ઉત્સવ

કટઓફ જિંદગી – પ્રકરણ-26

થીજી ગયેલી પળમાં ફફડતા જીવની રોમાંચક કથા

`આપણે જેને અસ્પૃશ્ય ગણીએ છીએ આખરે એ સ્પર્શ પણ એક ચમત્કારિક અને અકસીર ઇલાજ છે.’ ડો. ત્રિવેદીએ કહ્યું.

સન્ડે ધારાવાહિક – અનિલ રાવલ

`સર, તોસિલિઝુમેબની પણ અસર ન થઇ…? બે જ મિનિટમાં ત્રણ દરદી….’ જ્યોતિએ કહ્યું.

`ઇમ્યુનિટીના અભાવનું પરિણામ છે. ઇન્જેક્શનને પણ રિસ્પોન્ડ ન કર્યું.’ ડો. ત્રિવેદીએ કહ્યું. દરમિયાન જ્યોતિએ વોર્ડ બોયઝને બોલાવ્યા. દરદીનું નામ, નંબર, મરણનું કારણ વગેરેનો વિધિ પત્યો. ડો. ત્રિવેદીએ ડેથ સર્ટિફિકેટ પર સહી કરી. નવાસવા છોકરાઓએ કાળા ડિબાંગ પ્લાસ્ટીકમાં મૃતદેહોને વીંટાળવાનું શરૂ કર્યું. ત્રણ જીવોનું જીવન સમેટાઇ ગયું. યંત્રવત્‌‍ ઢબે મૃતદેહોના નિકાલ માટે હોસ્પિટલના પ્રાંગણમાં મૂકી દેવાયા. અંતિમ ઘાટે પહોંચાડવા એમ્બ્યુલન્સની રાહ જોવાતી હતી…મૃતદેહોએ હવે કોઇની રાહ જોવાની નહતી…ન દવાની…ન ડોક્ટરની…ન આપ્તજનોના ફોનની. સોલંકીએ વ્યક્તિગત રીતે એમનાં સગાઓને ફોન પર જાણ કરી.

ઉપર ઇમર્જન્સી વોર્ડમાં જ્યોતિની નજર નિર્મલ પર પડી. ઓક્સિજન પર હોવા છતાં એને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. ડો. ત્રિવેદીની ચિંતા વધી ગઇ….એમણે ચેકઅપ શરૂ કર્યું.
`સર, લાગે છે આ પણ દવાને રિસ્પોન્ડ નથી કરી રહ્યા.’ જ્યોતિએ કહ્યું.

`નો, વેઇટ ફોર સમટાઇમ….મોનિટરિગ ચાલુ રાખીએ.’ ડો. ત્રિવેદીએ કહ્યું. ત્યાં ઊભેલી સંધ્યા નિર્મલનો હાથ પોતાના હાથમાં લઇને હળવે હાથે સહેલાવા લાગી. નિર્મલની આંખ ખુલી. એણે સંધ્યા સામે જોયું. એ ધૂંધળા ચિત્રમાં એને પવિત્રા દેખાઇ. આંખો મીંચીને એણે પવિત્રાને આંખોમાં સમાવી લીધી. થોડી ક્ષણોમાં કોઇ ચમત્કાર થયો હોય એમ નિર્મલનું ઓક્સિજન લેવલ ક્નટ્રોલમાં આવવા લાગ્યું.

`મને લાગે છે નિર્મલ ઇન્જેક્શન કરતા વધુ હથેળીના સ્પર્શને રિસ્પોન્ડ કરે છે. આપણે જેને અસ્પૃશ્ય ગણીએ છીએ આખરે એ સ્પર્શ પણ એક ચમત્કારિક અને અકસીર ઇલાજ છે.’ ડો. ત્રિવેદીએ કહ્યું.

સોલંકીએ કિસને મોકલેલું રેકોર્ડિંગ સાંભળીને તરત જ એને ફોન કર્યો હતો.

`રસિકભાઈ મોટી ચાલુ આઇટમ લાગે છે. ઇન્જેક્શનો આપવાના બદલામાં કોઇ કામ કરાવવા માગતો છે. એ કામ શું હોવાનું સાલ્લું એ મને ની સમજાતું.’

`મને પણ ન સમજાયું.’ કિસન બોલ્યો.

`એની પાહે માલ તો હોવાનો…ખાલીપીલી તને થોડો ટટળાવા માગે એવું પણ લાગે છે.’

`જો મારી પાસે કરાવવાનું કામ બહુ મોટું હશે તો ઇન્જેક્શનો આપવામાં બહુ વાર નહીં લગાડે…’ કિસને કહ્યું.

`હવે તું ફોન ની વાત કરતો….એની ગરજ જો….ગરજની ધાર જો…’ સોલંકીએ કહ્યું. ફોન કપાયા પછી કિસને કોલ રેકોર્ડિંગ સાંભળ્યું પણ સોલંકીને મોકલ્યું નહીં.

રમેશ હોસ્પિટલમાં કામે લાગ્યો ત્યારે બહુ ખુશ હતો….કામ ગમ ભૂલાવી દેવાનું કામ કરે છે. જોકે વચ્ચે વચ્ચે દીકરીનો વિયોગ સતાવતો ત્યારે એ ઝાડની નીચે મૃતદેહોની પરવા કર્યા વિના બેસી જતો. એ વખતે એને દારૂની તલબ લાગતી. એ જાણતો હતો કે એની નબળાઇ દારૂ નહતી, પણ દીકરી હતી. કોઇ જૂના રોગની જેમ એને વિયોગ નામનો આ રોગ ઊથલો મારતો.

એણે એકવાર સોલંકીને કહીને દીકરીને લઇ આવવા મહાનગરપાલિકાની કાર પણ માગી હતી. સોલંકીએ કહ્યું કે જયમાલા કહે તો અને ત્યારે આપણે દીકરીને નાના નાનીને ત્યાંથી લાવીશું.’ કોઇ કારણસર એણે જયમાલાને કહ્યું નહીં. એણે એકવાર અકળાઇને જયમાલાને કહ્યું:તું કેવી મા છો…કૃત્તિકા વિના તું કઇ રીતે જીવી શકે છે.?’

`હું એક મા છું એટલે એના વિના જીવી શકું છું….તું એક બાપ છો એટલે તને એના વિના જીવન આકં લાગે છે. પુરુષોનું કાળજું કહેવા પૂરતું કઠ્ઠણ હોય છે…અને અમાં સ્ત્રીઓનું કહેવા પૂરતું નરમ હોય છે.’
રમેશને આ શબ્દો આકરા લાગ્યા…એણે ખિસ્સામાંથી સ્પિરીટની બોટલ કાઢી. જયમાલાને આઘાત લાગ્યો.

`તું સ્પિરીટ કેમ લાવ્યો?’ જયમાલા રીતસર ભડકી ઉઠી.

`પીવા માટે….આનો પણ નશો થાય….થોડું પીઉં તો દુ:ખ ભૂલી જઇશ. પ્લીઝ આજે થોડું પીવા દે.’ રમેશે કરગરતા અવાજે કહ્યું.

`સ્પિરીટ પીને કાળજું બાળવા કરતાં દીકરીના દુ:ખમાં કાળજું બળવા દે. કોઇ વસ્તુને ભૂલવા નશાની નહીં, ટકી રહેવાની જરૂર છે. ટકી રહે, જે ટકી જાણે છે એ જીવી જાણે છે.’ જયમાલાએ એના હાથમાંથી બોટલ લઇ લીધી. રમેશ ભાંગી પડ્યો. એ જયમાલાને વળગીને ક્યાંય સુધી રડતો રહ્યો. ઘણીવાર માણસે સોરી કહેવાની જરૂર નથી હોતી….એના મૂંગા આંસુ કહી આપે છે.

બીજે દિવસે સોલંકીએ જયમાલાને રમેશે કહેલી વાત કરી.

`કૃત્તિકાને લાવવા માટે તું કહીશ ત્યારે કાર આપીશ…દીકરીને લાવીને રમેશને સરપ્રાઇઝ આપજે.’

`નહીં સર, કૃત્તિકા મારી મમ્મી પાસે વધુ સલામત છે… તમે જાણો છો કે હોસ્પિટલમાં અમાં આવવું-જવું…દીકરીના જીવને મારે જોખમમાં નથી મૂકવો.’

`રમેશને અહીં કામ અપાવતી વખતે તેં ઊલ્ટું એને એમ કહેલું કે અમે પણ હોસ્પિટલમાં જઇએ-આવીએ છીએ…અમને ચેપનો ડર નહીં લાગતો.’ સોલંકીએ કહ્યું.

`રમેશને કામ પર લગાડવાનો આપણો આશય અલગ હતો સર.’ જયમાલાએ કહ્યું.

`માં માને તો તું કૃત્તિકાને લઇ આવ….રમેશના ભલા માટે કહી રહેલો છું.’

`કેમ એના ભલા માટે સર….?’

`તૂં કોઇને કે’તી નૈ, પણ રાતપાળીમાં મેં એને સ્પિરીટ પીતા પકડી લીધો હતો. એણે તને કહેવાની ના પાડેલી…મેં એને સમજાવ્યો છે…એની વાત પરથી લાયગું કે એનો ઇલાજ કૃત્તિકા છે.’

જયમાલાએ લાગેલા આંચકાની વચ્ચે જાતને સંભાળી લેતા કહ્યું: `હવે એ નહીં પીવે ને કૃત્તિકાને લઇ આવવાની વાત પણ નહીં કરે. મેં એનું કોમળ કાળજું ભાંગી જાય એવા વેણ કીધા છે.’

પવિત્રાનો સ્વભાવ દિવસે દિવસે ચિડિયો થતો હોવાનું મમ્મીજીએ નોંધ્યું. એ વાતે વાતે ગુસ્સે થવા લાગી હતી. ઘરનું કામકાજ યંત્રવત્‌‍ રીતે પતાવીને નિર્મલના મોબાઇલની રાહ જોતી બેસી રહેતી. ઘરનો ફોન રણકે તો ઝડપથી ઉપાડી લેતી. ટીવી પર માત્ર કોરોનાના ન્યૂઝ જોતી. બીજી કોઇ વાતમાં રસ રહ્યો નહતો. ભગવાન પરથી ભરોસો ઉઠી ગયો હતો. શ્રદ્ધા ખૂટી ગઇ હતી. સબૂરી રાખી શકે એમ નહતી. એની હાલતે ઘરના સૌને ચિંતામાં નાખી દીધા હતા….ખાસ કરીને એના સસરા દર્શનભાઇને.

`રચના, પવિત્રાની માનસિક હાલત ઠીક નથી લાગતી… મને લાગે છે કે ધીરધીરે ડિપ્રેશનમાં જવા લાગી છે.’

`હું એને ઘણું સમજાવું છું…ધીરજ બંધાવું છું, જોકે એમાં એનો વાંક નથી. જે પરિસ્થિતિ છે એનો અંત નથી આવતો, પણ એની ધીરજનો અંત આવી ગયો છે.’

`હું એના ડિપ્રેશનની વાતે ચિંતામાં છું.’ દર્શનભાઇએ કહ્યું.

`પવિત્રા બહુ સ્ટ્રોંગ છે. એકવાર એના મનમાં ધરબાયેલી ભડાશ નીકળી જવાની જરૂર છે.’ અર્ચનાબેને કહ્યું.

પવિત્રાના મોબાઇલ પર સુકેતૂનો ફોન આવ્યો.

પવિત્રાએ તરત જ ઊંચક્યો….પણ કાંઇ બોલી નહીં એટલે સામેથી સુકેતૂએ પૂછ્યું: `નિર્મલના કાંઇ સમાચાર?’

`કોઇ મને નિર્મલના સમાચાર નથી આપતું. હોસ્પિટલવાળાને કાંઇ પડી નથી.. તું ફોન કરીને પૂછતો નથી….કોણ મને કહેશે કે નિર્મલ કેમ છે….કોણ કહેશે મને બોલ કોણ કહેશે…કોઇ તો કહો મને પ્લીઝ કોઇ તો કહો….મારો નિર્મલ કેમ છે કોઇ તો કહો…’

સુકેતૂ પાસે એને સાંત્વન આપવા સિવાય બીજું ક્યાં કાંઇ હતું. અગાઉ અનેક વખત ધીરજ બંધાવતા શબ્દો કહ્યા હતા. સાંત્વનના શબ્દોનું પણ પેઇનકિલર જેવું હોય છે….બહુ વાર આપો તો એની અસર ઓછી થઇ જતી હોય છે. સુકેતૂ ચૂપ રહ્યો. સાસૂ, સસરા અને કિનુ પવિત્રાના રૂમમાં દોડી ગયાં. સસરા પવિત્રા પાસે જવા લાગ્યા, પણ સાસૂએ એમને રોકી લેતાં કહ્યુ:ભડાશ નીકળી જવા દો….આ જ એનો ઇલાજ છે.’

સોલંકીએ કિસનને કહેલા શબ્દો સાચા પડ્યા. રસિકભાઇને વધુ ગરજ હતી. એમણે કિસનને કોલ કરીને કહ્યું: આજે રાતે તારા માણસને રજા આપી દેજે. બાર વાગે આવું છું.’ કિસનેઓકે’ કહીને ફોન મૂક્યો. `હવે શું કરવું?’ રસિકભાઈએ ઝડપથી ગરજ બતાવીને એની મૂંઝવણ વધારી દીધી હતી. એ અંદરથી થોડો ડરી પણ ગયો હતો. એણે સોલંકીને ફોન કર્યો.

`કિસન મા’રાજ, તમે તો અમારા રથના સારથી છો.’ સોલંકીએ કહીને કિસનને આખો પ્લાન સમજાવી દીધો.

`સાંભળ, આપણો માણસ આજે રજા પર છે એટલે રાતે મારે મેડીકલ સ્ટોરમાં રહેવું પડશે.’ કિસને રાતે જમતી વખતે કાશ્મીરાને કહ્યું.

`હું ય આવું છું તારી હાર્યે…..તને મદદ થાસે.’ કેશુકાકાએ બહાર આવતા કહ્યું.

`પપ્પા, તમને દવાના નામની ખબર પડે નહીં..ક્યાંક એકનું બીજું થઇ જાય.. તમારી કાંઇ જરૂર નથી.’ કિસને કહ્યું.

`હું તને ક્યાય નહીં નડું, તાં ચીંધેલું કામ તો કરી શકુંને…?’

`ના, તમારે નથી આવવાનું…..નકામો ક્યાંક ચેપબેપ લાગે તો પાછી મુશ્કેલી.’ કિસન કેશુકાકાથી પીછો છોડાવવા બોલ્યો.

`હા પપ્પા એની વાત સાચી છે. તમે ઘરમાં જ રહો.’ કાશ્મીરા બોલી.

`ઠીક છે બાકી હું તૈયાર છું….’ બોલીને કેશુકાકા અંદર જતા રહ્યા. કિસનને હાશકારો થયો.

બરાબર રાતે બાર વાગ્યે હેલ્થ ડિપાર્ટમેન્ટની `ઓન ઇમર્જન્સી ડ્યૂટી’ લખેલી કાર મેડીકલ સ્ટોરની બહાર આવીને ઊભી રહી. રસિકભાઇ ખુદ બેઉ હાથમાં બે બોક્સ પકડીને બહાર આવ્યા. કિસન અંદરથી એમને જોઇ રહ્યો હતો.

`આવો, આવો…’ કિસને એમનું સ્વાગત કર્યું.

તોસિલિઝુમેબ ઇન્જેક્શન પાંચસો પાંચસોના બે બોક્સ.’ બોલતાં એમણે બંને બોક્સ કાઉન્ટર પર મુક્યા.400 એમએલના એક ઇન્જેક્શનની એમઆરપી રૂપિયા 40,500 છે…બ્લેકમાં સવા લાખમાં વેંચાય છે. સરકાર વિદેશી ફાર્મા કંપની પાસેથી મગાવે છે. એમાંથી 60 ટકા સરકારી હોસ્પિટલોમાં જાય છે ને 40 ટકા ખાનગી હોસ્પિટલોને આપે છે. હું તને સ્ટોક આપતો રહીશ…’

`હા, રાતે બહુ લોકો આ ઇન્જેક્શનો માગતા આવે છે.’ કિસન બોલ્યો. એ જ વખતે બે જણે આવીને તોસિલિઝુમેબ ઇન્જેક્શનો માગ્યા.

`તમારા પગલાં સારાં છે. તમારા હાથે જ આપો.’ કિસન બોલ્યો.

રસિકભાઇએ બોક્સ ખોલતા પૂછ્યું: `કેટલા જોઇએ છે?’

`બે જોઇએ છે.’ એક જણે કહ્યું.

સવા લાખનું એક. બેના અઢી લાખ.’ બીજા જણે ઉતાવળે રૂપિયા કાઢીને આપ્યા.ગણી લો…અઢી લાખ પૂરા છે.’

રસિકભાઇએ રૂપિયા લીધા ને બે ઇન્જેક્શનો આપ્યા કે તરત જ બંનેમાંથી એક ગ્રાહક બોલ્યો: `હું જોઇન્ટ કમિશનર ફૂડ એન્ડ ડ્રગ્સ-વિજિલન્સ ડિપાટર્મેન્ટ અભય જોગલેકર.’

`આણી મિ…..વસંત નાર્વેકર જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ.’

બરાબર એ જ વખતે એટુઝેડ ન્યૂઝ ચેનલનો રિપોર્ટર સંજુ અને કેમેરામેન હેગડે અંદર ધસી ગયા ને કેમેરાની લાઇટ ફ્લેશ થઇ. કિસને રેકોર્ડ કરી રહેલા છૂપા સીસીટીવી કેમેરા પર નજર ફેરવી. (ક્રમશ:)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button