નાટય વિશેષઃ ગુજરાતી ભાષા ને રંગભૂમિ: મઘઈ પાનની જોડી

- અનિલ રાવલ
એક જમાનામાં રંગભૂમિ પર ગુજરાતી ભાષાનો જબરજસ્ત દબદબો હતો. બનારસી પાન પર કાથો-ચૂનો ચોપડાય અને એ જે રંગ પકડે એવો રંગ આપણી રંગભૂમિ પર ગુજરાતી ભાષાનો હતો….આપણી ગરવી ગુજરાતી અને રંગભૂમિ જાણે મઘઈ પાનની જોડી…
મઘઈ પાન એક ન ખવાય…જોડીમાં ખવાય!.
આપણા સંખ્યાબંધ દિગ્ગજ નાટ્યલેખકો અને નાટ્યદિગ્દર્શકોએ રંગભૂમિને ભાષાસભર અને માતબર બનાવી છે. કેટલાક નામ વાંચો: પ્રવીણ જોશી, અરવિંદ જોશી, કાંતિ મડિયા, અરવિંદ ઠક્કર, શૈલેશ દવે, મધુ રાય, પ્રબોધ જોશી, સિંતાશુ યશચંદ્ર, મધુકર રાંદેરિયા, પ્રવીણ સોલંકી…વગેરે વગેરે.
આ તમામની નાટ્યકૃતિઓ-નાટ્યસર્જનમાં ભાષાની ચમત્કૃતિ જોવા માણવા મળી છે. હા, હવે નાટયસ્વરૂપ…લઢણ બદલાયાં છે… થોડી ઝાંખપ જરૂર લાગી છે, પરંતુ એક વાત નક્કી છે કે જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ગુજરાતી ભાષા જીવે છે…અને જીવંત રહેશે. જુઓ, આપણા કેટલાક લોકપ્રિય કલાકારો આ વિશે શું કહે છે…
ગુજરાતી ભાષા કલાકારનો પહેરવેશ છે…
દીપક ઘીવાલા (નાટક-સિરિયલ-ફિલ્મ કલાકાર)
લગભગ 200થી વધુ નાટકોમાં અભિનય કરી ચુકેલા દીપક ઘીવાલાએ દેશી નાટક સમાજનાં નાટકોથી લઇને આધુનિક રંગભૂમિ પર કામ કર્યું છે. એમની નજર સામેથી એ સમયની નાટકોની ગુજરાતી ભાષાથી લઇને આજના સમયની ભાષા પસાર થઇ છે. એમની પાસેથી જ જાણીએ….
દેશી નાટક સમાજનાં નાટકોની ભાષા તદન જુદી હતી…વધુ પડતી નાટકીય હતી. સંસ્કારી નાટકો હોવાથી એમાં સંદેશ રહેતો. એનાં કર્ણપ્રિય ગીતો આજેય કાનમાં ગુંજે છે. ચંદ્રવદન ભટ્ટ, અદી મર્ઝબાન, પ્રતાપ ઓઝા સહિતના સંખ્યાબંધ દિગ્ગજો સાથે કામ કર્યું. ખાસ કરીને ભાષાને લઇને ખૂબ શીખ્યો. ર. વ. દેસાઇ અને ક. મા. મુન્શી જેવા સાહિત્યકારોનાં નાટકો એ વખતે ભજવાતાં. ઉપેન્દ્ર ત્રિવેદીએ પણ ઝવેરચંદ મેઘાણીની કૃતિઓ ભજવી…હવે એ બધું સપનું થઇ ગયું છે.
ધીમે ધીમે નાટકોની ભાષા બદલાતી ગઇ. પ્રવીણ જોશી, અરવિંદ જોશી, કાંતિ મડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, વિજય દત્ત, શૈલેશ દવે, અરવિંદ ઠક્કર, તારક મહેતા, મધુ રાય, સિતાંશુભાઇ, પ્રબોધ જોશીના વખતે ભાષામાં જબરજસ્ત પરિવર્તન આવ્યું. ભાષા અને મંચનની ઢબછબ, લઢણ, લહેકો, તાસીર બદલાયાં. ગુજરાતી ભાષાને માંઝવામાં આ તમામનું ઘણું મોટું પ્રદાન રહ્યું છે.
ત્યાર પછીની પેઢીના, પરેશ રાવલ, હોમી વાડિયા (જે ઘણા લાંબા સમયે રંગભૂમિ પર પાછો ફર્યો છે), ઉમેશ શુકલ, લતેશ શાહ સાથે પણ કામ કર્યું છે. પછી એક સમયે મનોરંજનનો ડોઝ વધુ હોય એવાં કોમેડી નાટકોનો દોર ચાલુ થયો. નાટયલેખન પણ એક પ્રકારે સાહિત્ય છે એ ભુલાઇ જવાયું. ટીવી આવ્યા પછી ઇન્સ્ટન્ટ મનોરંજન તરફનો ઝોક વધ્યો. હકીકતમાં એને પડકાર ગણીને વધુ સારું લખવું જોઇએ. ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કરવામાં કાંઇ ખોટું નથી. કલાકારે એ દિશા પકડવી જોઇએ, પણ રંગમંચ પર પૂરેપૂરા મંઝાઇ ગયા પછી.
ગુજરાતી ભાષા કલાકારનો પહેરવેશ છે….ચીથરું નથી…એની અવગણના ન કરાય. અત્યારે કેટલાંક સારાં નાટકો ભજવાય છે, લખાય પણ છે. એનું સ્તર વધુ ઊંચું જવું જોઇએ. આપણી પાસે ઘણાં સારા કલાકાર-દિગ્દર્શક છે. સ્નેહા દેસાઇ, પાર્થ દેસાઇ, વિપુલ વિઠ્ઠલાણી, ઉમેશ શુક્લ બીજાં ઘણાં નામ ગણાવી શકાય.
નાટ્યલેખન ને મંચન વિશે કોઇ નિરાશાવાદ નથી
અપરા મહેતા (નાટક-સિરિયલ-ફિલ્મ અભિનેત્રી)
મને ચોખ્ખી ગુજરાતી ભાષા બોલાતી નથી એનો રંજ છે…જોકે રંગભૂમિ પર સાચું ગુજરાતી બોલાય છે અને લખાય પણ છે એની ખુશી છે. અત્યારે દિલીપ રાવલ, પંકજ ત્રિવેદી, વિનોદ સરવૈયા સહિતના ઘણા ગુજરાતી લેખકો છે, જેઓ નાટકો, સિરિયલો, ગીતો વગેરે સરસ લખે છે…નવી કથાવસ્તુઓ પણ લાવે છે, પરંતુ નવા ઉત્સાહી કલાકારોમાં શુદ્ધ ભાષાની ઊણપ વર્તાય છે જે ખટકે છે. જોકે રિહર્સલમાં એમને ખાસ કરીને હું શીખવતી હોઉં છું. કેટલાક નવા કલાકારોમાં શીખવાની વૃત્તિ પણ છે, જે શુભ સંકેત છે. રંગભૂમિ, નાટ્યલેખન અને મંચનનો સવાલ છે ત્યાં સુધી કોઇ નિરાશાવાદ નથી.
જોકે, સામાન્ય રીતે આજકાલ બધે બોલાતી ગુજરાતી ભાષા સામે મારો સખત વિરોધ છે. હું તો ભાવનગરની નાગર છું. શુદ્ધ ભાષાના અમે લોકો આગ્રહી એટલે આજકાલ બોલાતી અશુદ્ધ ભાષા મને તો બહુ ખટકે છે. દરેક જગ્યાએ બોલાતી ભેળસેળવાળી ભાષા સાંભળતી વખતે કાન બંધ કરી દેવાની ઇચ્છા થાય છે. યુવાનો તો સમજ્યા મા-બાપો પણ ખોટું ગુજરાતી બોલે એની નવાઇ લાગે. ગુજરાતીપણું લુપ્ત થવા વિશે હું માતા-પિતાને દોષ દઉં છું. આપણે આપણી ભાષાનું ગૌરવ કરવું જોઇએ. બાળકો અંગ્રેજી માધ્યમમાં ભલે ભણે એની સામે વાંધો નથી, પરંતુ એમને આપણે આપણી દૂધની ભાષા શીખવવી જ જોઇએ.
નાટકોમાં ભાષા સારી લખાતી રહી છે, પરંતુ નવા યુવાનો આવે છે એ ખરેખર ખરાબ ભાષા બોલે છે. ‘અગર તું જો’…એવું બોલે છે. બીજી બધી ભાષાના લોકોને પોતાની ભાષાનું ગૌરવ છે… આપણને કાંઇ લાગતું નથી. આપણે શાકને ‘સબજી’ કહેવા લાગ્યા છીએ. ‘રોટી-સબજી’ બોલીએ છીએ. માત્ર નાટકો જ નહીં બધી જગ્યા અશુદ્ધ ભાષાનો ઉપયોગ થઇ રહ્યો છે. સ -શ અને ષ નો ફરક લોકો સમજતા નથી.
દરેકે ગુજરાતી છાપું તો વાંચવું જોઇએ. ભાષાને જીવતી રાખવા લેખન-વાંચન અનિવાર્ય છે…એ જાણવા છતાં એનો અમલ થતો નથી એ દુ:ખની વાત છે. હું ઘરના વાતાવરણને કારણે ગુજરાતી વાંચતી થઇ. ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’, ‘પ્રકાશનો પડછાયો’..જેવી કેટલીય નવલકથાઓ-વાર્તાઓ વાંચી…જે મને નાટકો સહિત બધે કામ લાગી. કદાચ નાટકોમાં સાહિત્યનો ઉપયોગ ઓછો છે, આમછતાં જે લખાય છે તે ઘણું સારું અને સાચું લખાય છે. ભાષા પ્રત્યેની જાગરુકતા જરૂરી છે. જેટલાં સજાગ રહીશું એટલી આપણી ભાષા બળુકી બનશે.
યુવાનો જ ભાષાને જીવાડી શકશે…
સિદ્ધાર્થ રાંદેરિયા (અભિનેતા- દિગ્દર્શક-નાટક-ફિલ્મ)
ગુજરાતી રંગભૂમિએ પોતાની જરૂરિયાત મુજબ ભાષાનો ઉપયોગ કર્યો છે. ગુજરાતી ભાષા ખરી, પણ ભાષાનું પ્રભુત્વ હોય એવું મારા ધ્યાનમાં નથી….આજની વાત નથી કરતો. છેલ્લાં 25 નહીં પણ કદાચ એનાં 25 વર્ષ પહેલાં પણ એવું ખાસ નહતું. લખાતું હતું, પણ બોલચાલની ભાષા નહતી..ક્યારેક કારણ વિના વધારે સાહિત્યપ્રચુર હતી અને કાં તો તળપદી ભાષા હતી…એટલે ભાષાના પ્રભુત્વ સાથે ગુજરાતી રંગભૂમિ ફુલીફાલી હોય એમ ન કહી શકાય.
જરૂરિયાત મુજબ ઉપયોગ થયો. અગાઉની લઢણ અલગ હતી….દેશી સમાજનાં નાટકોની શૈલી જુદી હતી…લખાણ અને ઘરેડ અલગ હતી. તળપદી ભાષાનો ઉપયોગ થતો. મારા પિતા મધુકર રાંદેરિયાના સમયથી જ મોડર્ન નાટકો થવા લાગ્યાં હતાં. બોક્સ સેટનો ઉપયોગ થવા લાગ્યો હતો, કારણ કે એ વખતે લગભગ બધાં નાટકો અંગ્રેજીના રૂપાંતર હતાં.
નાટકોમાં સાહિત્યની ભાષા કરતાં બોલચાલની ભાષાનો વપરાશ વધુ યોગ્ય છે. હજી પણ એક એવી પેઢી છે જે ગુજરાતી બોલે છે, સમજે છે…શીખે છે. એ લોકો નાટકો જોવા-માણવા આવે છે, પરંતુ આપણા મુંબઈની વાત કરીએ તો પ્રતિદિન એનો વપરાશ ઘટતો જાય છે. જે બોલાય છે તે બહુ જ અશુદ્ધ છે.‘નીકાલી’અને ‘અમે લોકા’ અને ‘તમે લોકા’,‘હમે શુરૂ’કર્યું આવા શબ્દો અરુચિકર છે. એને ટાળવું બહુ જરૂરી છે. વર્ણશંકર ભાષા થઇ ગઇ છે. ચિંતા એની છે. જોકે અત્યારે લોકોની રુચિ બદલાઇ છે અને નાટકો પણ. યુવાનો જ આપણી ભાષાને જીવાડી શકશે. કેટલેક અંશે આશાવાદ જળવાઇ રહ્યો છે. ગુજરાતી સાહિત્યકૃતિ પરથી કોઇ નાટક બનાવવાનો મેં પ્રયાસ કર્યો નથી. જોકે એવું નથી કે નવલકથા પરથી નાટકો નથી બન્યાં…ઉપેન્દ્ર ત્રિવેદીએ ઝેર તો પીધાં જાણી જાણી કર્યું હતું. કાંતિ મડિયાએ પણ કર્યા. અન્યોએ પણ કેટલાંક નાટકો કર્યા. જો આપણી નવલકથાઓનું પણ જો વાચકો સાથે સાતત્ય જળવાયું હોત તો કદાચ એવા પ્રયોગ આજે થયા હોત. વાંચનારાઓનો વર્ગ પણ ઘટી ગયો છે. નાટકો જોનારાઓ વર્ગ 38થી 55-60 વર્ષની વચ્ચેનો છે. યુવાનો નથી આવતા. આ ભાષાની અસર છે.
બીજું ગુજરાતી ભાષાના લેખકો પણ ઓછી સંખ્યામાં છે. ઊંડાણવાળા લેખકો નથી. લોકોની પણ રુચિ બદલાઇ. કોમેડી નાટકો તરફ વળ્યા…તેથી એ પ્રકારનાં નાટકો ભજવાતાં થયાં. રંગભૂમિનું સ્વરૂપ તદન બદલાયું છે.
ભાષામાં પ્રવાહિતા હોવી જોઇએ, બંધિયાર પાણી વાસ મારે…
પ્રવીણ સોલંકી (220થી વધુ નાટકોના વિક્રમસર્જક લેખક)
સાચું કહું તો આપણાં નાટકોમાં ગુજરાતી ભાષાનો જે રીતે ઉપયોગ થાય છે કે થયો છે એ જે રીતે થવો જોઇએ એ રીતે થયો નથી, કારણ કે એમાં નાટકિયતા વધુ આવે…એમાં ગુજરાતની અસ્મિતાનો અભાવ વર્તાય છે. વરસો પહેલાં ‘ગુજરાતની અસ્મિતા’ નામનું મેં લખેલું અને કાંતિ મડિયાએ દિગ્દર્શન કરેલું નાટક ભજવેલું….એમાં આ મુદ્દો છેડેલો.
વરસોથી આ સવાલ પુછાતો રહ્યો છે કે ગુજરાતી ભાષા જીવંત રહેશે કે નહીં કોઇપણ ભાષા હોય…એ અમર રહેશે. આપણી ભાષા પણ અમર રહેશે. એના રૂપરંગ બદલાશે..સ્વરૂપ બદલાશે. હા., એની બોલી પણ બદલાતી રહેશે. કહેવત છે ને કે ‘બાર ગાવે બોલી બદલાય’. ભાષામાં ફેરફાર થશે અને થવો પણ જોઇએ. ભાષાની પ્રવાહિતા સતત રહેવી જોઇએ. બંધિયાર પાણી વાસ મારે….
આપણી રંગભૂમિમાં પહેલા દુહા-છંદ હતા..કવિતા હતી..તળપદી ભાષા હતી. દેશી નાટક સમાજનાં નાટકોના સમયમાં આવું ઘણુંબધું હતું અને લોકપ્રિયતાના શિખર પર હતું. અત્યારે નાટકોની ભાષા કાવ્યમય થઇ છે પણ કવિતા નથી કે નથી સાહિત્ય. બદલાતું સ્વરૂપ જ સત્ય છે. નિતનવી અભિવ્યક્તિ જરૂરી છે. અને એ આપણી રંગભૂમિ પર થઇ રહ્યું છે. નવી કથાવસ્તુઓ સાથેનાં નાટકો ભજવાય છે. ગુજરાતી ભાષા બોલાય છે તેથી ગુજરાતી રંગભૂમિ જીવંત રહેશે. ખોટી ચિંતા કરવાની જરૂર નથી.
આજના સમયમાં ગુજરાતી સાહિત્ય…નવલકથા…વાર્તા પરથી નાટક બનાવવાનું અઘરું એટલા માટે છે કે એ કમર્શિયલી ચાલે કે નહીં અને નાટ્યનિર્માણ એક વ્યવસાય છે. આપણે ત્યાં પહેલેથી જ મૌલિક નાટકો બહુ ઓછાં થયા છે. આપણે મરાઠી અને અંગ્રેજી ભાષાનાં નાટકોનું ખૂબ સારી રીતે રૂપાંતર કર્યું છે. રૂપાંતરોનો આગ્રહ રહ્યો છે. કેટલીક વાર અમારે અમારી મૌલિક કૃતિને રૂપાંતરનું રૂપ આપવું પડ્યું છે અને તો જ એનો સ્વીકાર થતો. મેં પ્રવીણ જોશી, અરવિંદ ઠક્કર, કાંતિ મડિયા જેવા દિગ્ગજોનો સમય જોયો છે અને આજની રંગભૂમિ પણ જોઇ રહ્યો છું. સાચું કહું તો એનો તફાવત પણ મને સ્પષ્ટ દેખાય છે.
આપણી ભાષાની મોસમ સદા છલકતી જ રહેશે !
ટીકુ તલસાણિયા (નાટક-સિરિયલ હિન્દી-ગુજરાતી ફિલ્મના કલાકાર)
હું મારી વાતની શરૂઆત ‘આઇએનટી’માં હું કામ કરતો ત્યારથી કરીશ. એ વખતે દુરદર્શન પર રવિવારે બે ફિલ્મ બતાવવાની જાહેરાત થયેલી. એક, ‘શોર’ અને બીજી, સંજીવકુમાર અને જયા ભાદુડીની ‘કોશિશ.’ અમને ડર હતો કે આપણું નાટક કોઇ જોવા નહીં આવે, પણ અમારા સૌના આશ્ર્ચર્યની વચ્ચે અમારા બંને શો હાઉસફુલ ગયા. મારો કહેવાનો આશય એ છે કે થિયેટર જીવતું જ રહેશે. અનન્ય કાળ સુધી જીવતું રહેશે. જ્યાં સુધી નાટય કલાકારો, નાટ્યલેખકો અને પ્રેક્ષકો હશે ત્યાં સુધી જીવશે…અને એ ગુજરાતી ભાષામાં જ થશે-ભજવાશે. નાટ્યકલાકારો અને કસબીઓ એની પર નિર્ભર રહેશે.
ગુજરાતી ભાષાનું પ્રભુત્વ એટલું મજબૂત અને જબરજસ્ત રહ્યું છે કે ‘સંતુ રંગીલી’થી લઇને આજ સુધીનાં નાટકો પર એ છવાયેલું હતું અને રહેશે. એમાં કોઇ શંકા નથી. એ જમાનામાં એટલા કમાલનાં નાટકો હતાં અને ઓડિયન્સ પણ જાણકાર નાટ્યકલાને બિરદાવતા. બહુ મજા હતી અને આજે પણ મજા છે…અગાઉની જેમ જ એન્જોય કરીએ છીએ.
શબ્દોનું અને નાટ્યલેખનનું પ્રભુત્વ હજી એવું જ છે…જરા પણ ઓસર્યું નથી. થોડા વખત પહેલાં મેં ‘રેડી સ્ટેડી ગો’ નામનું નાટક કરેલું….એમાં બે-ચાર સંવાદ સ્નેહા દેસાઇએ એટલા સુંદર લખ્યા હતા કે બોલતા જ ગળું ભરાઇ આવે. ‘થોડું લોજિક થોડું મેજિક’માં પણ મજા આવેલી. આપણી ભાષા એટલે નર્મદની ભાષા. આપણી પાસે કેટલા સુંદર કલાકારો છે. ગુજરાતી નાટકો અને ભાષાનું પ્રભુત્વ વધારવામાં કેટલા લોકોનું યોગદાન રહ્યું છે.
ચં. ચી. મહેતાથી લઇને પ્રવીણભાઇ સોલંકી…આતિશ કાપડિયા. પંકજ ત્રિવેદી અને સ્નેહા દેસાઈ સુધી… આપણી ગરવી ગુજરાતી ભાષાનું પ્રભુત્વ ખૂટ્યું નથી. ગુજરાતી ભાષા એ વખતે પણ તરબતર હતી અને આજેય પણ તરબતર છે…ભાષાની એ મોસમ છલકતી જ રહેશે. મોસમ છલકવાની વાત પરથી મને યાદ આવે છે ‘મોસમ છલકે’નો એક ડાયલોગ: ‘અડાબીડ વગડામાં કેટલાક એવા ફૂલ ઊગતા હોય છે જેના કોઇ નામ, કોઇ સુગંધ નથી હોતી. એવા આપણાં સંબંધ છે..એના પર તું યાર, લગનનું મત્તું મારીને નહીં બગાડ.’ સરિતાબહેન આ સંવાદ બોલતાં ત્યારે ઓડિયન્સમાં લોકોની ‘આહ!’ નીકળી જતી.
એનું ઊંડાણ જુઓ….તારક મહેતાએ આ નાટક લખેલું.
શબ્દોની એ મજા… મને ક્યારેક એમ થાય કે હવે એવી નથી રહી, પણ આજનો માહોલ હતાશાનો પણ નથી. સારાં નાટકો છે…લખાણ ઉત્તમ છે… સારા નાટક માટેનું ઓડિયન્સ છે જ. હા, યુવાનો ઓછા આવે છે…આ ફરક દાયકાઓનો છે…એમને તાણી લાવવાનું કામ અઘરું તો છે જ…આમ છતાં નાટકો ચાલતાં રહેશે….ભજવાતાં રહેશે…લોકો માણતા રહેશે. રંગભૂમિ અને ગુજરાતી ભાષા સદાય ધબકતી રહેશે.
ભાષાશુદ્ધિ વિના અભિનય ન કરી શકાય…
રાગિણી (નાટક-સિરિયલ-ફિલ્મ કલાકાર)
અમે જે સમયે નાટકોમાં અભિનય કરવાનું કર્યું એ જમાનો અલગ હતો. આપણી ભાષા અને અભિનયનો તાલમેલ હતો. દિગ્દર્શકો મુઠ્ઠી ઊંચેરા હતા. નાટ્યલેખકો ખુદ રંગમંચના ખૂણેખૂણાને ઓળખતા, કલાકારોની કાબેલિયતથી વાકેફ હતા. રંગભૂમિ સાથે સંકળાયેલા તમામ કલાકાર-કસબીઓ પ્રેક્ષકોની નાડ પારખતા….અને એટલે જ આપણે એ સમયે ઉત્તમ નાટકો માણ્યાં.
એ સમયનાં નાટકોનાં નામો જ આપણી ભાષાસમૃદ્ધીનો ખયાલ આપે છે. મુઠ્ઠી ઊંચેરા માનવી, કોઇ ભીંતેથી આયના ઉતારો, અમે બરફનાં પંખી, મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ, વહેંત છેટું મોત…..વગેરે મને ખુદને શરૂઆતના સમયમાં ભાષા સમજવામાં ઘણી મુશ્કેલીઓ નડી છે, પણ પછી મેં વાંચવાનું શરૂ કર્યું. નવલકથાઓ, વાર્તાઓ, લોકસાહિત્ય વગેરે. એમાંથી શીખતી ગઇ. મારા લોહીમાં અભિનય હતો. મારી મમ્મી અને બે બહેન નાટકોમાં કામ કરે…આમછતાં હું અન્ય કલાકારોને જોઇને સંવાદો બોલવાની છટા શીખી, ચોખ્ખું બોલતા શીખી.
ભાષાશુદ્ધી વિના અભિનય ન કરી શકાય. અત્યારે કેટલાંક સારાં નાટકો લખાયાં છે. નવા કલાકારોમાં ડેડીકેશન પણ જોવા મળે છે. ભાષાને લાગે વળગે છે ત્યાં સુધી એમ કહીશ કે જ્યાં સુધી ગુજરાતી ભાષા છે ત્યાં સુધી રંગભૂમિ જીવશે…અને ભાષા ક્યારેય નહીં મરે. હા, નાટકો નબળાં-સબળાં લખાશે… ભજવાશે ખરાં. રંગદેવતા પૂજાતા રહેશે.
ભાષાને પણ ઉત્ક્રાંતિનો નિયમ લાગુ પડે છે
સંજય ગોરડિયા (નાટક-સિરિયલ-હિન્દી-ગુજરાતી ફિલ્મ અભિનેતા-નિર્માતા)
આપણે સામાન્ય રીતે પ્રવીણ જોશી, કાંતિ મડિયાથી શરૂઆત કરીએ, પરંતુ હું તો નર્મદ, ઉમાશંકર જોશીથી શરૂ કરીશ. એ લોકોની ગુજરાતી ભાષા અલગ હતી અને પ્રવીણ જોશી, કાંતિ મડિયા, મધુ રાય, સિતાંશુભાઇના સમયની ગુજરાતી ભાષા જુદી હતી એ વાત સહેજેય સમજી શકાય છે અને સ્વીકારવી રહી. નર્મદનું યોગદાન અજોડ રહ્યું છે એમણે શબ્દકોષ આપ્યો છે. એટલે એ ખોટા કઇ રીતે હોઇ શકે…હવે સવાલ એ થાય કે તો કંઇ ગુજરાતી ભાષા સાચી.
નર્મદ અને ઉમાશંકરના સમયની કે પ્રવીણ જોોશી, મધુ રાય, સિતાંશુભાઇ અને કાંતિભાઇના સમયની સાચી? હકીકત એ છે કે ભાષાને પણ ઉત્ક્રાંતિનો નિયમ લાગુ પડે છે. ભાષા સતત બદલાતી રહે છે અને બદલાતી રહેશે…બદલાવી જોઇએ પણ ખરી. આપણે યાદશક્તિને બદલે ક્યારેક ‘યાદદાસ્ત’ બોલીએ છીએ…..આપણે ‘કાશ’ શબ્દ વાપરીએ છીએ. આવા તો ઘણા શબ્દો છે જે રોજબરોજની ભાષામાં વણાઇ ગયા છે. આ શબ્દપ્રયોગો સ્વીકાર્ય હોવા જોઇએ, કારણ કે લોકોને સરળતાથી સમજાય છે. જે ભાષા આપણું પેટ ભરે…પેટનો ખાડો પૂરે એ ભાષા ક્યારેય નહીં મરે. ગુજરાતી ભાષા ક્યારેય નહીં મરે.
જાવેદ અખ્તરે એક જગ્યાએ કહ્યું હતું કે ‘ઉર્દૂ ભાષાના વિદ્વાનો ફરિયાદ કરે છે કે દર વર્ષે પાંચસો શબ્દો શબ્દકોષમાંથી નીકળી રહ્યા છે….જ્યારે અંગ્રેજી ભાષાની ડિક્ષનરીમાં દર વર્ષે શબ્દો ઉમેરાય છે.’ એટલે કે ‘ઇન્કલુસિવનેસ’ જરૂરી છે.એક સમયે પંજાબીભાષીઓને…વિદ્વાનોને ચિંતા થતી કે આપણી ભાષા મરી રહી છે, પણ આજે જુઓ પંજાબી ભાષા ફિલ્મો, સિરિયલો, ગીતોમાં ધબકે છે….ભાંગડા કરે છે. મેં જે આ દાખલો આપ્યો એ મશહૂર કથા-પટકથા લેખક સાગર સરહદીનો છે. એમણે મારી સામે રમેશ તલવારના સંતાનોને કહેલું કે ‘પંજાબી બોલો વરના પંજાબી ભાષા મર જાયેગી.’
આપણે પણ ગુજરાતી ભાષાની ચિંતા કરવાની જરૂર નથી. બદલાતાં વહેણની સાથે વહેવાનું છે. ખોટું ગુજરાતી બોલતા બાળકોને ટોંકવાના નહીં…એમને બોલવા દેવાના,,,નહીંતર એમાંથી પણ જશો. જે બોલાય એ ભાષા એવું હું માનું છું. ભાષાનું પહેલું કામ સંવાદ કરવાનું છે. અલંકાર, પ્રાસ એ બધું પછી આવે. ભાષાનું સ્વરૂપ બદલાયું છે…ભાષા એ જ છે.
રંગભૂમિ અને ભાષા જીવંત રહેશે
સનત વ્યાસ (નાટક-સિરિયલ-ફિલ્મ અભિનેતા)
ગુજરાતી રંગભૂમિ પર ભાષાનું પ્રભુત્વ ઘટતું જાય છે, પણ બોલચાલની ભાષા થકી ટકી રહ્યું છે. બોલચાલની ભાષાથી નાટક લોકભોગ્ય બને છે એ વાતમાં એટલું જ તથ્ય છે. મારું માનવું છે કે રંગકર્મીઓએ વાંચન કરવું બહુ જ જરૂરી છે. નાટકોની નવી પેઢી એનો ઉપયોગ આર્થિક ઉપાર્જન… ફૂટસ્ટેપ તરીકે કરે છે ને પછી ટીવી સિરિયલો કે ફિલ્મો તરફ વળે છે…એમાં કાંઇ ખોટું પણ નથી. જોકે કેટલાક નવા નાટ્યલેખકો કે કલાકારો નવા વિચાર સાથે આવે છે, પણ ભાષાને લઇને ગુજરાતીપણું ઓછું જોવા મળે છે.
નાટકમાં કામ કરતો કલાકાર જો સિરિયલમાં પણ કામ કરતો હોય તો નાટકની વેલ્યૂ વધે એવી માન્યતા સબળ બની છે. આપણી નવલકથાઓ કે વાર્તાઓ તરફ ધ્યાન જતું જ નથી. મારો અનુભવ કહું તો નાટ્યલેખક હરીશ નાગ્રેચા લેખનમાં ખૂબ ચીવટ રાખતા. ભાષા પ્રત્યેની એ સજાકતા જરૂરી છે, કારણ કે નાટકો પણ સાહિત્યનો જ એક ભાગ છે.
એક મજાનો કિસ્સો કહું: એક ચેનલના હેડને જ્યારે મેં કહ્યું કે ‘ઝવેરચંદ મેઘાણીએ બહુ સુંદર લખ્યું છે તો એમણે કહ્યું કે એમની સાથે મીટિંગ ગોઠવો. આપણે વાત કરીએ.’ આપણે આ સ્તરે પહોંચી ગયા છીએ. આપણી પાસે ગુજરાતી સાહિત્યનો ખજાનો છે, જેમાંથી ઘણું સારું સર્જન શક્ય છે, પરંતુ એ દ્રષ્ટિ નથી રહી એવું મને લાગે છે. જોકે આપણી રંગભૂમિ અને આપણી ભાષા જીવંત રહેશે જ એમાં કોઇ શંકાને સ્થાન નથી.
આપણી ભાષા કથળતી જાય છે એનો રંજ છે…
હિતેનકુમાર (નાટક-ફિલ્મ કલાકાર)
ગુજરાતી ફિલ્મોમાં છવાઇ ગયેલા… ખૂબ મંઝાયેલા કલાકાર હિતેનકુમાર ગુજરાતી ભાષા પ્રત્યેની બેદરકારીથી ખૂબ વ્યથિત છે. નાટકોમાં અભિનય કરવાથી કારકિર્દીની શરૂઆત કરનારા ગુજરાતી ફિલ્મોના ખ્યાતનામ હિતેનકુમાર શું કે છે એ વાંચો….
રંગભૂમિની ભાષા કે નાટ્યલેખનની ભાષા કરતાં મને વધુ રંજ એ વાતનો છે કે ઓવરઓલ આપણી ભાષા કથળતી જાય છે. મેં ઇન્ટર કોલેજીયેટની નાટ્ય હરીફાઇ દરમિયાન સંજય છેલ સાથે ‘આડી ચાવી ઊભી ચાવી’ સહિતના સંખ્યાબંધ એકાંકીઓ કર્યા.
પછીથી કુમારની અગાશી, ત્રિશંકુ, કા પુરુષ મહા પુરુષ, ચિત્કાર, નોંધપોથી, તકદીરનો તમાશો, આખેટ, પપ્પા મારા પ્રાઇમમિનિસ્ટર જેવાં અનેક નાટકોની ભાષા, પરિભાષાથી પરિચિત થયો. કાંતિ મડિયા, સુરેશ રાજડા, શૈલેષ દવે, ફિરોઝ ભગત, વિપુલ મહેતા જેવા ધુરંધર લેખક-દિગ્દર્શકો સાથે કામ કર્યું. ખૂબ ઉત્તમ નાટકો ત્યારે ભજવાતાં…લખાતાં…પરંતુ આજકાલ પહેલાં જેવો માહોલ કે ભાષા જવલ્લે જ જોવા મળે છે. કેટલાક ઉદાહરણરૂપ છે. કેટલાક સર્જકો ઉત્તમ નાટકો લઇને આવે છે.
બીજી બાજુ અમુક ચોક્કસ ઘરેડના..બીબાંઢાળ કોમેડી નાટકોનો અતિરેક પણ છે. એનાં કારણો પણ હશે જ. આપણી ભાષામાં નાટ્યપ્રયોગો હજી બંધ નથી થયા એનો આનંદ છે. આશા રાખીએ કે નિતનવા પ્રયોગશીલ નાટકો લખાય, ઉત્તમ કૃતિઓ સાથેનાં નાટકોનું મંચન થાય…અને પ્રેક્ષકોને જોઇતું મનોરંજન મળે.
બોલચાલની ભાષા ગુજલીશ થઇ ગઇ છે એનો પણ વાંધો નથી,..પણ સ્ક્રિપ્ટ અંગ્રેજી લિપિમાં લખાય ત્યારે ખૂંચે છે. ગુજરાતી ભાષા પ્રત્યેની ઉદાસીનતા-લાપરવાહી બિલકુલ પરવડે નહીં. અને આપણે પોતે જવાબદાર છીએ. ઘરનું વાતાવરણ અને મા-બાપ જવાબદાર છે. ભાષાને જીવતી રાખવા ઘરથી શરૂઆત કરવી પડશે. પછી એ ભાષા આપોઆપ રંગમંચની ભાષા બની જશે. એ રીતે જ આપણી રંગભૂમિ અને ગુજરાતી ભાષા જીવતી રહેશે.
આપણ વાંચો: ગુજરાતીની ઓળખ ખતરામાં તો નથી ને?