ઉત્સવ

ક્લોઝ-અપ: અજબ મ્યુઝિયમોની અનોખી દુનિયા

  • ભરત ઘેલાણી

આદિ માનવના જમાનાથી માનવમાત્રને સંઘરવાની આદત પડી ગઈ છે, જેમાંથી સંગ્રહાલયો સર્જાતાં ગયાં . તાજેતરના જ સમાચાર છે કે એક અબજ ડૉલરના ખર્ચે ઈજિપ્તે વિશ્વનું સૌથી વિશાળ મ્યુઝિયમ ખુલ્લું મૂક્યું છે…શું શું છે એની વિશેષતા?

*અહીં રાજા રામ સેસની વિરાટ પ્રતિમા સાથે ઈજિપ્તના પ્રતીક સમા પિરામિડ આકારનું ભવ્ય પ્રવેશદ્વાર…

‘બોય કિંગ’ તુતનખામુનની કબર-મકબરો અને એનો સંપૂર્ણ ખજાનો અહીં વિશેષ આકર્ષણ રૂપ છે

માનવ મન મર્કટ જેવું છે. જલદી સ્થિર રહે જ નહીં. એક કામ કરતાં કરતાં બીજું કંઈ કરવાની ઈચ્છા જાગે. વાર્તા વાંચતાં વાંચતાં અચાનક થાય : ચાલો, આ વાર્તા પરથી ફિલ્મ બનાવીએ કવિતા વાંચતાં -લખતાં પેન્ટિગ કરવાનું મન થઈ આવે આપણા DNA માં આ ખાસિયત છે. જેને કારણે જાણતા-અજાણતા કશું ને કશું અને એ પણ કોઈ ખાસ પ્રયોજન વિના સંઘરતા રહેવું આદિમાનવનો સ્વભાવ બની ગયો અને એ જ કારણથી એ પ્રાચીનથી અર્વાચીન સુધીનો પુરુષ સંગ્રહખોર બનતો ગયો છે. અને આ જ સંગ્રહખોરીને પાછળથી આપણે વિરાસતનું રૂપકડું નામ આપ્યુ. પ્રાચીન વસ્તુઓને વારસારૂપે એક જ સ્થળે વ્યવસ્થિત ગોઠવણી થતી ગઈ ને લીધે એમાંથી ક્રમશ: મ્યુઝિયમ-સંગ્રહાલય અસ્તિત્વમાં આવતાં ગયાં. આવાં સંગ્રહાલય વધતાં જ ગયા પછી આપણે જ એવા પ્રશ્ન પૂછાતા થઈ ગયા કે આજના આ ડિજિટલના યુગમાં આટલી વિશાળ જગ્યા રોકી- માનવ કલાકો તેમ જ ધનનો આવો વ્યય કરી વર્ષો જૂની વસ્તુઓને હવે શા માટે ને કોને ખાતર સાચવી રાખવી જોઈએ? હા, એ ખરું કે આવતી પેઢીની જાણ માટે આપણી સંસ્કૃતિ-ઈતિહાસને અકબંધ રાખવા જોઈએ તો એની સાચવણી માટે આપણી પાસે અતિ આધુનિક ડિજિટલ ટેકનોલોજી ક્યાં નથી?! તમે ધારો ત્યારે સૈકાઓ પહેલાંની પૂરાણી વસ્તુ -એનો ઈતિહાસ એક માત્ર ક્લિક કરવાથી લેપટોપ પર હાજર થઈ જાય.

જોકે બીજી તરફ, આવાં સંગ્રહાલયોની તરફેણ કરતો પણ એક વર્ગ છે. એ કહે છે કે ઈતિહાસનાં પાઠ્યપુસ્તકોમાં વાંચેલા કે પછી ફિલ્મોમાં જોવાં મળેલાં અકબરનાં ભારેખમ બખ્તર કે ટીપુ સુલતાનની જીવલેણ તીક્ષ્ણ તલવાર કે પછી ઈજિપ્તનાં અતિ પ્રાચીન મમીથી લઈને સૌપ્રથમ ચન્દ્રયાત્રા કરી ધરતી પર પરત થયેલું ‘એપોલો-11’ યાન આજે આપણને મ્યુઝિયમમાં સાક્ષાત નજરોનજર નિહાળવા મળે છે. એના જેવી અનેક ઐતિહાસિક ક્ષણ સાક્ષાત જીવવાનો કેવો અનન્ય રોમાંચ થાય?!

આવી અનેક દલીલો રજૂ થયાં કરે છે તેમ છતાં મ્યુઝિયમનો ચાર્મ આકર્ષણ ઓછા થતાં નથી. હા , ફર્ક એટલો પડયો છે કે હવે તૈયાર થતા સંગ્રહાલયોને આધુનિક ટેકનોલોજી દ્વારા નવો ઓપ અપાઈ રહ્યો છે.

લોકોમાં આજે પણ જિજ્ઞાસાવૃત્તિ એવી પ્રબળ છે કે સમય મળે તો મ્યુઝિયમની મુલાકાત લેવાની તક ચૂકતા નથી. એમાંય પોતાના ગમતા વિષયનું સંગ્રહાલય હોય તો ખાસ. કોઈને ‘ઍન્ટિક્વોરિયન’ (અતિ પ્રચીન)થી લઈને અતિ આધુનિક શિલ્પકળામાં રસ હોય તો એ પ્રકારના મ્યુઝિયમ જોવાં જશે. તમને સ્પોર્ટ્સ- રમતગમતમાં ઈન્ટરેસ્ટ છે તો પ્રાચીનથી અર્વાચીન ગેમ્સ વિશે વિસ્તૃત જાણકારી પણ આવાં સ્થળની મુલાકાતથી મળી શકે.. ઈજિપ્તનાં રાજા-રાણી-કુંવરનાં પ્રાચીન મૃતદેહ-મમીને સાચવીને એને પ્રદર્શિત કરનારાં પણ સંગ્રહાલય છે. એમાંય આપણું કોલકાતાનું ‘નેશનલ મ્યુઝિયમ’ આગવું ગણાય છે.

એ જ રીતે, સામાન્ય આદમીથી નિષ્ણાત તબીબનેય મુગ્ધ કરી દે એવાં હ્યુમન અનેટમિ- માનવશરીરની રચના સમજાવતાં મ્યુઝિયમ બોસ્ટન-ન્યૂયોર્કમાં છે. આવું એક અદ્ભુત મ્યુઝિયમ ‘ધ બોડી’ તો મેં ખુદ વિસ્ફરિત આંખે ન્યૂયોર્કમાં જોયું છે…

આમ આવાં સંગ્રહીલયોની લાંબી-પહોળી નામાવલિ છે. આમ છતાં વિદેશનાં પ્રમુખ મ્યુઝિયમોનાં નામ ગણાવા હોય તો હમણાં જ જયાં ગણત્રીની 7 મિનિટમાં 850 કરોડની ચીલઝડપ લૂંટ થઈ એવા મોનાલિસા ફેમ પેરિસના ‘ધ લુવ્ર મ્યુઝિયમ’નું નામ સર્વપ્રથમ ગણાવવું પડે. એ પછી ‘માદામ ત્યૂસોદ વેક્સ મ્યુઝિયમ’ અને ‘ધ બ્રિટિશ મ્યુઝિયમ’ ઈત્યાદિ આવે.

જોકે આ બધા વચ્ચે હમણાં 1 નવેમ્બરના દુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ આમ દર્શકો માટે ખૂલ્લું મૂકવામાં આવ્યું છે. 1 અબજ ડૉલર અર્થાત આપણા આશરે 8.900 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ સંગ્રહાલયમાં દુર્લભ એવી 56 હજારથી વધુ પ્રાચીન કલાકૃતિ છે. એટલું જ નહીં, આ તાજા ઈજિપ્તના સંગ્રહાલયમાં ત્રણ હજાર વર્ષ જોનો તૂતનખામુનની કબર અને ખજાનો પણ દર્શકોને જોવા મળે છે…

આ મ્યુઝિયમની વિશેષતા એ છે કે એ માત્ર એક જ પ્રાચીન સંસ્કૃતિ ઈજિપ્ત (સિંગલ સિવિલાઈઝેશન) પર આધારિત છે. આ ‘ગ્રાન્ડ ઈજિપ્શિયન મ્યુઝિયમ (GEM)’ દર્શકો માટે સત્તાવાર રીતે ખૂલ્લુ મૂકાઈ ચૂક્યું છે.

‘ઈજિપ્ત ટુ ડે’ અનુસાર, એક જ સભ્યતા પર આધારિત ગ્રાન્ડ જેમાં 700,000 બીસીથી 394 પૂર્વે સુધીનો સમયગાળો એક જ સ્થળે આવરી લેવામાં આવ્યો છે. સંગ્રહાલયમાં જે 56,000 થી વધુ કલાકૃતિઓ છે એમાં રાજા તુતનખામુનનો સંપૂર્ણ ખજાનો વિશેષ આકર્ષણ રૂપ છે. છેક 1922માં ‘બોય કિંગ’ તુતનખામુનની કબરની શોધ પછી આ પહેલી વાર તેમનો સંપૂર્ણ ખજાનો એકસાથે જોવા મળશે.

ઈતિહાસ કહે છે કે તુતનખામુને નાની વયે ઈજિપ્તની સત્તા સંભાળી પછી માંડ 19 વર્ષની આયુએ એનું અચાનક અવસાન થયું હતું. એક અહેવાલ મુજબ અશ્વસવારી વખતે ઘોડા પરથી પડી જતા એનું મરણ થયું હતું. એ પછી ખડકો અને કાટમાળ વચ્ચે એની કબર 3000 વર્ષ સુધી દબાયેલી પડી રહી હતી!

આશરે 500000 ચોરસ મીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલા આ સંગ્રહાલયનું વિશાળ પ્રવેશદ્વારને પિરામિડનો આકાર દેવામાં આવ્યો છે અને GEM મ્યુઝિયમમાં છ માળની ઊંચાઈ સુધી 6,000 ચોરસ મીટરની એક સીડી છે, જે મ્યુઝિયમમાં 12 મુખ્ય પ્રદર્શન હોલ-ગેલેરી છે. એમાં મુખત્વે પ્રાગઐતિહાસિક યુગથી રોમન સમયના ઈતિહાસને વિભિન્ન થીમ દ્વારા રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અહીં બાળકો માટે પણ એક મ્યુઝિયમ છે.

GEMની રોજિંદી ઊર્જા- પર્યાવરણ અને સલામતી માટે અતિ અધુનિક ગોઠવણ છે. ગ્રાન્ડ ઈજિપ્શિયન મ્યુઝિયમનું મુખ્ય બાંધકામ 2016માં શરૂ થયું હતું, જેનું ભવ્ય ઓપનિંગ હમણાં 1નવેમ્બર, 2025ના રોજ થયું. એક અંદાજ મુજબ આ અદ્ભુત સંગ્રહાલયને નિહાળવા વિશ્વભરથી દર વર્ષે આશરે 50 લાખ મુલાકાતીઓ આવશે એવી ઈજિપ્ત મ્યુઝિયમના કર્તા-હર્તાઓની અપેક્ષા છે.

આપણ વાંચો:  મિજાજ મસ્તી: મસ્ત મસ્ત મોસમ: એક મુઠ્ઠી શિયાળો…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button