ઉત્સવ

ટ્રમ્પ આવાં ગાંડાંઘેલા કેમ કાઢે છે… એમાંય એમની કોઈ ચોક્કસ ગણતરી છે કે શું?

કહેવાતા મિત્ર દેશ ભારત અને કહેવાતા જાની દુશ્મન એવા ચીન સાથે ‘કભી હા …કભી ના’ જેવી વર્તણૂક કરતાં અમેરિકાના આ પ્રેસિડન્ટના મનોભાવ કોઈ મનોચિકિત્સક પણ જલદી પારખી શકે તેમ નથી …સિવાય કે એમાં પણ ટ્રમ્પ કોઈ અ-નોખી રાજકીય ચાલ ખેલી રહ્યાં હોય!

કવર સ્ટોરી – વિજય વ્યાસ

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પોતે જ કહેલી વાતમાંથી પલટી જાય છે અને એકદમ વિરોધાભાસી વાતો કરે છે. એમાંય દર બીજા દિવસે કંઈ ને કંઈ નવા તુક્કા વહેતા કરે છે તેના કારણે એમની ડાગળી તો ચસકી નથી ગઈ કે શું? એવા સવાલ ખુલ્લેઆમ પૂછાઈ રહ્યો છે.

ટ્રમ્પ એક તરફ અમેરિકામાં શટડાઉન કરાવીને બેસી ગયા છે. તેના કારણે અમેરિકાનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સંખ્યાબંધ સેવાઓ ખોરવાઈ ગઈ છે. બીજી તરફ, વિદેશી બાબતોમાં પણ આડેધડ નિર્ણયો અને નિવેદનબાજી કરીને ટ્રમ્પ વરસોથી અમેરિકા સાથે ગાઢ સંબંધો ધરાવતા દોસ્તોને દૂર ધકેલી રહ્યા છે.

વચ્ચે ટ્રમ્પને વિશ્વના ‘શાંતિદૂત’ તરીકે સ્થાપિત થઈને શાંતિ માટેનું નોબલ પ્રાઈઝ મેળવવાની પણ એવી જોરદાર ચળ ઉપડી હતી કે એમણે દુનિયાભરના દેશોના આંતરિક મામલાઓમાં કડછા માર્યા. ટ્રમ્પને શાંતિદૂત બનવાનો એવો ધખારો ઉપડ્યો છે કે, દુનિયામાં જે દેશો વચ્ચે યુધ્ધ થયું જ નથી એવા દેશો વચ્ચે ‘પોતે યુદ્ધવિરામ કરાવી દીધો’ હોવાના ફાંકા મારીને જશ ખાટવાનાં હવાતિયાં મારે છે.

આ કારણે એ આખી દુનિયાની નજરમાં હાસ્યાસ્પદ ઠરી રહ્યા છે. ટ્રમ્પને અમેરિકાને ફરી દુનિયાનું જમાદાર બનાવી દેવાનો પણ ભારે સણકો ઉપડેલો તેથી દુનિયાભરના દેશોના વડાઓને ફરમાન છોડ્યા કરે છે. ઈઝરાયલ સહિતના અમેરિકા પર નિર્ભર દેશો ને પાકિસ્તાન જેવા નાણાં માટે ગમે તેનાં તળવાં ચાટવા તૈયાર દેશો સિવાય કોઈ ટ્રમ્પની વાત સાંભળવા તૈયાર નથી છતાં ટ્રમ્પ ગાંડાંવેડાં કર્યાં કરે છે. રશિયા, ચીન, ભારત જેવા દેશ તો ટ્રમ્પને ગણકારતા જ નથી ને ટ્રમ્પની વાતોને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે.

તાજેતરમાં ટ્રમ્પે રશિયા સાથે ક્રૂડનો વેપાર બંધ કરવા ભારતને ફરમાન કરીને ધમકી આપેલી કે, રશિયા પાસેથી ક્રૂડ લેવાનું બંધ નહીં કરે તો ભારતથી આવતા માલ પર 100 ટકા ટૅરિફ ઠોકી દઈશું… જોકે, ટ્રમ્પની આ ધમકીને ભારત ઘોળીને પી ગયું છે. ભારતે સત્તાવાર રીતે ટ્રમ્પની સીધી નાફરમાની નથી કરી પણ વાસ્તવિક રીતે ટ્રમ્પની ઐસીતૈસી કરીને રશિયા સાથે ક્રૂડનો વ્યાપર ચાલુ રાખ્યો છે… રશિયા અને ચીન તો ભારત કરતાં એક કદમ આગળ વધીને ટ્રમ્પ કંઈ પણ કરે તો તરત તેનો એ જ ભાષામાં ને એક્શનમાં પણ જવાબ આપી દે છે.

રશિયા સાથે અમેરિકાના હમણાં આર્થિક સંબંધો નથી, પણ ચીન સાથે છે. ચીનને દબાવવા માટે ટ્રમ્પે ઉપરાછાપરી ટૅરિફ લાદ્યા પણ ચીને તેનાથી ડર્યા વિના સામે ટૅરિફ ઠોકી દીધા. ચીનનાં પગલાંને કારણે ઢીલાઢફ થઈ ગયેલા ટ્રમ્પ પોતે જ થૂંકેલું ચાટીને ચીનના માલ પરના ટૅરિફ ઘટાડી રહ્યા છે. તેના કારણે ટ્રમ્પનું જે નીચાજોણું થયું છે એ વાત ટ્રમ્પ સમજવા તૈયાર નથી.

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામના મામલે પણ ટ્રમ્પ જોકરની જેમ વર્તી રહ્યા છે. ટ્રમ્પનો દાવો છે કે, મેં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો, બાકી બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધ છેડાઈ ગયું હોત…! ટ્રમ્પે ફડાકો માર્યો છે કે, મેં બંને ન્યૂક્લિયર દેશો વચ્ચેનું યુદ્ધ રોકવા માટે વેપારનું દબાણ કર્યું હતું અને 250 ટકા ટૅરિફ લાદવાની ધમકી આપી હતી. તેના કારણે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે તૈયાર થયા. ભારત આ વાતનો વારંવાર ઈનકાર કરી ચૂક્યું છે છતાં ટ્રમ્પ એકની એક કેસેટ વગાડ્યા જ કરે છે.

ટ્રમ્પ આ કેસેટ વગાડે ત્યારે મોદીનાં વખાણ પણ કરે છે ને સાથે સાથે પાકિસ્તાનના શાસકોને પણ વખાણે છે. ટ્રમ્પ એવું પણ કહ્યા કરે છે કે, વડા પ્રધાન મોદી માટે મને પ્રેમ અને માન છે. મોદીની જેમ પાકિસ્તાનના વડા પ્રધાન પણ મહાન વ્યક્તિ છે અને તેમના ફિલ્ડ માર્શલ પણ મહાન લડવૈયા છે!

ટ્રમ્પની આવી અણઘડ વાતો અને વર્તનના કારણે તેમની માનસિક સ્થિતિ શંકાસ્પદ હોવાના દાવા થઈ રહ્યા છે, પણ વાસ્તવમાં ટ્રમ્પ પોતાના જ ચક્રવ્યૂહમાં અટવાઈ ગયા છે. ટ્રમ્પે ફરી પ્રમુખ બનવા માટે ચૂંટણી પ્રચાર વખતે અમેરિકાને ફરી દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ બનાવવાનું વચન આપેલું , પણ અમેરિકાને કોઈ ગણકારતું નથી તેથી ટ્રમ્પ ભોંઠા પડી રહ્યા છે. ટ્રમ્પ એ ભોંઠપ છૂપાવવા માટે ધમકીઓ આપે છે પણ ટ્રમ્પની ધમકીઓની કોઈ અસર થતી નથી તેથી ટ્રમ્પ રઘવાયા થઈ ગયા છે. શું કરવું એ સમજાતું નથી એટલે છબરડા પર છબરડા કરે છે અને હાસ્યાસ્પદ ઠરી રહ્યા છે.

આ લેખ તૈયાર થઈ રહ્યો છે ત્યારે એક સમાચાર આવ્યા છે…જે અનુસાર ડોનલ્ડ ટ્રમ્પ તળિયા વિનાના લોટા જેવા છે તેનો વધુ એક પુરાવો ભારત અને અમેરિકા વચ્ચે થયેલા સંરક્ષણ કરાર છે.

ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે છે એ બદલ ભારત પર 25 ટકા પેનલ્ટી ટૅરિફ અમેરિકાએ લાદી છે. રશિયા સાથે વ્યાપાર કરનારા દેશો સાથે અમેરિકા આકરું વલણ અપનાવશે એવી વાતો ટ્રમ્પ કર્યા કરે છે, પણ રશિયા સાથે બિઝનેસ કરતા ભારત સાથે સંરક્ષણ કરાર કરવામાં તેમને વાંધો નથી!

આ તાજા સંરક્ષણ કરાર મુજબ ભારત અને અમેરિકાએ આગામી 10 વર્ષ સુધી સંરક્ષણ સહયોગ વધારવા માટે માળખાગત કરાર પર હસ્તાક્ષર કર્યા છે તેમાં બંને દેશ વચ્ચે ઈન્ફર્મેશન શેરિંગ ઉપરાંત ટેક સહયોગ વધારવાની પણ દરખાસ્ત છે. તેનો મતલબ એ કે, અમેરિકા ભારતને શસ્ત્રો પણ વેચશે ને તેના મેન્ટેનન્સમાં પણ મદદ કરશે. ટ્રમ્પને ભારત સાથે ટ્રેડ ડીલ કરવામાં પણ રસ છે.

ટ્રમ્પ પોતે ભારત સાથે બહુ જલદી ટ્રેડ ડીલ થશે એવી વાતો પણ હમણાં ફરી કરી છે. રશિયા સાથે ભારત વ્યાપાર કરે તો પ્રતિબંધોની વાત કરનારા ટ્રમ્પને અમેરિકાનાં હિત ન સચવાય તો કોઈ વાંધો નથી. ટ્રમ્પનાં આ વિરોધાભાસી વલણો એ વાતનો પુરાવો છે કે, ટ્રમ્પના વિચારો સ્થિર નથી અને તળિયા વિનાના મુરાદાબાદી લોટાની જેમ એ ગમે ત્યારે ગમે તે બાજુ ઢળી શકે છે…!

મિત્રના દેશને પરેશાન કરે એ કેવી દોસ્તી?

ટ્રમ્પ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સારા માણસ ગણાવે છે અને પોતે મોદીના મિત્ર હોવાનો દાવો પણ દર ત્રીજા દિવસે કરે છે, પણ ટ્રમ્પ-મોદીની મિત્રતા સમજાતી નથી. એવો ક્યો મિત્ર હોય કે જે પોતાના મિત્રને જ નુકસાન કરે ? ટ્રમ્પ ઉપરાછાપરી ભારત વિરોધી પગલાં લઈ રહ્યા છે અને પાકિસ્તાનને થાબડી રહ્યા છે ને હવે તો ચીનને પણ પંપાળી રહ્યા છે. ટ્રમ્પ આ રીતે ત્રણ બાજુથી ભારતની મેથી મારી રહ્યા છે અને ઘા પર મીઠું ભભરાવતા હોય એમ પાછા મોદીને મિત્ર ગણાવે છે.

જે માણસે ભારતને નીચું બતાવવામાં કોઈ કસર છોડી નથી ને હજુય ભારતને ઘૂંટણિયે પાડવા માટેની તરકીબો કર્યા કરે છે એ માણસ ભારતના વડા પ્રધાનનો મિત્ર કઈ રીતે હોઈ શકે?

અમેરિકામાં રાજકીય વિશ્ર્લેષકોનો એક વર્ગ માને છે કે, વાસ્તવમાં ટ્રમ્પ મોદી પર કટાક્ષ કરી રહ્યા છે, પણ આપણે આ કટાક્ષ સમજી નથી રહ્યા ને આપણને પણ એ કહેવાતી મૈત્રીના નામે નાહકના વટનાં ગાજર ખાવાં પડે છે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button