બ્રાન્ડ બનશે – બિઝનેસ વધશે : નવી નવી વાત અપનાવી કહો: હેપી દિવાળી…

સમીર જોશી
દિવાળીના શુભ દિવસો ચાલી રહ્યા છે. નવા વર્ષનું સ્વાગત કરવા સૌ આતુર છે. વેપારીઓ ચોપડા પૂજનની તૈયારીમાં વ્યસ્ત છે અને ગયા વર્ષનું સરવૈયું કાઢી આવતા વર્ષના ટાર્ગેટ સેટ કરશે. આપણો વિષય માર્કેટિંગ અને બ્રાન્ડનો છે અને આજની તારીખે તે કોઈપણ વેપાર માટે મહત્ત્વનો છે તો આજના આ દિવાળીના દિવસોમાં આવનારા વર્ષ માટે આ વિષયને આધારિત કઈ કઈ વાત ધ્યાનમાં રાખવી અને અપનાવવાની કોશિશ કરવી તેની અમુક યાદી બનાવીએ…
માર્કેટિંગની માનસિકતા કેળવો :
માર્કેટિંગને હંમેશાં કોસ્ટ સેંટર તરીકે જોવામાં આવ્યું છે. માર્કેટિંગ એટલે ખર્ચો અને આથી ઘણા વેપારીઓ તેને જોઈતું મહત્ત્વ નથી આપતા. આજનો અને આવનારો સમય નવી નવી વાત- વિચાર અને આયામ લાવશે. સ્પર્ધા પણ વધશે ને લોકો વધુ જાગૃત અને માહિતગાર થશે.
આવા સમયે ફક્ત નવાં ઉત…
આવા સમયે ફક્ત નવાં ઉત્પાદન અથવા માર્કેટિંગના નામે ફક્ત કેમ્પેઇન બનાવવા નહિં ચાલે. પહેલે દિવસથી માર્કેટિંગનું માઈન્ડસેટ તૈયાર કરવું પડશે, જે તમને પ્રોડક્ટ ડેવલપમેન્ટથી લઈને વેચાણ સુધી અને ત્યારબાદ જે તમારો ઘરાક બન્યો છે તેની સાથે સતત સંબંધ કેવી રીતે જાળવવો તેના માટે તૈયાર કરશે.
ઇનસાઇટ આધારિત વેચાણ :
આને સરળતાથી સમજીએ તો ગ્રાહકો સાથે વિશ્વાસ અને તાલમેલ સ્થાપિત કરવા માટે ગ્રાહકોની ઊંડી સમજણનો લાભ મેળવવો. બ્રાન્ડની ખરી તકલીફ શું છે અને તે બ્રાન્ડના ગ્રાહકોની વિશેષ માહિતીઓ મેળવી કઇ રીતે તકલીફનું નિવારણ લાવી શકાય તેની વાતો કરવી. આજે ગ્રાહક જાગૃત છે તેથી એ જાણે છે કે એને શું જોઈએ છે, તે તમે આપશો તે નહિ પણ એને જે જોઈએ છે તે ખરીદશે.
આથી ઇનસાઈટ આધારિત વેચાણમાં ગ્રાહકનો અભ્યાસ અને માહિતીના આધારે એના જીવનમાં કઇ રીતે તમારી બ્રાન્ડ કામની છે જે એણે ના વિચાર્યું હોય તે મુજબ વેચવી પડશે. આજની સેલ્સ પ્રક્રિયામાં તમે ગ્રાહકને કેટલું સમજો છો અને તે માહિતીના સહારે કઇ રીતે એના જીવનમાં તમારી બ્રાન્ડ દ્વારા ઉકેલ આપો છો તે મહત્ત્વનું છે. આજે વેપારી પાસે કે સેલ્સ કરતી વ્યક્તિ પાસે ખરીદદારો અને ખરીદદારોના વ્યવસાય હેતુઓની ઊંડી સમજ હોવી આવશ્યક છે. આજે ક્ધઝ્યુમરનો ડેટા ઉપલબ્ધ છે, તેનું વિશ્ર્લેષણ કરી તારણ કાઢવા પડશે તો સફળતા મળશે અને તેને ખરા અર્થમાં ઇનસાઈટ આધારિત વેચાણ કહી શકાશે.
પ્રતિસ્પર્ધીને ઓળખો :
તમારો પ્રતિસ્પર્ધી કોણ? આપણે કહીશું, મારો જે વેપાર છે તેવો જ વેપાર જે કરે છે તે મારો પ્રતિસ્પર્ધી. આજની તારીખે તમારો પ્રતિસ્પર્ધી એ એવા વિચારો છે જે તમારા હેતુ સાથે સ્પર્ધા કરે છે અથવા એની સાથે સંઘર્ષ કરે છે. ઉદાહરણ જોઈએ તો સ્પોર્ટ્સ વેર બ્રાન્ડ નાઈકી, જેનાથી આપણે પરિચિત છીએ. આપણે કહીશું કે નાઇકીનો પ્રતિસ્પર્ધી એડિદાસ કે પ્યુમા હશે પણ હકીકતમાં એ નાઇકીનો પ્રતિસ્પર્ધી નથી. તે બધા સમાન વ્યવસાયમાં છે, નાઈકીની સ્પર્ધા ઉદાસીનતા સાથે છે. તે લોકો છે જેઓ કોઈ બાબતની કાળજી લેતા નથી અથવા કંઈપણ કરવા માગતા નથી. તેમની ટેગલાઈન છે ‘જસ્ટ ડુઈટ’ અને તેના આધારે તે લોકોને કશુંક કરવા પ્રેરિત કરે છે. નાઇકીના સ્થાપક ફિલ નાઈટ માને છે કે જો તમારી પાસે શરીર છે તો તમે એથ્લેટ છો.
બ્રાન્ડનું પોઝિશનિંગ :
જેવી રીતે પ્રોડક્ટને બ્રાન્ડનું સ્વરૂપ આપીયે છીએ તેને બીજા પ્રોડક્ટ કરતા અલગ દર્શાવવા તેવી જ રીતે બ્રાન્ડને અલગતા પ્રદાન કરે છે તેનું પોઝિશનિંગ.
પોઝિશનિંગ શું છે?
તમારી પ્રોડક્ટ અને વેપારની દૃષ્ટિએ તમે તમારા સ્પર્ધકોના ઉત્પાદનોથી કેવી રીતે અલગ છો તેની વાત એટલે પોઝિશનિંગ, જેના આધારે તમારો ગ્રાહક તમને યાદ રાખે અને એના મનમાં અને દિલમાં તમને સ્થાન આપે.
બીજા શબ્દોમાં, પોઝિશનિંગ એ બ્રાન્ડ અથવા ઉત્પાદનની ઓળખ સ્થાપિત કરવાની પ્રક્રિયાનો સંદર્ભ આપે છે, જેથી ગ્રાહકો તેને ચોક્કસ રીતે સમજી શકે.
રિપીટ પરચેઝ :
કોઈ પણ વેપાર ગ્રાહકને એકવાર માલ વેચીને સફળ નથી થતો, પરંતુ એ ગ્રાહક ફરી ફરીને તમારો માલ ખરીદે તેમાં વેપારની સફળતા છે. રિપીટ પરચેઝ અથવા પુનરાવર્તિત ખરીદીઓ ત્યારે થાય છે જ્યારે ગ્રાહકો અગાઉ ખરીદેલા ઉત્પાદનો અથવા સેવાઓ ફરી પાછી ખરીદે છે અથવા તે જ દુકાન કે પ્લેટફોર્મ પર બીજો કોઈ માલ ખરીદે છે. પુનરાવર્તિત ખરીદી બ્રાન્ડ પ્રત્યે ગ્રાહકની વફાદારી દર્શાવે છે.
તમારા વ્યવસાયને વધારવા માટે 80/20 નિયમને ધ્યાનમાં રાખો. 80% વ્યવસાય સામાન્ય રીતે 20% ગ્રાહકો પાસેથી આવે છે અને આ 20% ગ્રાહકો એટલે જ રિપીટ અથવા પુનરાવર્તિત ગ્રાહકો. અને આ ગ્રાહકો વેપારની સફળતામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
પર્સનલ બ્રાન્ડ :
પર્સનલ બ્રાન્ડનો અર્થ છે કે તમારી ગેરહાજરીમાં લોકો તમારા વિશે શું બોલે છે. જો તમે તમારી પોતાની બ્રાન્ડનું પોઝિશનિંગ નહીં કરો તો દુનિયા તૈયાર જ છે તમારી બ્રાન્ડનું પોઝિશનિંગ કરવા અને તે તમને વધુ નુકસાન પહોંચાડી શકે છે. આજના સ્પર્ધાના જમાનામાં કદાચ પ્રોડક્ટ અને સર્વિસને કોપી કરવું આસાન હોઈ શકે ત્યારે મારી પર્સનલ બ્રાન્ડ પ્રતિસ્પર્ધીની સામે ડિફરેન્શિયેટ કરવામાં મદદરૂપ થશે.
-તો ચાલો, આ દિવાળીએ નક્કી કરીયે કે આવનારા વર્ષમાં પરિસ્થિતિ અને સ્પર્ધાઓનો સામનો ઉપરના અને બીજા એવા મુદ્દાઓના સહારે કરીશું. પોતાની લીટી મોટી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું તો ખરા અર્થમાં હેપી દિવાળી થશે. દિવાળી અને આવનારા નવા વર્ષની તમને સહુને દિલથી શુભેચ્છા.
આ પણ વાંચો…બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: રિટેલ તથા ઓનલાઇન છે એકમેકના પૂરક