ જ પોતાની સ્ક્રિપ્સ પર બરાબર ધ્યાન આપવું અને યોગ્ય સમયે બજારમાંથી વિસર્જિત થઈ પુન: પ્રવેશ કરવામાં ડહાપણ છે.
બજારમાં દોરવાઈ કે ગભરાઈ જવું નહીં
ગણપતિજીની કથા કહે છે કે જયારે માતા પાર્વતી ઘરમાં નહાવા જાય છે ત્યારે બહાર પુત્ર ગણપતિને ઊભા રહી ચોકી કરવાનું કહે છે અને કોઈને અંદર નહીં આવવા દેવાની સૂચના આપે છે. એ સમયે ભગવાન શંકર ત્યાં આવે છે તો ગણપતિ તેમને પણ ભીતર જવાની ના ફરમાવે છે અને એ વખતે ભગવાન શંકર પોતાના આ પુત્ર વિષે અજાણ હોવાથી ક્રોધમાં આવી ગણપતિનું માથું ધડથી અલગ કરી દે છે. ત્યારબાદ માતા પાર્વતીને આ વાતની જાણ થતા ભગવાન શંકર અને માતા પાર્વતી વચ્ચે વાર્તાલાપ થાય છે અને ભગવાન શંકર પહેલા જે માર્ગમાં મળે એનું માથું લઈ આવી ગણપતિનાં ધડ પર બેસાડવાની પ્રતિજ્ઞા કરે છે, જેમાં સૌપ્રથમ રસ્તામાં હાથી મળે છે તેથી ભગવાન શંકર હાથીનું માથું કાપી લઈ ગણપતિનાં ધડ પર મૂકે છે….
આ કથાનો સંદેશ શેરબજારમાં એ રીતે લઈ શકાય કે રોકાણકારમાં શેરો કે સંજોગો પ્રત્યે ક્નવીકશન હોવું જરૂરી છે અને તે આવે છે અભ્યાસ તેમ જ વિશ્વાસ પરથી. જો આપણે સિલેકટ કરેલા શેરોમાં વિશ્વાસ ધરાવતા હોઇશું તો આપણા નિર્ણયને વળગી રહી શકીશું,
અન્યથા કોઈપણ વ્યક્તિ કે વલણ-વહેણ આપણા નિર્ણયને બદલાવી નાખે કે આપણને ડરાવી નાખે એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે. આમ રોકાણકારે લાંબા ગાળાનાં રોકાણ નિર્ણય વખતે કે પછી સારી કામગીરીવાળી કંપની પસંદ કરતી વખતે પેનિકમાં આવી જવું જોઇએ નહીં.
આમ આ ઉત્સવમાં આવી સમજણ મેળવી જયઘોષ સાથે કહીએ :
`ગણપતિ બાપ્પા મોરયા!’
આપણ વાંચો: સર્જકના સથવારે : ફૂલના રંગોમાં ગુલશનની કહાની કહેતા શાયર નૂર પોરબંદરી