ઉત્સવ

ઊંડા અંધારેથી… પરમ તેજ સુધીનું તત્ત્વજ્ઞાન-અજ્ઞાન

બોલો, તમે શું કહો છો? – જૂઈ પાર્થ

એ રાતે નાતાલની ઉજવણી પૂરી થઈ પછી વેદાંત પત્ની રાધી સાથે બેઠો હતો. બંને ખૂબ થાક્યા હતાં. જો કે કેટલાય દિવસોની તૈયારી પછી પાર્ટીમાં મિત્રોએ ભેગા થઈને જે રીતે મજા કરી અને નવું વર્ષ વધાવ્યું એની ખુશાલી સમાતી નહોતી. પાર્ટીની ચમકદમકમાં અચાનક જ લાઈટસ ગઈ હતી. મિત્રોનો મૂડ ખરાબ થઈ ગયો હતો. જોકે રાધીએ આત્મસૂઝથી ઘરમાં હતી એ બધી ટોર્ચ લાઈટ અને મીણબત્તીઓ ચાલુ કરી દીધી અને ઘર ફરી પાછું ઝળહળી ઊઠ્યું. આ લાઈટોથી આખું ઘર એટલું સુંદર લાગતું હતું કે જાણે પહેલેથી આ રીતની ગોઠવણ જ કરી રાખી હોય. અધૂરામાં પૂં, ફોન બ્લુટૂથ સાથે જોડી મનગમતાં ગીતો પણ વગાડ્યા અને ડાન્સ પણ કર્યો.

આમ આફતને અવસરમાં ફેરવી વેદાંત અને રાધીએ એક સફળ પાર્ટી કરી. બધા ગયા પછી બંને રાતની એ વાત વાગોળતા બેસી રહ્યાં. વેદાંતને નવાઈ લાગી કે રાધીને અંધારાથી ડર લાગતો હોવા છતાં એણે કેટલું સુંદર આયોજન કર્યું. ત્યારે રાધીએ કહ્યું કે `એક સેક્નડ તો મને એટલો ડર લાગી ગયો કે ઘરમાં જેટલી હોય બધી ટોર્ચ ઓન કરી અને મીણબત્તીઓ પણ પ્રગટાવી દીધી. પછી ખ્યાલ આવ્યો કે આવું કરવાથી તો ઘર વધારે સુંદર લાગે છે.’ રાધીનો જવાબ સાંભળી એ અને વેદાંત બંને હસી પડ્યાં. આમ તો અંધારાથી ગાંધીજીને પણ ડર લાગતો હતો અને આપણામાંથી પણ કેટલા બધાં ડરતાં હશે! અંધારામાં ડરવા જેવું એવું તો શું છે?

અંધા, અંધકાર, કાળું, પ્રકાશ વિહીન અંધા એટલે પ્રકાશની ગેરહાજરી. સૂર્યાસ્ત પછી અંધા થાય એટલે દીવા બત્તી થાય. આ ઘરેડથી આપણે સૌ ટેવાઈ ગયા છીએ. એ વિચારવું પણ અશક્ય છે કે જો દીવા, લાઈટ, પ્રકાશની શોધ ના થઈ હોત તો આપણું જીવન કેવું હોત! પાંચ મિનિટ બંધ આંખે બેસીએ તો કદાચ એ અનુભવ લઈ શકાય.
અંધકાર થાય ત્યારે દીવા બત્તી કરવા એ એક પ્રાકૃતિક ઘટના સમાન લાગે. મનુષ્યનો સ્વભાવ છે અંધકારથી પ્રકાશ તરફ જવું. અંધા એટલે ના ગમે તે, અંધા એટલે ભય, અંધા એટલે નકારાત્મકતા, અંધા એટલે દિશાવિહીનતા, અંધા એટલે અજ્ઞાન…

બીજી તરફ, ભટકી ગયેલ રસ્તો પ્રકાશ પથરાવવાથી મળે છે. પ્રકાશનાં બળે જ સાચી દિશા જડે છે, અજ્ઞાનતા પણ જ્ઞાનના પ્રકાશ વડે દૂર થાય છે, સત્યની શોધ અસત્ય પર પ્રકાશ પાડવાથી થાય છે. આમ આપણાં જીવનમાં અજવાળાનું મહત્ત્વ નકારી ન જ શકાય.

દીવો એક માધ્યમ છે જેના થકી અંધારાથી મુક્તિ મળે છે. આમ જોઈએ તો ભારતીય સંસ્કૃતિનાં મૂળમાં દીપ પ્રાગટ્યનું ખૂબ મહત્ત્વ છે. કોઈ પણ પૂજાપાઠ કે શુભકાર્યની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવે છે કારણકે દીવો પ્રગટાવવાને શુભ માનવામાં આવે છે.

દીવો પ્રકાશ પાથરવાનું કામ કરે છે. જીવનનાં અંધકારમય પથ પર દીવો દિશા સૂચનનું કામ કરે છે. દીવાનાં માધ્યમથી આસપાસ બધું જેવું છે તેવું, ભ્રમણા વગરનું, ચોખ્ખું દેખાય છે. દીવાને મોટેભાગે પ્રતીકાત્મક રીતે જોવામાં આવે છે.

જોકે બાહ્ય પ્રકાશની સાથે જ્યાં સુધી મનમાં દીવો નહીં પ્રગટે ત્યાં સુધી મનનો અંધકાર દૂર નહીં થાય. જીવનમાં સુખ સમૃદ્ધિ સામર્થ્ય પામવા માટે જ્ઞાનરૂપી દીવો પ્રગટાવો જ રહ્યો. બરકત વિરાણી `બેફામ’ની પંક્તિઓ યાદ આવે છે :

કદાચ એ રીતે મંઝિલ મળે પ્રયાસ વિના,
બધા જ રસ્તે રખડીએ અને પ્રવાસ વિના.
રહી ગયો છું હું અંધકારમાં ફક્ત એથી,
કે મારે જીવવું હતું પારકા ઉજાસ વિના…

આમ અંધકાર અને અજવાળાને વિવિધ સંદર્ભમાં જોઈ શકાય. તમે પણ આવું ક્યારેક તો વિચાર્યું હશે ને?
બોલો, તમે શું કહો છે?

આ પણ વાંચો…બોલો, તમે શું કહો છો? જન્મ – જન્માક્ષર – જન્માંતર

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button