કવર સ્ટોરી: આપણું ન્યાયતંત્ર સાચો ને ઝડપી ન્યાય ક્યારે કરશે ?

– વિજય વ્યાસ
સામાન્ય પ્રજાને એમ લાગે કે અ-ન્યાય થઈ રહ્યો છે ત્યારે એમને રાજકીય પક્ષો કે નેતાઓ કરતાં વધુ આસ્થા આપણી અદાલતો પર હોય છે. આમ છતાં દેશની અદાલતો પાસે આજે પાંચ કરોડથી વધુ કોર્ટ કેસ પડતર પડ્યા છે અને ન્યાય લંબાતો જાય છે. આ ‘તારીખ પે તારીખ’ના વિષચક્રમાંથી છૂટકારો મેળવવા માટે કોઈ પણ કેસને કેટલા સમયમાં પૂરો કરવો એની ચોક્કસ નીતિ-રીતિ – ગાઈડલાઈન માત્ર આપણી સર્વોચ્ચ અદાલત જ ઘડી શકે એમ છે, પરંતુ…
ભારતમાં છેલ્લાં કેટલાક સમયથી ‘જ્યુડિશિયલ એક્ટિવિઝમ’નો મુદ્દો ચર્ચામાં છે. દેશની અદાલતોમાં 5.35 કરોડ કેસોનો ઢગલો છે, પણ તેનો નિકાલ કરવાના બદલે સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટ પોતાની મર્યાદા ઓળંગીને પોતાના અધિકારક્ષેત્રમાં ન આવતી બાબતોમાં કડછા માર્યા કરે છે એવા આક્ષેપ અવારનવાર થયા કરે છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો દેશની અદાલતોમાં થયેલા કેસોના ખડકલાનો નિકાલ કરીને ન્યાય તોળવાનું પોતાનું મૂળ કામ કરવાના બદલે પ્રજા દ્વારા ચૂંટાયેલી સરકારની કામગીરી અને વહીવટી બાબતોમાં દખલગીરી કરવામાં વધારે રસ બતાવે છે એવા આક્ષેપ પણ થાય છે.
અત્યારે જેમનો અતોપતો નથી એવા જગદીપ ધનખડે તો ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે આક્ષેપ કરેલો કે, સુપ્રીમ કોર્ટ સુપર પાર્લામેન્ટ બનીને વર્તી રહી છે અને કાયદા બનાવી રહી છે. રાજ્યપાલો દ્વારા રાજ્યોની વિધાનસભાઓએ પસાર કરેલાં બિલ રોકી રાખવામાં આવે છે એ મુદ્દે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરીને રાજ્યપાલો અને રાષ્ટ્રપતિએ કેટલા સમયમાં બિલોને મંજૂરી આપવી તેના નિયમો બનાવીને રાષ્ટ્રપતિને નિયમોનું પાલન કરવા માટે આદેશ આપ્યો ત્યારે ધનખડ સહિતના ભાજપના નેતા બાંયો ચડાવીને કૂદી પડેલા. ‘સુપ્રીમ કોર્ટને રાષ્ટ્રપતિને આદેશ આપવાનો અધિકાર નથી અને સુપ્રીમ કોર્ટ ગેરબંધારણીય રીતે વર્તી રહી છે…’ એવા આક્ષેપો કર્યા હતા.
આ પણ વાંચો…કવર સ્ટોરી : ડ્રેગન-એલિફન્ટની જુગલબંદી દુનિયાનાં સમીકરણો બદલી શકે, પણ જરા સંભાલ કે…!
હમણાં બિહારમાં મતદાર યાદીમાં સુધારણાનો મુદ્દો ગાજી રહ્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચની સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન (SIR) ઝુંબેશ સામે સુપ્રીમ કોર્ટે વાંધો લીધો પછી ‘જ્યુડિશિયલ એક્ટિવિઝમ’નો મુદ્દો ફરી ચર્ચામાં છે. ચૂંટણી પંચે પણ સુપ્રીમ કોર્ટ પોતાના અધિકારક્ષેત્રની ઉપરવટ જઈને વર્તી રહી હોવાનો બળાપો કાઢ્યો જ છે.
ભારતમાં ન્યાયતંત્રની પ્રતિષ્ઠા રાજકારણીઓ કરતાં વધુ સારી છે અને રાજકારણીઓને પોતાના પગ તળે રેલો આવે ત્યારે જ બધું ખરાબ દેખાવા લાગે છે. સુપ્રીમ કોર્ટની ટીકામાં પણ એ વાત લાગુ પડે છે તેથી રાજકારણીઓનાં નિવેદનોને આધારે સુપ્રીમ કોર્ટને ના મૂલવી શકાય પણ ભારતમાં ન્યાયતંત્ર પોતાની ફરજ યોગ્ય રીતે બજાવતું નથી એ પણ હકીકત છે.
ભારતમાં ન્યાયતંત્રની નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો અદાલતોમાં કેસોનો ખડકલો છે. સપ્ટેમ્બર 2025 સુધીમાં સુપ્રીમ કોર્ટમાં જ 88,400થી વધુ કેસ પેન્ડિંગ છે. રાજ્યોની હાઇ કોર્ટોમાં 60 લાખથી વધુ અને જિલ્લા અને નીચલી અદાલતોમાં 4.70 કરોડથી વધુ કેસ પડતર છે. આમ બધું મળીને ભારતીય અદાલતોમાં કુલ 5.35 કરોડ કેસ પડતર છે. આ તો કેસોની વાત કરી, પણ જામીન અરજી સહિતની બીજી પેન્ડિંગ મેટર્સને ગણતરીમાં લો તો આંકડો વીસ-પચીસ કરોડ પર પહોંચી જાય.
ભારતીય અદાલતોમાં કેસોના ખડકલાને સુપ્રીમ કોર્ટ ગંભીરતાથી નથી લેતી. આ પૈકી ઘણા કેસો તો દાયકા જૂના છે અને સાવ ફાલતુ કહેવાય એવા છે તેથી તાત્કાલિક તેનો નિકાલ થઈ શકે પણ સુપ્રીમ કોર્ટની તેની પડી નથી.
બીજી તરફ મહત્ત્વની ના હોય ને ધનિકો કે વગદાર લોકો સાથે સંકળાયેલી બાબતોના કેસ તાત્કાલિક હાથ પર લઈ લેવાય છે અને એના ચૂકાદો આપવામાં સુપ્રીમ કોર્ટે બતાવેલી સ્ફૂર્તિ તેનો તાજો પુરાવો છે. સુપ્રીમ કોર્ટ આવી સ્ફૂર્તિ બીજા કેસોના નિકાલમાં નથી બતાવતી. બલકે જ્યારે પણ અદાલતોમાં કેસોના ભરાવાનો મુદ્દો આવે ત્યારે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજો અદાલતોમાં ઓછો સ્ટાફ છે, સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી, પૂરતા જજ નથી સહિતનાં રોદણાં રડવા બેસી જાય છે. ન્યાયતંત્રમાં ચાલતી લાલિયાવાડીને છૂપાવવા માટે આવી વાતો થાય છે કેમ કે ભારતીય અદાલતોમાં જજોની સંખ્યા સાવ તો ઓછી નથી જ.
અત્યારે ભારતના ન્યાયતંત્રમાં કુલ 35,637 જજ છે. આ પૈકી 34 સુપ્રીમ કોર્ટમાં, 1,114 હાઈ કોર્ટમાં અને બાકીના 34,489 નીચલી અદાલતોમાં છે. દરેક જજ રોજના એક કેસનો નિકાલ કરે તો પણ રોજના 35 હજાર કેસનો નિકાલ થાય. અદાલતોમાં વરસમાં 250 દિવસ કામ ચાલતું હોય છે એ જોતાં વરસમાં 87.50 લાખ કેસોનો નિકાલ થઈ શકે. ભારતની અદાલતોમાં લગભગ 80 ટકા કેસ એવા છે કે જેમાં કોઈ તપાસની જરૂર નથી ,છતાંય એવા કેસો પણ લટકાવેલા જ રખાય છે. જમીનોના વિવાદો, વસિયત, ચેક બાઉન્સ સહિતના કેસોમાં જરૂર નહીં હોવા છતાં દાયકાઓ સુધી કેસો લંબાવાય છે. આવા કેસનો તાત્કાલિક નિકાલ કરવા માટે સુપ્રીમ કોર્ટે કોઈ જ પગલાં કમ સે કમ અત્યાર સુધી તો નથી જ લીધાં.
હા, એ ખરું કે સુપ્રીમ કોર્ટનું નીચલી અદાલતો પર પણ કોઈ નિયંત્રણ નથી. કોઈ પણ કેસને કેટલા સમયમાં પૂરો કરવો એ અંગે સુપ્રીમ કોર્ટ એક ગાઈડલાઈન બનાવી શકે, પણ સુપ્રીમ કોર્ટને એ વાતોમાં રસ નથી પડતો. કોઈ વાર કોઈ જજ ઉત્સાહમાં આવીને કોઈ ફરમાન કરી નાંખે પણ પછી તેનું પાલન થાય છે કે નહીં એ જોવાની તસદી પણ નથી લેવાતી.
સુપ્રીમ કોર્ટે કોઈ પણ આરોપીને એક પણ દિવસ વધારે જેલમાં ના રાખી શકાય એવું સ્પષ્ટ કહ્યું છે છતાં હમણાં જ એવો કિસ્સો બહાર આવ્યો કે, મધ્ય પ્રદેશની જેલમાં એક આરોપીને સજા કરતાં ચાર વર્ષ વધારે સમય જેલમાં ગોંધી રાખવામાં આવ્યો હતો. એ વાત બહાર આવતા સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ સરકારને 25 લાખનો દંડ ફટકાર્યો પણ એ ન્યાય નથી. કોઈ વ્યક્તિની જીંદગીના 4 વર્ષ ખુલ્લી હવામાં પસાર થવાના બદલે જેલમાં વિતે એ તેના મૂળભૂત અધિકારોનો ભંગ છે. આરોપીના આ અધિકારો છિનવી લેનારને સુપ્રીમ કોર્ટે કશું ના કર્યું એ જોતાં આ ન્યાય જ ના કહેવાય.
અદાલોતમાં જામીન જેવી સામાન્ય બાબતમાં પણ અસહ્ય વિલંબ થાય છે. બોમ્બે હાઈ કોર્ટમાં તો એક જામીનની અરજીનો ચાર વર્ષથી કોઈ ચૂકાદો નથી આવ્યો તેથી સુપ્રીમ કોર્ટે હમણાં બે મહિનામાં જામીન અરજીનો નિકાલ કરવા સૂચના આપી છે, પણ તેના અમલમાં પણ શેઠની શિખામણ ઝાંપા સુધી જેવી જ હાલત થવાની છે. ભૂતકાળમાં ‘ઈડી’ સહિતની સરકારી એજન્સીઓને અપાયેલી સૂચનાઓમાં એવું થયું જ છે.
સુપ્રીમ કોર્ટ આ બધી બાબતો પર ધ્યાન આપે તો તેમાં ત્વરિત સુધારો થઈ શકે, પણ સુપ્રીમ કોર્ટને તેમાં રસ નથી પડતો. ઉચ્ચ ન્યાયતંત્રને પોતાની ધાક બેસે કે પબ્લિસિટી મળે એવા કેસોમાં તાત્કાલિક પગલાં લેવાનું શૂરાતન ચડી જાય છે. હાઈ કોર્ટના કે સુપ્રીમ કોર્ટના કોઈ જજને ટ્રાફિક નડે કે રસ્તામાં ગાય આડી આવે કે ફટાકડા ફૂટે તેના કારણે તકલીફ પડે તો પણ એ રાષ્ટ્રહિતનો હોય એવો મોટો મુદ્દો બની જાય છે.
આ સ્થિતી ક્યારે બદલાશે એ ખબર નથી.
‘જ્યુડિશિયલ એક્ટિવિઝમ’ ના હોય તો?
સુપ્રીમ કોર્ટ તથા હાઈ કોર્ટોની એક ફરજ બંધારણીય બાબતોનું અર્થઘટન છે. સુપ્રીમ કોર્ટ આ ફરજ સારી રીતે બજાવે છે તેમાં શંકા નથી. તેના કારણે તેમના પર ‘જ્યુડિશિયલ એક્ટિવિઝમ’ના આક્ષેપ થાય છે, પણ આ આક્ષેપોમાં દમ નથી. સુપ્રીમ કોર્ટ આ કહેવાતું ‘જ્યુડિશિયલ એક્ટિવિઝમ’ના બતાવે તો ભારતમાં રાજકારણીઓ બેફામ થઈ જાય. નેતાઓ નિરંકુશ થઈ જાય. રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે કાયદાનો અને એજન્સીઓનો ભરપૂર દુરુપયોગ કરે છે.
કાયદાઓને અને બંધારણીય જોગવાઈઓનું પણ પોતાના ફાયદા માટે તોડી-મરોડીને અર્થઘટન કરવામાં આવે છે. રાજ્યપાલો સહિતના બંધારણીય હોદ્દા પર બેઠેલા લોકો બંધારણને વફાદાર રહીને વર્તવાના બદલે શાસકોના ચાપલૂસો તરીકે વર્તે છે એ જોતાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટોનું ‘જ્યુડિશિયલ એક્ટિવિઝમ’ બહુ જરૂરી છે. જરૂર પડે ત્યારે શિવના ત્રીજા નેત્રની જેમ આગ વરસાવવી પણ પડે. એના કારણે જ દેશમાં લોકશાહી પણ ટકી છે અને લોકોના અધિકારો પણ સલામત છે… હજુ સુધી!