કેનવાસઃ મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમ શું છે? | મુંબઈ સમાચાર

કેનવાસઃ મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમ શું છે?

  • અભિમન્યુ મોદી

કોથમીરને જાણો છો? અરે, લીલા ધાણા! નાના પાંદડાવાળી ભાજી…ફ્રીઝના શાકભાજીવાળા ડ્રોઅરમાં ક્યાંક દબાઈને પડી હોય બિચારી. યાદ આવે તો એનો ઉપયોગ થાય બાકી એ સુકાઈ જાય કે ચીમળાઈ જાય એવી એને ફેંકી દેવાની આવે. રસોઈમાં જેની ચપટીક જ જરૂરિયાત છે એવા મીઠાની ડબ્બી ક્યાં રાખી છે એ યાદ હોય, પણ મફતમાં મળતી આ કોથમીર ફ્રીઝમાં છે કે નહીં એ પણ યાદ હોય છે?

ઘરમાં તો રહીએ છીએ આપણે બધા, પણ આ પ્રવર્તમાન ઘરનું વાસ્તુ કર્યું હશે. આ ઘરમાં પહેલી વખત શિફ્ટ થયા હશો. સામાન બદલ્યો હશે. રંગરોગાન કરાવ્યું હશે. એ જ ઘરમાં સારા કે નરસા પ્રસંગો પસાર થયા હશે. આ ઘર કેટલામાં લીધું ને ક્યારે લીધું ને કેટલા લાખની લોન લીધી કે કેટલા બ્લેકના આપ્યા ને ક્યા રૂમમાં વધુ ગરમી થાય છે ને મહેમાનોને ઘરનો કયો ખૂણો વધુ ગમે છે આ બધી વાર્તાઓ આપણે આપણાં વર્તુળમાં કરતા રહેતા હોઈએ છીએ.

ક્યારેય સામેથી આ ઘર બતાવનાર બ્રોકર કે આ જગ્યા જેણે બતાવી એ મિડલમેનને એ જ ભાવનાથી યાદ કરીએ છીએ ખરા? આપણાં ઘરની વાર્તામાં એનો રોલ એમણે ભજવેલો ભાગ ભુલાઈ જાય છે. અને યાદ આવે તો એ સપોર્ટિંગ એક્ટર નહીં, પણ એક્સ્ટ્રા કલાકારની ભૂમિકામાં કેમ હોય છે?

ઓકે. લગ્નનો આલ્બમ ખોલો. ઘરમાં કોઈના તો લગ્ન થયા હશે ને? આલ્બમ અથવા તો ડિજિટલ ફોટોઝ જુઓ. ફોટોઝમાં કોણ કોણ દેખાય છે, કોણ આવેલું, કોણ રિસાયેલું, કોણ આવ્યું ન હતું, લગ્નના આગલા દિવસે શું લોચો પડેલો, કેટલું મોડું થયેલું એ બધી વાર્તાઓ વાગોળવી કે કહેવી ગમે છે.

ફોટોગ્રાફરને યાદ કરો છો ખરા? જો આ સવાલનો જવાબ હા હોય તો દિલ પર હાથ રાખીને જવાબ આપજો લગ્ન કરાવી દેનારા ગોર મહારાજનો ચહેરો યાદ છે? જેણે આ લગ્નનું ઠેકાણું બતાવ્યું એ મિડલમેનને કેટલી વખત ગૌરવપૂર્ણ રીતે યાદ કર્યા?

આમ કોથમીર-બ્રોકર ને મિડલમેન… આ ત્રણેયમાં સામ્ય શું છે? વધુ સચોટ સવાલ પૂછવો હોય તો આ અવગણના પામનારા ત્રણેય પરોપકારી તત્ત્વોનો વાંક શું છે? એમનો ગુનો એ કે એ ત્રણેય વચ્ચે છે, બરોબર વચ્ચે. નથી આ પાર કે નથી પેલે પાર. બંને છેડાની વચ્ચે એ ઝોલા ખાય છે માટે એમની હાલત આવી છે.

સામે દેખાય તો માન-સમ્માન સૌ કોઈ આપે, હાથ પણ મિલાવે પરંતુ આલિંગન ના મળે, મહત્ત્વ ન મળે, એ યાદ ન રહે, અમરત્વ ન મળે. કારણ કે એ ક્રીઝની વચ્ચોવચ્ચ છે, બેટ્સમેન જ્યાં આવીને પિચ પર બેટ ઠપકારતો જોવા મળે ત્યાં. આ ત્રણ ઉદાહરણ પરથી શું પદાર્થપાઠ મળે છે -બીચ મેં રહોગે તો કઈ કે નહીં રહોગે!

આ જ સિદ્ધાંતના કાચથી કોઈ પણ પરિવારનું નિરીક્ષણ કરો. અરે વિરાટ વાચકો, પોતાના પરિવારની અંદર જ ડોકિયું કરો. પરિવારમાં વચ્ચે કોણ છે? વચ્ચેના બાળકનું પ્લેસમેન્ટ વિચારો. દરેક ઘરના બધા ભાંડરડાઓમાંથી જે સૌથી મોટા નથી ને જે સૌથી નાના નથી પણ એ વચ્ચે ઝૂલે છે એની હાલત શું છે? નથી એને કોઈ મોટું ગણતું કે નથી એને કોઈ નાનું ગણતું.

મોટી પ્રતિષ્ઠિત જવાબદારી આપવાની વાત આવે તો એ મોટા ભાઈ કે મોટી બહેનને મળી જાય છે ને લાડ લડાવવાની વાત આવે તો એ સૌથી નાની બહેન કે મોટા ભાઈને મળી જાય છે તો વચ્ચેના ભાઈ કે બહેનના ભાગે આવે શું? કામ દોસ્ત, કામ. પંગત વાળી જમણવારમાં તમારે ન મીઠાઈ પીરસવાની આવે કે ન ભજિયા, તમને પકડાવે ચટણીની તપેલી ને પાપડની ડિશ! ધીસ ઇઝ યોર ડેસ્ટિની…

આ દુનિયાએ મધ્યની કદર કરી નથી. મધ્યમાં તો કેન્દ્ર હોય એટલે એને કેન્દ્રબિંદુ કહીને એની સ્થાપના કરી નાખે, પણ નવરાત્રિમાં એક વખત માતાજીની આરતી કરીને એને ફરતે ગરબા રમવાના શરૂ થાય પછી આગામી પાંચ કલાક સુધી કોણ ગરબા તરફ જુએ પણ છે? હવેના પરિવારમાં ત્રણ બાળકો નથી હોતાં. બે જ હોય છે, પણ તો પણ પિતૃસત્તાક સમાજના પરિવારમાં એક હેરઆર્કિ કે ક્રમ હોય જ.

આખાય પરિવારમાં જેની ઉંમર વચ્ચે હોય એની હાલત મિડલમેન જેવી થાય-ઘણા સંજોગોમાં એ સ્થાન પર મમ્મીએ રહેવું પડે એવુંય બને. પણ મિડલમેન (કે વુમન) ના નસીબમાં જશની રેખા નથી હોતી, ભાઈ’સાબ. તમે વિચારો-આપણાં મિત્રો હોય એવા બે પ્રેમી ઝઘડતા હોય તો શું એના ઝઘડામાં વચ્ચે પડીને સમાધાન કરવા જવાય? ક્યારેય ન જવાય.

કારણ કે એ બંને વચ્ચે તો વહેલા મોડી સંધિ થઈ જશે અને તમે કોરાણે મુકાઈ જશો અને પેલા બે તો કોર્નરમાં બેઠા બેઠા એકબીજાની સમીપ બેસીને ‘ઈલુ..ઈલુ ’ કરતાં હશે ! આ જ તો દુનિયાનો દસ્તુર છે !

એવું જ આ વિશ્વનું છે… તુર્કી યુરોપ અને મિડલ ઇસ્ટ વચ્ચે પીસાતું રહે છે. બ્રાઝિલ વેસ્ટર્ન અમેરિકા અને લેટિન અમેરિકન દેશો વચ્ચે ફસાયેલું છે. યુક્રેઇન ‘નાટો’ અને રશિયા વચ્ચે ભરાઈ ગયું છે. અને આપણે?

જો તમે મધ્યમ વર્ગી હો તો ગરીબોને મળતા લાભની પણ ઈર્ષ્યા આવે ને અમીરોની પણ. ચક્કીમાં પીસાવાનું મધ્યમ વર્ગે જ હોય. આ જ થિયરી પ્રેક્ટિકલી દેશને પણ લાગુ પડે. ગરીબ દેશ તો પાડોશી દેશની દયા પર જીવતો હોય અને ‘યુનિસેફ’ એને મદદ ને ફૂડપેકેટ મોકલી આપે.

વિકસિત દેશ પાસે પૈસો ખૂબ હોય એટલે એ રોફ જમાવે રાખે ને એ કહે એમ દુનિયાએ કરવાનું. વચ્ચે ભરાયું કોણ? વિકાસશીલ દેશ. જે આમ મોટો દેશ છે પણ આમ સૌથી મોટો નથી. એની સાથે શરતી દોસ્તી કે બિનશરતી દુશ્મની રાખનારા ઘણા હોય. કેમ કે એ મિડલ મેન છે એટલે. આગળ નોંધ્યું એમ મધ્યની કદર નથી.

આપણ વાંચો:  OTTનું – હોટસ્પોટ : 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી 9 શો ને અનેક સુપરહીટ ફિલ્મની ભરમાર

દોરડા ઉપર ચાલતા નટ માટે તાળીઓ ત્યારે જ પડે છે જ્યારે એ એક છેડાથી ચાલીને બીજો છેડો સંપૂર્ણપણે પસાર કરી લે છે. વચ્ચે પહોંચે ને ત્યાં અટકેલું રહે એના માટે તાળીઓ નથી, સન્નાટો હોય છે, આઈ બાત સમજમેં…!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button