ઉત્સવ

બિહાર -2025 (2)

આજે આટલું જ – શોભિત દેસાઈ

ઘણા મિત્રોની દુઆ આવી કે: ‘યાર તું/ તમે / આટલા/ આટલો/ સારા/ સારો/ રાજકીય વિશ્ર્લેષક ક્યાંથી? કોઈની પાસે લખાવ્યું કે ક્લાસ ભર્યા?’ કોઈ પણ માણસ કોઈ પણ કમિટમેન્ટ કે સિદ્ધાંત કે ક્વોલીફિકેશન વગર જેમ પોલિટીક્સમાં જઈ શકે, પોલિટીક્સ કરી શકે, એમ અક્ષરજ્ઞાનથી વાકેફ કોઈ પણ પોલિટીક્સ પર લખીય શકે એ કક્ષાએ પોલિટીક્સ પહોંચ્યું છે, નહીં?!

મૈથીલી ઠાકુરને હું મળ્યો હતો પદંર વર્ષ પહેલા પશ્ર્ચિમ એક્સપ્રેસના નોન એસી રિઝર્વ્ડ કપાર્ટમેન્ટમાં. બારીની સીટ પર સામસામે બાપ દીકરી બેઠેલાં. પસાર થતાં એવી અદ્ભુત તાન પીલુ રાગની મારા કાને પડી કે હું બેહોશ… બે સેક્ધડ પછી ભાન આવ્યું અને જોયું તો સુરત તરફ જતી ટ્રેનની મુંબઈ તરફની બારી પર બેઠેલી એક અગિયાર-બાર વરસની છોકરી હજી અભાન આજુબાજુ તરફ, પીલુ રાગ ગળેથી વહાવી રહી હતી. હું વિચારું મારા પગ ક્યાં? કેમ આગળ વધતા નથી?

એ મૈથીલી બિહાર-2025માં (ચવાઈને ચુથ્થો શબ્દ: હસમુખ ગાંધી) ઝંપલાવી રહી છે. ‘એ દેશની ખાજો દયા’ પંક્તિવાળી કવિતા યાદ નથી જ આવતી (મને?) પણ જે દેશના એટલીસ્ટ પચાસ ટકા લોકો સીધા આડા પોલિટીક્સના ‘ધંધા’માં હોય ત્યાં અને ત્યારે શું થાય?હા બસ એ જ. બરાબર સમજ્યા તમે. કોઈક એવૉર્ડ ફંકશનમાં કોઈકની ‘બાજ’ નજર પડી અને ટિકિટ મળી ‘ને વાત ચાલી એવી તો ભાઈ ચાલી (અનિલ જોશી)’ પોપ્યુલારીટી લીધી અને સીટ આપીનો વિનિમય.

ફોરેન એક્સચેન્જ કાઉન્ટર્સની 7% દલાલી જીત્યા પછી વસૂલ કરવામાં આવશે. જે રાજ્યમાં ગળાથી દુંટી સુધી લગભગ અવસ્ત્ર નાચતી હોય સ્ત્રી જાહેરમાં અને રૂપિયા ઉછળતા હોય એના શરીર પર એ સ્ટેજના ખૂણા પાસે આવે ત્યારે, એ રાજ્યમાં મૈથીલી અલી દમ દમ દે અંદર (પરમઆત્મા મારા શ્ર્વાસ શ્ર્વાસમાં…) ગાતી હોય એ એમ કહે કે અલીનગરનું નામ બદલીને સીતાનગર કરીશું તો મારા વહાલા, તને નવાઈ શેની છે? ભૂલી ગયો? દેશના 50% લોકોનો સીધો-આડો ધંધો? પોલિટીક્સ? અને હજુ તું અજાણ છે?… સત્તા ભ્રષ્ટ બનાવતી જ નથી. હજી સત્તા ક્યા છે? હજી તો ફક્ત ટિકિટ છે. સત્તા આમંત્રણ આપે છે એવાને જેમનામાં ભ્રષ્ટ બનવાની પૂરી ‘ક્ષમતા’ અને શક્યતા હોય. મૈથીલી પોતાની રુધિરાભિસરણ થંભાવી દે એવી ગાયકી બરકરાર રાખે એટલું જો પરમાત્મા કરે તો તો તો ચરણોમાં માથું.

સત્તા પોતે સ્વતંત્ર હસ્તી ન ધરાવતી અને એનો ઉપયોગ કરનાર પર આધાર રાખનારી સાપેક્ષ ‘ચીજ’થી વિશેષ કંઈ જ નથી. 2012 થી 2014 એક જ વ્યક્તિ આખા દેશને કેમ વશ કરી શકે છે એ આપણે 11 વરસ જ પહેલાં જોયું. સુપાત્રના હાથમાં સત્તા જ્યાં આવે છે દેશનું કલ્યાણ થાય છે જ. ઈબ્રાહિમ ટ્રાઓરેએ બુર્કીના ફાસોને પશ્ર્ચિમી અને આંતરિક ભીષણ નાગચૂડમાંથી મુક્ત કરાવીને આત્મનિર્ભરતા અને પ્રગતિના સિક્સ લેન હાઈવે પર ધમધમતો કરી જ દીધો છે, ‘બુર્કીના ફાસો’નું સોનું, માણસો અને અન્ય કુદરતી સંપત્તિની પશ્ર્ચિમી દેશો (ફ્રાન્સ ઈત્યાદી) દ્વારા ચાલતી બેફામ લૂંટને ખચ્ચ કરી નાખીને.

બિહાર 100% સેલ ફોનના ડેટા જે કોઈક બેટાએ બહુ સસ્તા, લગભગ મફત કર્યા છે એ મોંઘાદાટ ભાવે ખરીદવા તૈયાર છે જો એના 50 લાખથી વધુ બેટા જે કમાવા માટે દર બદરની ઠોકરો ખાતા અન્ય રાજ્યના આશ્રિત થઈને જીવે છે એમને બિહારમાં જ સ્થાયી રોજગાર નોકરી મળે તો. શું ખરેખર પ્રશાંત કિશોર એટલા સક્ષમ છે? કોઈક જરૂર કહેશે કે ભઈ અત્યારે એવું લાગે તો છે એ એ એ… આપણે ભોળાભટ્ટ (સવર્ણ અટક નહીં, મૂળ શબ્દ) દરેક વખતે બધું જ માની લઈએ છીએ અને પછી ચીફ બન્યા પછી ફલેટમાંથી આલીશાન આવાસમાં રહેવા જતા રહીએ છીએ અને પછી એક પછી એક સાથીદારો (એય બધા વેસ્ટેડ ઈન્ટરેસ્ટવાળા મહાઉસ્તાદ)ને ગુમાવી ચંદ હુકમ બજાવનારાઓ દ્વારા શરાબના અબજોના કૌભાંડમાં સાપેક્ષ સત્તા સ્વની બદનીતિ (જે પણ ઉસ્તાદીથી આચરનારા છે જ, જુઓ 20 વરસના આયારામ ગયારામને)ેથી ગુમાવીએ છીએ. અવાજ બળજબરી કે લાચારીથી મૌન બની જાય એથી મોટી ઘાત જીવનમાં કોઈ હોય તો મારું અજ્ઞાન દૂર કરશો?

પ્લેટોએ અદ્ભુત કહ્યું છે કે જે સત્તામાં આવવા ચાહે છે એ સત્તાને લાયક જ નથી તો સત્તા વરે કોને? સત્તાને પરણવા જે યોગ્ય છે એમને સત્તા ગમતી નથી. સત્તાય બિચારી શું કરે? કંઈ આજીવન કુંવારી રહેવાનું વ્રત ઓછું લઈને બેઠી છે એ? એ ય પછી ભલે ઘરડો ખખ હોય, બેડોળ હોય, બોલતા ન આવડતું હોય, જે હોય તે બસ જીવતો હોય એને પરણી જાય છે. કોઈક જઈને કહે આવા કોઈક પ્રોફેસરને કે સાહેબ! તમે 30 વર્ષ સુધી ભણાવીને કોલસાની ખાણમાંથી નર્યા હીરા બહાર કાઢ્યા છે. તમારી ઈમાનદારીનાં ચરણોમાં અમે માથું મુકીને કહીએ છીએ કે તમે અમારા એમ.પી. બનો… અને એ કાલ્પનિક પ્રોફેસર બને તો વાત બને.

આજે આટલું જ…

આ પણ વાંચો…કવર સ્ટોરી : બિહારમાં મતદાન યાદીની સુધારણા: કેન્દ્રીય ચૂંટણી પંચના વાદ-વિવાદ ને વિખવાદ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button