ટ્રાવેલ પ્લસ: બરડા વન્યજીવ અભ્યારણ્ય: ગૂંજે છે સાવજની ગર્જના!
‘नाभिषेको न संस्कारः सिंहस्य क्रियते मृगैः| विक्रमार्जितराज्यस्य स्वयमेव मृगेंद्रता ॥’

- કૌશિક ઘેલાણી
વેદ – ઉપનિષદથી લઈને સાહિત્ય સુધી ભીમ બેટકાની ગુફાઓથી લઈને આધુનિક ચિત્ર શૈલીઓ સુધી ઐતિહાસિક સ્થાપત્ય શિલ્પોથી લઈને સિંહ દ્વાર સુધી સારનાથનાં અશોક સ્તંભથી લઈને દેશનાં રાષ્ટ્રીય પ્રતીક સુધી ભગવદ્દ ગીતાથી લઈને ગુજરાતી સાહિત્ય અને લોકવાર્તાઓ સુધી ફેલાયેલ સિંહ આજે દરેક જનોમાં સંસ્કાર બનીને વહે છે
ઇતિહાસ, પ્રકૃતિ અને માનવતાનો અનોખો સંગમ એટલે સિંહ અને એના સંવર્ધન તરફ ભરાયેલ દરેક પગલું સિંહ એ માત્ર જાનવર નહીં આપણા જીવનમાં વણાયેલો એક સભ્ય છે, સિંહ એ આપણી સંસ્કૃતિ છે.
નીડર, સર્વશક્તિમાન અને સમસ્ત જંગલ પર રાજ કરનાર ગીરનાં મહારાજ કેસરીની સૌમ્યતા અને શાલીનતા એને કોઈ રાજ્યાભિષેક વિના જ રાજા બનાવે છે. ઝાડ પાન, પશુ પંખી સમેત આખાય ગીરની રૈયત સાવજની અમાન્યા જાળવે છે. હાવજનો રુઆબ જ એવો કે એને જોઈને ભલભલા વીરતાની કે શૌર્યની કવિતાઓ લખતા થઇ જાય એને હૂંકતો સાંભળીને ભલભલાનાં કાન સરવા થઇ જાય. સિંહણ પણ જંગલની સામ્રાજ્ઞી છે. રાજાની જેમ જ સિંહ બાળને ઉછેરે છે, એટલે જ તો સિંહ બાળની કરતબોમાં પણ એ જ શૌર્યની ઝલક જોઈ શકાય છે. જિજ્ઞાસુ સિંહબાળ જન્મથી જ સિંહનાં સામાજિક જીવનને જોઈને રાજાનાં ગુણો કેળવે છે. આ રાજાનાં ગુણોને પ્રજા પોતાનાં જીવનમાં વણી લે છે એટલે જ રોજબરોજની બોલીમાં બહાદુરી દર્શાવવા માટે માટે સિંહની છાતી, ગૌરવ દર્શાવવા માટે હકથી હાવજનાં છોરું તો વળી સર્વ શ્રેષ્ઠ આસનને સિંહાસન તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે 6.5 થી 9 ફીટનાં ખડતલ બાંધામાં જોવા મળતો સિંહ 160 થી 190 કિલોનું વજન ધરાવે છે અને સિંહણ 4.5 થી 5.7 ફૂટના બાંધા સાથે 110 થી 120 કિલોનાં વજન સાથે આકર્ષક દેખાવ ધરાવે છે.
ગુજરાત જ નહિં સમગ્ર દેશનું ગૌરવ સિંહ ગીરના રાજા તરીકે જાણીતો છે પણ હવે એનું સામ્રાજ્ય ગુજરાતનાં 11 જિલ્લાઓનાં સીમાડા વટાવી ચૂકયું છે. હાવજની ડણક માધવપુરના દરિયાના ઘૂઘવાટને ઝાંખો પાડીને પોરબંદરના બરડા વન્યજીવ અભ્યારણ્યમાં ગૂંજતી થઇ છે. 144 વર્ષ પહેલા બરડા અભ્યારણ્યમાં છેલ્લો સિંહ જોવા મળ્યો હતો, એ પછી સિંહોનાં પગલાં અહીંની માટીમાંથી હંમેશાં માટે ભૂંસાઈ ગયા. કુદરત પોતાનાં મૂળને ક્યારેય નથી ભૂલતી. ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થતિમાં સંઘર્ષ કરીને પણ પોતાનું અસ્તિત્વ ટકાવી જ રાખે છે. પ્રતિકૂળ સંજોગો અને રાજાશાહી વખતે શિકાર પ્રવૃત્તિથી અહીં સાવજનું અસ્તિત્વ જોખમાયું અને અહીંથી સાવજ લુપ્ત થઇ ગયા. 144 વર્ષનાં લાંબા અંતરાલ પછી 2023માં આખરે સાવજની ડણક અહીંયા ફરી ગુંજી અને બરડાને, પોતાનાં જ ઘરને સાવજે ફરી અપનાવ્યું અને આખરે બરડાને મૃગેન્દ્ર રાજા મળ્યો. આજે અહીંની માટીમાં હાવજનાં હગડ એટલે કે પગેરું જોઈને સહુ કોઈ હરખાય છે. આજે ગુજરાત વનવિભાગે સાવજનાં સંરક્ષણના પ્રયત્નોમાં અથાગ મહેનત કરી, સાવજની ડણક સદીઓ પહેલાની જેમાં જ અહીં હંમેશાં ગુંજતી રહે અને આવનારા વર્ષોમાં ગીર સિવાય સિંહનું બીજું એક ઘર કુદરતી માહોલમાં સર્જાય એ દિશામાં પ્રયત્નો આદર્યા. અહીં પાંચ જેટલી માદા સિંહણને ગીરમાંથી સ્થળાંતર કરવામાં આવી. સિંહ પ્રાઈડમાં રહેનાર જાનવર છે એટલે અહીં આવેલા નર સિંહે સરળતાથી આ માદાઓ સાથે પોતાનો પરિવાર બનાવ્યો. પરિણામ સ્વરૂપે આજે બરડાનાં કોતરાળ પહાડોમાં પાંચ મન મોહિની એવી માદા સિંહણ, એક નર, આશરે 8 જેટલાં નાનાં બચ્ચાંઓ અને 4 પાઠડાઓ સહિત 17 સિંહોનો વિશાળ સિંહ પરિવાર અહીંના જંગલને જીવંત બનાવે છે.
2025ની સિંહ વસતી ગણતરી મુજબ ગુજરાતમાં હાલમાં 891 એશિયાઈ સિંહો મુક્તપણે વિહરી રહ્યા છે, જે 2020ના 674ની સંખ્યા કરતાં 32% જેટલો વધારો ધરાવે છે. આ વધારામાં બરડા વન્યજીવ અભ્યારણ્યનો પણ નાનકડો એવો છતાં ખૂબ જ મહત્ત્વનો ફાળો છે. બરડાના પર્વતોની વચ્ચે 144 વર્ષ પછી આજે ફરીથી જંગલ એ જીવંત પડકાર સ્વીકાર્યો છે. સદીઓથી ધરબાયેલા ઇતિહાસની ગાથા ગાતું આ જંગલ ફરી આશાની કિરણ લઈને આવ્યું, અને આજે સજ્જછે મૃગેન્દ્રને પોંખવા માટે. અહીં હવે માત્ર સિંહ જ નહીં, પરંતુ એક નવી જ ઇકોસિસ્ટમની શરૂઆત થઈ છે જ્યાં દરેક વૃક્ષ, પંખી સમેત દરેક જીવ જીવનનાં રાગ સરગમ ભરી રહ્યા છે. બરડા અભ્યારણ્યમાં આશરે 650 થી 700 જેટલી વિવિધ પ્રજાતિનાં છોડ અને વનસ્પતિઓ, 269 પ્રજાતિનાં વિવિધ પંખીઓ અને કેટલાંયે સસ્તન પ્રાણીઓ, સરીસૃપ પ્રજાતિઓ અહીંના સિંહ પરિવારને એક આખા નૈર્સગિક પરિવારનો માહોલ આપીને આવકારી રહ્યા છે. સંરક્ષણ અને સંવર્ધનનાં ભાગ રૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં વિઝન 2047 ને અનુલક્ષીને વન વિભાગ અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. 192 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા બરડા વન્યજીવ અભ્યારણ્યમાં સિંહોનાં પ્રાકૃતિક નિવાસ સ્થાન જેવી જ સંપદા વિકસાવવાની દિશામાં પ્રયત્નો આદર્યા છે. સિંહ સમેત બરડાની રૈયતને પાણી અને ખોરાક મળી રહે એ માટેનાં વિકલ્પો ઊભા કરવામાં આવ્યા છે. કુદરતી આહારકડી જળવાઈ રહે એ હેતુથી અહીં ચિત્તલ અને સાંભરનું બ્રીડિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહીં સાંભર અને ચિત્તલની વસતીમાં વધારો થાય અને આ જંગલ ફરી સદીઓ પહેલાંના પોતાનાં એ જ અસ્તિત્વ અને હરિયાળીને ફરીથી મેળવી શકે એવા પ્રયત્નો કરવામાં આવે છે. સાંભર અને ચિત્તલને પૂરતો ખોરાક મળી રહે એ માટે અહીં પરંપરાગત પ્રજાતિનાં વિશાળ ઘાસનાં મેદાનો વિકસાવવામાં આવી રહ્યા છે અને ઘાસનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ભૂતકાળમાં પ્રકૃતિ પ્રત્યેનાં ઉદાસીન વલણને આજે સંરક્ષણની દિશામાં લઇ જઈને કુદરતને ફરીથી ખીલવા તરફનાં અભિગમને અપનાવવામાં આવ્યો છે. માવતરની માફક વન વિભાગનાં ટ્રેકર્સ અને કર્મચારીઓ સિંહ સંવર્ધનનાં સાક્ષી બનીને સિંહનાં નવા ઘરની સુવર્ણગાથાનો નવો અધ્યાય લખી રહ્યા છે.
સિંહ સંરક્ષણનાં ભાગ રૂપે દર વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં સિંહ પ્રત્યે જાગૃતિ અને સંવેદનાનો સંચાર થાય એવા પ્રયત્નો કરવામાં આવે છે. આ પ્રકારની ઉજવણી બાળકોમાં સિંહ અને પ્રકૃતિ પ્રત્યે શ્રદ્ધા અને સંવેદના જગાવે છે. સિંહનાં ખૂબ જ મહત્ત્વના ઘર એવા બરડા અભ્યારણ્યમાં આ વર્ષે 10 ઑગષ્ટ વિશ્વ સિંહ દિવસ 2025ની ઉજવણી થનાર છે. સિંહનાં સંરક્ષણમાં સ્થાનિકો અને વન વિભાગને બિરદાવવા, સિંહ પરિવારની મુલાકાત લેવા ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બરડા વન્યજીવ અભ્યારણ્યનું મુલાકાત લઈને સિંહની મહેમાનગતિ માણશે. ગુજરાતનાં ગૌરવ સમા બરડાનાં જંગલમાં આ પ્રભાવક જીવની ગર્જનાને સદીઓ સુધી ડણકતી રાખવા માટે આવો સિંહ સંરક્ષણનો સંકલ્પ લઇ આપણે સહુ સિંહોના સંવર્ધનની સુવર્ણસફરના ભાગીદાર બનીએ અને વનરાજને એના જ ઘરમાં ફરી ગર્જના કરતા સાંભળીએ.
સૂર્ય ફરી ઊગે છે આશાની નવી જ્યોત લઈને
અને એની સાથે બરડો પણ ગર્વથી ગૂંજે છે
આપણા સહુનાં પ્રયત્નો થકી જ
સિંહની ગર્જના આખી દુનિયાને સંદેશ આપશે
કે જ્યાં સંરક્ષણ છે, ત્યાં જીવન છે.
અને જ્યાં જીવન છે, ત્યાં આશા છે.
આપણ વાંચો: સર્જકના સથવારે: ગઝલમાં કલંદરના નારા જગાવનાર મનુભાઈ ત્રિવેદી