ઉત્સવ

વિશેષઃ સુપ્રીમ કોર્ટના વારંવાર ફટકાર છતાં… યે ‘ઈડી’ હૈ કે માનતા નહીં…!

  • વિજય વ્યાસ

દર ત્રીજા દિવસે સુપ્રીમ કોર્ટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ‘ઈડી’ને ઝાટકી નાખે છે. કેન્દ્ર સરકારની આ એજન્સીની કામ કરવાની પધ્ધતિથી માંડીને ‘ઈડી’ દ્વારા કરાતા કેસોમાં સજાના દર સહિતના સંખ્યાબંધ મુદ્દે ખફા છે. આ ખફગી એટલી બધી છે કે, સુપ્રીમ કોર્ટે ‘ઈડી’ તો ‘ગુંડાગીરી’ કરી રહી હોવાની જલદ ટીકા પણ કરી છે.

સુપ્રીમ કોર્ટની જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ ઉજ્જલ ભુઈયા અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્ચે ‘ઈડી’ની ઝાટકણી કાઢતાં કહ્યું છે કે, ‘ઈડી’ ગુંડાની જેમ કામ કરી શકે નહીં..એને કાયદાની મર્યાદામાં રહીને જ કામ કરવું પડશે.

સુપ્રીમ કોર્ટે ‘ઈડી’ની ઈમેજ પણ લુખ્ખાગીરી કરી ખાતી એજન્સીની હોવાની ટીકા કરીને સજાના દર અંગે સવાલ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે કે, છેલ્લાં પાંચ વર્ષમાં ‘ઈડી’એ લગભગ 5 હજાર કેસ નોંધ્યા છે, પણ સજાનો દર 10 ટકા કરતાં પણ ઓછો છે!

સુપ્રીમ કોર્ટ દ્વારા ઈડીની આવી જલદ અને કટાક્ષમય ટીકાએ ચકચાર જગાવી છે, પણ તેમાં નવી વાત નથી. લાંબા સમયથી સુપ્રીમ કોર્ટ ‘ઈડી’ને તતડાવ્યા જ કરે છે. છેલ્લાં એક વર્ષમાં જ ઓછામાં ઓછી 10 વાર સુપ્રીમ કોર્ટે એને ખુલ્લેઆમ આ રીતે ખખડાવી હશે.

‘ઈડી’નો ઉપયોગ રાજકીય હિસાબ સરભર કરવા થઈ રહ્યો છે ત્યાંથી માંડીને ‘ઈડી’ રાજ્ય સરકારની તપાસ એજન્સીઓની કામગીરીમાં પણ ટાંગ અડાવે છે ત્યાં સુધીની ટીકાઓ સુપ્રીમ કોર્ટે કરી છે. ‘ઈડી’ કેન્દ્ર સરકાર વતી રાજકીય લડાઈઓ લડે છે એવી ગંભીર ટીકા પણ સુપ્રીમ કોર્ટે કરી છે.

આ સૌથી વડી અદાલતે ત્યાં સુધી કહ્યું છે કે, ‘ઈડી’ કોઈ પણ નક્કર પુરાવા વિના ફક્ત આરોપો લગાવે છે અને એણે નોંધેલી સંખ્યાબંધ ફરિયાદો જોયા પછી લાગે છે કેસ આ એક પેટર્ન બની ગઈ છે, જેમાં ફક્ત આરોપ મૂકવાના, પુરાવા નહીં લાવવાના… બે મહિના પહેલાં તમિળનાડુમાં દારૂની દુકાનના લાઇસન્સ કેસમાં તમિળનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC) દ્વારા અરજી કરવામાં આવી ત્યારે સુપ્રીમ કોર્ટે કહેલું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બધી હદો વટાવી દીધી છે. રાજ્ય સરકારની તપાસ એજન્સી આ કેસમાં કાર્યવાહી કરી રહી છે ત્યારે ‘ઈડી’એ દખલ કરવાની કોઈ જરૂર નથી, પણ ‘ઈડી’ રાજકીય કારણોસર કડછો મારી રહી છે.

‘ઈડી’ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (PMLA) હેઠળ આરોપીને પકડીને જેલમાં ઠૂંસી દે છે ને પછી કોઈ કામ જ નથી કરતી તેની પણ સુપ્રીમ કોર્ટે જબરી ઝાટકણી કાઢી છે. ‘આમ આદમી’ પાર્ટીના અરવિંદ કેજરીવાલને કહેવાતા લિકર સ્કેમના કેસમાં અંદર ધકેલી દીધા ત્યારે સુપ્રીમ કોર્ટે આ જ મુદ્દે ‘ઈડી’ને તતડાવી હતી.

છત્તીસગઢ લિકર સ્કેમના કેસમાં પણ આરોપી અરૂણપતિ ત્રિપાઠીની અરજી પરની સુનાવણી દરમિયાન પણ સુપ્રીમ કોર્ટે ‘ઈડી’ને તતડાવીને આ જ વાત કરેલી અન્ય એક સરલા ગુપ્તા વિરુદ્ધ ‘ઈડી’ ના કેસમાં તપાસ દરમિયાન જપ્ત કરેલા દસ્તાવેજો આરોપીઓને પાછા નહોતી આપતી તેને તો સુપ્રીમ કોર્ટે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન ગણાવેલું.

આવા તો સંખ્યાબંધ કેસ છે, જેમાં સુપ્રીમ કોર્ટે ‘ઈડી’ની ઢોકળી ધોઈ નાંખી હોય, પણ કમનસીબે પણ ‘ઈડી’ના અધિકારીઓ એ હદે જાડી ચામડીના અને નિંભર છે કે એમને કોઈ અસર જ થતી નથી કે નથી ‘ઈડી’ની કામ કરવાની પધ્ધતિમાં કોઈ ફેરફાર થતો કે નથી ‘ઈડી’ના કન્વિક્શન રેટ-સજાના દરમાં કોઈ ફેરફાર થતો. ‘ઈડી’ દ્વારા મોટા ભાગના કેસોમાં શાસક પક્ષના વિરોધીઓને પાડી દેવાનો એજન્ડા જ હોય એવું સ્પષ્ટ દેખાય છે. તેના કારણે ઈડીની કેન્દ્ર સરકારના ઈશારે ગુંડાગીરી અને લુખ્ખાગીરી કરતી એજન્સી તરીકેની છાપ વધારે ને વધારે મજબૂત થતી જાય છે.

આ બધા વચ્ચે મજાની વાત એ છે કે, કેન્દ્ર સરકાર પોતે કબૂલે છે કે, ‘ઈડી’ની કામગીરીમાં કોઈ દમ નથી ને ‘ઈડી’ એકદમ નિષ્ફળ એજન્સી છે, છતાં કેન્દ્ર સરકાર ખુદ તેની કામગીરીમાં સુધારો કરવા કશું કરતી નથી. કેન્દ્રની સરકારને ‘ઈડી’નો રાજકીય વિરોધીઓને પરેશાન કરીને રાજકીય ફાયદો મેળવવામાં વધુ રસ છે. ભૂતકાળમાં કૉંગ્રેસની સરકાર જે ગંદો ધંધો CBI પાસે કરાવતી હતી એ જ ગંદો ધંધો આજે શાસક પક્ષ ‘ઈડી’ પાસે કરાવે છે.

કેન્દ્ર સરકારે પોતે સંસદમાં આપેલા ડેટા-આંકડા પર નજર નાખશો તો આ વાત સમજાશે. કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશના ભાગરૂપે આ કાર્યવાહી કરાવતી હોવાના દાવા કરે છે, પણ આ દાવો લોકોને ઉલ્લુ બનાવવા માટે કરવામાં આવે છે.

કેન્દ્ર સરકારે ગયા વરસે સંસદમાં માહિતી આપી હતી કે ‘ઈડી’ એ છેલ્લાં 10 વર્ષમાં રાજકીય નેતાઓ સામે 193 કેસ નોંધ્યા છે અને તેમાંથી ફક્ત બે કેસમાં જ આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેનો અર્થ એ થયો કે, નેતાઓ સામેના કેસોમાં સજાનો દર એક ટકાની આસપાસ છે, જે કોઈ પણ એજન્સી માટે શરમજનક કહેવાય.

બીજું એ કે, રાજકારણીઓ સામે નોંધાયેલા 193 કેસમાંથી 138 કેસ 2019 પછી દાખલ કરવામાં આવ્યા છે અને 32 કેસ તો એપ્રિલ 2022થી માર્ચ 2023 દરમિયાન કરવામાં આવ્યા હતા. મતલબ કે, 70 ટકા કેસ તો મોદી સરકારે પોતાના કાર્યકાળનાં પહેલાં 5 વર્ષ પૂરાં કરી લીધાં એ પછી થયા છે. સવાલ એ છે કે, ‘ઈડી’ 5 વર્ષ સુધી શું કરતી હતી અને તેને ભ્રષ્ટાચાર કેમ નહોતો દેખાતો? ‘ઈડી’ને 2019 પછી અચાનક જ ભ્રષ્ટાચારી નેતાઓને સજા કરાવવાની ચાનક કેમ ચડી ગઈ ?

જોકે, ‘ઈડી’ને આ બધા આંકડાથી કોઈ ફરક પડતો નથી. એક જમાનામાં CBI ની આ રીતે ઝાટકણી કાઢીને તેને ‘સરકારનો પોપટ’ ગણાવવામાં આવી હતી. ‘ઈડી’ તો તેનાથી પણ બદતર છે પણ ‘ઈડી’ના અધિકારીઓમાં સ્વાભિમાન અને દેશદાઝ નથી તેથી દેશ માટે કામ કરવાના બદલે સરકારમાં બેઠેલા લોકોના પાલતુ બનીને કામ કરવામાં ગર્વ અનુભવે છે !

આપણ વાંચો:  ફોકસઃ નવી ટૅક્નોલૉજી રમતગમત માટે કેટલી જ રૂરી?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button