વલો કચ્છ” કચ્છ પ્રવાસની પૂર્વભૂમિકા: ગાંધીજીનું મુંબઈમાં ભાષણ…

- ડૉ. પૂર્વી ગોસ્વામી
ગાંધીવાદી શ્રી રમેશભાઈ સંઘવી દ્વારા સંપાદિત ‘કચ્છમાં ગાંધીજી’ પુસ્તકમાં તેઓ પ્રાસ્તાવિક શબ્દો કંઈક આ રીતે રજૂ કરે છે, ‘ગાંધીજી જાણે ચારેય વર્ણના સમન્વિત પ્રતિનિધિ હતા. તેમની કચ્છ યાત્રામાં તેમને આ ચારે ભૂમિકા ભજવવાની આવી. તેમણે કચ્છની સમૃદ્ધિની વાત કરી, શરીર-શરિરી અને આત્મસત્તાની વાત કરી, તેમણે નિર્ભયતાનો બોધ આપ્યો અને અંત્યજો પોતાના ભાઈસમા છે અને કોઈનું પાયખાનું ઉપાડવામાં કે ગંદકી સાફ કરવામાં મને સંકોચ નથી તેમ કહ્યું. આમ ચારે વર્ણ કચ્છયાત્રામાં પ્રગટ્યા.
કચ્છના કેટલાક ભાઈઓ, ગાંધીજીને કચ્છ આવવાનું લાંબા સમયથી નિમંત્રણ આપતા રહેલા. અને ગાંધીજી બિહારની થકાવનારી સવા-દોઢ મહિનાની દીર્ઘયાત્રા-પુરુલિયા, ચાઈબાસા, રાંચી, ગયા, પટણા, ભાગલપુર, બંકા, ગીરીદહ, આરા, પુર્ણિયા, કટીહાર વગેરે પૂરી કરીને લખનઉ-સીતાપુર થઈને મુંબઈ પહોંચ્યા અને બીજે જ દિવસે ‘રૂપાવતી’ આગબોટમાં કચ્છ આવવા નીકળ્યા. તા. 22 ઓક્ટોબર, 1925થી પૂરા 15 દિવસ, 4થી નવેમ્બર સુધી. આ વાતને સો વર્ષ થયાં એટલે થયું મહાત્મા ગાંધીજીની કચ્છ યાત્રાની આ શતાબ્દી વેળા આ મહામાનવનું સ્મરણ કરીએ. આ નિમિત્તે થનારા વિવિધ કાર્યક્રમો દ્વારા મુખ્યત્વે બાળકો અને યુવાનો પાસે પહોંચીએ અને તેમની સાથે સંવાદ કરીએ. જેમાં આજના સંદર્ભમાં ગાંધી અને ગાંધીકાર્યો અને સાથે આપણા નાગરિક જીવનનો વિમર્શ કરીએ. આ અનુષંગે પદયાત્રા, સાયકલયાત્રા, પ્રદર્શન, બાળમેળા, યુવાગોષ્ઠિ, નાટક અને એવા વિવિધ કાર્યક્રમો વિચાર્યા અને ક્રમશ: શરૂ પણ કર્યા. આ પુસ્તક પણ આ યાત્રા અને તેની અસરોની વાત પહોંચાડવા માટે સંપાદિત કરવાનો વિચાર આવ્યો.’
જ્યારે ગાંધી મુંબઈથી કચ્છ આવવા નીકળવાના હતા એ દિવસે (ઓક્ટોબર 21, 1925) તેમણે મુંબઈમાં ભાષણ આપેલું. ગાંધીજી સ્ટીમરમાં કચ્છ જઈ રહ્યા હતા. કર્ણાંક બંદરના ધક્કા ઉપર જે મોટો સમૂહ તેમને વળાવવા આવ્યો હતો તેની સમક્ષ તેમણે આ ભાષણ આપ્યું હતું. તેનું અક્ષરશ: વર્ણન નીચે રજૂ કર્યા છે જે તેમની કચ્છ પ્રત્યેની તાલાવેલી, આશા અને ધ્યેયનિષ્ઠાને રજૂ કરે છે.
મહાત્માજીએ કહ્યું કે ‘તમારા પ્રાંતની મુલાકાત લેવા મને આમંત્રણ આપ્યું તે બદલ હું મુંબઈમાં વસતા કચ્છીઓ તથા કચ્છના લોકોનો આભાર માનું છું. હું કચ્છ શા માટે જઈ રહ્યો છું તેની મને ખબર નથી. કદાચ કચ્છી ભાઈઓનો પ્રેમ મને ત્યાં જવા ખેંચી રહ્યો હોય. મારે હૈયે સૌથી વધારે વહાલી કઈ બાબતો છે તે તમે સહુ જાણો છો, કશું કહેવા માગતો નથી. હું મૃત્યુની નજીક જઈ રહ્યો હોવા છતાં મારા આદર્શો અને મહત્ત્વાકાંક્ષાઓને કોઈ મર્યાદા નથી. હકીકતે તો હું જેમ જેમ મૃત્યુ તરફ જઈ રહ્યો છું તેમ તેમ મારી મહત્ત્વાકાંક્ષા વધુ વિશાળ અને ઉચ્ચ થતી જાય છે. તમને મારી વિનંતી છે કે તમે સૌ મારા પર આશીર્વાદ વરસાવો અને પ્રભુને એવી પ્રાર્થના કરો કે તેમને હું મારા આદર્શને અને કામને વળગી રહું એટલી શક્તિ અને હિંમત આપે. જતાં જતાં હું તમને યાદ આપવા માગું છું કે મારા દરેક કાર્યમાં હું સત્ય અને ધર્મ પ્રત્યેના પ્રેમથી દોરવાઉં છે. તમે મારા પ્રત્યે જે આતિથ્યભાવ દાખવી રહ્યા છો તે માટે તમારે પાછળથી પસ્તાવું પડે એવું કચ્છમાં હું કશું નહીં કરું એની હું તમને ખાતરી આપું છું.’
મહાત્માજીએ ઉમેર્યું કે ‘મારે તુરતમાં જ આરામની જરૂર છે. અને કચ્છમાં એ મને મળશે એવી હું આશા રાખું છું. ચિંતાના બોજ તળે હું ભીંસાઈ રહ્યો છે. કચ્છના લોકોની ફરિયાદો અને તાત્કાલિક જરૂરિયાતો દર્શાવતા ઘણા પત્રો મને મળ્યા છે. એ વિષે હું કશું કહેવા માગતો નથી. માત્ર એટલું જ જણાવીશ કે જો એનો ઉપાય કરવામાં મને સફળતા ન મળે તો એને મારી બેદરકારીની નહીં પણ નબળાઈની નિશાની ગણી લેજો.’
શેઠ કાનજી જાદવજીએ મહાત્માજીના પ્રવાસ માટે બોમ્બે સ્ટીમ નેવિગેશન કંપનીની સ્ટીમર એસ. એસ. રૂપાવતી ખાસ ભાડે રાખી હતી. ભાષણને અંતે મહાત્માજીને તેમની કેબિનમાં લઈ જવામાં આવ્યા. એમની મંડળીમાં સર્વશ્રી મહાદેવ દેસાઇ, વલ્લભભાઈ પટેલ, મણિલાલ કોઠારી અને જીવરાજ નેણસી હતા. મૂળ અંગ્રેજી, બોમ્બે ક્રોનિકલ તા. 22-10-1925, અક્ષરદેહ-28, પૃષ્ઠ – 314, 315
ગાંધીજીની સો વર્ષ પૂર્વેની પ્રથમ અને અંતિમ કચ્છ યાત્રા અનોખી હતી. તા. 22 ઓક્ટોબર સવારે દસેક વાગ્યે ગાંધીજી તેમના સાથીઓ મહાદેવભાઈ, સરદાર વલ્લભભાઈ, મણિભાઈ કોઠારી, આશર પરિવાર વગેરે સાથે માંડવી બંદરે ઊતર્યા. મહાદેવભાઇ એ પ્રસંગ વર્ણવતા લખે છે કે અમારો સંઘ ભૂંડાભૂખ દેખાતા માંડવી બંદર વચ્ચે, રસ્તામાં દ્વારકાધીશનાં દર્શન કરી અને દ્વારકા નગરીના નાગરિકોના અભિનંદન લઈ, 22મી સવારે ઉતર્યો. આગબોટમાંથી દરબારી લોન્ચમાં, લોન્ચમાંથી મછવામાં અને મછવામાંથી બળદગાડામાં અમે કિનારે આવ્યા. ત્યારે માંડવીની બહેનોએ ગરબા ગઈને ગાંધીજીનું સ્વાગત કર્યું. શબ્દો હતા: ભલે આવ્યા સાધુડા!
આપણ વાંચો: આજે આટલું જ: આ આખું નાટક શા માટે?