કવર સ્ટોરી: બિહાર ચૂંટણી પરિણામ લાલચ નહીં… સીધી લાંચ એ છે ચૂંટણી જીતવાની સચોટ ફોર્મ્યુલા!

- વિજય વ્યાસ
એક સમય હતો જ્યારે ચૂંટણીઓ મુદ્દા પર લડાતી હતી, પણ હવે મુદ્દામાલ પર લડાય છે…જે પક્ષ મતદારોને વધારે માલ આપે છે તેને મતદારો મત આપે છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં સ્વાભાવિક રીતે આ ‘ખેલો’ થયો ને એનાં પરિણામ સામે જ છે !
બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને તેજસ્વી યાદવની ‘રાષ્ટ્રીય જનત દળ’થી માંડીને પ્રશાંત કિશોરની ‘જન સુરાજ પાર્ટી’ સુધીના કોઈ શોધ્યા ના જડે એવી જંગી બહુમતીથી ભાજપના નેતૃત્વ હેઠળના ‘એનડીએ’ (નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ)એ જીત મેળવી. ભાજપ અને જેડીયુ બંને 101-101 બેઠકો પર ચૂંટણી લડ્યાં હતાં. ભાજપે 92 અને જેડીયુએ 83 બેઠકો જીતી છે એ જોતાં બંનેનો સફળતાનો રેશિયો 80 પરસેન્ટ પ્લસ છે.
મહાદેવ ભેગા પોઠિયા પૂજાય એ હિસાબે ભાજપ-જેડીયુની સાથે સાથે ચિરાગ પાસવાનની પાર્ટી ‘એલજેપી’ અને જીતનરામ માંઝીની ‘હમ’ તથા ઉપેન્દ્ર કુશવાહાની ‘રાષ્ટ્રીય લોક મોરચા’ પર પણ બિહારીઓ બરાબરના રીઝતાં ‘એનડીએ’ની બેઠકોનો આંકડો 200ને પાર થઈ ગયો છે ને કૉંગ્રેસ-આરજેડીનો શંભુમેળો 40 બેઠકોના આંકડાને પણ પાર કરી શક્યો નથી. બિહાર જેવા મોટા રાજ્યમાં અત્યાર સુધીમાં કોઈ જોડાણને આવી પ્રચંડ જીત નથી મળી એ જોતાં એનડીએની જીત અભૂતપૂર્વ છે તેમાં બેમત નથી.
લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી એ વખતે એવી ધારણા વ્યક્ત કરાયેલી કે, હવે ભાજપના વળતાં પાણી શરૂ થઈ ગયાં છે, પણ માત્ર દોઢ વર્ષમાં ભાજપે આ ધારણા ખોટી પાડી છે. છેલ્લાં દોઢ વર્ષમાં ભાજપે મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી અને હવે બિહાર એમ ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે. ઝારખંડને બાદ કરતાં લોકસભાની ચૂંટણી પછીની બધી વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપ જીત્યો છે અને આ જીત પણ જંગી બેઠકો સાથેની છે.
ભાજપ વિધાનસભાની ચૂંટણીઓમાં ઉપરાછાપરી જીતી રહ્યો છે કેમ કે ભાજપને હાથ- જીતની અક્સીર ફોર્મ્યુલા લાગી ગઈ છે. ચૂંટણી પાછળ બીજા બધા ખર્ચા કરવાના બદલે સરકારી પૈસો સીધો મતદારોના ખાતામાં જમા કરાવવાનો કીમિયો અજમાવ્યો ને આ કીમિયો જબરો કારગત નિવડ્યો છે. મતદારોના ખાતામાં રૂપિયા જમા કરાવવા માટે રૂપકડી યોજના ચૂંટણી પહેલાં શરૂ કરી દે છે ને મતદારોના ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર કરી નાખે છે. આ રીતે સરકારી પૈસે ચૂંટણી લડવાનો કીમિયો એનડીએ – ભાજપને હાથ લાગી ગયો છે, જે અહીં અકસીર નિવડ્યો છે….
બિહારમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએની જીતનું મુખ્ય કારણ મહિલા મતદારો છે. મહિલા મતદારો ભાજપ પર ઓળઘોળ થઈ ગઈ તેનું કારણ નીતીશ કુમાર સરકારની ‘મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના’ છે. બિહાર વિધાનસભાની ચૂંટણીના બે મહિના પહેલાં નીતાશ સરકારે આ યોજના શરૂ કરીને સાગમટે 75 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા માથાંદીઠ ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા.
બીજા તબક્કામાં બીજી 75 લાખ મહિલાઓનાં ખાતામાં 10 હજાર રૂપિયા જમા કરાવ્યાં. આ રીતે આ યોજના હેઠળ રાજ્યની 1.5 કરોડ મહિલાના ખાતામાં 10,000 રૂપિયા રોકડા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બિહારમાં કુલ મહિલા મતદારોની સંખ્યા આશરે 3 કરોડ 60 લાખ છે. તેમાંથી દોઢ કરોડ મહિલાઓને આ યોજનાનો સીધો લાભ મળ્યો ને આ મહિલા મતદારો ભાજપ અને જેડીયુ પર રીઝી તેમાં એનડીએનો બેડો પાર થઈ ગયો.
ભાજપે આ પહેલાં દિલ્હી, મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓ પણ આ ફોર્મ્યુલાથી જ જીતી હતી. દિલ્હીમાં ભાજપે સીધી રોકડ આપવામાંથી સમાજના કોઈ વર્ગને બાકી નહોતો રાખ્યો. મહિલાઓથી માંડીને બેરોજગારો સુધીનાં બધાંના ખાતામાં દર મહિને રકમ જમા કરાવવાની લાલચ આપીને ભાજપે કેજરીવાલને ધૂળચાટતા કરી દીધા હતા. આ સંકલ્પપત્રો દ્વારા ભાજપે મહિલાઓને દર મહિને 2500 રૂપિયા, ગરીબ મહિલાઓને સિલિન્ડર પર 500 રૂપિયા સબસિડી, હોળી-દિવાળી પર એક-એક સિલિન્ડર મફત આપવાની જાહેરાત કરેલી.
ભાજપે ‘માતૃ સુરક્ષા વંદના’ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 21,000 રૂપિયા અને 6 પોષણ કિટ આપવા ઉપરાંત વૃધ્ધોને પોતાની તરફ વાળવા 60-70 વર્ષના લોકોનું પેન્શન 2000 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા જ્યારે વિધવાઓ, વિકલાંગો અને 70 વર્ષથી ઉપરના વૃદ્ધોને 3000 રૂપિયાનું પેન્શન આપવાનું વચન આપેલું. એ જ રીતે ‘અટલ કેન્ટીન યોજના’ હેઠળ ઝૂંપડપટ્ટીમાં ગરીબોને 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન, સરકારી સંસ્થાઓમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કેજીથી પીજી સુધી મફત શિક્ષણનું વચન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો…કવર સ્ટોરીઃ વેલ્યૂએશનનું વાવંટોળ
યુવાનોને આકર્ષવા યુપીએસસીની પરીક્ષા આપનાર ઉમેદવારોને એકવાર 15 હજાર રૂપિયાની સહાય, પોલિટેકનિક અને સ્કિલ કેન્દ્રોમાં અભ્યાસ કરતા એસસી વિદ્યાર્થીઓને બાબાસાહેબ આંબેડકરના નામે 1,000 રૂપિયાનું માસિક સ્ટાઇપેન્ડ સહિતનાં વચનો આપેલાં. મહારાષ્ટ્રમાં લાડલી બહેના યોજના હેઠળ દરેક મહિલાને મહિને 1500 રૂપિયા આપવાની યોજના ચૂંટણી પહેલાં જ શરૂ કરી દીધી હતી.
હરિયાણામાં પણ એ જ ફોર્મ્યુલા અપનાવાયેલી. આમ ભાજપ એક રીતે મતદારોને લાલચ નહીં પણ લાંચ આપીને ચૂંટણી જીતે છે, પણ આ લાંચને સરકારી યોજનાનાં વાઘાં પહેરાવી દેવાય છે તેથી તેની સામે વાંધો લઈ શકાય તેમ નથી.
આમેય ભાજપ રાજકીય વ્યૂહરચનાઓ ઘડવામાં માહિર છે તેનો આ પુરાવો છે ને આ રણનીતિ સામે ભાજપ વિરોધી પક્ષો વામણા પુરવાર થયા છે.
બિહારની ચૂંટણીએ દેશનું રાજકારણ કઈ દિશા તરફ વળી ગયું છે તેનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે. એક સમય હતો કે જ્યારે ચૂંટણીઓ મુદ્દા પર લડાતી હતી, પણ હવે મુદ્દામાલ પર લડાય છે. મતલબ કે, જે પક્ષ મતદારોને વધારે માલ આપે છે તેને મતદારો મત આપે છે. સ્વાભાવિક રીતે જ ભાજપ તેમાં બાજી મારી જાય છે કેમ કે ભાજપ સત્તામાં છે અને દેશની તિજોરી પર તેનો કબજો છે અને એ સરકારી તિજોરીનાં નાણાંનો ઉપયોગ ચૂંટણી જીતવા ખૂબીપૂર્વક કરી રહ્યો છે.
બિહારનાં પરિણામોએ એક સમયે અત્યંત પાવરફુલ મનાતા લાલુ પ્રસાદ યાદવ પરિવારના રાજકીય અસ્તિત્વ સામે પણ મોટો ખતરો ઉભો કરી દીધો છે. બિહાર પર 15 વર્ષ સુધી એકચક્રી શાસન કરનારા લાલુ પ્રસાદ યાદવનો દીકરો તેજસ્વી પિતાનો રાજકીય વારસો સાચવવા મથ્યા કરે છે, પણ બિહારનાં પરિણામો તેના માટે મોટી પછડાટ છે. કૉંગ્રેસને તો હારની નવાઈ નથી ને કેટલાંક રાજ્યોમાં હજુ તેનો પ્રભાવ છે પણ આરજેડીની દુકાન તો બિહારમાં જ ચાલે છે એ જોતાં ભવિષ્યમાં આ દુકાનનાં પાટિયાં પડી જાય એવી સ્થિતિ પેદા થઈ ગઈ છે.
બિહારની ભવ્ય જીત પછી ભાજપ નીતીશનું શું કરે છે એ પણ જોવાનું છે. નીતીશને હમણાં મુખ્યમંત્રી બનાવીને વરસ પછી ખંખેરી નાખશે એવી વાતો ચાલી રહી છે એ જોતાં આ પરિણામો એક રીતે નીતીશ માટે પણ ખતરાની ઘંટડી છે.
કેજરીવાલ પછી હવે ‘રેવડી ચેમ્પિયન’ કોણ…
બિહારની જીતે સાબિત કર્યું છે કે, ભાજપને ચૂંટણી જીતવા માટે વિરોધ પક્ષોની વ્યૂહરચનાઓને અપનાવવામાં કોઈ છોછ નથી. અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં લોકોને મફત વીજળી, પાણી સહિતની યોજનાઓ શરૂ કરી ત્યારે ભાજપ કેજરીવાલની જાહેરાતોને ‘રેવડી’ ગણાવીને કટાક્ષ કરતો હતો કે ભારતના મતદારો કદી રેવડી કલ્ચરમાં ફસાઈને પોતાનો મત નહીં વેચે…
આજે ચિત્ર પલટાયું છે. હવે ભાજપ પોતે રેવડી કલ્ચરના રવાડે ચડી ગયો છે 2019ની લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂતોના ખાતામાં દર ચાર મહિને 2000 રૂપિયા જમા કરાવવાથી શરૂ થયેલું ભાજપનું આ રેવડી કલ્ચર વિસ્તરતું જ જાય છે. દેશભરના ગરીબોને 2029 સુધી મફત અનાજ જેવી રાષ્ટ્રીય સ્તરની રેવડીઓથી માંડીને અલગ અલગ રાજ્યો માટે અલગ અલગ સ્કીમો શાસક પક્ષે અમલમાં મૂકી છે.
આ પણ વાંચો…કવર સ્ટોરીઃ ચિલ્ડ્રન્સ ફિલ્મો માટે કેમ ઘોર ઉદાસીનતા?



