હેં… ખરેખર?! : ક્રિસ્ટીનાની કમાલ: મગજ અડધું, સિદ્ધિ બમણી | મુંબઈ સમાચાર
ઉત્સવ

હેં… ખરેખર?! : ક્રિસ્ટીનાની કમાલ: મગજ અડધું, સિદ્ધિ બમણી

ક્રિસ્ટીના સ્કૂલમાં હતી ત્યારે એને વારેવારે આંચકી આવે, દિવસમાં 100-150 વાર. ત્રીજા ધોરણની એ બાળકીનું નિદાન આવ્યું કે તે અત્યંત દુર્લભ રોગનો શિકાર બની હતી: રાસમુસેન એન્સેફાલીટીસ(Rasmussen’s ઇન્સફાલીટીસ). જો ઝડપભેર ને ઉચિત સારવાર ના થાય તો એ નિશ્ચિતપણે આગળ વધે ને દર્દી માટે જીવલેણ બને. સતત આંચકી સાથે જીવાય નહિ ને સારવાર પણ એટલી જ જોખમી, ખર્ચાળ ને જટિલ. વિકલ્પ માત્ર બે હતા ને એકદમ સ્પષ્ટ: તરફડીને જીવી ને મરવું કે સર્જરીનું જોખમ લેવું. સ્વાભાવિક છે કે માં-બાપ ચાન્સ લે જ.

અને ઓપરેશનમાં શું કરાયું? 8 વર્ષની માસૂમના મગજના અડધા ભાગને દૂર કરવા માટે સર્જરી થઇ. આ ઓપેરશન પણ રોગની જેમ દુર્લભ. ખરેખર, આ ઓપરેશન વર્ષમાં ફક્ત 100 વાર જ કરવામાં આવે છે. ક્રિસ્ટીના સેન્થહાઉસની માતા લીન કેટારો એકદમ હેબતાઈ ગઈ: ‘મેં પહેલાં ક્યારેય આવી સર્જરી વિશે સાંભળ્યું નહોતું. એક કિડની સાથે જીવી શકો છો, પરંતુ કોણે વિચાર્યું કે તમે અડધા મગજ સાથે જીવી શકો છો?’

સદ્ભાગ્યે, રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ન્યુરોસર્જન હોવા છતાં ઓપરેશનમાં 14 કલાક લાગ્યા. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહી ચૂકેલા ડૉક્ટર બેન કાર્સન બાળકો પર મગજના ભાગોને છૂટા કરવા માટેની જટિલ સર્જરીમાં માહિર હતા.

એક સમયે ડૉકટરો ચોક્કસપણે માનતા હતા કે ક્રિસ્ટીના મૃત્ય પામશે. આઠ વર્ષની બાળકીને જીવન કે મરણની કેટલી ને કેવી સમજ હોય? પણ તે લેશમાત્ર હિમ્મત ના હારી. જાણે કઈ થયું જ ના હોય એમ એ જિંદગીમાં આગળ વધી. તે ફૂટબોલ રમે દિલથી, ને સ્કૂલની સંગીત-સ્પર્ધામાં હોંશભેર સહભાગી થાય.

આ પણ વાંચો…હેં… ખરેખર?! : કૈલાસ મંદિર કોણે-ક્યારે બનાવ્યું… એલિયન્સે?

અલબત્ત, ક્રિસ્ટીના સેન્થહાઉસ માટે સર્જરી પછીનું જીવન ખૂબ મુશ્કેલ હતું, દુષ્કર હતું, પીડાદાયક હતું. કહો કે જેણે તેના શરીરની ડાબી બાજુ લગભગ નકામી થઇ ગઈ હતી. પણ મન વજ્ર જેવું મક્કમ, ને વિચારો પોલાદથી ય મજબૂત, કુશળતા ગુમાવી દીધી હતી. પરંતુ આ બધાની દરકાર કર્યા વગર એ સંપૂર્ણપણે આગળ વધવા માંગતી હતી ને વધી પણ ખરી. પરિવાર, ડૉક્ટર્સ અને શિક્ષકોની ધારણાથી એકદમ વિપરીત તે અભ્યાસમાં ઝળકતી રહી.

એક સ્ટાર બોલર બનીને ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ચમકી. તેની જીજીવિષા, હિમ્મત ને ઉત્સાહ ગજબનાક હતા. એટલે જ તેણે અનેક અવરોધોને સ્પષ્ટ નનૈયા છતાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યું, એ પણ ફેરફાર કરાવેલી કાર લઈને. ફક્ત 17 વર્ષની ઉંમરે આ પરાક્રમ કર્યા બાદ એ શાંત ના બેઠી. આ બીમારી અને શસ્ત્રક્રિયા બાદ બહુ ઓછા દર્દી આગળ ભણતર ચાલુ રાખી શકે છે, પરંતુ ક્રિસ્ટીના સેન્થહાઉસ તો સ્કૂલનું શિક્ષણ પતાવીને યુનિવર્સિટીમાં ગઈ. પાંચ વર્ષના ગાળામાં તેણે ગ્રેજ્યુએશન જ પૂરું ન કર્યું પણ માસ્ટર્સની ડિગ્રી પણ મેળવી લીધી. સેન્થહાઉસ ગ્રેજ્યુએટ ડિગ્રી પૂર્ણ કરનારાં ફક્ત બે બાળકોમાંથી એક છે.

આખરે બક્સ કાઉન્ટી શાળાઓમાં શૈક્ષણિક સેવાઓ પૂરી પાડતી નોકરી શોધી કાઢી. અહીંથી તે અટકી નહિ. શારીરિક મુશ્કેલીને જરાય ગાઠ્યાં વગર જીવનમાં આગેકૂચ કરતી રહી. ક્રિસ્ટીના સેન્થહાઉસ પેથોલોજીસ્ટ બની.

કારકિર્દી જમાવવા મંડી. મગજનો જમણો અડધો ભાગ નહોતો પણ હામ, હિમ્મત ને હૃદય પૂરેપૂરા સાબૂત હતા. 28મા વર્ષે પ્રભુતામાં પગલાં માંડ્યાં. હા, 2014માં ફ્રીલાન્સ લેખક અને શિક્ષણ સહાયક વિન્સ પેરાવેચિયા સાથે લગ્ન કરી લીધા.

લગભગ એ જ વર્ષે પોતાની માલિકીનું ઘર પણ ખરીદી લીધું. ઔર જીને કો ક્યાં મંગતા હૈ?

એકદમ વિષમ સંજોગો, અવરોધ, પીડા અને અડચણો વચ્ચેય ક્રિસ્ટીના સેન્થહાઉસ આ બધું કેવી રીતે કરી શકી? ક્રિસ્ટીનાનો જીવન કે સફળતાનો મંત્ર ટૂંકો, સરળ, સ્પષ્ટ ને જાદુઈ છે: હું કોઈ સંજોગોમાં સર્જરી મને રોકે એવું ઇચ્છતી નહોતી.

આ પણ વાંચો…હેં… ખરેખર?!: માનવ સહવાસ વગર 33 વર્ષ નિર્જન ટાપુમાં વસવાટ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button