ઉત્સવવેપાર

રોકાણનાં વિવિધ સાધન સાથે સંકળાયેલાં લાભ-જોખમ

જયેશ ચિતલિયા

આપણે ગયા અઠવાડિયે રોકાણ જગતમાં નવા પ્રવેશી રહેલાં રોકાણકારોને પાયાની સમજણ આપી હતી. હવે જાણીએ રોકાણ જગતના વિવિધ વિકલ્પ અને એના ઉપલબ્ધ લાભ-ગેરલાભ

દરેક વર્ગ માટે ચોક્કસ પ્રકારની રોકાણ યોજના હોય છે તો ‘દરેકે એની મૂડીનું ક્યાં રોકાણ કરવું જોઈએ?’

વેલ, એના જવાબમાં વિવિધ પ્રકારના રોકાણ વિકલ્પ છે, જેમકે ફિઝિકલ એસેટસ એટલે કે રિયલ એસ્ટેટ, સોનું- જ્વેલરી, કોમોડિટીઝ વગેરે. આ ઉપરાંત ફાઈનાન્શ્યિલ એસેટસ જેમ કે બૅન્કોમાં ફિક્સ્ડ ડિપોઝિટ્સ, પોસ્ટ ઓફિસમાં સ્મોલ સેવિંગ સ્કિમ્સ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અથવા પેન્શન ફંડ, શેર્સ, બોન્ડ્સ, ડિબેન્ચર્સ, મ્યુચ્યુઅલ ફંડસ વગેરે જેવા સિક્યુરિટીઝ માર્કેટનાં ઈન્સ્ટ્રુમેન્ટ્સનો પણ સમાવેશ થાય છે.

આમાં અમુક સાધનો ટૂંકા ગાળાના હોય છે તો અમુક લાંબા ગાળાના. યાદ રહે, સમયગાળો જેટલો લાંબો તેટલું જોખમ મર્યાદિત અથવા નહીંવત અને વળતર તુલનાત્મક રીતે બહેતર. લોંગ ટર્મ રોકાણમાં પોસ્ટ ઓફિસ સેવિંગ્સ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, કંપની ફિક્સ્ડ ડિપોઝિટ્સ, બોન્ડ્સ અને ડિબેન્ચર્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ઈન્શ્યુરન્સ પોલિસી, ઈક્વિટી શેર્સનો સમાવેશ થાય છે. એના લાભ- ગેરલાભ પણ સમજવા જોઈએ.

સોનામાં રોકાણ

સૌપ્રથમ ગોલ્ડની વાત કરીએ તો ભારતમાં રોકાણના વિકલ્પોની ચર્ચા થાય ત્યારે ઘણી વાર સોનું ખરીદવાની સલાહ આપવામાં આવે છે. તમારી બચતનું રોકાણ કરવું હોય તો ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ એ સૌથી સરળ બાબત છે.
પરંપરાગત અનુભવ અને સમજણ સૂચવે છે કે લાંબા ગાળે સોનામાં સારું વળતર મળે છે.

જોકે દર વખતે એમ થાય એવું જરૂરી નથી, તાજેતરમાં સોનામાં જોવાયેલું અસાારણ વળતર કે વૃદ્ધિ એ અપવાદરુપ ઘટના કહી શકાય, અલબત્ત, સોનું સેફ હેવન તો ચોકકસ કહેવાય. સોનાને વ્યક્તિગત ઉપયોગ માટે ઘરેણાંમાં રૂપાંતરિત કરી શકાય છે. આ ઉપરાંત નાણાકીય કટોકટી કે ઇમરજન્સીમાં સોનું સહેલાઈથી લોન માટે ગીરવે મૂકી શકાય છે.

હવે આમાં જોખમની વાત સમજીએ તો સોનાની કિંમત મેક્રો ઈકોનોમિક પરિબળો પર આધારિત હોય છે. ફિઝિકલ ગોલ્ડની ખરીદી અને વેચાણ સમયે તેની ગુણવત્તાના સંદર્ભમાં ઓછી પારદર્શકતાની શક્યતા રહેલી હોય છે.
સોનાની ચોરી થવાનું મોટું જોખમ હોય છે. સોનાનો સંગ્રહ અને જાળવણી પણ ખર્ચાળ હોય છે. સોનામાં રોકાણ દરમિયાન કરલાભનો અભાવ હોય છે. વધુમાં સોનામાં રોકાણથી તેના દ્વારા નિયમિત આવક પણ પ્રાપ્ત થતી નથી.
તેથી જ એકસપર્ટ વર્ગ સોનામાં મર્યાદિત રોકાણ કરવાની સલાહ આપે છે.

રિયલ એસ્ટેટમાં રોકાણ

જીવનની ત્રણ મૂળભૂત જરૂરિયાત પૈકીની એક રિયલ એસ્ટેટમાં કરેલા રોકાણને ઓછી અસ્થિરતાનો સામનો કરવો પડે છે. પ્રોપર્ટીની બજાર કિંમત સતત વધતી હોવાથી રોકાણ માટેની આ હંમેશની પસંદ હોય છે. જોકે આમાં રોકાણ માટે નાણાં પણ ભરપૂર કે ઊંચી માત્રામાં ઉપલબ્ધ હોવા જોઈએ. રિનોવેશન અને સમારકામ દ્વારા પ્રોપર્ટીની કિંમતમાં વધારો થઈ શકે છે. પ્રોપર્ટીને ગીરવે મૂકવી સરળ હોય છે અને પ્રોપર્ટીને ભાડે આપીને નિયમિત આવક મેળવી શકાય છે.

બાકી રહેવા માટે ખરીદેલી પ્રોપર્ટી તો પાયાની જરૂરીયાતમાં આવે. જોકે પ્રોપર્ટીમાં રોકાણના જોખમને સમજીએ તો પ્રોપર્ટીને ખરીદવા માટે તમારે બચતમાંથી બહુ જ મોટી રકમનું રોકાણ કરવું પડે છે. સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જિસને પરિણામે સોદાનો ખર્ચ પણ ઘણો વધુ થાય છે. પ્રોપર્ટીની જાળવણીનો ખર્ચ પણ ઘણો વધુ હોય છે. કટોકટીના સમયે પ્રોપર્ટીનું ઝડપી વેચાણ મુશ્કેલ બની શકે છે. જોકે હવે નાની રકમ સાથે રોકાણ થઈ શકે એવાં સાધન આવી ગયા છે, પણ તેમાં હજી જાગ્રતિનો અભાવ છે.

ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ :

ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરો પૂર્વનિર્ધારિત હોય છે. નાણાંની સુરક્ષા અને સારા વળતરની ખાતરી સાથે ફિક્સ્ડ ડિપોઝિટ ચોક્કસ સમયગાળા માટે લોક કરી શકાય છે, જેમાં ચોક્કસ વળતરની ખાતરી છતાં અન્ય ટૂંકા ગાળાના રોકાણની તુલનાએ ફિક્સ્ડ ડિપોઝિટ્સનું વળતર સામાન્યપણે ઓછું હોય છે. જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ્સને પાકતાં પૂર્વે જ પાછી ઉપાડી લો તો તમારા વળતરને કયાંક નુકસાન થાય છે અથવા ફિક્સ્ડ ડિપોઝિટ્સ પર તમને ઓછું વ્યાજ મળે છે. ફિક્સ્ડ ડિપોઝિટ પરની વ્યાજની રકમ પણ કરપાત્ર હોય છે.

સ્ટોક માર્કેટ: વળતર વધુ-જોખમ વધુ…

સ્ટોક માર્કેટમાં રોકાણ પર પ્રમાણમાં વધુ વળતર પ્રાપ્ત થાય છે. નાની રકમ સાથે પણ રોકાણનો પ્રારંભ કરી શકાય છે. એક વર્ષથી વધુના રોકાણ પર લોંગ ટર્મ કેપિટલ ગેન ટેકસ ઓછો લાગે છે. જોકે તેમાં પણ જોખમની વાત કરીએ તો શેર માર્કેટમાં વધુ વોલેટિલિટી રહેતી હોવાથી ટૂંકા ગાળાનું રોકાણ ઘણું જોખમી હોય છે. યોગ્ય સ્ટોક્સની પસંદગી પણ મુશ્કેલ હોઈ શકે છે. આમાં ધીરજ, સંયમ અને યોગ્ય સમજણ વિના પ્રવેશવું ભારે જોખમી બની શકે છે.

સ્ટોક માર્કેટ એ પબ્લિક માર્કેટ છે, જેમાં શેરોનું ટ્રેડિંગ અને ઈન્વેસ્ટમેન્ટ બંને થાય છે. શૅરબજાર અથવા ઇક્વિટી માર્કેટમાં જોખમ ઊંચું રહે છે તો વળતર પણ ઊચું રહે છે, પરંતુ સ્ટોકસની પસંદગી અને તેને જાળવી રાખવાનો સમયગાળો લાંબો હોવો જોઈએ. આ વિષય ગહન છે, જેની ચર્ચા પણ લાંબી થઈ શકે. જેથી ફરી કયારેક આ વિષયની આજના અને ભાવિ સંદર્ભમાં વિગતે વાત કરીશું.

આ પણ વાંચો…સેબી આઈપીઓના લોક-ઇન નિયમોમાં કરી શકે છે મોટો ફેરફાર, નાના રોકાણકારોને થશે ફાયદો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button