કેનવાસ : ભૂખ્યા શું કામ રહેવું જોઈએ?
ઉત્સવ

કેનવાસ : ભૂખ્યા શું કામ રહેવું જોઈએ?

આવો સવાલ પર્યુષણ ઉપરાંત બીજા કેટલાક ધાર્મિક તહેવારો વખતે સૌને અચૂક થતો હોય છે

  • અભિમન્યુ મોદી

સિઝનલ પરિવર્તન જોયું? બધી ઋતુઓ એક એક મહિનો મોડી ચાલે છે. હમણાંથી તો કુદરત ચોતરફ મન મૂકીને વરસી રહી છે. શ્રાવણના તો સરવડા હોય એને બદલે સાંબેલાધાર વરસાદે અડધા ભારતને પાણી-પાણી કરી નાખ્યું. આવી અતિવૃષ્ટિને કારણે સમજાય કે ફક્ત માણસ જ નહીં પણ તંત્ર, નગરપાલિકા, પ્રશાસન, સંસ્થાઓ બધા જ એક તબક્કે તો કુદરત સામે લાચાર હોય છે.

મનુષ્યને એવું લાગતું હોય છે કે બાહ્ય સંજોગો એના હાથમાં હોય છે, પણ આવો ગજવતો વરસાદ કે કુદરતની આવી કોઈ પણ કરામત માણસને સ્વ સાથે કર્મ કે ભાગ્યની ચર્ચા કરવા મજબૂર કરી દેતી હોય છે. જન્મ માણસના હાથમાં નથી, કુદરતી મૃત્યુ માણસના હાથમાં નથી તો એ બંને વચ્ચેનો જે લાંબો કે ટૂંકો સમયગાળો છે એને સુશોભિત કરવાનું નામ જિંદગી.

સુશોભન એટલે મનનો આનંદ, ચિત્ત આનંદની પરાકાષ્ઠા અનુભવે તે. તેના મહાવરા માટે પર્યુષણ આવે છે. હમણાં જ પર્યુષણ તો પૂરા થયા પણ અત્યારે અમુક વાતોનું ચિંતન જરૂર કરી શકાય. પર્યુષણ એ એવી લાઇફ સ્ટાઈલ છે જે કાયમ અપનાવી શકાય. એ વાત તો આપણે ફરી ક્યારેક વિસ્તારથી કરીશું..

આમ જુઓ તો પર્યુષણ ફક્ત જૈનોનો પર્વ નથી એ માણસમાત્ર ઉજવી શકે, સંયમના માર્ગે ચાલીને. તો તરત સવાલ થાય કે કુદરતે આટલું બધું બનાવ્યું છે, આટલી બધી ભૌતિક સુખસગવડો છે, ખુશી મેળવવાના આટલા બધા રસ્તાઓ છે, ભોગવવા માટે આટલાં બધાં સંસાધનો છે તો એ બધાથી મોઢું કેમ ફેરવી લેવું? થોડા ડાહ્યા કે વડીલ કે રીલના શોખીન તરત રજનીશ અને એમનાં પ્રવચનોને ટાંકીને કહેશે કે ભોગવીને ત્યજવું જોઈએ.

અમુક તો કહેશે કે ત્યાગ કરવાનો જ શું કામ ભાઈ. પહેલી નજરે વાત તો સાચી લાગે પણ મગજ ફૂલ ગીઅરમાં નાખીને, તાર્કિક શક્તિના બાવડા ફુલાવીને, આઇક્યુની ધાર સતેજ કરીને વિચારવાનું છે કે ક્યો આનંદ ચિરંજીવી બને છે? એવું તે કયું સુખ છે જે સતત ટકે છે ને આજીવન સંગાથી બને છે? છે એવું કોઈ ધ્યાનમાં સુખ? (હોય તો સરનામું -સેલ નંબર આપો! )

પિત્ઝા લગભગ બધાને ભાવે. રોજેરોજ ત્રણ ટંક ખાઈ શકશો? સેક્સ કોને ન ગમે? દિવસના દસ ઓર્ગેઝમ લેખે આખું વર્ષ એ ચરમસુખ તરીકે ઓળખાતી વ્યવસ્થા અવિરત મળ્યા જ કરે તો? સહન થશે એ?

પૈસા બધાને જોઈએ. જેટલા હજાર કરોડ જોઈતા હોય એટલા મળી જાય, જે જે ખરીદવું હોય એ બધું જ વસાવી લઈએ, આવતી બોતેર પેઢી માટેનો સંગ્રહ પણ થઈ જાય, પછી? પછી કંઈ વાતથી આનંદ આવશે?
સફળતા જોઈએ છે, પ્રખ્યાત થવું છે? પૂછો નાની ઉંમરમાં વર્લ્ડ ચેમ્પિયન બની ગયેલા ઇતિહાસમાં થઈ ગયેલા ઘણા રમતવીરોને.

દુનિયાના બધા જ મેડલ જીતી લીધા પછી કંઈ કરવાનું જ બાકી રહેતું નથી એટલે આટલો ધનવૈભવ અને ખ્યાતિ હોવા છતાં ડિપ્રેશન અનુભવાય છે. બીજી જે પણ પ્રવૃત્તિ કે પ્રવાસ કે કઈ પણ કામ/શોખ કે ઈવન સેવાથી આનંદ મળતો હોય એની અવધિ કેટલી રહે છે?

નવી ગાડી કે નવા ઘરનો રોમાંચ કેટલાં મહિના ટકે છે? ઘરે બાળકનો જન્મ થાય ત્યારે હરખની હેલી છવાઈ જાય પણ એ જ બાળકને પ્રથમ વખત ખીજાવું પડે એના પછી હરખની તીવ્રતા એટલી જ રહે છે?

ક્ષણ કે બે ક્ષણ સુધીનું આયુષ્ય ધરાવતા આ દુન્યવી આનંદ સામે અમુક બહુ અભ્યાસુ અને જાણકાર આત્માઓએ આ કોન્સેપ્ટ મૂક્યો ડીટેચમેન્ટ અર્થાત અલગ થવું, અળગું થવું, છૂટા પડવું. એમાં શરૂઆત થઈ ખોરાકથી. જરૂર પૂરતો જ ખોરાક. શરીરને આવશ્યક હોય એટલો.

સ્કુટીમાં ડિઝલ નાખવાનું ન હોય ને ટ્રકમાં એરોપ્લેનનું એન્જિન બેસાડવાનું ન હોય, પણ અત્યારે સરેરાશ માણસ એ જ કરે છે – ઓવર ઇટિંગ. સામાન્ય કામ કરતાં સામાન્ય માણસના શરીરની જરૂરિયાત જ નથી ત્રણ ટંક ગળા સુધી જમવાની, પણ લગભગ દરેક માણસ એ જ કરે છે. સરવાળે અનેક રોગો. શરીરના તો ખરા પણ માનસિક વ્યાધિઓ વધુ.

શારીરિક રોગ તો જાતને બહુ નુક્સાન કરે પણ માનસિક વ્યાધિઓ સમાજને નુકસાન કરે. એક અળવીતરો પાડોશી આખી સોસાયટીને નડે.

અત્યારે દરેક ઘરમાં આવા અળવીતરા છે (સાબિતી જોવી હોય તો એક કિલોમીટર જેટલું ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરી લો, બહુ નમૂના જોવા મળશે.)

લોકો આખો દિવસ રીલ જોવામાં સમય બગાડે છે એ પણ એક જાતનીહળવી માનસિક બીમારી જ સૂચવે છે. રીલ જોવાની આદત સૂચવે છે કે હવે સામાન્ય માણસના ખુશ થવાની અવધિ માંડ એક મિનિટની રહી છે. એક મિનિટ પછી બીજો કૂવો શોધવાનો, જે આનંદ આપે. પર્યુષણ જેવા ધાર્મિક દિવસો કહે છે બધું છોડો. ક્ષણભંગુર મોહમાયા છોડો.

અસ્થિરતા પેદા કરવાનું રહેવા દો. સ્થિર થાઓ. કુદરતને પણ નડો નહીં. કંદમૂળ ન ખાઓ , જેથી જમીન ખોદવી ન પડે. લીલાં શાકભાજી બંધ કરી દો જેથી જીવહિંસા મીનીમમ થાય. જો ચાલતું હોય તો આઠેય દિવસ ભૂખ્યા કાઢો. વિજ્ઞાન હવે છેક કહે છે જે મહાત્માઓ બહુ પહેલા કહી ગયેલા કે નિરોગી અને સ્વસ્થ રહેવાની ચાવી છે શરીરને ફોર્મેટ કરવામાં.

જેમ મોબાઈલ રિ-સ્ટાર્ટ કરીએ એમ. બધા અંગને આરામ આપો. કેન્સર જેવા રોગોની શક્યતા ઘટશે. ઇન્દ્રિયોથી ક્નઝ્યુમ કરવાનું સાવ ઓછું કરી દો. હળવા થઈ જાઓ. ખૂબ સાં લાગશે. પોતાની ખરી જાત સાથે મિલન થશે.

સંસાર પ્રત્યે નવી દૃષ્ટિ ખુલશે. તેજ આવશે. ગ્લો આવશે.આખું વ્યક્તિત્વ ડિટોક્સીફાય થશે. અને છેલ્લે, માફી માગો. તમે જેને પણ જાણતા કે અજાણતા હર્ટ કર્યા હોય દુ:ખ પહોંચાડ્યું હોય એવા સંસારના સમસ્ત જીવોને હાથ જોડીને ખમાવીને `મિચ્છામી દુક્કડમ’ કહો.

બોલો, આનાથી વધુ કોઈ સચોટ તરીકો છે આનંદ માટે?

આ પણ વાંચો…પર્યુષણ એટલે પેશનનું પર્વ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button