શશશ… જો જો કોઈને કહેતા નહીં!

જાહેરમાં કહું છું ‘ખાનગી રાખજો!’નું આ તે કેવું ચક્કર?!
જૂઈ પાર્થ
‘શશશ ધીમે બોલ ખબર છે ને દીવાલોને પણ કાન હોય છે’ હંસામાસીએ ઘેર આવેલી બહેનપણીને કહ્યું.
બીજા કોઈ ઘરમાં પણ આવી જ વાત શીતલબહેને એમનાં જૂના પાડોશીને ફોન કર્યો :
‘જો સાંભળ, આ તો આપણા બે વચ્ચેની જ વાત છે હોં, જો જો કોઈને કહેતા બેલાબહેન છે ને એમનાં ઘરની, એમનાં મનની વાત ખાલી મને જ કરે… એમને મારી ઉપર પૂરો વિશ્વાસ કે મને કરેલી વાત મારા પેટમાં જ રહે, ક્યાંય બહાર જાય જ નઈ ને. આ તો તમે મારા ખાસ ને એટલે તમને કહ્યું, પાછા તમે કોઈને કહેતા નઈ હોં! આ તો શું ખોટા એ બદનામ થાય.’
મનસુખભાઈએ મોર્નિંગ વોક કરતાં જયેશભાઈને કહ્યું કે ‘બોલો, પેલા શરદને શેરબજારમાં મોટું નુકસાન થયું છે તોયે કેવા ઠાઠથી રહે છે, જો પણ આ તો અંદરની વાત છે હોં, મારું નામ ના આવે.’
આપણા સમાજની રચના જ કંઈક આવી છે. વાત કરવી, વાત મેળવવી, વાત ફેરવવી, વાત વાળવી, વાત સાચવવી આ બધું જ વાત શરૂ કરવાથી થાય છે. જો આપણી ખાનગી વાત પોતાના સુધી ના રાખી શકતાં હોઈએ તો બીજા પાસેથી શું અપેક્ષા રાખી શકાય? હા, આપણા દરેકનાં જીવનમાં એક વ્યક્તિ એવી હોય છે અને હોવી જ જોઈએ, જે આપણને સમજે છે, આપણી હિતેચ્છુ છે.
જરૂર પડે સાચી સલાહ આપે છે તો સમય આવ્યે ઠપકો પણ આપે છે. જો તમારા જીવનમાં આવી કોઈ વ્યક્તિ છે તો તમે સાચે નસીબદાર છો! મુશ્કેલી એ છે કે કોઈની પણ ખાનગી વાત પચાવનાર કે પછી વાત ખાનગી રાખે તેવા લોકો જવલ્લે જ મળે છે.
અઠંગ રાજનેતા બેન્જામિન ફ્રેન્કલીને કટુ શબ્દોમાં લખ્યું છે કે ‘ત્રણ જણ વચ્ચે વાત ખાનગી ત્યારે જ રહે જ્યારે ત્રણમાંથી બે જણ હયાત ના હોય!’
ભાવાર્થ એ જ કે માનવ સ્વભાવની એક લાક્ષણિકતા છે કે જે માહિતી તેને મળે છે તે બીજા સુધી પહોંચાડવાની તાલાવેલી તેને લાગે છે. જ્યાં સુધી પોતે સાંભળેલી વાત બીજાને ના કરે ત્યાં સુધી તેને ચેન નથી પડતું. કોઈએ જે વિશ્વાસ સાથે પોતાનાં મનની વાત તેને કરી હોય તેવા જ વિશ્વાસ સાથે યે એ જ વાત પોતાનાં વિશ્વાસુને કરે છે પણ ભૂલી જાય છે જે વ્યક્તિએ એના પર વિશ્વાસ રાખ્યો છે તૂટવાનો જ!
યાદ છે, નાના હતાં ત્યારે એક રમત રમતાં. રમતનું નામ – ટેલિફોન. આમાં બધાં મિત્રો એક વર્તુળમાં બેસે. કોઈ પણ એક જણ કોઈ વાક્ય બાજુમાં બેઠેલાને ખાનગી રીતે કાનમાં કહે અને આગળ આગળ બીજાને કહીને વર્તુળ પૂરું થાય. જેનો વારો છેલ્લો હોય તે સાંભળેલું વાક્ય મોટેથી બોલે.
એક વાક્ય પહેલીથી છેલ્લી વ્યક્તિ સુધી પહોંચતા સુધી બદલાઈને એટલું હાસ્યાસ્પદ થઈ ગયું હોય કે હસી હસીને બધાં આ રમતની મજા લે. ચીનમાં ‘ચાઈનેસ વિસ્પર્સ’ તરીકે ઓળખાતી આ ‘કોઈને કહેતાં નઈ’ વાળી ખાનગી વાતમાં પણ આવું જ કંઈ થાય છે. ઘણી વાર તો આખે આખી વાત, પ્રસંગ, નામ, સમય, વ્યક્તિ બધું જ બદલાયા કરે છે. લોકો સાંભળે અડધું અને વાતમાં પોતાની રીતે મસાલા ઉમેરીને બમણા જોશથી આગળ વધારે.
કહેવાતા તાજા ખબર અને અફવાઓને હવા એમ જ નથી મળતી. બોલનારને તો મજા આવે જ છે પણ પારકા લોકોની વાતો સાંભળવામાં અને જેને ઓળખતા પણ નથી એની પણ પંચાત કરવામાં લોકોને જબરો રસ પડે છે. આ માનવ સ્વભાવની ફક્ત લાક્ષણિકતા નહીં, પણ વિચિત્રતા પણ કહી શકાય.
વાત ફેરવવાની (કુ)ટેવ ઓછા વત્તા અંશે લગભગ આપણા બધામાં હોય છે. બીજાની દુ:ખી વાતે સુખી થવામાં ક્યાંક તો અહં સંતોષાય છે તો ક્યાંક બીજાને ઊતરતાં મનાય છે. આવી રીતે વાત કરનારાને ગોપનીયતાની કિંમત નથી.
‘વાત ફેરવી ફેરવીને કહેવાની કુટેવ છોડવી જોઈએ’ એવું કહેવાનો કોઈ મતલબ નથી. જે ટેવ હકીકતમાં કુ -ટેવ છે તે સહેલાઈથી જવાની નથી માટે આપણે નક્કી કરવું રહ્યું કે ખાનગી વાત કોને કરવી જોઈએ. આપણી એવી કોઈ અંગત વ્યક્તિ કે જે સાચે જ આપણું સારું ઈચ્છતી હોય તેને ખાનગી વાત કરી શકાય કે તેની પાસેથી સલાહ લઈ શકાય.
હા, પણ જેનાં પર એક ટકા જેટલો પણ અવિશ્વાસ જાગે એવી વ્યક્તિ સામે લાલ સિગ્નલ માની ચૂપ રહેતાં શીખવું પડે. કોને શું અને કેટલું કહેવું એ આપણા અનુભવના આધારે શીખી લેવું પડે…ખાનગી વાત જ્યાં સુધી આપણા મોઢાની બહાર ના નીકળે ત્યાં સુધી જ ખાનગી છે એમ માનીને ચાલવું બાકી દીવાલને માત્ર કાન જ નહીં, બીજાને કહી દેવા માટે મોઢું પણ હોય છે!
બોલો, તમે શું કહો છો?!
આ પણ વાંચો…ઘરની બહાર, છતાં ઘરથી વધુ એવો ઓટલો!



