કેનવાસ: ઝીંદગી કૈસી યે પહેલી હાયે…. !

- અભિમન્યુ મોદી
ગ્રીસમાં અત્યારે કોરિન્થ નામનો પ્રદેશ છે. ગ્રીક પુરાણકથાઓ મુજબ એ પ્રદેશનો રાજા હતો સીસીફસ. સીસીફસ પરણેલો હતો, એમને ઘણાં સંતાનો હતા જે બધા ગ્રીક કથાઓમાં અમર થયા. ગ્રીક દેવતા ઝીયસે એક સ્ત્રીનું અપહરણ કરેલું. રાજા સીસીફસ એ સ્ત્રીના પપ્પાને તેની દીકરી ક્યાં છે એ કહી આવેલો. માટે ઝીયસ એની ઉપર ગુસ્સે થયેલા. વળી સીસીફસ ઘરડો થયેલો. મોતને હાથતાળી આપીને છટકી જવામાં એની માસ્ટરી આવી ગઈ હતી.
એને ભયંકર શ્રાપ મળ્યો. એની ઉંમર, તેની અમર રહેવાની ઘેલછા અને આ શ્રાપના પરિણામ સ્વરૂપ એ એવી સ્થિતિમાં મુકાયો કે રોજ એણે એક પર્વત પર એક ખૂબ મોટો વજનદાર ચટ્ટાન જેવડો પથ્થર ચડાવવાનો. મહામહેનતે એ પર્વતની ટોચ ઉપર પહોંચે એવો તરત એ ભારે પથ્થર ગબડી પડે અને છેક નીચે પહોંચી જાય. સીસીફસે ફરીથી નીચે ઊતરવાનું અને તે વિશાળ પથ્થર ઉપર ચડાવવાનો. આ સાઈકલ ચાલતી જ રહે. કહેવાય છે કે આજ સુધી એ રાજા પથ્થરને પર્વતની ટોચ ઉપર ચડાવવાનું કામ કર્યે જ રાખે છે.
શાપિત માણસોની એ નિયતિ હોય છે કે તેની કોઈ નિયતિ નથી હોતી. પોતાની તાકાત કરતા વધુ મોટો પથ્થર ઊંચકવો પડે છે. એ વારેવારે ગબડી પડે છે. પથ્થર પણ કહ્યામાં રહેતો નથી. પણ એના સિવાય છૂટકો નથી. શું સીસીફસ આપણે બધા નથી? કોઈ અદૃશ્ય પથ્થરને આજના માણસે ઊંચકવાનો નથી આવતો? આપણો દરેક દિવસ આવો નથી જતો શું? સવારે એલાર્મ વાગે એવું ઊઠી જવાનું. એલાર્મથી ઉઠનારા માણસો તો નસીબદાર કહેવાય. મનમાં જ એટલો ઉત્પાત હોય કે જાતે આંખ ખુલી જતી હોય એનો સ્ટ્રેસ અલગ જ લેવલનો હોય. એલાર્મ વાગે છે. હાથ ફોન સુધી પહોંચે છે. ઈન્ટરનેટ ચાલુ થાય છે. નોટિફિકેશનનો વરસાદ વરસી પડે છે જાણે દિવસ આપણો બોસ બનીને આપણને ચેતવતો હોય. અનરીડ મેસેજ ફટાફટ રીડ થાય છે. જરૂરી રિપ્લાય અપાય છે.
બેડમાંથી બહાર નીકળાય છે. પ્રાત: ક્રિયાઓ તરફ દિવસ આગળ વધે છે. ચા કે દૂધ પેટમાં પધરાવી દેવાય છે. એ જ કબાટમાંથી વર્ષોથી પડેલી એ જ થપ્પીમાંથી પચાસ વખત પહેરેલા કપડાં હજુ એક વખત પહેરીને બહારના પ્રદૂષણમાં ખરડાઇ જવા માટે નીકળવું પડે છે. ટ્રાફિકના હોર્ન અને સૂરજની ગરમી અને શહેરનો બફારો પહોંચતા પહેલા જ અડધા થકવી નાખે છે. કામોના ઢગલા, ડેડલાઈનોનો ડુંગર, ટાર્ગેટસનો ત્રાસ, પ્રેશરનો વાસ. રાત પડે એ પહેલાં જ ભીતર ઉછરી રહેલાં કેટલાંય સપનાઓ, ઇચ્છાઓ, ટુ-ડુ લિસ્ટના મુદ્દાઓ ટપોટપ ખરી પડે છે.
આ જ રીતે બીજો દિવસ શું, આખું વર્ષ નીકળી જાય છે. નવરાત્રિ પૂરી થઈ તો હમણાં દિવાળી આવી અને દિવાળી પછી ક્રિસ્મસ આવશે ને ત્યાં તો ઉત્તરાયણ ને આવતી જન્માષ્ટમી સાવ ઢૂકડી ઊભી હશે. બધું ચપટી વગાડતા થાય છે પણ એ જ થાય છે, એ જ થયા કરે છે, એ જ પથ્થર ટોચ ઉપર પહોંચે કે ન પહોંચે તરત ગબડી જાય છે ને ફરીથી એને ઉઠાવવો પડે છે.
સીસીફસની આ સજા એને શારીરિક દર્દ પહોંચાડવા માટે આપવામાં આવી હતી એવું માનનારા વિરાટવાચકો બાળકો કે સુખી હશે. દુનિયાની માર્કેટમાં પડેલા અનુભવી વિરાટ વાચકો સમજી ગયા હશે કે સીસીફસની આ સજા શારીરિક નહીં પણ માનસિક છે. અહીં તેના શરીરને નુકસાન પહોંચાડવાનો નાનો ધ્યેય નથી. આ તો મનોબળ તોડીને આત્માને ડંખવાનો પ્રયાસ છે. પણ જો સીસીફસની આ સ્થિતિ દયાજનક લાગતી હોય તો આ જ ઘટના વિશે જાણીતા ફ્રેન્ચ લેખક કામુની ટિપ્પણી સાંભળવા જેવી છે. એ કહે છે કે સીસીફસ નસીબદાર છે એટલું જ નહીં તે સૌથી સુખી માણસ છે. એના નસીબ વિચિત્ર છે પણ એનો પુરુષાર્થ અને એની દિશા નિશ્ર્ચિત છે. એના જીવનનો દાયરો સીમિત છે માટે એને પોતાના વર્તુળ સિવાયની બીજી કોઈ બાબત દુ:ખી કરી શકે નહીં.
જે માણસ રોજ આવડો પથ્થર ઊંચકતો હોય એને સંસારના બાકીના કાંકરા કેવા લાગે? બીજા કોઈ એને દુ:ખ પહોંચાડી શકે? ના. જે ક્ષણે સીસીફસ આ પથ્થરને પોતાના પ્રારબ્ધ તરીકે સ્વીકારી લેશે એ દિવસથી એ પથ્થરના ભારમાંથી મુક્ત થઈ જશે. એની જિંદગીનો અર્થ પથ્થરને ટોચ ઉપર પહોંચાડવામાં નહીં પણ પથ્થરને સતત ધક્કો માર્યે રાખવામાં છે.
એ ભ્રમ છે આપણો કે પર્વતની ટોચ ઉપર પહોંચી જઈશું તો ખુશી મળશે. કોણે કહ્યું એવું? પર્વતની ટોચ ઉપર તો આમ પણ બહુ ખાસ જગ્યા હોતી નથી એટલે ત્યાં વધુ લોકો સમાઈ ન શકે. તો શું આખી જિંદગી પથ્થરને ધક્કા જ માર્યે રાખવાના? હા, જે ક્ષણે એ પથ્થરને સાઈકલનું પૈડું સમજીને લાકડીથી ધક્કો મારીને ગોળ ગોળ ગબડાવવા લાગશો ને એ દિવસથી તે પથ્થરનો ભાર લાગવાનું બંધ થઈ જશે.
ખુશ માણસો ને જોજો. એ લોકો ટોચ ઉપર ન પહોંચ્યા કે પહોંચ્યા પછી ગબડી પડવાના આંસુ નથી સારતા. એ બસ ચડાણ કે ઉતરાણનો લૂફ્ત ઉઠાવે છે. જે પણ મહાન લોકો અમર થયા છે એમણે બસ એક જ કામ કર્યું છે -પથ્થરને ધક્કો મારતા ગયા. આટલી સરળ વાત છે જિંદગીની અને એને કોમ્પ્લિકેટ કેમ કરવાની?
આપણ વાંચો: સુખનો પાસવર્ડ : એક નર્સે કેટલાય દર્દીઓને સુખનો પાસવર્ડ આપ્યો!



