બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : નવરાત્રિ: આ માનીતા ઉત્સવમાં શીખી શકાય માર્કેટિંગના સચોટ પાઠ

- સમીર જોશી
જેમ દિવાળી પ્રકાશનો તહેવાર છે, તેમ નવરાત્રિ ગુજરાતનો ઊર્જાનો ઉત્સવ છે. નવ રાત સુધી શહેરો, ગામો અને શેરીઓ રંગીન મંચોમાં ફેરવાઈ જાય છે. લોકો એકતાના સૂત્રમાં બંધાયેલા હોય છે અને માતાજીના ગરબા લેવા સૌ થનગને છે. આ ઉત્સવને મ્હાણવા હજારો લોકો રોજ એકઠા થાય છે, ઢોલીના તાલ સાથે રાતભર રાસ- ગરબાની રમઝટ બોલે… ફક્ત યુવાનો નહિ પ્રૌઢો પણ આ ઉત્સવમાં યુવાન બની જાય છે. આની લોકપ્રિયતા ગુજરાત પૂરતી સીમિત નથી આજે આપણે નવરાત્રી બીજા રાજ્યોમાં પણ તેજ ઉત્સાહથી ઉજવાતી જોઈએ છીએ. આની વધતી જતી લોકપ્રિયતાને કારણે આજે આ માત્ર ધાર્મિક કે સાંસ્કૃતિક પ્રસંગ નથી આ એક આર્થિક અને સામાજિક ચળવળ છે, જ્યાં સંસ્કૃતિ, વેપાર અને સમુદાય એકસાથે ધબકતા રહે છે.
માર્કેટિંગની ભાષામાં કહીએ તો, ગુજરાતની નવરાત્રિ એક લાઇવ માસ્ટરક્લાસ છે. જો ધ્યાનથી આને સમજવાની કોશિશ કરીયે તો જણાશે કે કોઈ પણ બ્રાન્ડ માટે આમાંથી શીખવા જેવું ઘણું છે, જેમકે…
1) પાર્ટનરશિપ (ભાગીદારી) પ્રમોશન કરતાં મોટી :
ગુજરાતમાં નવરાત્રિ ફક્ત જોવાનો ઉત્સવ નથી લોકો તેને મ્હાણે છે અને જીવે છે. લોકો દર્શક તરીકે નહીં, સહભાગી તરીકે હાજર રહે છે. આ પહેલો પાઠ છે બ્રાન્ડ્સ માટે. માત્ર ઝળહળતા હોર્ડિંગ કે ચમકતી ડિજિટલ એડ્સ અમુક સેકન્ડ્સ માટે નજર ખેંચે છે, પરંતુ જ્યારે બ્રાન્ડ લોકો માટે અનુભવ ઊભો કરે છે, જેમ કે ગરબાને સ્પોન્સર કરવા, કોન્ટેસ્ટ પ્લાન કરવી કે પછી પ્રોડક્ટ સેમ્પલિંગ કરવું આવી પ્રવૃત્તિઓ દ્વારા જયારે બ્રાન્ડ જોડાશે ત્યારે તે અનુભવ કન્ઝયુમરને યાદ રહી જાય છે. જયારે આવા અનુભવો યાદ રહી જાય છે ત્યારબાદ તે બ્રાન્ડ માટેની વફાદારી ઊભી કરે છે.
2) રિજનલ અથવા લોકલ સ્થાનને મહત્વ આપો તેને અવગણો નહીં
ગુજરાતનાં વિવિધ શહેરોની પોતાની નવરાત્રીની રીત છે. એ દરેક પોતાની આગવી નવરાત્રિની છાપ ધરાવે છે. અમદાવાદના ગરબા મેદાનોની મોજ, રાજકોટના પરંપરાગત મંડળો, સુરતના ફેશનપ્રેમી ગરબા બધાની વાત અલગ છે. જો માર્કેટિંગ કેમ્પેઇન બધા માટે સમાન બને તો કદાચ તેની સાથે લોકો કનેક્ટ ના પણ થઇ શકે. જો કેમ્પેઇન, સ્થાનિક ભાષા, પ્રતીકો કે પ્રભાવક દ્વારા રજૂ થાય ત્યારે તેનો અસરકારક પ્રભાવ પડે છે.
સ્થાનિકતાની નાડી પકડવી એ સફળતાની ચાવી છે. આજે ડિજિટલ મીડિયામાં આ વાત વધુ મહત્ત્વ ધરાવે છે, કારણ તમે ફક્ત લોકલ નહિ પણ વ્યક્તિગત સ્તરે પણ ટાર્ગેટ કરી શકો છો. આથી જેમ વિવિધ નવરાત્રિઓ તેમ વિવિધ કેમ્પેઇન.
3) ઉત્સવ આધારિત ફેશન અને નહિં કે ફેશન ફક્ત ફેશન માટે :
નવરાત્રિ ભારતના સૌથી મોટા ફેશન પ્લેટફોર્મ્સમાંથી એક છે, પરંતુ અહીં ફેશન ફક્ત દેખાવ પૂરતું નથી તેની
ઉપયોગિતા એટલી જ મહત્ત્વની છે. કલાકો સુધી ગરબા રમાય એટલે વસ્ત્રો આરામદાયક હોવા જોઈએ…આભૂષણો આકર્ષક પણ હોય અને નાચવામાં ખલેલ ન પહોંચે. સફળ બ્રાન્ડ્સ આ બન્ને વચ્ચેનો સમતોલ બાંધી લે છે.
રમતમાં પહેરી શકાય એવા સ્પોર્ટ્સ શૂઝને ગરબા-ફ્રેન્ડલી તરીકે રજૂ કરવું કે આરામદાયક એથનિક વસ્ત્રો સાથે ડિઝાઇનનો સમન્વય. બ્રાન્ડ્સ માટે આવી તકોનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું આ ઉદાહરણ છે.
4) ફક્ત વેચાણ નહીં ઉજવણીને ધ્યાનમાં રાખી વેચાણ :
નવરાત્રિ દરમિયાન ગ્રાહકનો મિજાજ શું ખરીદવું? નો નથી હોતો, પરંતુ ઉજવણી વધુ સારી કઈ રીતે મ્હાણી
શકાય એવો હોય છે. સાચા અર્થમાં સફળ બ્રાન્ડ એ છે જે લોકોને ઉજવણી સહેલી, સમૃદ્ધ અને યાદગાર બનાવવામાં મદદ કરે. ઉદાહરણ તરીકે, ફૂડ બ્રાન્ડ એનર્જી બૂસ્ટર પ્રમોટ કરે, ગ્રુપ પાસ માટે સરળ પેમેન્ટ સોલ્યુશન આપતું ફિનટેક હોઈ શકે કે ગરબા બાદના અનુભવો ક્યુરેટ કરતી હોસ્પિટાલિટી બ્રાન્ડ. બ્રાન્ડની આવી વાત ઉજવણીને વધુ યાદગાર બનાવે છે.
5) લોકોની ભાવનાને માન આપો તેની મજાક ના ઉડાવો :
આ સમય દરમિયાન વેપાર કરવાની દોડમાં એક વાત ભૂલાઈ જાય છે કે નવરાત્રિ મૂળે ભક્તિનો ઉત્સવ છે.
હા, એમાં નૃત્ય, સંગીત અને વૈભવ છે, પણ સાથે પ્રાર્થના, ઉપવાસ અને પરંપરાને આગવું સ્થાન છે. જો બ્રાન્ડના કેમ્પેઇન આ આધ્યાત્મિક તત્ત્વોને અવગણે છે કે તેની મજાક ઉડાવે છે તો એણે નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. બ્રાન્ડ્સ માટે સાચો રસ્તો એ છે કે ભક્તિ અને આનંદ બન્નેને સન્માન આપે. અલગ કરવાના નાદમાં લોકોની સંવેદના સાથે ખિલવાડ ના થાય તેનું ધ્યાન રાખવું.
ગુજરાતની નવરાત્રિ માત્ર તહેવાર નથી. તે બ્રાન્ડ માટે એક જીવંત કેસ સ્ટડી છે કે કેવી રીતે સંસ્કૃતિ, વેપાર
અને કોમ્યુનિટી મળીને નવી ઊર્જા ઊભી કરે છે. માર્કેટર્સ માટે આમાંથી સમજવાની વાત તે છે કે આ ઉત્સવને ફક્ત વેપાર કરવાની જગ્યા ન માનો પણ બ્રાન્ડ માટે શીખવાની તક તરીકે જોવો, કારણ કે એક જ સમયે એક જ જગ્યાએ એકસાથે વિવિધ પ્રકૃતિના ગ્રાહકો મળશે. એક રિસર્ચ પ્લેટફોર્મ તરીકે આને જોવો.
જો તમારી બ્રાન્ડ ગુજરાતની નવરાત્રિની આ ઊર્જા અને સ્પર્ધામાં ટકી શકે તો તમે આખા ભારતના તહેવારોમાં સફળ માર્કેટિંગનું રહસ્ય શોધી લીધું કહેવાશે. આ રીતે નવરાત્રિ માર્કેટિંગને ફક્ત વેચાણ નહીં, પરંતુ લોકોના હૃદય સુધી પહોંચવાનો માર્ગ શીખવે છે.
આપણ વાંચો: સ્પોટ લાઈટ : પહેલી વાર નાટકમાં નેગેટિવ રોલ કર્યો…