સુખનો પાસવર્ડ: કોઈ પણ નિર્ણય ઉતાવળે ન લો…

- આશુ પટેલ
ગયા અઠવાડિયે જાણીતા નાટ્ય અભિનેતા- દિગ્દર્શક અરવિંદ વેકરિયાનાં પત્ની ભારતીબહેનની પ્રાર્થનાસભામાં પ્રખ્યાત અભિનેતા સનત વ્યાસે અરવિંદભાઈના કુટુંબ સાથેના દાયકાઓ જૂના સંબંધની વાતો યાદ કરતા કહ્યું કે ‘ભારતીભાભી ખૂબ પોઝિટિવ હતાં. તેમણે અમારું ખૂબ ધ્યાન રાખ્યું હતું અને તેમની પાસેથી ઘણી વાતો શીખવા મળી.’ સનતભાઈએ ભાવુક થઈને એક કિસ્સો યાદ કર્યો કહ્યું:
‘અરવિંદભાઈના બંને દીકરા તન્મય અને મનવીત અને મારી દીકરી નાનાં-નાનાં હતાં એ વખતે અમે એક રવિવારથી રવિવારની વચ્ચે થોડા દિવસો માટે માથેરાન ફરવાં ગયાં હતાં, કારણકે રવિવારે નાટકનો શો હોય. જોકે અમે રજાઓ માણીએ એ પહેલા જ માથેરાનની હોટેલમાં મને પ્રોડ્યુસરનો કોલ આવ્યો કે બે દિવસ પછી નાટકના શોનું આયોજન થયું છે. એ સમયમાં મોબાઇલ ફોન કે પેજર પણ હતા નહીં એટલે ટ્રંકકોલથી કામ ચાલતું. પ્રોડ્યુસરનો કોલ આવ્યો એટલે હું કચવાતા મને મારા કુટુંબને અરવિંદભાઈ અને ભારતીભાભી પાસે મૂકીને મુંબઈ આવ્યો. 
હું પ્રોડ્યુસરને મળવા પહોંચ્યો ત્યારે ખબર પડી કે એ નાટકનો શો તો કેન્સલ થયો છે! એટલે મને ખૂબ ગુસ્સો આવ્યો અને મેં નક્કી કર્યું કે હું હવે આ નાટક નહીં કરું. હું પાછો માથેરાન ગયો અને મેં ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું : ‘હવે હું આ નાટક કરવાનો નથી. મને પ્રોડ્યુસરે ટ્રંકકોલ કરીને મુંબઈ દોડાવ્યો તો જ્યારે શો કેન્સલ થયો તો ટ્રંકકોલ કરીને જાણ કરી શક્યા હોત ને કે હવે નાટકનો શો કેન્સલ થયો છે તો તમે ન આવતા.’ મને બહુ ખરાબ લાગ્યું છે એટલે હું હવે આ નાટકના શો નહીં કરું.’
એ વખતે ભારતીભાભીએ મને કહ્યું: ‘સનતભાઈ, ઉતાવળે કશો નિર્ણય લેતા નહીં. તમે પ્રોડ્યુસરની સ્થિતિ સમજવાની કોશિશ કરજો. કદાચ તેની પણ કોઈ મુશ્કેલી હશે. તેમણે તમને જાણ ન કરી એની પાછળ કદાચ કશુંક કારણ હશે. તેમની કોઈક સમસ્યા હશે.’ ભારતીભાભીની એ વાત સાંભળીને હું શાંત પડ્યો. મેં તેમની સલાહ માની લીધી.
‘મુંબઈ આવ્યા પછી મને ખબર પડી કે પ્રોડ્યુસરે મને બોલાવ્યો એ પછી થોડા સમયમાં જ કોઈ કારણથી એ શો કેન્સલ થયો હતો. તેણે ટ્રંકકોલ કરવાની કોશિશ કરી જોઈ હતી, પરંતુ એ વખતે માથેરાનની ટેલિફોન લાઈનમાં ખરાબા હતી એને કારણે પ્રોડ્યુસર અમે જ્યાં ઊતર્યા હતા ત્યાં અમારો સંપર્ક કરી શક્યા નહોતા!’
સનતભાઈએ કહેલો એ કિસ્સો સાંભળીને આજે આ વિશે લખવાનો વિચાર આવ્યો.
ઘણી વાર આપણે કોઈ વ્યક્તિની સ્થિતિ જાણ્યા વિના કોઈ નિર્ણય લઈ લેતા હોઈએ ત્યારે આપણાથી કોઈને અન્યાય થઈ જાય કે આપણું નુકસાન થઈ જાય એવી શક્યતા રહેતી હોય છે.
એક પરિચિત વડીલનો કિસ્સો યાદ આવે છે. એક વાર એ મને મળ્યા ત્યારે થોડા અપસેટ હતા. મેં કારણ પૂછ્યું ત્યારે તેમણે પહેલા તો વાત કરવાનું ટાળ્યું, પણ પછી મારા આગ્રહથી વાત કરી.
તેમણે કહ્યું, ‘બે દિવસ અગાઉ મોડી રાતે એક મિત્રનો કોલ આવ્યો. તે ઘણી વાર મધરાતે પણ કોલ કરતો હોય છે. મેં તેને કહ્યું કે ‘કોઈ બહુ જ અગત્યની વાત હોય તો હું થોડીવાર વાત કરી શકીશ નહીં તો મારા માટે અત્યારે વાત કરવાનું મુશ્કેલ છે, કારણ કે અત્યારે હું ખૂબ જ થાકેલો છું અને માંડમાંડ બોલી શકું છું.’ તો કોલ કરનારા મિત્રએ મને કહ્યું કે ‘તારે વાત કરવી હોય તો તું એક કલાકેય કરી શકે છે. તેં મધરાતે પણ ફલાણા માણસ સાથે એક કલાક વાત કરી હતી. એવી પોસ્ટ તેણે ફેસબુક પર પણ મૂકી હતી. હશે! હવે તું મોટો માણસ થઈ ગયો છે એટલે અમારા જેવા નાના માણસ માટે તારી પાસે સમય ક્યાંથી હોય!’
તેમણે મહેણું માર્યું એ સાંભળીને હું અકળાઈ ગયો અને મેં કહી દીધું કે ‘હું અત્યારે વાત કરતા કરતા બેહોશ થઈ જાઉં એટલો થાકેલો છું એ વાતની તને ફિકર નથી. અને તું તારી જ વાતો કર્યે જાય છે! તને મારા પર વિશ્વાસ ન હોય તો આજ પછી કોઈ દિવસ મને કોલ ન કરતો!’
જવાબમાં મિત્રએ ત્રાગું કરતા કહ્યું, ‘બધું સમજાય છે મને! મારી જગ્યાએ બીજા કોઈનો કોલ હોત તો…’
તેણે થોડી વાર કકળાટ કરવાનું ચાલુ રાખ્યું. છેવટે મારી ધીરજનો અંત આવી ગયો એટલે મેં કોલ કટ કરી નાખ્યો.
એ પછી થોડીવારમાં બીજા એક મિત્રનો કોલ આવ્યો. મેં તેનો કોલ રિસિવ ન કર્યો. તો તેણે મને મેસેજ કર્યો કે ‘અર્જન્ટ વાત કરવી છે.’
કોઈને અર્જન્ટ કામ હોય તો હું અડધી રાતે મિત્રો માટે દોડતો હોઉં છું. એટલે મેં તે બીજા મિત્રને સામેથી કોલ કર્યો કે ‘હું થાકેલો છું, પણ અર્જન્ટ હોય તો ટૂંકમાં વાત કરી લઈએ.’
તો મિત્રએ કહ્યું કે ‘આપણા ફલાણા મિત્રનો મને હમણાં કોલ આવ્યો હતો અને એને તારાથી ખરાબ લાગી ગયું છે. તેં તેનો કોલ કાપી નાખ્યો એ ખોટું કર્યું!’
મેં તેને કહ્યું કે ‘તેં આ વાત કરવા માટે મને કોલ કર્યો હતો? આ જ અર્જન્ટ કામ હતું?’
‘હા,આ અર્જન્ટ કામ જ છે ને! તારા આવા વર્તાવથી કોઈને પણ ખરાબ લાગી જાય.’ એટલે મેં તેને કહ્યું કે ‘અત્યારે ને અત્યારે ફોન મૂક … નહીં તો હું તારો કોલ પણ ડિસકનેક્ટ કરી નાખીશ.’ તો એ મિત્રને પણ માઠું લાગી ગયું! એને કારણે હું અપસેટ થઈ ગયો છું.’
સાર એ છે કે કોઈપણ નિર્ણય ઉતાવળે ન લેવો જોઈએ. આપણે ઉતાવળે કશો પણ નિર્ણય લેતા પહેલા સામે વાળી વ્યક્તિની સ્થિતિ સમજવાની કોશિશ કરવી જોઈએ. ઘણીવાર ઉતાવળે લીધેલા નિર્ણયને કારણે પાછળથી પસ્તાવાનો વારો પણ આવતો હોય છે.
આ પણ વાંચો…સુખનો પાસવર્ડ : કોણ કેટલો ધનવાન છે એના આધારે એનું મૂલ્ય ન અંકાય…
 
 
 
 


