ઉત્સવ

કવર સ્ટોરી: આતંકનો એક નવો ચહેરો…

  • વિજય વ્યાસ

તાજેતરમાં દિલ્હીની જીવલેણ આતંકી ઘટનામાં ડૉકટર- પ્રોફેસર ઈજનેર જેવાં ભણેલાગણેલા સંડોવાયા છે… સવાલ એ છે કે શિક્ષિત-બુદ્ધિજીવીઓ આવી ના-પાક હરકતો કેમ કરે છે? આનો જવાબ શોધવા માટે જગતભરમાં કુખ્યાત આતંકવાદીઓની કરમ કુંડળી ચકાસીએ તો એમાંના મોટાભાગના શિક્ષિત છે, છતાં એ બધા આતંકવાદના આડે રવાડે ચડ્યાં છે, કારણ જાણવાં વિચારવાં જેવાં છે…

તાજેતરમાં પાટનગરમાં જે જબરજસ્ત કાર બ્લાસ્ટ થયા એનાથી દેશ આખો ચોંકી ઊઠ્યો છે, કારણ કે એ ઘટનાથી આતંકવાદનો એક અલગ જ ચહેરો બહાર આવ્યો છે.

જોકે આ ઘટના મૂળ સમજવા માટે આપણે થોડા ફ્લેશબેકમાં -ભૂતકાળમાં જવું પડશે, કારણ કે દિલ્હીનાં 2020નાં રમખાણોના કેસમાં દિલ્હી પોલીસની રજૂઆતના કારણે ‘ઈન્ટેલેક્ચ્યુઅલ ટેરરિસ્ટ’નો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CCA)ના વિરોધમાં ભડકેલાં તોફાનો દરમિયાન ભડકાવનારાં ભાષણો આપવા બદલ એ વખતે શરજીલ ઈમામની ધરપકડ થઈ હતી. શરજીલ ઈમામને ભડકાવનારાં ભાષણોના કેસમાં 2024માં જામીન મળી ગયા , પણ રમખાણો ભડકાવવા માટે અનલોફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ (UAPA) હેઠળ થયેલા કેસમાં જામીન મળ્યા નથી તેથી શરજીલ જેલની હવા ખાય છે.

શરજીલે જામીન માટે કરેલી અરજીનો વિરોધ કરતાં દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં શરજીલ ઇમામના ભડકાવનારાં ભાષણોના વીડિયો રજૂ કરીને રજૂઆત કરી કે, શિક્ષિત વ્યક્તિઓ આતંકવાદી બને ત્યારે અત્યંત ખતરનાક બની જાય છે. દિલ્હી પોલીસે એવી રજૂઆત પણ કરી કે, ડોક્ટરો અને એન્જિનિયરોમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં જોડાવાની ફેશન થઈ ગઈ છે. ભારતમાં આ લોકો સરકારી ખર્ચે ભણે છે અને પછી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય છે.

થોડા સમય પહેલાં દિલ્હી પાસેના ફરિદાબાદમાંથી 2900 કિલો વિસ્ફોટકો સાથે 4 ડોક્ટર ઝડપાયા હતા અને દિલ્હીમાં સુસાઈડ એટેક કરીને 13 લોકોનો જીવ લેનારો ડો. ઉમર મોહમ્મદ પણ ડોક્ટર હતો જ્યારે ઈમામ ઈજનેર છે. આવા ભણેલાં ગણેલાં અને વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો કેમ આતંકવાદી બને છે એ મુદ્દો ચર્ચામાં આવી ગયો છે.

દિલ્હી પોલીસે પોતાની રજૂઆતમાં ‘ઈન્ટેલેક્ચ્યુઅલ ટેરરિસ્ટ’ શબ્દ વાપરેલો તેથી મીડિયા અને સોશ્યલ મીડિયાએ આ શબ્દને પકડી લીધો છે તેના કારણે આ શબ્દ સૌની જીભે ચડી ગયા છે. આ અગાઉ ગૃહમંત્રી અમિત શાહે પણ આવી ના-પાક પ્રવૃતિ કરનારા માટે ‘અર્બન ટેરરિસ્ટ’ શબ્દ વાપર્યો હતો… સોશ્યલ મીડિયા પર તો આજે ‘ઈન્ટેલેક્ચ્યુઅલ ટેરરિસ્ટ’ ટ્રેન્ડ કરી રહ્યા છે.

દિલ્હી પોલીસે તો શરજીલ ઈમામ અને ફરિદાબાદના ડોક્ટરોના સંદર્ભમાં રજૂઆત કરી પણ વાસ્તવમાં વિશ્વમાં ‘ઈન્ટેલેક્ચ્યુઅલ ટેરરિસ્ટ’ જેવાં શબ્દો બહુ વરસોથી અસ્તિત્વમાં છે. તેનું કારણ એ કે, વિશ્વમાં આતંકવાદ અને ખાસ તો ઈસ્લામના નામે ચલાવાતો આતંકવાદ ફેલાવવામાં આ કહેવાતા ‘ઈન્ટેલેક્ચ્યુઅલ’ એટલે કે બુદ્ધિજીવી લોકો મોટો અને મહત્ત્વનો ભાગ ભજવે છે.

દુનિયામાં સૌથી વધારે વગોવાયેલા અને કુખ્યાત આતંકવાદી સંગઠનો ઊભાં કરનારા જિહાદી આતંકવાદીઓ ભણેલાગણેલા જ છે. યાસર અરાફતથી માંડીને ઓસામા બિન લાદેન સુધીના આતંકવાદી સરદારો ‘ઈન્ટેલેક્ચ્યુઅલ ટેરરિસ્ટ’ જ હતા. દુનિયાના કુખ્યાત આતંકીઓ પર નજર નાખશો તો આ વાત સ્પષ્ટ સમજાઈ જશે.

નાઈન ઈલેવનના હુમલા દ્વારા અમેરિકા જ નહીં, પણ આખી દુનિયાને હચમચાવી દેનારો ઓસામા બિન લાદેન મિકેનિકલ એન્જિનિયર હતો તો તેનો ખાસ સાથી અયમાન ડો. અલ ઝવાહીરી સર્જન હતો. નાઈન ઈલેવનના હુમલામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં પ્લેન ઘુસાડીને તબાહી સર્જનારો મોહમ્મદ અટ્ટા આર્કિટેક્ટ હતો!

પેલેસ્ટાઈનની રચના માટે હથિયારો ઉઠાવનારા ‘ફતહ’ના સ્થાપક યાસિર અરાફત કેરો યુનિવર્સિટીમાં ભણ્યા હતા. ભારતને પરેશાન કરી દેનારો હફીઝ સઈદ પ્રોફેસર છે તો સંસદ પર હુમલાના કેસનો દોષિત અફઝલ ગુરુ ડોક્ટર હતો. ‘સિમી’નો સ્થાપક યાસિન ભટકલ એન્જિનિયર હતો.

મુંબઈમાં 1993ના બ્લાસ્ટની ઘટનામાં સંકળાયેલો યાકુબ મેમણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો તો ઈન્ડિયન મુઝાહિદ્દીનનો મંસૂર પીરભોય સોફ્ટવેર એન્જિનિયર હતો અને યાહૂમાં કામ કરતો હતો. ‘વોશિંગ્ટન સ્ટ્રીટ જર્નલ’ ના પત્રકાર ડેનિયલ પર્લનું અપહરણ કરીને હત્યા કરનારો ઓમર શેખ ‘લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ’માં ભણ્યો હતો…

આ તો થોડાંક નામ ગણાવ્યાં પણ આવાં તો બીજાં કેટલાંય નામ ગણાવી શકાય. કાશ્મીર અને ત્રિપૂરા આસામના ત્રાસવાદમાં પણ ઘણા વકીલ- શિક્ષક અને પ્રોફેસરો સંડોવાયેલા હોવાના પૂરાવા મળ્યા છે,

સામાન્ય માન્યતા એવી છે કે અભણ લોકો આતંકવાદના રસ્તે ચડે છે, પણ વિશ્વના કુખ્યાત આતંકવાદીઓની કરમકૂંડળી તપાસો તો ખબર પડશે કે મોટા ભાગના આતંકવાદી ભણેલાગણેલા છે.

સવાલ એ છે કે, ભણેલાગણેલા લોકો આતંકવાદના રસ્તે કેમ ચડે છે?

આતંકવાદ સભ્ય સમાજની નિશાની નથી એ ઉમેરવાની જરૂર નથી. પોતાની વિચારધારા પ્રમાણે દુનિયાના બીજાં લોકોને જીવવાની ફરજ પાડવી ને એ રીતે વર્તવા તૈયાર ના હોય તેમને મારી નાખવા એ જંગાલિયત કહેવાય તેથી આતંકવાદ જંગાલિયતનો રસ્તો છે તેમાં બેમત નથી. જે કોઈ આતંકવાદના રસ્તે ચડે એ સભ્ય ના કહેવાય ન જાનવર જ કહેવાય. એ જોતાં આ બધા ભણેલાગણેલા જાનવર જ છે અને તેનું એક અને મુખ્ય કારણ આતંકવાદનું મુસ્લિમોમાં થયેલું ગ્લોરિફિકેશન છે.બીજા શબ્દોમાં આતંકવાદને વધુ પડતી મહત્તા આપવામાં આવે છે,

સૌ એવું માને છે કે, મદરેસાઓમાં અપાતું ધાર્મિક શિક્ષણ આતંકવાદને પોષવામાં મોટી ભૂમિકા ભજવે છે. મદરેસાઓમાં ભણાવનારા કટ્ટરવાદી હોય છે તેથી છોકરાંના મનમાં કોમવાદનું ઝેર રેડે છે. તેના કારણે એ લોકો બીજાં ધર્મનાં લોકોને પોતાના દુશ્મન જ સમજે છે ને આખી દુનિયા પર ઈસ્લામના ઝંડા ફરકાવવાનાં સપનાં જોતાં થઈ જાય છે એવું આપણે માનીએ છીએ પણ આ માન્યતા સંપૂર્ણ સત્ય નથી. સત્યનો બીજો હિસ્સો એ પણ છે કે, સુશિક્ષિત મુસ્લિમોના માનસમાં પણ આ ઝેર ભરાય જ છે. આ ઝેર ભરવા માટે એક સુવ્યવસ્થિત ઝુંબેશ પણ ચાલે છે કેમ કે ભણેલાગણેલા લોકો આતંકવાદના રસ્તે વળે તો અભણ લોકોને આતંકવાદ તરફ વાળવા બહુ સરળ થઈ જાય.

મુસ્લિમોને નામે જિહાદ ચલાવતાં ‘અલ કાયદા’ તથા ‘ઈસ્લામિક સ્ટેટ’(આઈએસ) જેવાં સંગઠનો પોતાની પ્રવૃત્તિઓને ગ્લેમરાઈઝ કરે છે- રૂપકડી ચીતરે છે, જેમાં ભણેલા મુસ્લિમો એનાથી અંજાઈને પણ આતંકવાદ તરફ વળે છે. આવાં આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલાં લોકોને ભરપૂર પ્રસિદ્ધિ અપાય છે. ઈસ્લામિક દેશોમાં તેમની વાહવાહી કરવામાં આવે છે તેના કારણે સુશિક્ષિત મુસ્લિમોને પણ હીરો બનવાની ચળ ઊપડી આવે છે.

આ ચળના કારણે એ યુવકોની મતિ ભ્રષ્ટ થઈ જાય છે ને આતંકવાદી સંગઠનો તરફ આકર્ષાય છે. એક વાર માણસ ઈસ્લામિક આતંકવાદી સંગઠન ભણી વળે પછી કશું કામ કર્યા વિના અય્યાશીની જિંદગી જીવવા મળે છે તેથી પાછા વળવું શક્ય નથી રહેતું. મોટા ભાગના સુશિક્ષિત મુસ્લિમો ડિગ્રી મેળવે છે પણ તેમનું ધર્મનું જ્ઞાન શૂન્ય જ હોય છે કેમ કે ઈસ્લામનું ધર્મનું બધું જ્ઞાન અરબી ભાષામાં છે તેથી જિહાદી આકાઓ તેમને ધર્મના નામે પઢાવે એ પટ્ટી એ લોકો પઢે છે. આ રીતે આતંકી આકાઓ તેમનું બ્રેન વોશ કરી નાખતા હોય છે. એ લોકો એવી ભૂરકી છાંટે છે કે માણસને તેમની વાત સાચી લાગે. મઝહબ માટે શહીદ થવાથી જન્નત મળશે અને ત્યાં હૂર-અક્ષત કુંવારી પરી જેવી ક્ધયા પણ મળશે !

સોશ્યલ મીડિયા પર ને આતંકીઓના સર્કલમાં આવા લોકોને રીતસરના માથે જ ચડાવી દેવાય છે ને તેના કારણે જોશમાં આવી ગયેલા યુવાનો આગળપાછળનું વિચાર્યા વિના કોઈ કલ્પી પણ ના શકે તેવાં કાંડ કરી નાખે છે.

આ સ્થિતિ ખરેખર ગંભીર છે. ભણેલાંગણેલાં લોકોમાં આતંકવાદી સંગઠનો સાથે જોડાવાનું જે ગ્લેમર છે તેનો ઉપાય કરવો જરૂરી છે. આતંકવાદી સંગઠનો ઈસ્લામના નામે વિકૃતિ ફેલાવે છે અને યુવકોને આતંકવાદને રવાડે ચડાવે છે. ઈસ્લામ કોઈ નિર્દોષની હત્યા કરવાની વાત કરતો નથી ને આ જ વાત મુસ્લિમ સમાજના મોભીઓએ મુસ્લિમ છોકરાંને શીખવવી પડે. બહુમતી મુસ્લિમો પણ પોતાનાં સંતાનોને આ બધી વાતોથી દૂર રહે એના પ્રયાસ કરે છે, પણ બધા મુસ્લિમોને તેનાથી દૂર નથી રાખી શકાતા ને એ નહીં થાય ત્યાં સુધી આવા આતંકવાદનો કોઈ અંત નથી એ ચાલ્યા કરશે.

આપણ વાંચો:  ભારતે નવા પ્રતિબંધ પૂર્વે જ રશિયા પાસેથી ખરીદયું 2.5 અબજ યુરોનું ક્રુડ ઓઈલ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button