કવર સ્ટોરી: ‘વંદે માતરમ્’ના 150 વર્ષની ઉજવણી: ફરી એક નવો વાદ-વિવાદ-વિખવાદ

- વિજય વ્યાસ
શાસક પક્ષ કહે છે કે વિપક્ષી કૉંગ્રેસે વંદે માતરમ્ ગીતના અમુક ટુકડા કાઢી નાખ્યા એથી દેશમાં ભાગલાના બીજ વવાયાં… જોકે, આવા આક્ષેપોને જોરદાર રદિયો કૉંગ્રેસ આપી રહી છે. હકીકત શું છે?
ભારતના રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ ને 150 વર્ષ પૂરા થયાં તેની દેશભરમાં ઉજવણી શરૂ થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 7 નવેમ્બરે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં રાષ્ટ્રગીત વંદે માતરમ્ની 150મી વર્ષગાંઠ નિમિત્તે ટપાલ ટિકિટ અને એક સિક્કો બહાર પાડ્યો અને એક વર્ષ સુધી ચાલનારા સ્મૃતિ સમારોહને ખુલ્લો મૂકીને વેબસાઇટ પણ લોન્ચ કરી.
રાબેતા મુજબ, આ ઉજવણી સાથે વંદે માતરમ્ મુદ્દે રાજકીય જંગ પણ શરૂ થઈ ગયો છે. મોદીએ વંદે માતરમ્નાં 150 વર્ષના કાર્યક્રમમાં કૉંગ્રેસ પર વંદે માતરમ્ના ટુકડા કરવાનો આક્ષેપ મૂકીને તેના કારણે દેશમાં ભાગલાનાં બીજ વવાયાં હોવાનો ગળે ન ઊતરે એવો દાવો પણ કરી દીધો.
વડા પ્રધાનનું કહેવું છે કે, 1937માં કૉંગ્રેસ દ્વારા વંદે માતરમ્નો સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગા માના ઉલ્લેખ ધરાવતો એક ભાગ કાઢી નાખીને તેના ટુકડા કરવામાં આવ્યા હતા. વંદે માતરમ્ના ટુકડાથી દેશમાં ભાગલાના બીજ વાવવામાં આવ્યા અને આ વિભાજનકારી વિચારસરણી આજે પણ દેશ માટે મોટો પડકાર છે.
વંદે માતરમ્ના મૂળ ગીતમાં છ અંતરા છે અને રાષ્ટ્રગાન તરીકે બે જ અંતરા ગવાય છે, બાકીના ચાર અંતરા ગવાતા નથી. હિંદુ દેવીઓ સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગાનો ઉલ્લેખ ધરાવતા અંતરા કૉંગ્રેસના ફૈઝપુર ખાતે 26થી 28 ડિસેમ્બર દરમિયાન મળેલા અધિવેશનમાં જવાહરલાલ નહેરૂના કહેવાથી કાઢી નાખવામાં આવ્યા હતા એ વાત સાવ ખોટી નથી પણ તેના કારણે ભારતના વિભાજનના બી રોપાયાં એ વાત ખોટી જ નહીં, પણ હાસ્યાસ્પદ જરૂર છે.
ભારતમાં થયેલી કોઈ પણ ખરાબ બાબત માટે જવાહરલાલ નહેરૂ પર દોષનો ટોપલો ઢોળી દેવાની માનસિકતા હોય તો અલગ વાત છે, બાકી મુસ્લિમો માટેના અલગ પાકિસ્તાનની માગણી બહુ પહેલાં જ શરૂ થઈ ગઈ હતી. ‘સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા ’ લખનારા અલામા ઈકબાલે 1930માં જ મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રાંતોમાંથી અલગ રાષ્ટ્રનો વિચાર વહેતો મૂકી દીધેલો.
‘મુસ્લિમ લીગ’ ના મોહમ્મદ અલી ઝીણા સહિતના નેતાઓએ તેને હવા આપી તેથી કૉંગ્રેસે સરસ્વતી- લક્ષ્મી અને દુર્ગા માતાના ઉલ્લેખ કરતા અંતરા કાઢી નાખ્યા તેના કારણે વિભાજનનાં બી રોપાયાં એ વાત હજમ થાય એવી નથી. ‘મુસ્લિમોને હિંદુ દેવીઓની પ્રસંશા કરતું ગીત ગાવાથી કચવાટ થશે’ એવી નહેરૂની દલીલ બકવાસ હતી એમ શાસક પક્ષના પણ આક્ષેપ વાહિયાત છે.
આવા આક્ષેપ સામે હવે કૉંગ્રેસ પણ મેદાનમાં આવી છે. કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનો આક્ષેપ છે કે, ભાજપને અચાનક વંદે માતરમ્ પર હેત ઊભરાયું છે, બાકી ભાજપ કે તેના પિતૃ સંગઠન ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કાર્યક્રમોમાં કદી વંદે માતરમ્ ગવાતું નહોતું. સંઘના કાર્યક્રમમાં હંમેશાં ‘માતૃભૂમે સદા વત્સલે’ ગવાય છે, પણ કદી વંદે માતરમ્ ગવાતું જ નથી. ખડગેએ તો સંઘે કદી રાષ્ટ્રગાનને સન્માન નથી આપ્યું એવો આક્ષેપ પણ કર્યો છે. સંઘે આઝાદી પછી દેશના રાષ્ટ્રધ્વજને, દેશનાં પ્રતીકો કે બંધારણને પણ નહોતું સ્વીકાર્યું એ હકીકત છે, પણ સંઘનાં કૃત્યોને ભાજપ સાથે જોડી ના શકાય.
બીજી તરફ, ભાજપે છેલ્લાં કેટલાંક વરસોથી વંદે માતરમ્ને મહત્ત્વ આપ્યું છે એ હકીકત છે. જો કે આ તાજા વિવાદનો મૂળ મુદ્દો આપણા રાજકારણીઓની માનસિકતાનો છે. વંદે માતરમ્ દેશના ઈતિહાસમાં એક ગૌરવપૂર્ણ પ્રકરણ છે અને તેને પણ હલકું રાજકારણ રમવાનો મુદ્દો બનાવી દેવાય એ શરમજનક કહેવાય, પણ જાડી ચામડી ધરાવતા રાજકારણીઓમાં એવી શરમ નથી તેથી મોદી વર્સિસ મલ્લિકાર્જુનની લડાઈમાં બંને છાવણીના બીજા નેતા પણ કૂદી પડ્યા છે.
વંદે માતરમ્ના ટુકડા કરવાનો કૉંગ્રેસ પર આક્ષેપ મૂકાય છે, પણ વંદે માતરમ્ને કૉંગ્રેસના કારણે જ ખ્યાતિ મળી અને 1937માં કૉંગ્રેસે જ વંદે માતરમ્ને નેશનલ સોંગ તરીકે માન્યતા આપી હતી એ વાતને કોરાણે મૂકીને રાજકીય વાદ-વિવાદના ખેલ શરૂ થઈ ગયો છે. વંદે માતરમ્ પહેલી વાર રવીન્દ્રનાથ ટાગોરે 1896માં કૉંગ્રેસના અધિવેશનમાં ગાયું પછી જ તેને રાજકીય મહત્ત્વ મળ્યું.
કૉંગ્રેસનાં અધિવેશનોમાં વંદે માતરમ્ ગવાતું તેથી તેને લોકપ્રિયતા મળી પણ પાણીમાંથી પોરા કાઢવામાં માહિર નગુણા લોકો બીજી પારાયણ માંડીને બેસી ગયા છે. વડા પ્રધાને યોગ દિવસની ઉજવણી શરૂ કરાવી ત્યારે મુસ્લિમ પર્સનલ લો બોર્ડે તેનો બહિષ્કાર કરવાની હાકલ કરેલી. બોર્ડના જનરલ સેક્રેટરી મૌલાના વલી રહેમાને દેશના તમામ ઈમામો તથા મુસ્લિમ સંગઠનોને કાગળ લખીને કહેલું કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર યોગ, સૂર્ય નમસ્કાર અને વંદે માતરમ્ને લોકપ્રિય બનાવવાના ઉધામા કરીને બ્રાહ્મણ ધર્મ અને વેદિક સંસ્કૃતિ પરાણે દેશ પર ઠોકી બેસાડવા માગે છે. મુસ્લિમ સંગઠનો તથા ઈમામો મોદી સરકારનાં આ તમામ પગલાં સામે મુસ્લિમોને એક કરે અને તેમનામાં જાગૃતિ લાવવાની જે ચેષ્ટા કરી ત્યારે હલકી માનસિકતા દર્શાવી હતી એવી જ માનસકિતાનું પ્રદર્શન અત્યારે થઈ રહ્યું છે.
વંદે માતરમ્ માત્ર એક ગીત નથી, પણ માતૃભૂમિને માતાનો દરજ્જો આપતો વિચાર છે. દુનિયાના બીજા કોઈ દેશમાં માતૃભૂમિને માતા નથી ગણવામાં આવતી, પણ આપણા દેશ માટે ‘ભારત માતા’ એવો શબ્દ વાપરીએ છીએ. ભારત માતાનો વિચાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિન્દુવાદી સંગઠનોની દેન હોવાનો પ્રચાર કરવામાં આવે છે, પણ હિંદુવાદી સંગઠનોને તેની સાથે કંઈ લેવાદેવા નથી. 1857ના વિપ્લવ પછી દેશમાં હતાશાનો માહોલ હતો ત્યારે લોકોમાં દેશપ્રેમની આગ ફરી જગાડવાના જે વિચાર વહેતા થયા તેમાં એક વિચાર ભારત માતાનો હતો.
બંગાળી લેખક કિરણચંદ્ર બેનરજીએ ભારત માતા નાટક લખીને આ વિચાર પહેલી વાર રમતો કર્યો. 1873માં આ નાટક પહેલી વાર ભજવાયું પછી એક રાષ્ટ્ર તરીકે ભારતના વિચારને બળ મળ્યું. ભારતને એક રાષ્ટ્ર તરીકે રજૂ કરવાનો વિચાર પણ બંગાળમાંથી ઉદ્ભવેલો અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની 1882માં લખાયેલી નવલકથા ‘આનંદમઠ’માં આ વિચારને વધારે અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યો હતો. એ નવલકથામાં ‘વંદે માતરમ્’ ગીત સમાવાયું એ સૌ જાણે છે, પણ બંકિમચંદ્રે ‘આનંદમઠ’ લખી એ પહેલાં આ ગીત લખેલું.
વંદે માતરમ્, 7 નવેમ્બર 1875ના રોજ અક્ષય નવમીના શુભ દિવસે બંકિમ ચંદ્રે રચેલું અને નવલકથા આનંદમઠના હપ્તાવાર પ્રગટ થતી હતી એ મેગેઝિન ‘બંગદર્શન’માં સૌથી પહેલાં પ્રકાશિત થયું હતું. આમ આ ગીત આઝાદીની લડતમાં રાષ્ટ્રગીત બની ગયેલું.
આઝાદી પછી વંદે માતરમ્ અનેક રીતે ગવાયું, પણ સૌથી યાદગાર વર્ઝન આનંદમઠ ફિલ્મમાં હેમંત કુમારના સંગીતમાં લતા મંગેશકરે ગાયેલું ‘વંદે માતરમ્’ અને એ. આર. રહેમાને ગાયેલું ‘મા તુઝે સલામ’ છે.
વંદે માતરમ્ સાથે ‘ભારત માતા’… એ કોની પરિકલ્પના?
વંદે માતરમ્ ગીત સાથે જ ભારત માતાની મૂર્તિ નજર સામે તરવરી ઊઠે છે. એ તસવીરમાં હિંદુ દેવીઓ મૂર્તિમંત થાય છે. એક કૉંગ્રેસી નેતાએ ભારત માતાના આ સ્વરૂપને મૂર્તિંમંત કર્યું છે. આઝાદીની લડત વખતે કૉંગ્રેસની આક્રમક એટલે કે જહાલ નેતાગીરીમાં લાલ- બાલ- પાલની ત્રિપુટી મોખરે હતી. આ ત્રિપુટીના બિપિનચંદ્ર પાલે ભારત માતાના વિચારને હિન્દુ પરંપરાના સંદર્ભમાં રજૂ કર્યો અને રવીન્દ્રનાથ ટાગોરના ભત્રીજા અબનિન્દ્રપાલ ટાગોરે ભારત માતાનું ચિત્ર બનાવી તેમને મૂર્તિમંત કર્યાં.
ભગવા વસ્ત્રોમાં સજ્જ અને હાથમાં વેદ સાથેની ભારત માતાની એ છબી લોકોના માનસમાં તરત જ જડાઈ ગયેલી. ભારતીય દેવીઓની જેમ તેમને ચાર હાથ હતા. સ્વામી વિવેકાનંદનાં સાથી સિસ્ટર નિવેદિતા આ ચિત્ર પર ફિદા થઈ ગયેલાં. ચાર હાથે દેશવાસીઓને શિક્ષા-દિક્ષા-અન્ન અને વસ્ત્ર આપતાં ભારતમાતાને તેમને ભારતીય સંસ્કૃતિનું પ્રતીક ગણાવેલાં. ભારત માતાને એ પછી ક્યારેક દુર્ગા માતાના સ્વરૂપમાં તો ક્યારેક હાથમાં તિરંગા સાથે અલગ અલગ સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યાં છે, પણ મૂળ ઈમેજ અબનિન્દ્રપાલ ટાગોરે રજૂ કરેલી એ જ રહી છે.
આ પણ વાંચો…કવર સ્ટોરી: બિહારનો ચૂંટણી જંગ : અહીં વૈકુંઠ નાનું છે ને ભગતડાં છે ઝાઝાં…



